જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે છે અને માત્ર દુન્યવી પ્રલોભનોવાળા જીવનની મર્યાદા તેને સમજાય છે ત્યારે એની સામે પોતાનાં લક્ષ્ય સ્પષ્ટ થાય છે. પછી જ્યારે તે નિષ્ઠાપૂર્વક પોતાના વિચારોને એ પ્રકા૨ના ઉચ્ચ જીવનની દિશામાં કેન્દ્રિત કરે છે ત્યારે ધ્યાનનો સાચા અર્થમાં આરંભ થાય છે.
તીવ્ર આકાંક્ષા એ ધ્યાન માટેની સૌ પ્રથમ શરત છે. પ્રમાદ અને લા૫૨વાહી એ ધ્યાનમાં સૌથી મોટા અવરોધ છે ને ધ્યાનસાધના માટે ઘાતક નીવડે છે. દૃઢ નિશ્ચયથી ધ્યાનની પ્રાપ્તિ ત્વરિત થઈ શકે છે અને પછી સફળતા સહેજે પ્રાપ્ત થાય છે. આકાંક્ષાની તીવ્રતા એને ધ્યાનરૂપી સત્યની નવી નવી ઊંચાઈઓ પર લઈ જશે.
જેવી રીતે એકાગ્રતા દુન્યવી ક્ષેત્રે સફળતા માટે આવશ્યક છે, તેવી જ રીતે ધ્યાન આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા માટે આવશ્યક છે. વ્યાવહારિક કુશળતા અને વિદ્યાપ્રાપ્તિ એકાગ્રતા દ્વારા મેળવી શકાય છે. અધ્યાત્મના પંથે એ માટેનો માર્ગ ધ્યાન છે. એકાગ્રતા દ્વારા બુદ્ધિ અને પ્રતિભાના ક્ષેત્રે અનેક શિખરો સર કરી શકાય, પરંતુ સત્યનાં દૈવી શિખરો પ્રાપ્ત કરવા માટે ધ્યાનને શ૨ણે જવું પડશે.
એકાગ્રતા દ્વારા કદાચ કોઈ મહાન સેનાપતિ જેવી તાકાત પણ પ્રાપ્ત કરી શકાય; પરંતુ ધ્યાન દ્વારા બુદ્ધ જેવાં દિવ્ય વિવેક અને પૂર્ણ શાંતિ પણ પ્રાપ્ત થઈ શકે. એકાગ્રતાનું ફળ શક્તિ છે, જ્યારે ધ્યાનનું ફળ છે, વિવેક. એકાગ્રતા દ્વારા મનુષ્ય રોજિંદા કાર્યમાં, વિજ્ઞાન, કળા, વેપાર વગેરેમાં કુશળતા મેળવી શકે; પરંતુ ધ્યાન દ્વારા તો જીવન જીવવાની કળા જ એને પ્રાપ્ત થાય. સંતો, ઋષિઓ, મસીહાઓ-દૈવી અવતાર પુરુષો એ બધાય પવિત્ર ધ્યાનની જ ફલશ્રુતિ છે.
એકાગ્રતા માટેનાં ચાર પગથિયાંઓનું મહત્ત્વ ધ્યાનમાં પણ છે; પરંતુ બંને વચ્ચેનો ભેદ એ પ્રક્રિયાના સ્વરૂપમાં નહીં પણ ધ્યેયની દિશાનો છે. એમ કહી શકાય કે ધ્યાન એ એવી આધ્યાત્મિક એકાગ્રતા છે કે જેમાં દિવ્ય જ્ઞાન અને દિવ્ય જીવનની શોધ માટે મનને કેન્દ્રિત કરવામાં આવે છે. અહીં સત્યને પામવાનું તીવ્ર મનોમંથન છે. આ રીતે બીજી બધી બાબતો ઉપરાંત સત્યને જાણવાની અને પામવાની આકાંક્ષા અહીં અગ્રસ્થાને છે. આ પછી તે પોતાના જીવનના વર્તન અને વ્યવહારની સજાગતા રાખે છે અને ક્રમશઃ હકીકતો, સમસ્યાઓ અને જીવનનાં રહસ્યો પ્રત્યે ગંભીર વિચારણામાં તે દાખલ થાય છે. આ ચિંતનને પરિણામે તેનો સત્ય માટેનો પ્રેમ એવી પૂર્ણ દિશાએ પહોંચે છે કે તે સત્યમય બની જાય છે, અને અગણિત તૃષ્ણાઓ તરફ ભટકતું તેનું મન સમસ્યાઓને હલ કરતાં કરતાં એકરૂપ થાય છે. એકાગ્રતાના અભ્યાસ કરતાં ઘ્યાનની સાધના ઘણી અઘરી છે, કારણ કે, ધ્યાન માટે વધુ કડક શિસ્ત અને સંયમની આવશ્યકતા હોય છે. હૃદયશુદ્ધિ કે જીવનશુદ્ધિ વગર પણ કદાચ એકાગ્રતા કેળવી શકાય; પરંતુ શુદ્ધ આચાર-વિચાર તો ધ્યાન સાથે અભિન્ન છે. ધ્યાનના હેતુ છે દિવ્ય જ્ઞાન, સત્યની પ્રાપ્તિ અને માટે જ રોજિંદા જીવનમાં શુદ્ધ વ્યવહા૨ અને વર્તન ધ્યાન માટેની અનિવાર્ય શરત છે. આરંભમાં ઘ્યાન માટે કદાચ થોડો સમય – સવારમાં અડધો કલાક જ ભલે આપવામાં આવે – પરંતુ એ અડધા કલાકમાં જે પ્રાપ્ત થાય છે તેનો શુભ પ્રભાવ આખા દિવસના બાકીના સાડા ત્રેવીસ કલાક દરમિયાન સ્પષ્ટ હોય છે. માટે જ ધ્યાનનો સંબંધ મનુષ્યના પૂરા જીવન સાથે છે. જેમ જેમ તે ધ્યાન-સાધનામાં આગળ વધે છે તેમ તેમ જીવનના જે કોઈ ક્ષેત્રમાં કે પરિસ્થિતિમાં તે હોય, તેમાં તે વધુ શાંતિપૂર્વક, વિવેક અને પવિત્રતાથી દૃઢપણે રહી શકે છે. ધ્યાનમાં મુખ્ય બે બાબતો મહત્ત્વની છે:
(૧) વારંવાર કોઈક શુભ વસ્તુ પ્રત્યે વિચારોને કેન્દ્રિત કરીને હૃદયને નિર્મળ ક૨વું.
(૨) આવી નિર્મળતાને વ્યવહારુ જીવનમાં આચરણમાં ઉતારીને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ.
માણસ જાણે કે વિચારોનો જ સમૂહ છે અને આથી જ તે જે પ્રકારના વિચારોમાં પ્રવૃત્ત રહેતો હોય એવા જ પ્રકારનું તેનું જીવન-ચારિત્ર્ય નિર્મિત થશે. વારંવારના અભ્યાસ દ્વારા અને ટેવ દ્વારા વિચારોનું પછી આપોઆપ પુનર્રટણ થતું રહે છે અને તે ચારિત્ર્યને એક ચોક્કસ દિશામાં આ રીતે ઢાળે છે. નિત્ય શુદ્ધ વિચારોમાં પરોવાયેલા રહેવાથી સાધક શુદ્ધ વિવેકપૂર્ણ, ચિંતનની સતત ચાલતી પ્રક્રિયામાં દાખલ થાય છે. અને પરિણામે તેનાં કાર્યોમાં, રોજિંદી ફ૨જરૂપ કામગીરીમાં પણ વિવેકદૃષ્ટિનો પ્રભાવ દેખાય છે. શુદ્ધ વિચારોના સતત ચાલતા પુનરાવર્તનથી તેનું સમગ્ર જીવન અગ્નિની કસોટીમાંથી ૫સા૨ થયેલ સુવર્ણ જેવું તેજસ્વી બને છે.
આપણે જોઈએ છીએ કે મોટા ભાગના લોકો સતત તૃષ્ણાઓ, અશક્તિઓ, લાગણીઓ અને ઠગારી આશાઓના સંઘર્ષમાં રહેતા હોય છે. આનું પરિણામ તેઓ માટે છે વિષાદ, અનિશ્ચિતતા અને અધીરતા. પરંતુ જ્યારે માણસ પોતાના મનને ધ્યાનના અભ્યાસમાં કેળવે છે ત્યારે પોતાના વિચારોને એક મધ્યસ્થ સિદ્ધાંત ઉપર કેન્દ્રિત કરીને આ ત્રાસદાયક આંતરિક સંઘર્ષ ઉપ૨ તે અંકુશ પ્રાપ્ત કરે છે. પછી તો પુરાણી દુષ્ટ આદતો અને કુવિચારો તૂટતાં-છૂટતાં જાય છે અને પ્રકાશપૂર્ણ શુભ વિચારો અને શુભકાર્યોને રસ્તે તે વળે છે; પછી ઉત્તરોત્તર વધતી સંવાદિતા એના જીવનને પૂર્ણતા અને શાંતિ અર્પે છે. સત્યનો પ્રકાશ એને હવે દોરી રહ્યો હોય છે.
જીવનની અલ્પતા, જીવનનાં રહસ્યો વગેરેને કા૨ણે એક પ્રકા૨નો વિષાદનો સૂક્ષ્મ ભાવ હંમેશાં સત્ય માટેની તીવ્ર આકાંક્ષાની સાથોસાથ હોય છે. જ્યાં સુધી આવી ભાવદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ધ્યાન અશક્ય છે. માત્ર મંત્ર ગણગણવાથી કે પછી દિવાસ્વપ્નોમાં રાચવાથી તો ધ્યાન થઈ જતું નથી. ધ્યાન એ એક વિશિષ્ટ આધ્યાત્મિક ભાવદશા છે.
ધ્યાન એ હેતુલક્ષી દૃઢ ચિંતન છે, જેમાં મનુષ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે છે. આરંભમાં એ અવશ્ય કઠિન અને કંટાળાજનક છે, પરંતુ કઠોર પરિશ્રમ અને શિસ્ત દ્વારા ધ્યાન સહજ સાધ્ય બને છે. આરંભમાં ધ્યાન આપણને કંઈક કઠોર નિયંત્રણ હેઠળ ભારરૂપ પણ જણાય, પરંતુ સરવાળે તે લાભકારક બને છે, અને શાંતિદાયક પુરવાર થાય છે.
કહેવાતી આધ્યાત્મિક ભાવદશા અને ધ્યાન એ વચ્ચેનો ભેદ ખાસ લક્ષમાં રાખવો જોઈએ. આવી કહેવાતી આધ્યાત્મિક દશાનાં લક્ષણો નીચે મુજબ છેઃ
(૧) પરિશ્રમથી દૂર રહેવાની ઈચ્છા.
(૨) સ્વપ્નો (કે પછી દિવાસ્વપ્નો) નો આનંદ અનુભવવાની આકાંક્ષા.
(૩) પોતાનાં વ્યાવહારિક કર્તવ્યો અને ફરજોમાં વધતી જતી અરુચિ.
(૪) વ્યાવહારિક દુન્યવી જવાબદારીઓમાંથી છટકવાની વૃત્તિ.
(૫) પરિણામોનો ભય.
(૬) ઓછામાં ઓછા પ્રયત્નોથી ધન મેળવવાની ઈચ્છા.
(૭) સ્વ-નિયંત્રણનો અભાવ.
આની સામે ધ્યાનને માર્ગે જનાર સાધકનાં લક્ષણો નીચે મુજબ ગણાવી શકાય:
(૧) શારીરિક શક્તિ અને મનોબળના નિયંત્રણમાં વૃદ્ધિ.
(૨) વિવેક પ્રાપ્ત કરવા માટે પરિશ્રમપૂર્વકનો સતત પુરુષાર્થ.
(૩) રોજિંદા કર્તવ્યોમાં કંટાળાનો અભાવ.
(૪) તમામ વ્યાવહારિક જવાબદારીઓ પ્રામાણિકતાપૂર્વક અદા કરવા માટે ચોક્કસ નિશ્ચય.
(૫) નિર્ભયતા.
(૬) સંપત્તિ પ્રત્યે નિર્લેપતા.
(૭) પોતાની જાત ઉ૫૨ સભાન અંકુશ.
ઘ્યાન માટે બાહ્ય પરિસ્થિતિઓની પણ વિચારણા કરવી જોઈએ. કેટલાંક એવાં સ્થાન, સમય અને સંજોગ હોય છે કે જ્યાં ધ્યાન અશક્ય બની જાય છે; વળી અન્ય કેટલીક એવી બાહ્ય પરિસ્થિતિઓ હોય છે કે જ્યાં ધ્યાન અશક્ય નહીં પણ મુશ્કેલ અવશ્ય બને છે. જ્યારે કેટલાક અનુકૂળ સંજોગો અને પરિસ્થિતિમાં ઘ્યાન સહજ સાધ્ય બની શકે છે. નીચે જણાવેલ સમય, સ્થળ અને પરિસ્થિતિઓમાં ધ્યાન અશક્ય બને છે:
(૧) ભોજન સમયે અથવા ભોજન પછી તુરત.
(૨) આનંદપ્રમોદનાં સ્થળોમાં.
(૩) ભીડવાળા સ્થાનમાં.
(૪) ઝડપથી ચાલતી વખતે.
(૫) સવારમાં પથારીમાં સૂતાં સૂતાં.
(૬) ધુમ્રપાન કરતાં કરતાં.
(૭) શારીરિક યા માનસિક થાક ઉતારવા માટે જ્યારે સૂતા હો ત્યારે.
નીચે જણાવેલ સમય, સ્થળ કે પરિસ્થિતિઓમાં ધ્યાન અશક્ય નહીં, પરંતુ મુશ્કેલ અવશ્ય હોય છે:
(૧) રાત્રે.
(૨) વધારે પડતા રાચરચીલા અને સજાવટવાળો ઓ૨ડો.
(૩) નરમ ગાદીવાળી ખુરશી પર બેઠાં બેઠાં.
(૪) વધારે પડતાં મૂલ્યવાન વસ્ત્રાભૂષણથી સુસજ્જ.
(૫) અન્ય પરિચિત વ્યક્તિઓની હાજરી.
(૬) થકાવટની અવસ્થા.
(૭) વધારે પડતો આહાર.
એવા સમય, સ્થળ અને પરિસ્થિતિઓ કે જે ધ્યાન માટે સૌથી ઉત્તમ:
(૧) વહેલી સવારનો સમય.
(૨) ભોજન કરતાં પહેલાં.
(૩) એકાંતમાં.
(૪) ખુલ્લી હવામાં અથવા તો સાદગીપૂર્ણ સજાવટવાળા ઓરડામાં.
(૫) લાકડાના સાદા પાટિયાવાળી બેઠક પર.
(૬) જ્યારે શારીરિક રીતે સબળ અવસ્થા હોય ત્યારે.
(૭) સાદાં અને માફકસરનાં વસ્ત્રોનો પહેરવેશ.
આના પરથી જોઈ શકાશે કે વધારે પડતી સુખ સગવડતાઓ ધ્યાનને મુશ્કેલ બનાવે છે અને કોઈક વાર અશક્ય પણ બનાવે છે. જ્યારે શિસ્ત અને સંયમ વડે ધ્યાન સુગમ બને છે. એવી જ રીતે વધારે પડતો આહાર કે સાવ ભૂખમરો પણ ધ્યાનમાં અવરોધરૂપ બને છે.
ઘ્યાનમાં માત્ર યાંત્રિક રટણથી કશો અર્થ સરતો નથી, ઊલટાનું એ બાધક પણ બની શકે. કોઈ સુંદર પ્રે૨ક સૂત્ર, કોઈક પોષક એવું વાક્ય કે કોઈક લયબદ્ધ કાવ્ય પંક્તિ આપણા મનને વધુ તાજગી અને જાગૃતિ આપી શકે અને ધ્યાન માટે મહત્ત્વનું સાધન બની રહે. આવા જે કંઈ શબ્દો પસંદ કરવામાં આવે તે આપણા જીવનની પરિસ્થિતિના સંદર્ભમાં હોવા જોઈએ અને પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક એમાં એકાગ્રતા હોવી જોઈએ. આ રીતે કોઈ પણ જાતના તનાવ કે દબાણ વગર ધ્યાનની અવસ્થામાં એકાગ્રતા સહજ પ્રાપ્ત થઈ શકે છે.
ઉપર જણાવેલ બધી બાબતો ધ્યાનની આરંભની અવસ્થાઓ માટે ખૂબ જ મહત્ત્વની છે, અને માટે, ધ્યાનના અભ્યાસ માટે એનું કાળજીપૂર્વક પાલન થવું જોઈએ. જેઓ આ સૂચનાઓનું ચોક્સાઈપૂર્વક પાલન ક૨શે અને સતત એ માટેનો પુરુષાર્થ કરશે તેઓ નિયત સમયે નિર્મળતા, વિવેક, શાંતિ અને શુદ્ધ આનંદના સ્વરૂપે એ પરિશ્રમનું ફળ અવશ્ય પામશે જ.
(આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘તમે જ તમારા ભાગ્યવિધાતા’માંથી સાભાર)
Your Content Goes Here




