કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી યાત્રાના પ્રત્યેક સ્તરે નવા નવા આવિષ્કારો થતા રહ્યા છે. નજીકના સૈકાઓની વાત કરીએ તો ઓગણીસમી સદી ઔદ્યોગીકરણની સદી હતી. વીસમી સદી વિજ્ઞાન ટૅકનૉલૉજીની સદી છે. તો પ્રશ્ન થાય છે કે એકવીસમી સદી કોની હશે? આનો ઉત્તર ‘મગાટ્રેન્ડ ટુ થાઉઝન્ડ’ નામના પુસ્તકમાંથી મળી રહે છે. તેમાં લખ્યું છે, ‘એકવીસમી સદીની સહુથી વધારે આહ્લાદક શોધો ટૅકનૉલૉજીના કારણે નહીં, પણ માનવી હોવું એટલે શું, તે અંગેના વિકસતા જતા ખ્યાલોને આધારે હશે. ઔદ્યોગીકરણ, એકપક્ષીય શાસનપદ્ધતિ, ઠોકી બેસાડેલી ટેકનોલોજીની પ્રબળ અસરવાળી વીસમી સદીના યુગમાંથી આપણે બહાર નીકળી રહ્યાં છીએ. બે હજારની સાલ પ્રત્યે પ્રયાણ કરતાં આપણે કળા અને આધ્યાત્મિકતાના પુનરુત્થાનમાં પ્રવેશી રહ્યાં છીએ. આધ્યાત્મિક પુનરુત્થાન એકવીસમી સદીને સુવર્ણયુગમાં લઈ જશે.’
વીસમી સદીમાં થયેલા વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિકાસે આપણને અકલ્પ્ય સિદ્ધિઓ આપી છે. ઘરના ખૂણામાં બેઠાં બેઠાં આપણે આજે સમગ્ર વિશ્વના સંપર્કમાં રહી શકીએ છીએ. ભૌતિક સુખ સગવડનાં અપાર સાધનો મનુષ્યને મળ્યાં છે, છતાં પણ તેનાં દુ:ખો, ભૂખો, આવેગો-લાલસાઓ, જે પશુમાનવમાં હતાં તે ઓછાં થયાં નથી, વિજ્ઞાન પશુતાને સભ્યતાના વાઘા પહેરાવે છે. પણ એથી પશુત્વ નિર્મૂળ થતું નથી. એકમાત્ર આધ્યાત્મિકતા જ પશુત્વને નિર્મૂળ કરવાની શક્તિ ધરાવે છે. આધ્યાત્મિકતા પશુત્વને મનુષ્યત્વમાં જ નહીં પરંતુ દેવત્વમાં પલટાવવાની શક્તિ ધરાવે છે. માત્ર ભારત જ એ આધ્યાત્મિકતા વિશ્વને આપી શકે તેમ છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે; ‘સમગ્ર માનવજાતને આધ્યાત્મિક કક્ષા ઉપર પહોંચાડવી એ ભારતનું જીવનકાર્ય છે. તેના શાશ્વત સંગીતનું હાર્દ છે. તેના જીવનનો પાયો છે. તેના અસ્તિત્વની એ કરોડરજ્જુ છે. ભલે તાર્તારો, તૂર્કો, મોગલો અને અંગ્રેજો એના ઉપર રાજ ચલાવી ગયા છતાં ભારત એના જીવનક્રમમાંથી ચલિત થયું નથી.’
ભારતના આ જીવનકાર્યમાં ભારતભરની નારીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આવનાર શતાબ્દી એ નારીનેતૃત્વની શતાબ્દી હશે. પરંતુ એ નેતૃત્વ માટે નારીઓએ પોતાની જાતને તૈયાર કરવી પડશે. ફક્ત બુદ્ધિમત્તા, દેખીતી સુંદર લાગતી બાહ્ય રીતભાતો, અને પશ્ચિમી સભ્યતાના આંધળા અનુકરણથી નહીં ચાલે. પણ સાથેસાથે નારીએ પોતાના અંતર્નિહિત ગુણોને રોજિંદા જીવનમાં અભિવ્યક્ત કરવા પડશે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે એક સૈકા પહેલાં પશ્ચિમની સ્ત્રીઓને આપેલાં વ્યાખ્યાનમાં કહેલા શબ્દો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તેઓ કહે છે; ‘તમારી બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે તે મને બહુ જ ગમે. પણ જો તે પવિત્રતાને ભોગે આવતી હોય તો નહીં. તમારા જ્ઞાનને માટે મને માન છે, પણ જે ખરાબ છે, તેને ફૂલોના ઢગલાની નીચે ઢાંકીને તમે ઉપરથી સારું કહો છો તે રીત મને પસંદ નથી. બુદ્ધિમત્તા એ સર્વોચ્ચ માંગલ્ય નથી. અમે જે વસ્તુ માટે પ્રયાસ કરીએ છીએ તે છે ચારિત્ર્ય, નીતિમત્તા અને આધ્યાત્મિકતા. અમારી સ્ત્રીઓ એટલી બધી ભણેલી નથી, પણ તે વધારે પવિત્ર છે. અને પવિત્રતા એ મોટું બળ છે.’ નારીના આ પાવિત્ર્ય, ચારિત્ર્ય, ને આધ્યાત્મિકતાના ગુણો જ આવનારી સદીમાં ભૌતિકવાદના ભયાનક આક્રમણની સામે ઢાલ બનીને નવી પેઢીનું રક્ષણ કરી શકશે.
આજે ભારતની નારીએ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. રાજકારણ, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, મૅનૅજમૅન્ટ, અવકાશ સંશોધન, ઍવરેસ્ટ ચઢાણ, આવાં મુશ્કેલ ક્ષેત્રોમાં પણ ભારતની નારીઓએ અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. પણ આવી નારીઓનું પ્રમાણ કેટલું? ભારતની કુલ નારીઓના એક ટકા જેટલું પણ નથી. મોટા ભાગની નારીઓ – દેશની ૬૦ ટકા નારીઓ – અભણ છે. અને જેઓ શિક્ષિત છે, તેઓ ભૌતિક સુખસગવડની આંધળી દોટમાં પોતાનાં અંતર્નિહિત સંસ્કારો ને કર્તવ્યોને ભૂલી જાય છે. તેનું પરિણામ-મોડેલ અને અભિનેત્રીઓની દેખીતી ઝાકઝમાળવાળી દુનિયામાં પ્રવેશવાનું આકર્ષણ, બાહ્ય ટાપટીપ અને સુંદર દેખાવાની ઘેલછા, શીલ અને પવિત્રતા જેવાં મૂલ્યોનો હ્રાસ અને તેને સ્થાને કોઈપણ ભોગે ‘કેરીયર’ બનાવવાની લાલસા, કહેવાતી આધુનિકતાના અંચળા હેઠળ ભોગ અને દુર્વૃત્તિઓને અપાતો છૂટો દોર-આ બધામાં આવે છે. સ્ત્રીનું ચારિત્ર્ય, પાવિત્ર્ય અને માતૃત્વ ખંડિત થતાં સંસ્કૃતિ વિનાશની ગર્તામાં ધકેલાય છે. વર્તમાન સમયમાં પણ ઘણાં ઉદાહરણો જોવા મળે છે કે એક ચૌદ વર્ષના બાળકે-એની માતાએ પૈસા ન આપતાં તેનું ખૂન કરી નાખ્યું. અમેરિકામાં નવ અને તેર વર્ષના બાળકોએ તેના સહાધ્યાયીઓ ઉપર બંદૂક ચલાવી તેમના ખૂન કરી નાંખ્યાં. આમાં વાંક બાળકોનો નથી. પણ બાળકોના ઉછેરનો છે. તેમનાં માતા-પિતાનો છે. આવનારી સદીને વિઘ્નમાંથી બચાવવી હોય, મિડિયાના પ્રચંડ આક્રમણમાંથી નવી પેઢીને જો સુરક્ષિત રાખવી હોય તો નારીઓએ જાગૃત બનવું જ પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આવનારી સદીમાં કૉમ્પ્યુટર ટૅકનૉલૉજીના જ્ઞાનની સાથે સાથે નારીઓએ પોતાની ભીતરમાં રહેલા મૂળભૂત સંસ્કારો – પ્રેમ, સ્વાર્પણ, ત્યાગ, સહનશીલતા, ક્ષમા, ઉદારતા – આ બધાંને પ્રગટ કરી કુટુંબજીવન અને સમાજ જીવનને ઉન્નત કરવું પડશે. એ માટે આધુનિક નારીને માટેનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે છે શ્રીમા શારદાદેવી. કોઈ પણ સામાન્ય નારીના જીવનના આ ત્રણ રૂપો હોય છે. પુત્રી, પત્ની અને માતા. પણ આધુનિક નારીએ કાર્યકર, સંચાલક, સર્જક પણ બનવું પડશે. શ્રીમા શારદાદેવી એ આધુનિક નારી માટે એવો પરિપૂર્ણ આદર્શ છે કે જેમાં નારીનાં આ બધાં સ્વરૂપો ઉપરાંત અન્ય સ્વરૂપોનો સમન્વય થયેલો છે. પ્રેમાળ પુત્રી, આદર્શ પત્ની, શ્રેષ્ઠ સાધ્વી, વાત્સલ્યમયી માતા, ઉત્તમ સંચાલિકા, જાગૃત ગુરુ અને કરુણામય સંત. આથી આધુનિક નારીને શ્રીમાના જીવનમાંથી જે પ્રકારની પ્રેરણા જોઈતી હોય તે મળી શકે તેવું તેમનું અજોડ વ્યક્તિત્વ છે. પવિત્રતા, પ્રેમ, માતૃત્વ, શાંતિ ને સહિષ્ણુતા, સમભાવ, ઉદારતા ને ક્ષમા, દૂરદર્શિતા અને આંતરસૂઝ ભગવાને નારીને આપેલા આ આઠ વિશિષ્ટ ગુણો એક સાથે શ્રીમા શારદાદેવીમાં જોવા મળે છે. શ્રીમા પોતાનો આ અમૂલ્ય વારસો ભારતીય નારીને આપી રહ્યાં છે. આ વારસાથી સમૃદ્ધ બનેલી નારી જ વીસમી સદીમાં પ્રવર્તી રહેલી ચૈતન્યની કટોકટી અને ચારિત્ર્યના દારિદ્ર્યમાંથી ભારતને બહાર કાઢી સમૃદ્ધ બનાવશે. શ્રીમા પાસેથી મેળવવાનું પ્રથમ મૂલ્યવાન રત્ન છે પવિત્રતા.
પવિત્રતા: — શ્રીમા મૂર્તિમંત્ર પવિત્રતાનું સ્વરૂપ હતાં. એમની સ્તુતિ કરતાં સ્વામી અભેદાનંદજી કહે છે:
पवित्रं चरितं यस्या: पवित्रं जीवनं तथा ।
पवित्रतास्वरुपिण्यै तस्यै कुर्मो नमोनम: ॥
સાક્ષાત્ પવિત્રતા સ્વરૂપ શ્રીમા પાસેથી આધુનિક નારીએ પવિત્રતાની દીક્ષા લેવાની છે. શ્રીરામકૃષ્ણની સાથે એક જ ઓરડામાં તેઓ આઠ મહિના રહ્યાં હતાં, પણ તેમના શુદ્ધ મનમાં વિકારની એક છાયા પણ પડી ન હતી. શ્રીરામકૃષ્ણે એમની પવિત્રતા વિશે કહ્યું હતું કે ‘તેઓ જો આટલાં પવિત્ર ન હોત અને મનનો સંયમ ગુમાવી તેમણે મને આકર્ષ્યો હોત તો કોણ જાણે હું મારો સંયમ ગુમાવી પણ બેઠો હોત.’ શ્રીમાની પવિત્રતાની કસોટી કર્યા પછી જ શ્રીરામકૃષ્ણે એમની ત્રિપુરાસુંદરી તરીકે પૂજા કરી એમના સર્વ અંગોમાં જગદંબાનો આવિર્ભાવ કર્યો હતો. શ્રીમાની પવિત્રતાનું તેજ એટલું પ્રચંડ હતું કે સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદજી પણ વારંવાર ગંગાજળથી પોતાની જાતને પવિત્ર કરીને પછી જ શ્રીમાનાં દર્શને જતા. શ્રીમાનું દર્શન જ શીતળ અને પાવનકારી હતું. ભગિની નિવેદિતા યુરોપના એક ચર્ચમાં ગયાં હતાં, ત્યાં માતા મેરીની સુંદર મૂર્તિ જોઈને તેમને શ્રીમા શારદાદેવીનું સ્મરણ થયું. તેમણે લખ્યું હતું કે, ‘એ મધુર સ્મિત, એ સ્નેહ નીતરતી આંખો, એ સફેદ વસ્ત્રો ને પેલાં કંકણ-બધું જ તાદૃશ થયું!’ શ્રીમાની પવિત્રતા એવી હતી કે કોઈની મલિનતા, દુશ્ચરિતતા પણ એ પવિત્રતાનો સ્પર્શ પામીને પવિત્રતામાં પલટાઈ જતી. આવી પવિત્રતા એ ભારતીય નારીનું ભૂષણ છે. એને મળેલો વારસો છે. શ્રીમા પાસેથી એ વારસો મેળવીને, એનું જતન કરી ભારતીય નારીએ આવનારી સદીમાં ભોગવાદના રાક્ષસને પરાસ્ત કરવાનો છે અને ઉન્નત ચારિત્ર્યવાળી નવી પેઢીનું સર્જન કરવાનું છે.
પ્રેમ: શ્રીમા પાસેથી મેળવવાની બીજી અમૂલ્ય વસ્તુ છે પ્રેમ. એ પ્રેમ છે વિશુદ્ધ, મુક્ત, બિનશરતી, કશાયની અપેક્ષા ન રાખનારો પણ સદૈવ આપવાની, બીજાનું મંગલ કરવાની ભાવનાવાળો. શ્રીમાના હૃદયમાંથી પ્રેમ ગંગાના નીરની જેમ સદા ય અસ્ખલિત વહેતો રહ્યો છે. એ પ્રેમમાં કોઈ પક્ષપાત નથી. નાનું હોય કે મોટું, પવિત્ર હોય કે પતિત, ઉચ્ચજાતિનું હોય કે શૂદ્રજાતિનું હોય, દેશી હોય કે વિદેશી હોય-બધાંને શ્રીમાએ પોતાના ખોળામાં સ્થાન આપ્યું હતું. કોઆલપાડાના આશ્રમના અધ્યક્ષે શ્રીમાને ફરિયાદ કરી કે ‘આ બ્રહ્મચારી છોકરાઓ મારું માનતા નથી. તમે તેને વઢો. તેમનું કંઈ સાંભળો નહીં ને તમારી પાસે આવે ત્યારે તમે તેમને આશ્રય ન આપો તો જ તેઓ સીધા થશે ને પછી મારું માનશે.’ ત્યારે શ્રીમાએ કહ્યું: ‘જુઓ, પ્રેમ જ આપણું બળ છે. પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે. હું મા છું. તમે મારી પાસે છોકરાઓના ખાવા-પીવાની પહેરવા ઓઢવાની ફરિયાદ શા માટે કરો છો?’ અને પછી માએ એ છોકરાઓ માટે પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરાવી. અધ્યક્ષને ઠપકો આપતાં કહ્યું: ‘આવું સંકુચિત મન રાખીને હુકમ ચલાવો તો આશ્રમ કેવી રીતે ચાલશે? ભલે ને, છોકરાઓ તમારા વિદ્યાર્થીઓ હોય. પોતાના દીકરાઓને માબાપ વઢે, તો ય આજકાલ જુદા થઈ જાય છે. આ છોકરાઓ અહીં આવે નહીં તો તેમને આશ્રય મળે તેમ મારી પાસે કહેવડાવી તમે શું કરવા માગો છો? એ હું કોઈ દિવસ નહીં કરું.’ શ્રીમાનો આક્રોશ ને લાલ મુખ જોઈ અધ્યક્ષ સમજી ગયા અને પછી કોઈ દિવસ ફરિયાદ ન કરી.
શ્રીમાનો આ પ્રેમ સર્વ પર સમાન ભાવે વહેતો હતો. પછી તે અમજદ જેવો ધાડપાડુ હોય કે દારૂડિયો પદ્મવિનોદ હોય કે કુછંદે ચડી ગયેલો કોઈ નવયુવાન હોય કે પછી સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુભાઈઓ હોય. શ્રીમાના પ્રેમથી જ ધાડપાડુ સજ્જન બની ગયો. ચોરી કરતો નોકર ભક્ત બની ગયો. દારૂડિયો પદ્મવિનોદ ભવસાગર તરી ગયો અને કુછંદે ચડેલો યુવાન તો સન્માર્ગે વળી ગયો પણ તેને કુછંદે ચડાવનાર પતિતા સ્ત્રી પણ શ્રીમાના પ્રેમથી પવિત્ર જીવન ગાળતી થઈ ગઈ. શ્રીમાના પ્રેમની આ જાદુઈ શક્તિ પારસમણિ જેવી હતી. પારસમણિ તો લોખંડની ધાતુને સુવર્ણ કરે જ્યારે શ્રીમાનો પ્રેમ તો લોખંડથી ય વધારે જડ જેવા મનુષ્યોના મનને સુવર્ણ જેવું શુદ્ધ બનાવવાની શક્તિ ધરાવતો હતો. કલકત્તામાં ઉદ્બોધનની પહેલા માળની ઓસરીમાં શ્રીમા હતાં. તેમણે કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. તેમણે ઓસરીમાંથી આગળ આવીને નીચે જોયું તો કોઈ પુરુષ પોતાની પત્નીને મારી રહ્યો હતો ને તે સ્ત્રી ચીસો પાડી રહી હતી. માએ ત્યાંથી જ કહ્યું: ‘અરે દુષ્ટ, તારે તારી પત્નીને મારી નાખવી છે?’ અને પેલાએ ઊંચે જોયું. શ્રીમાના પવિત્ર મુખનાં દર્શન કરતાં જ તેનો ક્રોધ ચાલ્યો ગયો. તે શાંત થઈને ઊભો રહી ગયો. પછી જોયું તો રડતી સ્ત્રીને તે પુરુષ આશ્વાસન આપી રહ્યો હતો! આ હતું શ્રીમાની પ્રેમ-કરુણાસભર દૃષ્ટિનું જાદુ!
એક ઉચ્ચકુળની સ્ત્રી ભૂલ કરી બેઠી ને પછી શ્રીમા પાસે આવતાં ભારે સંકોચ અનુભવી રહી હતી. તે બહાર જ ઊભી રહી. ત્યાં ઊભી ઊભી રડવા લાગી ને કહેવા લાગી, ‘અરે, મા હું તો તમને મોઢું બતાવવા લાયક જ નથી રહી. મારી શી ગતિ થશે?’ એનો આંતર વલોપાત તીવ્ર હતો, તે સાંભળીને મા બહાર આવ્યાં ને તેને ગળે લગાડી, વાંસો થપથપાવી કહ્યું, ‘દીકરી, ચાલ અંદર. તને જે પશ્ચાતાપ થાય છે એમાં તારું પાપ ધોવાઈ ગયું. માએ પછી તેને મંત્રદીક્ષા આપી. શ્રીમાના પ્રેમે તેને પતિતામાંથી સાધ્વી બનાવી દીધી. યુંગી એ શૂદ્ર જાતિ ગણાય. તે જાતિનો એક ભક્ત શ્રીમા પાસે આવતાં ખૂબ સંકોચ અનુભવતો હતો. માએ તેને આવકારતાં કહ્યું: ‘દીકરા, સંકોચ શા માટે? તું શ્રીરામકૃષ્ણનો બાળક છે. તું તારા કુટુંબમાં આવ્યો છે. જો દીકરા, ભક્તોને કોઈ જાત હોતી નથી.’ એમ કહી માએ તેને અંદર બોલાવીને તેની પુષ્પ પૂજા સ્વીકારી. જ્યારે શ્રીમા જયરામવાટીથી કલકત્તા આવી રહ્યાં હતાં ત્યારે એક વખત વિષ્ણુપુરના સ્ટેશને એક કુલીએ શ્રીમાને જોતાં, તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરતાં કહ્યું: ‘અરે, તું તો મારી જાનકીમાઈ છો.’ શ્રીમાએ સ્ટેશનમાંથી પુષ્પો મંગાવી એ કુલીને પોતાના ચરણોમાં મૂકવા કહ્યું અને તેને ત્યાં જ મંત્રદીક્ષા આપી. શ્રીમા પાસે તો અભિનેત્રીઓ પણ આવતી. શ્રીમા એમને ભોજન કરાવતાં, પાન-સોપારી આપતાં. શ્રીમાના સાંનિધ્યમાં તેમની આંતરશુદ્ધિ થવા લાગતી.
ફક્ત મનુષ્યો પર જ નહીં, પશુપક્ષીઓ પર પણ શ્રીમાનો પ્રેમ વરસતો રહેતો. શ્રીમા બિલાડીને માટે દૂધ રાખી મૂકતાં. તેમને બિલાડીને દૂધ પીવડાવતાં જોઈ ભક્તે કહ્યું: ‘મા તે રોજ ચોરીછૂપીથી દૂધ પી જાય છે તો પછી આપણે એને શા માટે દૂધ પીવડાવવું?’ ત્યારે શ્રીમાએ કહ્યું: ‘ચોરી છૂપીથી ખાઈ જવું એ તેનો જન્મજાત સ્વભાવ છે. એને કોણ પ્રેમથી ખવરાવશે?’ મા બિલાડીને પણ એટલા જ પ્રેમથી ખવડાવતાં રહ્યાં. જ્યારે તેઓ કલકત્તા ગયાં ત્યારે તેમણે ભક્તને કહ્યું: ‘જો જ્ઞાન, તું બિલાડીને મારતો નહીં, તેમાં પણ મારો વાસ છે.’
સર્વ પર સમાન ભાવે વહેતો આ સહજ, સરલ ને નિર્હેતુક પ્રેમ શ્રીમાના જીવનમાંથી પ્રગટ થતો જોવા મળે છે. શ્રીમાના આ પ્રેમ વિશે ભગિની નિવેદિતાએ લખ્યું છે: ‘એક તીવ્ર મધુર પ્રેમ કે જે કદી ઇન્કાર ન કરે, એવું હૃદય કે જેમાં આપણે સલામતી અનુભવીએ, એવી સંનિધિ કે જેનાથી આપણે દૂર ન જઈ શકીએ, એવા આશીર્વાદ કે જે આપણાં જીવનમાં છવાઈ જાય, અતલ માધુર્ય, અતૂટ બંધન, નિર્ભેળ પવિત્રતા, આ બધું ય, અને તેથી પણ વધારે તે મા.’ એકવીસમી સદીની નારીએ શ્રીમા પાસેથી આ પ્રેમની પ્રાપ્તિ કરી પોતાના હૃદયમાં સ્થિર કરવાનો છે. આ પ્રેમ દ્વારા જગતનું પરિવર્તન થઈ શકશે.
આધ્યાત્મિક માતૃત્વ: એકવીસમી સદીની નારીએ જો નેતૃત્વ કરવું હશે, તો તેણે શ્રીમા પાસેથી આધ્યાત્મિક માતૃત્વની દીક્ષા લેવી પડશે. જનની અને માતાનો શાબ્દિક અર્થ ભલે સમાન થતો હોય તો પણ બંનેના ભાવાર્થમાં તફાવત છે. જનની ફક્ત જન્મ દેનારી માતા છે. જનનીત્વ ફક્ત પોતાનાં સંતાનો પૂરતું જ મર્યાદિત છે. જ્યારે માતૃત્વ વ્યાપક છે. માતા બનવા માટે જનની હોવું આનિવાર્ય નથી. માતા બનવા માટે સર્વ પર સમાન ભાવે પ્રેમ, કરુણા અને સર્વનું કલ્યાણ કરવાની ભાવના, આટલું જરૂરી છે. શ્રીમાએ કહ્યું હતું: ‘ઠાકુરના ગયા પછી મારે પણ ચાલ્યું જવું હતું, પરંતુ ઈશ્વરના માતૃત્વની સ્થાપના કરવા માટે ઠાકુર આ વખતે મને પાછળ મૂકી ગયા.’ શ્રીમાએ ઈશ્વરનું માતૃત્વ કેવું હોય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓ સહુના મા બની રહ્યાં. સ્વામી જ્ઞાનાનંદના હાથે ખૂજલી થઈ. તેઓ પોતે જાતે જમી શકતા નહીં તો મા તેને પોતાના હાથેથી જમાડતાં. સ્વામી વજ્રેશ્વરાનંદની પાસે પૈસા નહોતા તેને ગ્રાંટ ટ્રક રોડથી ચાલતાં ચાલતાં કાશી જવું હતું. માના આશીર્વાદ લેવા ગયા તો માએ કહ્યું: ‘બેટા, અત્યારે કારતક મહિનો ચાલે છે, યમના દ્વાર ખુલ્લા હોય, તો હું તને કેવી રીતે જવાની રજા આપું?’ આમ માએ તેને ચાલીને આટલે દૂર જતાં રોકી લીધા. સ્વામી અરૂપાનંદ બજારમાં વસ્તુઓ લેવા ગયા. મોડું થઈ ગયું. સાંજ પડી ગઈ. ઘરે આવ્યા. જોયું તો માએ પણ કશું ખાધું ન હતું. એમણે પૂછ્યું તો કહ્યું: ‘બેટા, દીકરો ભૂખ્યો હોય તો મા કેવી રીતે ખાઈ શકે?’ આ સાંભળીને અરૂપાનંદની આંખોમાં આંસુ આવી ગયાં. આવું તો જનેતા પણ કરતી નથી! ફક્ત સંન્યાસી પુત્રો માટે જ આ માતૃત્વ અનામત નહોતું. માની સમીપ આવનારાં તેમનાં સર્વ બાળકો માટે પણ હતું. ગિરિશચંદ્ર ઘોષ જયરામવાટી શ્રીમા પાસે ગયા હતા. તેમની પથારી પરની ચાદર દરરોજ ધોવાઈને એકદમ સફેદ રહેતી. એક દિવસ તેઓ તળાવને કિનારે ફરવા ગયા, ત્યાં તેમણે જોયું તો મા ચાદર ધોઈ રહ્યાં હતાં!
‘અરે મા, તમે મારી ચાદર રોજેરોજ ધૂઓ છો?’ ગિરીશબાબુએ ભારે સંકોચ સાથે કહ્યું : ત્યારે માએ કહ્યું: ‘કેમ? મા પોતાના છોકરાઓનું કામ કરે એમાં નવાઈ શી છે?’
મુસલમાન અમજદ પણ માનો જ દીકરો હતો. મા એને પ્રેમથી જમાડતાં એટલું જ નહીં પણ એની એંઠી પતરાવળી પણ ઉપાડતાં. એક દિવસ એમની ભત્રીજી નલિનીએ કહ્યું: ‘અરેરે, ફોઈબા તમારી તો જાત જ ગઈ. તમે આ એંઠી પતરાવળીઓ ઉપાડો છો?’ ત્યારે માએ કહ્યું: ‘જેવો શરત્ મારો દીકરો છે, તેવો જ આ અમજદ છે. મા પોતાના દીકરાઓનું નહીં કરે તો કોણ કરશે?’ આ છે ઈશ્વરનું માતૃત્વ. વ્યાપક માતૃત્વ. પતિતોને પવિત્ર કરનાર, મલિનતાની ગંદકીને સાફ કરી તેને શુદ્ધ કરનાર ને નવજીવન બક્ષનાર સર્વોચ્ચ શક્તિ. એકવીસમી સદીને આ દિવ્ય માતૃત્વ શક્તિની જરૂર છે. આ માતૃત્વની જાગૃતિની જરૂર છે. આજે જ્યારે મિડિયાના આક્રમણથી નાનાં બાળકોનાં માનસ વિકૃત થઈ રહ્યાં છે, તેમની સર્જન શક્તિ કુંઠિત થઈ રહી છે, ગુનાખોરી ને ભ્રષ્ટાચાર વધી રહ્યાં છે, ત્યારે તેનો સામનો કરી આ બધાંને પરાસ્ત કરનારી આ સર્વવ્યાપી માતૃત્વની શક્તિને પ્રત્યેક સ્ત્રીમાં જાગૃત કરવી પડશે. એ માટે શ્રીમા શારદાદેવીનું જીવન દરેક સ્ત્રીએ ફક્ત વાંચવું જ નહીં પણ આત્મસાત્ કરવું પડશે. ચેતના સાથે તદ્રૂપ કરવું પડશે તો પછી તેના અંતરમાંથી આ રૂપાંતરકારી પ્રચંડ શક્તિના સહસ્ર ઝરણાંઓ સ્વયંભૂ રીતે પ્રગટશે.
સહનશીલતા: ‘બેટા, સહનશક્તિ એક મહાન ગુણ છે. તેનો જેવો બીજો એકે ય ગુણ નથી.’ શ્રીમાએ એક ભક્ત સ્ત્રીને કહ્યું હતું. શ્રીમા પોતે સહનશીલતાની સાક્ષાત્ મૂર્તિ હતાં. તેમણે જે સહન કર્યું છે, તે આજની નારી ભાગ્યે જ સહી શકે. જ્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં રહેતા હતા, ત્યારે શ્રીમા ત્યાં નોબતખાનાની ઓરડીમાં રહેતાં હતાં. સાવ નાનકડી ઓરડી ને પાછી સામાનથી ભરેલી. ઉપર શીકાં લટકાવેલાં ને એ ય પાછાં ભરેલાં. એ નાનકડી ઓરડી એ જ રસોઈઘર, એ જ શયનખંડ, એ જ સ્નાનઘર ને વળી કલકત્તાથી આવતી ભક્ત સ્ત્રીઓનું આરામગૃહ પણ એ જ. સવારના ચાર વાગ્યે ઊઠીને તેઓ ગંગાસ્નાન કરી આવતાં. એ પછી આખો દિવસ એ જ નાનકડી ઓરડીમાં રહેતાં. કલકત્તાની શ્રીમંત ઘરની સ્ત્રીઓ શ્રીમાના દર્શને આવતી ત્યારે ઓરડીની બારસાખ ઉપર જ હાથ રાખીને બોલતી કે, ‘અરેરે, અમારી સતીલક્ષ્મી કેવી કોટડીમાં રહે છે, જાણે કેદખાનું.’ બહાર મંદિરમાં ઉત્સવ હોય, કીર્તન હોય, લોકોની ભીડ ઊમટી હોય પણ શ્રીમા પોતાની ઓરડી છોડીને બહાર ગયાં ન હતાં. એટલે શ્રીરામકૃષ્ણ મજાકમાં માને અને તેમની ભત્રીજી લક્ષ્મીને પાંજરામાં પૂરાયેલાં મેના પોપટ કહેતા. જ્યારે શ્રીરામકૃષ્ણના સ્ત્રી ભક્તોમાં ગુલાબમાનું આગમન થયું, અને તેમણે શ્રીરામકૃષ્ણને જમાડવાની જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી, એ પછી શ્રીમાને શ્રીરામકૃષ્ણના દર્શન મહિનાઓ સુધી થતાં ન હતાં. છતાં પણ એમણે ગુલાબમાને ક્યારેય ફરિયાદ કરી ન હતી. પછી શ્રીરામકૃષ્ણના દર્શન કરવા માટે એમણે પોતાની ઓરડીનો વરંડો વાંસની ચટ્ટીથી છવાયેલો હતો, તેમાં એક કાણું પાડ્યું અને તે કાણાંમાંથી ઊભાં ઊભાં તેઓ શ્રીરામકૃષ્ણના ઓરડામાં ચાલતો સત્સંગ નિહાળતાં. પણ કલાકો સુધી ઊભા રહેવાને પરિણામે તેમના પગ ગંઠાઈ જતા. આમ દક્ષિણેશ્વરમાં એમનું જીવન કઠોર તપશ્ચર્યાથી ભરેલું હતું તો જયરામવાટીમાં પિયરમાં પણ કંઈ સરળ નહોતું. ભાઈઓના ઝઘડા, ભત્રીજીઓ નલિની ને માકુ વચ્ચેની ઇર્ષ્યા ને અનેક હરકતો, પગલી ભાભી સૂરબાળાનો ઉન્માદ અને શ્રીમા ઉપરનો દ્વેષભાવ, તેની દીકરી રાધુની જિદૃ ને તોફાનો – આ બધાંની વચ્ચે શ્રીમા સ્વસ્થ રહીને રોજિંદાં કાર્યો કરતાં કરતાં, શ્રદ્ધાપૂર્વક પોતાની સમીપ આવનારને ભગવદાભિમુખ કરવાનું કાર્ય કર્યે જતાં હતાં. સૂરબાળા તો મા ઉપર એવો આક્ષેપ મૂકતી હતી કે તેની દીકરી રાધીને અફીણ ખવડાવી-ખવડાવીને માએ વશમાં કરી લીધી છે, એટલે તે તેની પાસે આવતી નથી. એક વખત તો સળગતું લાકડું લઈને તે માને મારવા દોડી હતી. આવી વિષમ પરિસ્થિતિને પણ માએ સમતા પૂર્વક સહી લીધી હતી. શ્રીરામકૃષ્ણના દેહવિલય પછી તો માને વિકટ આર્થિક સ્થિતિનો સામનો કરવો પડ્યો. ભત્રીજા રામલાલે દક્ષિણેશ્વરમાંથી મળતું સાત રૂપિયાનું માસિક પેન્શન બંધ કરાવી દીધું. માને આજીવિકા માટે કોઈ સાધન નહોતું. શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોનું તો રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. તેઓ બધા યાત્રાએ નીકળી પડ્યા હતા. શ્રીમા કામારપુકુરમાં એમના ભાગે આવેલો શ્રીરામકૃષ્ણનો ઓરડો હતો, તેમાં રહ્યાં. દારૂણ ગરીબી સહી. શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કામારપુકુરના ઘરમાં રહેજો. શાકપાન ઉગાડીને ખાજો. પણ કોઈ પાસે કદી હાથ ન લંબાવતાં. હાથ લંબાવવો એટલે પોતાનું માથું ધરી દેવું.’ શ્રીમા એમ જ રહ્યાં. ખાવાના ય સાંસા હતા. વીસ ગાંઠો મારેલી સાડી પહેરતાં. પણ એમણે પોતાની મુશ્કેલીની વાત પોતાની માતાને પણ નહોતી કરી. એ તો જ્યારે સ્વામી નિરંજનાનંદ કામારપુકુર આવ્યા ને શ્રીમાની સ્થિતિ નજરે જોઈ, ત્યારે બધાને ખ્યાલ આવ્યો. એ પછી બધા શ્રીમાને કલકત્તા લાવ્યા. પણ શ્રીમાએ ધીરજપૂર્વક, સમતાથી જે સહ્યું છે, તે કોઈ સામાન્ય સ્ત્રી સહન ન કરી શકે. ‘જે સહે છે, તે પામે છે,’ એ ઉક્તિ શ્રીમાના જીવનમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. આજની નારીઓમાં સહનશક્તિ બહુ જ ઓછી જોવા મળે છે. તેમાં પણ શિક્ષિત સ્ત્રીઓમાં સહનશક્તિ ઘણી ઓછી થઈ જાય છે. પરિણામે છૂટાછેડા, આત્મહત્યા કે ત્યક્તાનું જીવન-આ બધું વધતું જાય છે. કુટુંબજીવન અને લગ્નજીવનો તૂટતાં જાય છે. ફક્ત ભૌતિક શિક્ષણનું પ્રમાણ વધતું જશે અને જો ધર્મ ને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપવામાં નહીં આવે તો એકવીસમી સદીમાં લગ્નજીવન અને કુટુંબજીવન છિન્નભિન્ન થઈ જશે. કુટુંબજીવનનો આધાર સ્ત્રીના સ્વાર્પણ, ત્યાગ અને સહિષ્ણુતા પર રહેલો છે. ધર્મ અને આધ્યાત્મિકતા વગર આ ભાવના જાગતી નથી અને ટકતી નથી. એકવીસમી સદીની નારીએ શ્રીમા પાસેથી સહનશીલતાનો મંત્ર મેળવીને, એને પોતાની ચેતના સાથે આત્મસાત કરવો પડશે. તો જ સમાજ જીવનને ભ્રષ્ટ થતું બચાવી શકશે.
ઉદારતા : આધુનિક નારીએ શ્રીમા પાસેથી સ્વભાવની ઉદારતા અને હૃદયની વિશાળતા પ્રાપ્ત કરવાનાં છે. સ્વામી વિવેકાનંદ તો કહે છે કે, ‘સર્વપ્રકારની વિશાળતા એ જ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે.’ શ્રીમાનો સ્વભાવ એટલો બધો ઉદાર હતો કે તેઓ પોતાની પાસે જે કંઈ આવે તે બધું જ બધાંને વહેંચી દેતાં હતાં. શ્રીરામકૃષ્ણની પાસે આવતાં બાળભક્તો અને સ્ત્રીભક્તોને તેઓ જમ્યા વગર તો જવા જ દેતાં નહીં. પોતાની પાસે રહેલી વસ્તુઓ પણ આપી દેતાં. પોતાનો વિચાર તો તેમણે કદી કર્યો ન હતો. એમના સ્વભાવની આવી ઉદારતા જોઈને એક દિવસ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું પણ ખરું: ‘આટલો છૂટો હાથ રાખશો તો કેવી રીતે પહોંચી વળશો?’ એ સાંભળીને મા એકદમ ગંભીર થઈ ગયાં ને ચૂપચાપ નોબતખાનાની ઓરડીમાં ચાલ્યા ગયાં. એ જોઈને શ્રીરામકૃષ્ણે પોતાના ભત્રીજાને કહ્યું: ‘અરે રામલાલ, જલદી જઈને તારી કાકીને શાંત કરી આવ. એ ગુસ્સો કરશે તો આનું (પોતાના શરીર તરફ આંગળી ચીંધી) બધું જ કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે.’ માના આવા અતિ ઉદાર સ્વભાવ વિશે પછી શ્રીરામકૃષ્ણે ક્યારેય કહ્યું નહીં. ઊલટું તેઓ પ્રસન્ન થયા. શ્રીમાની આ ઉદારતા ને વિશાળતા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પાયામાં રહેલી છે તેથી જ આ સંસ્થાઓ એક સૈકા પછી પણ ઉત્તરોત્તર વિકસતી જાય છે, સમૃદ્ધ થતી જાય છે. તે સમયે હજુ મઠના સેવાકાર્યનો પ્રારંભ જ હતો. લોકો સાધુઓનાં સેવાકાર્યોની ભારે ટીકા કરી રહ્યા હતા. એક દિવસ એક સંન્યાસીએ માને કહ્યું: ‘મા, દેશના લોકો તો ભાંગતા જ શીખ્યા છે. સર્જન કરતાં શીખ્યા જ નથી.’ ત્યારે લોકોની ટીકા કરવાને બદલે માએ કહ્યું: ‘દીકરા, ઠાકુર કહેતા જ્યારે મલય પવન વાય છે, ત્યારે જે વૃક્ષોમાં થોડુંય સારતત્ત્વ છે, તે બધાં જ ચંદન બની જાય છે. આ મલય પવન તો વાય છે જ હવે બધા ચંદન બની જશે. સિવાય કે વાંસ અને કેળાનાં વૃક્ષ.’ આમ માએ વિશિષ્ટ રીતે સમજાવી દીધું કે સારતત્ત્વ ન હોય તેવા લોકો ઉપર બિલકુલ અસર થતી નથી. માએ ક્યારેય કોઈના ય દોષ જોયા ન હતા. હૃદયરામ, રામલાલ, કાલીમામા, પગલીમામી, ભત્રીજીઓ નલિની ને માકુ, નાની ભત્રીજી રાધુ. આ બધાંએ માને કોઈ ને કોઈ રીતે કનડગત કરી હતી, પણ માએ ક્યારેય ફરિયાદના સૂરે કોઈ વિશે કંઈ કહ્યું ન હતું. માને તો કોઈના દોષો દેખાતા જ ન હતા. એમના સ્વભાવની આ ઉદારતાએ એમને સર્વના માતા બનાવી દીધાં હતાં. જ્યારે અંતિમ શય્યા પર હતાં, ત્યારે એમણે અન્નપૂર્ણાની માને કહ્યું હતું: ‘દીકરી, શાંતિ જોઈતી હોય તો કોઈના ય દોષ જોઈશ નહીં. પોતાના જ દોષ જોજે, જગતને પોતાનું કરી લેતાં શીખ. જગતમાં કોઈ પરાયું નથી. જગત પોતાનું જ છે.’ આ શ્રીમાનો અંતિમ ઉપદેશ પ્રત્યેક નારીએ પોતાના જીવનમાં અપનાવવો જોઈએ. માએ ફક્ત ઉપદેશ આપ્યો નથી પણ તેઓ જે જીવન જીવ્યા હતા તેનો નિચોડ આટલા શબ્દોમાં આપી દીધો છે. માનાં આટલાં વાક્યો આધુનિક નારી પોતાના જીવનમાં ઉતારે તો તેનું પોતાનું જીવન તો શાંતિમય બને જ પણ સમગ્ર કુટુંબનું જીવન સુંદર અને મધુર બની જાય.
ક્ષમા : ઉદારતાની સાથે જ રહેલી છે ક્ષમા. સહુને ક્ષમા આપવી અને કોઈના ય દોષ મનમાં ગાંઠે ન બાંધવા એ પરમસુખી થવાનો સરળમાં સરળ રસ્તો શ્રીમા શારદાદેવીએ આપ્યો છે. તેમણે કહ્યું હતું, ‘ભૂલ કરવી એ માનવનો સ્વભાવ છે, પણ ભૂલ કરનારને કેવી રીતે ઊંચે લાવવો એ બહુ ઓછા લોકો જાણે છે.’ મા પોતાના અંતરના પ્રેમથી ભૂલ કરનારાઓને ઊંચે લાવવાનું કામ કરતાં રહ્યાં અને પતનના રસ્તેથી પાછાં વાળી પ્રભુના રસ્તે વાળી દીધાં. માએ કહ્યું હતું: ‘પોતાનું બાળક ધૂળથી ખરડાયેલું હોય તો શું મા એને સ્વચ્છ નહીં કરે?’ ભૂલ કરનારને માત્ર ક્ષમા જ નહીં, પણ પોતાના અંતરનો પ્રેમ આપીને, એને પોતાની ગોદમાં આશ્રય આપીને, એના જીવનની ઊણપો દૂર કરીને માએ ભૂલ કરનારાઓને, પતિતોને સંતમાં પલટાવી દીધા છે. પછી એ બાગચી લૂટારા દંપતી હોય કે ગિરિશચંદ્ર ઘોષ હોય કે અમજદ હોય. એકવીસમી સદીની નારીએ શ્રીમા પાસેથી આ શીખવાનું છે. મનુષ્યમાં પશુત્વને જાગૃત તો સહુ કોઈ કરી શકે છે. પણ મનુષ્યમાં દેવત્વ જગાડવું, શ્રીમાનું એ કાર્ય આવનારી સદીમાં સ્ત્રીઓએ કરવાનું છે. તે માટે અંતરના નિ:સ્વાર્થ પ્રેમની સાથેસાથે હૃદયની પરમ વિશાળતા અને ક્ષમાશીલતા હોવી અનિવાર્ય બની રહે છે.
દૂરદર્શિતા : એકવીસમી સદીની નારીએ ફક્ત ઘર સંભાળીને જ બેસી રહેવાનું નથી. પણ તેણે ઘર સંભાળવાની સાથે સાથે બીજાં પણ અનેક મહત્ત્વનાં કાર્યો કરવાનાં છે. આ મહત્ત્વનાં કાર્યોના દૂરગામી પરિણામો વિશેની જાગૃતિ આધુનિક નારીએ કેળવવી પડશે. અત્યારે વર્તમાનમાં દેખાતું તેનું સાવ સામાન્ય કે તુચ્છ કાર્ય ભવિષ્યમાં તેના માર્ગમાં પર્વત જેવું અવરોધક બની ન જાય એ માટે પણ તેણે સાવચેતી રાખવી પડશે. તે માટે શ્રીમા શારદાદેવી પાસે દૂરદર્શિતાની શક્તિ પ્રાપ્ત કરવી પડશે. શ્રીમા કોઈ શાળામાં ભલે ભણ્યાં ન હતાં. પણ તેમની આંતરસૂઝ અને દૂરદર્શિતા, મનુષ્યના સ્વભાવની પરખ, વિષમ પરિસ્થિતિમાં માર્ગ કાઢવાની શક્તિ, ભણેલાંઓ કરતાં પણ ક્યાંય ચઢિયાતી હતી. તે સમયે કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. એની સારવાર માટે પૈસા મેળવવા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જરૂર પડશે તો હું મઠ માટે લીધેલી જમીન પણ વેંચી નાખીશ. ત્યારે માએ દૂરનું ભવિષ્ય જોતાં કહ્યું, ‘બેટા, નરેન મઠની જમીન વેંચાય નહીં. એ તમારા બધાનું આશ્રય સ્થાન છે. એક જગ્યાએ તમે સહુ સાથે રહી શકશો. સંસારી લોકો તમારી પાસે આવીને માર્ગદશર્ન મેળવી શકશે.’ માએ જમીન વેંચવાનો વિચાર જ અટકાવી દીધો! મઠ અને મિશન માટે માએ જે ઉજ્જ્વળ ભવિષ્ય જોયું હતું, તે આજે સાકાર થઈ રહ્યું છે. એવું જ માએ ભવિષ્ય ભાખ્યું હતું કે, ‘અહીં દેશવિદેશના લોકો આવશે. તેઓ શ્રીઠાકુર-સ્વામીજીનાં વચનામૃતો સાંભળશે. એ માટે અહીંના બધા સંન્યાસીઓને અંગ્રેજી આવડવું જોઈએ. તેથી તેમણે નવા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓને કહ્યું કે ‘તમે સ્વામી બ્રહ્માનંદજીને કહીને અંગ્રેજી શીખવાની વ્યવસ્થા કરો. પછી તેમણે ધર્માનંદ સ્વામી અને કૃષ્ણભૂષણની, બધાંને અંગ્રેજી શીખવવા માટે નિમણૂક કરાવી. માએ કરેલું આ ભવિષ્યદર્શન પણ સાચું હતું તે આજે આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે તે સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી, ત્યારે પણ માની દૂરદર્શિતા પ્રગટ થતી જોવા મળે છે. કેટલાય ક્રાન્તિકારીઓ અને આઝાદીની ચળવળના નેતાઓ માના આશીર્વાદ લેવા આવતા. આથી બ્રિટિશ સરકારની મઠ અને મિશન પર કરડી નજર રહેવા લાગી. તે સમયે શ્રીમાએ સ્વામી શારદાનંદજીને કહ્યું: ‘ગર્વનર પાસે જઈને એ સ્પષ્ટ કરી આવો કે અમને રાજકારણ સાથે કોઈ જ સંબંધ નથી. અમે તો આધ્યાત્મિક કાર્યો અને સેવાકાર્યો કરીએ છીએ.’ આ સ્પષ્ટતા પછી બ્રિટિશ સરકારે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની પ્રવૃત્તિઓ પર ક્યારેય શંકા કરી નહીં! માની આવી દૂરદર્શિતાને પરિણામે શ્રીરામકૃષ્ણ મઠ અનેક મુશ્કેલીઓમાંથી ઊગરી ગયો અને પોતાનો એકધારો વિકાસ સાધી શક્યો. આ દૂરદર્શિતા એકવીસમી સદીની નારીએ દાખવવી પડશે અને તો જ તે નવા ઉજ્જ્વળ ભવિષ્યની નિર્માત્રી બની શકશે.
આંતરસૂઝ : દૂરદર્શિતાની સાથે સાથે ત્વરિત નિર્ણયશક્તિ અને આંતરસૂઝ પણ આધુનિક નારીમાં હોવાં જરૂરી છે. સમાજ જીવન, સંચાલન ક્ષેત્ર, વહીવટ કે ઉચ્ચપદાધિકારી તરીકે જો શ્રેષ્ઠ કામગીરી બજાવવી હોય તો નારીએ આંતરસૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિ વિકસાવવાં જ પડશે. શ્રીમા શારદાદેવી પોતાની આંતરસૂઝ દ્વારા અનેક સમસ્યાઓ એક ક્ષણમાં હલ કરી દેતાં હતાં. જ્યારે સ્વામી વિવેકાનંદે સેવાકાર્યો શરૂ કર્યાં ત્યારે શરૂઆતમાં તેમના કેટલાક ગુરુભાઈઓએ તેનો વિરોધ કર્યો. શ્રીમા પાસે તેમણે આ વિરોધ રજૂ કર્યો ત્યારે શ્રીમાએ કહ્યું: ‘નરેન, ઠાકુરની ઇચ્છાથી તો આ બધું કરી રહ્યો છે.’ શ્રીમાના આ એક વાક્યે તમામ વિરોધ શમી ગયો. એ જ રીતે માયાવતીના અદ્વૈત આશ્રમમાં સ્વામી વિવેકાનંદ પૂર્ણપણે અદ્વૈતની આરાધના થાય તે માટે કોઈ જ ચિત્ર કે મૂર્તિ રાખવા ઇચ્છતા ન હતા. એમના ગુરુભાઈઓ શ્રીરામકૃષ્ણની છબિ રાખવા ઇચ્છતા હતા, આ વિવાદ પણ શ્રીમા પાસે ગયો ત્યારે તેમણે કહ્યું: ‘ઠાકુર તો અદ્વૈતમાં માનતા હતા. તો પછી એક સ્થળ અદ્વૈતની આરાધના થઈ શકે તેવું હોય તો તેમાં ખોટું શું છે?’ શ્રીમાની આ વાત બધાંને સાચી લાગી. પોતાની આંતરસૂઝ, બુદ્ધિમત્તા અને પ્રેમભરી સમજાવટની શક્તિ દ્વારા મા, ઊભી થતી દરેક સમસ્યાઓનું સર્વના હિતમાં એવી રીતે સમાધાન કરાવતાં કે પછી એ સમસ્યા જ રહેતી નહીં. એકવીસમી સદીની નારીએ આ શીખવાનું છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ પણ કહે છે: ‘તમારા બધાંની પાસે હું આટલી માગણી કરું છું, કે તમે કાયમને માટે સ્વાર્થવૃત્તિ, ભાગલા પડાવવાની દાનત અને ઇર્ષ્યાને તમારામાંથી હાંકી કાઢો. પૃથ્વીમાતાની જેમ અત્યંત ક્ષમાશીલ થાઓ. જો તમે આટલું કરી શકો તો જગત તમારા ચરણે ઝૂકશે.’
વીસમી સદી શરૂ થઈ ત્યારે તો શ્રીરામકૃષ્ણદેવે જેમનામાં પોતાની શક્તિ સંક્રમિત કરી, જેમને આધ્યાત્મિક જાગરણની જવાબદારી સોંપી હતી તે શ્રીમાશારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સદેહે વિદ્યમાન હતા. પણ એકવીસમી સદીના પ્રારંભમાં તેઓ સદેહે નથી. પણ તેઓ દેહમાં હતા તેના કરતાં પણ વધારે વ્યાપક, વધારે સઘન અને વધારે શક્તિસભર બનીને ચેતના રૂપે વિદ્યમાન છે, સક્રિય છે. જેઓ એ ચેતનાનું આવાહ્ન કરે છે, તેમને તેમની પાસેથી સીધું માર્ગદર્શન પણ મળે છે. સ્વામી અશેષાનંદ કહે છે: ‘આજે સિત્તેર વર્ષ પછી મને એ સ્પષ્ટ કળાય છે કે મા મારી ચેતનામાં જીવંત છે. આ સંસારસાગરને પાર કરી ચિરંતનજ્યોતિ અને આનંદના રાજ્યમાં મને લઈ જવા તેમનો વરદ્ હસ્ત મારા શિર પર સદાય મંડરાયેલો છે. માને મેં જોયાં છે, એમનો પવિત્ર શબ્દ મારા કાને સાંભળ્યો છે, માત્ર હોઠના જપથી નહીં, પણ અંતરના જપથી. તેથી મને અંધારામાં તેજ મળ્યું છે, નિરાશામાં આશા સાંપડી છે, જીવનના ઝંઝાવાતમાં શાંતિ મળી છે. મા શક્તિનો આધાર અને પ્રેરણાનો કદી નિષ્ફળ ન જનાર સ્રોત બની રહ્યાં છે.’ આમ શ્રીમા શારદાદેવી આજે પણ વિદ્યમાન છે. ફક્ત આવનારી સદીની નારી માટે જ નહીં પણ આવનારી સદીઓ સુધી સમગ્ર માનવજાત માટે તેઓ શક્તિનો આધાર અને પ્રેરણાનો કદી નિષ્ફળ ન જનાર સ્રોત બની રહેશે.
Your Content Goes Here




