એક કણ રે આપો,
આખો મણ નહિ માંગું,
એક કણ રે આપો, મારા રાજ!
આખો રે ભંડાર મારો એ રહ્યો.
એક આંગણું આપો,
આખું આભ નહિ માંગું,
એક આંગણું આપો, મારા રાજ!
આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યાં.
એક પાંદડી આપો,
આખું ફૂલ નહિ માંગું,
એક પાંદડી આપો, મારા રાજ!
આખી રે વસંત મારી એ રહી.
એક ઘૂંટડો આપો,
આખો ઘટ નહિ માંગું,
એક ઘૂંટડો આપો, મારા રાજ!
આખાં રે સ્રોવર મારાં એ રહ્યાં.
એક મીટડી આપો,
આખી પ્રીત નહિ માંગું,
એક મીટડી આપો, મારા રાજ!
આખાં રે અમૃત મારાં એ રહ્યાં.
– સુન્દરમ્
અભીપ્સાથી સાક્ષાત્કાર
સુન્દરમ્નું જ નહીં, ગુજરાતી ભાષાનું આ એક ઉત્તમ ઊર્મિકાવ્ય છે. આ કવિતા વિશે માત્ર એક જ વાક્યમાં કંઈ કહેવું હોય તો કહી શકાય કે એ અભીપ્સા અને સાક્ષાત્કારની, તરસ અને તૃપ્તિની કવિતા છે.
અહીં પાંચ કડીમાં પાંચેક માગણીઓ કરાઈ છે પરંતુ એ માગણી કરનાર જાણે છે કે ઇચ્છાને તા કોઈ સીમા જ નથી. એટલે એ પહેલેથી જ સ્પષ્ટ કરે છે- ‘એક કણ રે આપો’ – એક કણમાં જ જેને તૃપ્તિ છે એ કણને જ ભંડાર માની શકે છે પણ જે કણથી સંતોષાય નહીં અને મણ માગે એના માટે તો ભંડાર પણ ઓછા પડે છે.
કવિએ સૌ પ્રથમ અન્નતત્ત્વની વાત કરી છે: એ દેહને ટકાવતું તત્ત્વ છે. પછી વસવાટની વાત કરે છે: વસવાટ એટલે આપણે રહીએ છીએ એ ધર. ઘરનું આંગણું એટલે માત્ર સીમાબદ્ધ વિસ્તાર નહીં, : પણ તેના પર વિસ્તરતું અસીમ આકાશ પણ ખરું; અને એટલે જ વિરાટ બ્રહ્માંડ પણ એમાં સમાઈ જાય જ છે. આંગણામાં જે બ્રહ્માંડ નીરખી શકે છે એમને પછી આકાશની અબળખા રહેતી નથી.
અન્ન અને આંગણું આ બેની ચિંતા ન હોય ત્યારે જ માણસ પ્રકૃતિસૌન્દર્યને જોઈ શકે છે, એટલે પછી કવિ વસંતની વાત કરે છે- ફૂલની એક પાંદડી જ પર્યાપ્ત છે. આખાયે પુષ્પની માગણી કરનારને તો ભરપૂર વસંત પણ ઓછી પડે, પણ જે એક પાંદડીમાં વસંત જોઈ શકે એને જ સાચી સૌન્દર્યદૃષ્ટિ વરેલી છે.
સૌન્દર્ય પછીનો તબક્કો છે રસપાનનો. એમાં પણ એક ઘૂંટડામાં જે સરોવરનો સંતોષ માને છે એને પછી ઘટનો પણ ખપ રહેતો નથી, ઘૂંટમાં જ એને ઘટનો સંતોષ મળી જાય છે.
પરંતુ આ બધા તબક્કાને અંતે પહોંચવાનું છે સાક્ષાત્કારની ચરમ ક્ષણ સુધી. એક મીટ જો મને મળે તો ઘણું છે- પરમાત્માનો પ્રેમ માત્ર આપણને એકને જ મળે એવી ઇચ્છા રાખીએ તો સ્વાર્થમાં સરી જવાય અને ઈશ્વરની પ્રીત તો સમસ્તને આવરી લે છે. આપણને એક મીટ પણ જો મળે તો અમરત્વ મળી જાય. પ્રભુ સાથેના સાક્ષાત્કારની ક્ષણથી મોટું અમૃત આ દુનિયામાં હજી નથી સરજાયું.
આ નાનકડું ઊર્મિગીત આપણને અભીપ્સાથી સાક્ષાત્કાર સુધીના પથ પર યાત્રા કરાવે છે: આ યાત્રા પ્રસન્ન અને પ્રફુલ્લ બને એટલું સમૃદ્ધ કાવ્યતત્ત્વ એમાં પડ્યું છે.
ઊર્મિકાવ્ય કેટલી સૂક્ષ્મ અનુભૂતિનું વાહક બની શકે તેની પ્રતીતિ આ કાવ્યમાં મળે છે, છતાં એ કેટલું સરળ છે! સરળતામાં વસેલી ભવ્યતા અહીં સાંપડે છે.
– હરીન્દ્ર દવે
Your Content Goes Here




