ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ
આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને સમજી લેતાં શિખવાડેલું હતું. એટલે પૈસા કમાવામાં વિદ્યાનું સાધન કામમાં આવશે એમ ગણીને જે લોકો નિશાળમાં અભ્યાસ કરવા અને પાઠશાળાની પદવી મેળવવા મહેનત કરે છે એ સમજતાં એને જરાયે વાર ના લાગી. અને વળી, આ પ્રમાણે સંપત્તિના ઉપાર્જનમાં અને એના વડે સાંસારિક ભોગસુખો પ્રાપ્ત કરવામાં પોતાની તમામ શક્તિ રેડી દેનારા લોકો પોતાના પિતાની માફક સત્યનિષ્ઠા, ચારિત્ર્યબળ અને ધર્મભાવનાની પ્રાપ્તિ નથી કરી શકતા, એમ પણ એનાં જોવામાં દિવસે દિવસે આવતું ગયું. ગામના કોઈ કોઈ કુટુંબના માણસો સ્વાર્થમાં આંધળાભીંત બનીને માલમિલકત માટે અંદર અંદર ઝઘડા કરીને કોરટ કચેરીએ ચઢે, ઘરખેતરમાં માપદોરી નાખીને ‘આ બાજુ અમારી ને પેલી બાજુ એમની’ એવાં ફેંસલા આણે અને એ મિલકત થોડા દિવસ ભોગવે – ના ભોગવે ત્યાં તો જમરાજાને ઘેર સિધાવી જાય. – એવાં બધા દાખલા પણ ક્યારેક ક્યારેક જોઈને બાળકના મનમાં બરાબર ઠસી ગયેલું કે ધનસંપત્તિ અને ભોગસુખની લાલસા મનુષ્યના જીવનમાં અનેક અનર્થાેનું મૂળ છે. એને પરિણામે પછી એવી પૈસો પેદા કરનારી વિદ્યા મેળવવા તરફથી એનું મન દિવસે દિવસે ઊઠતું જાય અને પિતાની જેમ ‘જાડા ભાત-કપડાં’થી સંતોષ પામીને ઈશ્વરના પ્રીતિલાભને જ મનુષ્ય જીવનનો સારરૂપ ઉદૃેશ્ય ગણવા માંડે, એમાં કાંઈ નવાઈ નથી. તેથી ભાઈબંધો તરફના પ્રેમને લીધે ગદાધર નિશાળે લગભગ રોજ કોઈકને કોઈક સમયે જતો ખરો, પણ હવે પછી તેનો મોટાભાગનો દિવસ શ્રીરઘુવીરની સેવાપૂજામાં અને ઘરકામમાં ટેકો કરીને માતાની મહેનત ઓછી કરાવવામાં વીતતો હતો. એ બધા કામમાં ગુંથાયેલા રહેતા હવે તેને લગભગ દિવસના ત્રીજા પહોર લગી ઘરમાં જ રહેવાનું થતું.
પડોશની સ્ત્રીઓની પાસે ગદાધરનાં પઠન, સંકીર્તન
આ રીતે ગદાધર ઘરમાં લાંબો વખત વિતાવવા માંડ્યો તેથી પડોશની સ્ત્રીઓને તેની સાથે હળવા- મળવાની સારી સગવડ થઈ ગઈ. ઘરનું કામકાજ આટોપીને એમાંની ઘણી નવરાશની વેળાએ ચંદ્રાદેવી પાસે આવતી અને બાળકને ત્યાં જોવામાં આવતાં ક્યારેક એને ગીતો ગાવા કે ક્યારેક પૌરાણિક આખ્યાનો વાંચી સંભળાવવા આગ્રહ કરતી. બાળક પણ એમની એવી ઇચ્છાને પોતાથી થાય તેટલી પૂરી કરવા પ્રયત્ન કરતો. ચંદ્રાદેવીને ઘરકામમાં મદદ કરવાને કારણે તેની પાસે વખત રહેતો નથી એમ જોતાં વળી એ બધી ભેગી મળીને ચંદ્રાદેવીનું બધું કામ પતાવી દઈને એને મુખે પુરાણકથા અને સંગીત સાંભળવાની મોકળાશ કરી લેતી. એ પ્રમાણે એમની પાસે થોડીવાર કથાવાર્તા કરવી કે ગાવું તે ગદાધરની રોજિંદી દિનચર્યાનું એક અંગ બની ગયું. સ્ત્રીઓને પણ એનાથી એટલો આનંદ થતો કે થોડી વધારે વાર સાંભળવાની આશાએ તેઓ જલદી જલદી પોતાના ઘરનાં બધાં કામ પતાવતી ને ચંદ્રાદેવીને ત્યાં પહોંચી જતી.
પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ અને શ્રદ્ધા
અને ગદાધર પણ આ બધાંની સામે ખાલી કથાવાર્તા જ નહોતો કરતો પણ બીજી અનેક રીતે એમને આનંદ પહોંચાડતો. એ વખતે ગામમાં જાત્રા (ભવાઈ) ગાનારી ત્રણ મંડળીઓ હતી, એક બાઉલની અને બીજી બે મંડળી કવિઓની. તે સિવાય અહીં વૈષ્ણવોની ઘણી વસ્તી હોવાથી ઘણાં ઘરોમાં પણ રોજ સંધ્યાકાળે ભાગવતપાઠ અને સંકીર્તન થતાં. બચપણથી સાંભળતા આવીને અને પોતાની કુદરતી પ્રતિભાને લીધે, આ બધી મંડળીઓનાં તમામ કવિત, ગીતો ને ભજનો ગદાધરને મોઢે હતાં. એટલે રમણીઓના આનંદવર્ધન માટે એ કોઈક દિવસ જાત્રાના બોલ, તો કોઈક દિવસ બાઉલનાં ગીતો, કોઈક દિવસ કવિતો તો કોઈક દિવસ વળી સંકીર્તન આરંભ કરતો. જાત્રાના સંવાદો બોલતી ઘડીએ જુદાં જુદાં પાત્રોની ભૂમિકા જુદા જુદા સ્વર કાઢીને બોલી પોતે એકલો જ બધાયે વેશ ભજવી બતાવતો. વળી પોતાની માને કે રમણીઓમાંની કોઈને પણ કોઈક દિવસે ઉદાસ જોતો તો એ જાત્રાનાં ફારસની કે પછી સૌને પરિચિત ગામની એકાદ વ્યક્તિના વિચિત્ર વર્તન કે હાવભાવની એવી તો આબેહૂબ નકલ કરતો કે સહુમાં હાસ્ય ગમ્મતની છોળો ઊડતી. આ પ્રમાણે મહોલ્લાની સ્ત્રીઓનાં હૃદય પર ગદાધર અદ્ભુત પ્રભાવ જમાવી બેઠેલો. બાળકના જન્મના સમય દરમ્યાન એનાં માતાપિતાને અદ્ભુત સ્વપ્નો અને દિવ્યદર્શનો પ્રાપ્ત થયેલાં, એ બધી વાતો તો એમણે પહેલેથી સાંભળેલી જ, તે ઉપરાંત દેવદેવીના ભાવાવેશે એની વારંવાર જે અપૂર્વ સ્થિતિ થઈ આવતી તે તો તેમણે પોતે નજરે દીઠેલી. એટલે એની ઝળહળતી દેવભક્તિ, પુરાણકથા કરતી વખતની તન્મયતા, મધુર કંઠનું સંગીત અને તેમની સાથેનો આત્મીય સરખો સરળ ઉદાર વ્યવહાર, એ બધાંને લીધે આ રમણીઓનાં કોમળ હૃદયમાં આવી અપૂર્વ ભક્તિ ને પ્રીતિ ઉપજે એમાં શી નવાઈ? અમે સાંભળ્યું છે તેમ ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી અને બીજી મોટી ઉંમરની મહિલાઓ બાળકની અંદર બાળગોપાળનો દિવ્ય પ્રકાશ અનુભવીને તેના ઉપર પુત્રથીયે અધિક પ્રેમ રાખતી અને એમનાથી નાની વયની રમણીઓએ તેને શ્રીકૃષ્ણના અંશભૂત ગણીને તેવી શ્રદ્ધા રાખીને એની સાથે સખ્ય ભાવે સંબંધ બાંધેલો. આમાંની મોટાભાગની સ્ત્રીઓનો જન્મ વૈષ્ણવકુળમાં થયેલો હતો અને સરળ કાવ્યમય વિશ્વાસ જ એમના ધર્મજીવનનું પ્રધાન અંગ હતું. એટલે અશેષગુણસંપન્ન પ્રિયદર્શન બાળકને દેવતા તરીકે ગણે તેમાં એમને માટે કાંઈ વિચિત્ર વાત નહોતી. આવી જાતના વિશ્વાસથી એ બધી ગદાધરની સાથે હળતી મળતી, નિઃસંકોચ તેને પોતાના મનની વાતો ખુલ્લા દિલે કહી દેતી અને કેટલીયે બાબતોમાં તેની સલાહ લઈને તે મુજબ કામ કરવાની કોશિશ કરતી. ગદાધર પણ એમની સાથે એવો તો ભળી જતો કે ઘણીવાર એ લોકોને લાગતું કે એ પણ એમનામાંની એક રમણી જ છે.
Your Content Goes Here





