(ગતાંકથી આગળ… )
વિજય ડીંડીમાં : વિજયી પડધમ
સ્વામીજીએ મિત્રો, શિષ્યો અને સાધન-સંપત્તિ સાથે ‘ઘરે’ પાછા ફરવાની તૈયારી કરી. લંડનથી કેપ્ટન અને શ્રીમતી સેવિયર તથા ગુડવીન સાથે તેઓએ માર્ગમાં મિલાન, પિઝા, ફ્લોરેન્સ અને નેપલ્સની મુલાકાત લીધી. જાન્યુઆરી ૧૮૯૭માં કોલંબોને કિનારે પહોંચ્યાં કે દેવી કન્યાકુમારીએ સામુદ્રધુનીથી સ્મિત ફરકાવ્યું. ભૂમિ પર પગ મુકતા જ યક્ષ, કિન્નરો અને ગાંધર્વોએ (હિંદુ પુરાણોના દૈવી ગાયકોએ) ઢોલ-નગારા વગાડ્યાં અને તેમના માર્ગમાં પુષ્પોની વૃષ્ટિ કરી. દિક્પાલો અને રાજાઓએ પોતે તેમનો રથ ખેંચ્યો. તેમણે તેમનો ઘોષનાદ કર્યો. ભારત મહાદ્વીપ દ્વારા કોલંબો-અલમોડાના માર્ગે તેમણે તેમના પંચજન્ય (મહાભારતમાં શ્રીકૃષ્ણે ઘોષિત કરેલા શંખ) દ્વારા વિજયનો ઘોષનાદ કર્યો. જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં ત્યાં તેઓએ લોકોને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા, વિદેશી અંકુશના નેજા પ્રતિ સભાન થવા, કચડાયેલા લોકોનો ઉદ્ધાર કરવા, સામાજિક દૂષણ દૂર કરવા, ભૌતિક વિજ્ઞાનના શિક્ષણ અને ઉદ્યોગીકરણ માટે લોકોને અથાક રીતે પ્રેરિત કર્યા. સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે ધર્મ અને ફક્ત ધર્મ જ આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે.
તેઓએ રામેશ્વરમ્, રામનદ, મદુરાઈ, કુંભકોણમ્, મદ્રાસ અને ત્યાંથી કોલકાતા સુધી યાત્રા કરી. થકાવટભરી યાત્રાનો થાક ઉતારવા થોડો સમય તેઓએ અલમોડામાં આરામ લીધો. મુલાકાતોની વિનંતીઓ સ્વીકારતા રાજાઓ અને રાજકુમારોની મુલાકાત લેતા, સામાન્ય લોકોને મળતા અને ક્યારેક તો ટ્રેઈન થંભાવીને પણ તેમને અનુસરતા, સરઘસો વચ્ચે સહુને સંબોધન કરતા, પ્રવચનો આપતા, તેઓએ થોડા મહિનાઓ સુધી બરેલી, અંબાલા, અમૃતસર, રાવલપીંડી અને ત્યાંથી શ્રીનગર, સિયાલકોટ અને લાહોર સુધી પ્રવાસો કર્યા.
તેઓ દહેરાદૂન અને દિલ્હી થઈ રાજપૂતાનાના અલવર તેમજ ખેતડીના મિત્રો તથા શિષ્યોને મળવા આગળ પ્રવાસ કર્યો અને તે દરમિયાન તેઓ એક સાધારણ સાધુ હતા ત્યારે તેમના યજમાન બનેલા ગરીબોને ઘરે ભોજન લીધું. ત્યારબાદ તેઓ જયપુર, અજમેર, જોધપુર અને ત્યાંથી મધ્ય ભારતના ખંડવા, રતલામ અને જબલપુર સુધી પહોંચ્યા. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓએ ગુજરાતનો પ્રવાસ છોડી દેવો પડ્યો.
હવે તેમણે તેમનું ધ્યાન રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવા પર કેન્દ્રિત કર્યું. આગળ જતાં અહીંથી શરૂઆત થઈ તેમના ગુરુદેવનાં અસ્થિની (આત્મારામની) પ્રતિષ્ઠાના પાયા પર ઊભેલ એક ભવ્ય મંદિરની. આમ એક અદ્ભુત સંસ્થા રામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં આવ્યું, જેના બેવડા આદર્શો હતા ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ હિતાય ચ’ (પોતાની આધ્યાત્મિક મુક્તિ અને અન્યનું ભલું કરવા માટે) – જ્ઞાન, કરુણા, મુક્તિ અને સેવાના. સાધુઓ અને બ્રહ્મચારીઓને કેળવવા માટે અને પછીથી ૧૮૯૮ના મધ્યમાં પ્લેગ ફાટી નીકળતાં સેવાકાર્યની શરૂઆત કરવાના લાંબા સમયગાળા દરમિયાન સ્વામીજી બેલુર મઠમાં રહ્યા, જે એક આશ્ચર્ય છે.
પશ્ચિમના શિષ્યોને સાથે લઈ તેમની તાલીમાર્થે તેઓએ અલમોડા તરફ પ્રયાણ કર્યું. બે માસના ટૂંકા ગાળામાં તેઓ કાશ્મીર પહોંચ્યા. કૌપીન ધારણ કરી અને ભભૂતિથી આવૃત્ત તેમણે ભાવાવેશમાં શિવ-દર્શન કર્યાં અને તેમના આશીર્વાદ મેળવ્યા.
તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું, પરંતુ શ્રીનગર પાસેના પવિત્ર મંદિરમાં તેઓએ ગહન આધ્યાત્મિક ભાવમાં દેવી જગદંબાનો સાક્ષાત્કાર કર્યો.
તેઓ ૧૮૯૮માં લાહોર થઈ કોલકાતા પરત આવ્યા. ૧૮૯૯ના મધ્યભાગ સુધી તેઓ મઠમાં રહ્યા.
મુખ્યત્વે પોતાના લથડતા જતા સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે અને કંઈક તેમના જૂના મિત્રો અને શિષ્યોને મળવાના હેતુથી તેમણે પશ્ચિમનો ફરી પ્રવાસ કરવા ૧૮૯૯માં તેમનાં સઢ ખુલ્લા કર્યાં. તેઓ ઓગસ્ટ, ૧૮૯૯માં લંડન પહોંચ્યા અને ત્યાંથી ન્યૂયોર્ક તરફ પ્રયાણ કર્યું અને ત્યાં તેમના વ્યક્તિત્વની આભા પ્રસરાવી દીધી. ત્યાંથી આગળ તેઓએ વેસ્ટ કોસ્ટ, લોસ એન્જેલસ, પાસાડેના અને સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ કર્યો. તેઓ યુરોપ પાછા આવ્યા અને તેમના મિત્રો સાથે તેઓ વિયેના, કોન્સ્ટન્ટીનોપલ, એથેન્સ થઈને કેરો સુધીની મુસાફરી કરી અને ત્યાં અચાનક જાન્યુઆરી ૧૯૦૧માં સ્વદેશ પાછા ફરી બેલુર મઠમાં રહેવાનો નિર્ણય કર્યો.
તેમનાં વહાલા માતા ભુવનેશ્વરીદેવી સાથે તેમની ‘ઓછામાં ઓછી એક ઇચ્છા’ પૂરી કરવાનો પ્રયત્ન કરતાં સ્વામીજીએ ઢાકા, ગુવાહાટી અને શિલોંગની એક વધુ યાત્રા કરી. એપ્રિલ માસમાં આવેલ દમના આકરા હુમલા દરમિયાન તેમના ઉદ્ગાર હતા : ‘તેથી શું થયું ! મેં તેમને પંદરસો વરસ સુધી ચાલે તેટલું આપી દીધું છે.’
૧૯૦૨ની શરૂઆતમાં સ્વામીજીએ અનાદિકાળથી પ્રકાશ અને જ્ઞાનના ધામ, મુક્તિ-ઘાટો પર ડમરુના તાલે નૃત્ય કરતા વિશ્વના નાથ ભગવાન શિવના નિવાસસ્થાન વારાણસીની તેમણે અંતિમયાત્રા કરી.
વરસો પહેલાં તેમણે રચેલા કાવ્યનો આભાસ કંઈક આમ અનુભવાય છે : ‘ઓહ ! દૂર-સુદૂર સુધી પણ ઝાંખી ન થાય, ક્યારેય ન પહોંચાય તેવા કિનારા, સતત ગતિશીલતા – કદી ખતમ ન થનારી આ શક્તિથી હું થાકી ગયો છું.’ આવું સામર્થ્યવાન હૃદય આમ શાંત પડે તેની કલ્પના કરવી મુશ્કેલ છે; બોધિસત્ત્વ આરામને નકારતા રહ્યા તેમ તેમના શારીરિક અવસાન બાદ પણ તેમનાં શાશ્વત કાર્યો કદી થંભતાં નથી.
ઉપસંહાર
‘આધ્યાત્મિક અને સાથોસાથ સામાજિક તથા રાજકીય ક્ષેત્રોમાં પણ સમાનતા પ્રતિપાદિત કરતી રહેલી, માનવમાત્રમાં વિરાજમાન ઈશ્વરની સેવા સૂચવતી, સર્વ-સામર્થ્યવાન દિવ્યતા દરેક વસ્તુ અને વ્યક્તિમાં વ્યાપ્ત છે’; શ્રીરામકૃષ્ણના આ ઉપદેશો સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં પ્રબોધ્યા. સ્વામીજીનો સંદેશ હતો – જ્ઞાનના આદર્શ સાથે જોડવામાં ખૂટતી કડી-કરુણાનો.
ઉપરાંત ઈશ્વરપ્રતિ શ્રદ્ધાને મનુષ્ય તરફ વાળવામાં અને પોતાના ગુણોને ઉજાગર કરવામાં રહેલાં માનવીય સામર્થ્ય અને દિવ્યતામાં સ્વામીજીને અદ્ભુત વિશ્વાસ હતો. વર્તુળોના બેવડા અંતની મહાનાયકની આ હતી જીવન-યાત્રા. તેમના સંદેશને અનુરૂપ યાત્રા સામાન્ય મનુષ્યને સમજવા – આત્મસાત્ કરવામાં પણ ઘણા જન્મો વીતી જાય તેવું કાર્ય સ્વામીજીએ સાડા ઓગણચાલીસ વરસના ટૂંકા જીવનમાં પાર પાડ્યું. સ્વામીજીના વ્યાપક પ્રવાસોનો આવો આશ્ચર્યકારક પ્રભાવ તેમના જીવન અને સંદેશ જેટલો જ પ્રભાવશાળી છે.
Your Content Goes Here




