અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ સહસ્રાબ્દિના સહુથી મહાન પુરુષ – જ્યાં ભણતા હતા, તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હું ગયો હતો. ગાંધીજી જ્યારે સ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારે તેમણે મેળવેલા માર્ક્સનું પત્રક ત્યાં મેં જોયું. એલ્જિબ્રા,સમાજવિદ્યામાં સહુથી વધારે ગુણાંક હતા. એ સમયે પણ તેઓ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા. હવે આજે તેમનું જન્મસ્થાન જોઈશ, જ્યાં તેમનું બાળપણ વીત્યું છે. આમ રાજકોટ અને પોરબંદર બંને મહાન શહેરો છે, જે ગાંધીજી સાથે સંકળાયેલાં છે. વળી આ શહેરમાં સ્વામી વિવેકાનંદ ચાર મહિના રહ્યા હતા. આથી પોરબંદર ઘણું મહાન શહેર છે. મહાત્મા ગાંધીજીએ આપણને રાજકીય આઝાદી અપાવી, તો સ્વામી વિવેકાનંદે આપણને આધ્યાત્મિક આઝાદી અપાવી. આ બંને મહાન વિભૂતિઓનું દેશમાં અવતરણ એ આપણું મહાન સદ્ભાગ્ય છે. હું આશા રાખું છું કે આ બંને વિભૂતિઓની સાથે સંબંધ ધરાવતા બે શહેરો રાજકોટ-પોરબંદર બંને એટલાં મહાન બને કે વિશ્વના નક્શામાં બંને શહેરોનું મહત્ત્વનું સ્થાન હોય. જ્યારે હું રાજકોટથી પોરબંદર આવી રહ્યો હતો, ત્યારે મારા મનમાં એ સ્વપ્નદૃશ્ય રમી રહ્યું હતું કે આ બે મહાન શહેરોને જોડતો માર્ગ પણ અનોખો હોવો જોઈએ. એક બાજુ આધ્યાત્મિક વૃંદાવન અને બીજી બાજુ ટેક્નોલોજીકલ વૃંદાવન. આ સમગ્ર માર્ગ આઠ-ટ્રેકનો હોવો જોઈએ. એક તરફ મહાત્મા ગાંધી, શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સંતો, મહંતો અને દિવ્ય વિભુતિઓની પ્રતિમાઓ, લીલાછમ વૃક્ષો, પ્રકૃતિની હરિયાળી, દિવ્યાશ્રમોથી સભર આધ્યાત્મિક પ્રેરણા આપનાર હોવો જોઈએ. તો બીજી બાજુ, ટેક્નોલોજી, વિજ્ઞાન, પ્રયોગશાળાઓ વગેરે ભૌતિક વિકાસની પ્રેરણા આપનાર માર્ગ હોવો જોઈએ. તો આ બંને શહેરો સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ બનશે.
શ્રીરામકૃષ્ણ – સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
હું સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારા શિક્ષકે શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વાતો કરી હતી. એમાંના બે વાક્યોનો પ્રભાવ આજપર્યંત મારા જીવન પર રહેલો છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનું વાક્ય હતું, ‘જેમ દીપક તેલ વગર પ્રકાશી શકતો નથી એમ ભગવાન વગર જીવન પણ ટકી શકતું નથી.’ ત્યારથી જીવનમાં ભગવાનની અનિવાર્યતાની મને જાણ થઈ. બીજું સ્વામી વિવેકાનંદનું વાક્ય હતું: ‘તમે કલ્પનાશક્તિને જેટલી આગળ વધારશો તેટલા આગળ વધી શકશો.’ આ વાક્યે મારા જીવનના વિકાસમાં ખૂબ ભાગ ભજવ્યો છે. તમે કલ્પના કરો અને સ્વપ્ન સેવો અને એ સ્વપ્નને સાકાર કરવા કઠોર પરિશ્રમ કરો. સ્વપ્નો જરૂર સાકાર થશે. Dream, Dream and Dream and your Dreams will be realized.
સરસ્વતીની પ્રાર્થના
સુબ્રહ્મણ્યમ્ ભારતી તામિલ ભાષાના મહાકવિ છે. તેમણે ‘પાંચાલી શતકમ્’ મહાકાવ્ય લખ્યું છે. આટલું મોટું મહાકાવ્ય કંઈ એમ ને એમ તો ન લખાય. એને માટે વાણીની શક્તિ જોઈએ. એથી આ કાવ્યના પ્રારંભે તેમણે વાણીની શક્તિ પ્રદાન કરનારી માતા સરસ્વતીને સુંદર પ્રાર્થના કરી છે, એ પ્રાર્થના હું તમને સહુ વિદ્યાર્થીઓને તામિલમાં સંભળાવું છું. પછી સ્વામી નિખિલેશ્વરાનંદજી તેનો ગુજરાતી અનુવાદ કરી આપશે.
‘હે માતા સરસ્વતી! જેમ આ બ્રહ્માંડમાં દરેક પદાર્થો એકબીજાની આસપાસ ફરી રહ્યા છે, સૂર્ય ગેલેક્સીની આસપાસ ફરી રહ્યો છે, ચંદ્ર અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહ્યાં છે, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, નિહારિકાઓ, બધું જ ફરી રહ્યું છે, પદાર્થમાં ઈલેક્ટ્રોન પણ સતત ફરી રહ્યા છે, તેમ મારું મન પણ તમારી આજુબાજુ સતત ફર્યા કરે એવા આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થના છે.’ આપણે પણ દેવી સરસ્વતીને આ પ્રાર્થના કરીએ.
જીવનની મહત્ત્વની ઘટના
થોડા સમય પહેલાં મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો, ‘તમારા જીવનની સૌથી મહત્ત્વની ઘટના કઈ?’ તો એ ઘટના વિશે તમને વાત કરું છું. તે સમયે હું સ્કૂલમાં આઠમી કક્ષામાં ભણતો હતો. ૧૯૪૭, ૧૫મી ઓગસ્ટની રાત્રે ૧૨.૦૦ વાગ્યે આપણો રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવામાં આવ્યો. તે વખતે નહેરૂજીએ પ્રવચન આપ્યું. અંગ્રેજી ભાષામાં અને હિન્દી ભાષામાં. પરંતુ હું એ પ્રવચન બિલકુલ સમજી શક્યો નહિ. કેમ કે મને તામિલ સિવાય બીજી ભાષા આવડતી ન હતી. પરંતુ બીજે દિવસે છાપામાં બે ફોટોગ્રાફ્સ આવ્યા. એ બંને ફોટોગ્રાફ્સે મારા સમગ્ર જીવન પર ઘણી ઊંડી અસર કરી છે. તેમાં એક ફોટોગ્રાફ હતો યુનિયન-જેક બ્રિટિશ ફ્લેગ ઊતરી રહ્યો છે, અને ભારતનો રાષ્ટ્રધ્વજ ચઢી રહ્યો છે. પછી જવાહરલાલ નહેરુ પ્રવચન આપી રહ્યા છે. આપણે હવે આઝાદ થયાં છીએ. બ્રિટિશ ફ્લેગે હવે આ દેશમાંથી વિદાય લીધી, એનો અપૂર્વ રોમાંચ મારી વિદ્યાર્થી અવસ્થામાં મેં અનુભવ્યો. આઝાદીના એ ચિત્રને હું ક્યારેય ભૂલી શક્યો નથી. અને એ ફોટાની બાજુમાં જ બીજું ચિત્ર હતું જે મારા સમગ્ર જીવનકાળ દરમિયાન છવાયેલું રહ્યું છે. એ ચિત્રમાં હાથમાં લાકડી લઈને ભારતની આઝાદીનો મુખ્ય સૂત્રધાર ગરીબોને વચ્ચે ઘૂમી રહ્યો છે. મારા વિદ્યાર્થી માનસ ઉપર તેની એ અસર પડી કે અત્યારે આઝાદી મળી, સહુ કોઈ તેની ખુશીઓ મનાવી રહ્યા છે. કેટલાય નેતાઓ પોતપોતાનું સ્થાન મેળવવા દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે જેમણે ખરેખર આઝાદી અપાવી, એ મહામાનવ ગાંધી તો ગરીબોની વચ્ચે એનાં આંસુ લૂછવા ઘૂમી રહ્યો છે. નથી એને સ્થાન જોઈતું, નથી એને માન જોઈતું, નથી એને ભાષણ કરવાનું જોઈતું. આ જ સાચો મનુષ્ય અને સાચો નેતા કહેવાય. એવું એ સમયે મારા કિશોર મનમાં દૃઢ થઈ ગયું. પછી આ જ છબિ મારા મીડલ સ્કૂલ, હાઈસ્કૂલ અને કોલજકાળમાં અને જીવનપર્યંત માર્ગદર્શક બની રહી. સાચા નેતાનું ઉમદાપણું અને એનું વ્યક્તિત્વ કેવું હોય, એનો આદર્શ મને એ ચિત્રમાંથી મળ્યો.
યુવાનો સાથેની મુલાકાત શા માટે?
મને એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો હતો કે તમે શું કરવા આવ્યા છો? તમે યુવાનોને શા માટે મળો છો? નિવૃત્ત થયા પછી મેં એ નક્કી કર્યું છે કે એક વર્ષ દરમિયાન ઓગસ્ટ ૨૦૦૨ થી ઓગસ્ટ ૨૦૦૩ સુધીમાં એક લાખ યુવાનો અને તે પણ વીસ વર્ષથી નીચના હોય અને ખાસ કરીને ગામડાના હોય તેમનો પ્રત્યક્ષ સંપર્ક કરવો. તેમની સાથે વાર્તાલાપ કરવો. વિચારોનું આદાનપ્રદાન કરવું. આ કાર્યની પાછળ મુખ્ય ત્રણ કારણો રહેલાં છે. (૧) ૨૦ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓનું મન શુદ્ધ હોય છે. હજુ તેમાં દુનિયાની જટિલતા અને વિકૃતિઓ પ્રવેશેલી હોતી નથી. તેથી તેમનું મન ઊંચી કલ્પનાઓ કરી શકે છે. મહાન સ્વપ્નો સેવી શકે છે. રાજકોટમાં હતો. એક ચૌદ-પંદર વર્ષની વિદ્યાર્થિની મારા હસ્તાક્ષર લેવા આવી. ત્યારે મેં પૂછ્યું: ‘બેટા, તું શું બનવા ઇચ્છે છે? તેણીએ કહ્યું: ‘અંકલ, હું ડોક્ટર બનવા ઇચ્છું છું.’ મેં તેણીને પૂછ્યું: ‘શા માટે તું ડોક્ટર બનવા ઇચ્છે છે?’ એનો ઉત્તર સાંભળીને મને ખૂબ ખૂબ આનંદ થયો. તે સમાજમાં બધા લોકો માન આપે એટલે ડોક્ટર થવા નહોતી ઇચ્છતી. ખૂબ પૈસા મળે એટલે ડોક્ટર થવા નહોતી ઇચ્છતી, પણ તેણીએ જવાબ આપતાં કહ્યું: ‘હું ડોક્ટર બનીને લોકોનાં દુ:ખપીડાને ઓછાં કરવાં ઇચ્છું છું.’ એના આ જવાબે મારી શ્રદ્ધામાં ઉમેરો કર્યો કે આવાં યુવક-યુવતીઓ દ્વારા ભારત જરૂર ઝડપથી વિકસિત દેશ બની જશે. વીસ વર્ષથી નીચેના તરુણો-કિશોરોમાં સ્વપ્નાં છે, ઉચ્ચ જીવનની આકાંક્ષા છે અને દેશભક્તિની ભાવના છે. આવા યુવાનોને મારે સાંભળવા છે. (૨) બીજું કારણ, આવા યુવાનો સાથેની વાતચીતમાંથી મને પોતાને ઘણું શીખવા મળે છે. ઘણીવાર એવું બને કે તેઓ મારી ભાષા ન જાણતા હોય અને હું તેમની ભાષા ન જાણતો હોઉં અને છતાં અમે અરસપરસ સમજી જઈએ છીએ. ખરેખર આવા યુવાનો પાસેથી હું અત્યારે પણ ઘણું શીખી રહ્યો છું. ખાસ કરીને મારે ગ્રામ્ય યુવાનો સાથે વિશેષ વાર્તાલાપ કરવો છે. (૩) ત્રીજું કારણ એ કે આ યુવાનોના મન શુદ્ધ હોવાથી તેઓ મારી ભાવના ઝીલે છે, એટલું જ નહિ પણ એમનાં હૃદયમાં એનો પડઘો પડે છે. હું એક વૈચારિક અગ્નિ ફેલાવવા માગું છું. આ યુવાનોમાં એ અગ્નિ પ્રજ્વલિત થતાં પ્રચંડ ઊર્જા પ્રગટ થશે. એ દ્વારા જ ભારત ફરીથી જાગી ઊઠશે.
અત્યાર સુધીમાં હું ૨૨ હજાર આવા વિદ્યાર્થીઓને મળી ચૂક્યો છું. મારો સંદેશ એમના હૃદયમાં મૂકી શક્યો છું. યુવાનો માટેનું એક ગીત મેં બનાવ્યું છે, Song of Indiaનુંગાન એ યુવાનોનાં હૃદયમાં મારે મૂકવું છે. આ યુવાનો દ્વારા જ ભારત વિકસતા દેશમાંથી વિકસિત દેશ બની શકશે.
ભારત વિકસિત દેશ કેવી રીતે બની શકશે?
ભારતને ઝડપથી વિકસિત દેશ બનાવનારા ત્રણ મુખ્ય પરિબળો છે. (૧) સારું શિક્ષણ, (૨) ઉચ્ચ પ્રકારના વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ, (૩) જીવનનાં ઉચ્ચ મૂલ્યો.
આ ત્રણ પરિબળોને અગ્રીમતા આપી એ દિશામાં કાર્યાન્વિત થવા મેં સરકારને પણ અનુરોધ કર્યો છે. એ સ્તરે પણ હવે કાર્ય શરૂ થઈ રહ્યું છે. પણ યુવાનો દ્વારા જ ખરું કાર્ય થશે, એમ હું માનું છું. આ ઉપરાંત આપણે ઝડપથી આર્થિક વિકાસ કરવો પણ જરૂરી છે. એ માટે આપણે અનેક દિશામાં સઘનપણે કાર્ય કરવું જરૂરી છે.
સર્વ પ્રથમ આપણે ગરીબીની રેખાનો નીચેનો આંક દૂર કરવો જોઈએ. ગરીબોના જીવનધોરણના સ્તરને ઊંચે લાવવા માટે ભારે પરિશ્રમ કરવો પડશે. બીજું, કૃષિક્ષેત્રનો વિકાસ થાય તેવાં નક્કર પગલાં લેવાં પડશે. ત્રીજું, ફૂડ-હેલ્થ-કેરની યોજના અમલી બનાવવી પડશે. ચોથું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડશે. પાંચમું, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને સ્પેસ ટેક્નોલોજીના વિકાસપ્રત્યેને વધુ મહત્ત્વ આપવું પડશે. આ ટેક્નોલોજીકલ વિકાસમાં આપણે વિશ્વસ્તરીય કાર્ય કરવું પડશે. આ કાર્યો યુવાનો પોતાના હાથમાં ઉપાડી લે, એ સંદેશ આપવા માટે હું આવ્યો છું. યુવાનોને હાકલ કરવા આવ્યો છું કે મહાન ભારત બનાવવા માટે હવે તમારે કટિબદ્ધ થવાનું છે.
યુવાનોને પ્રશ્ન
મારા ૬૯મા જન્મદિવસે બઁગલોરમાં મારા મિત્રો મને ભેટ આપવા ઇચ્છતા હતા. એ ભેટ હતી વેબસાઈટની. તેમણે મારા જન્મદિવસની વહેલી સવારે એ વેબસાઈટ ‘apjabdulkalam@yahoo.com’ ખુલ્લી મૂકી. એમાં મેં દેશના યુવાનોને બે પ્રશ્નોનો ઉત્તર આપવા અનુરોધ કર્યો હતો. એ બે પ્રશ્નો આ હતા; એક તો એ કે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવા માટે શું કરશો? અને બીજા પ્રશ્ન હતો, ભારતના સ્વદેશગીત માટે તમે શું કામ કરશો?
અને એ પ્રશ્નોના જવાબમાં મને સેંકડો ઉત્તરો મળ્યા. અસંખ્ય યુવાન-યુવતીઓએ આ ઉત્તરોમાં પોતે દેશ માટે શું કરશે એ જણાવ્યું હતું. એમાંના ચાર વિદ્યાર્થીઓના ઉત્તરો મને એકદમ સ્પર્શી ગયા, તેની હું તમને વાત કરવા માગું છું.
(૧) એમાં એક શિલોંગનો યુવાન હતો. તેણે લખ્યું હતું કે હું શિક્ષક બનીને જ્ઞાનની જ્યોત જલાવીશ અને નિરક્ષરતા અને અજ્ઞાનનો નાશ કરી મારા દેશને મહાન બનાવીશ.
(૨) કેરાલાની છાત્રાનો પત્ર હતો, તેણે લખ્યું હતું: ‘હું પુષ્પ છું. પણ હું પુષ્પ જ નહિ પણ પુષ્પગુચ્છ બની, સૌની સાથે હળી મળી, એક બની ભારતની એકતા માટે પ્રયન્ત કરીશ.
(૩) ત્રીજો રાજસ્થાનનો યુવાન હતો. તેણે જણાવ્યું કે હું એક ઈલેક્ટ્રોન બનીશ. જે રીતે ઈલેક્ટ્રોન અવિરત ઘૂમ્યા કરે છે, તેમ હું અવિરત ફરીને દેશ સેવા કરતો રહીશ.
(૪) ઓટલાન્ટા – યુ.એસ.એ.ના એક છાત્રે લખ્યું હતું, ભારતના આર્થિક વિકાસ માટે હું બધું કરી છૂટીશ.
આ પત્રો દ્વારા યુવાનોની ભાવનાઓ, ઉદ્દેશો, રાષ્ટ્રભક્તિ, આદીનાં સ્વપ્નોનો મને પરિચય થાય છે, અને વીસ વર્ષમાં એટલે કે ૨૦૨૦માં ભારત સંપૂર્ણ વિકસિત દેશોની હરોળમાં હશે, એ મારું સ્વપ્ન સિદ્ધ થશે, એવી શ્રદ્ધા દૃઢ બને છે.
અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પણ મને મારી વેબસાઈટ ઉપર પત્ર મોકલી શકે છે. હું એનો જરૂર પ્રત્યુત્તર આપીશ. હવે Song of India દ્વારા બધા યુવાનો ભારતને મહાન બનાવવાની પ્રતિજ્ઞા લેશે.
સ્વદેશ ગીત :-
હું અને મારો દેશ,
ભારતનો યુવાગણ છે સંકલ્પબદ્ધ,
હું ભારતનો એક નવયુવક નાગરિક,
ટેક્નોલોજી અને જ્ઞાનથી પરિપૂર્ણ,
રાષ્ટ્રપ્રેમથી પરિપૂર્ણ,
ચાલ્યો જાઉં છું, આશાઓ લઈને,
જીવનસાર લઈને, અથાક્ પરિશ્રમ સાથે.
આજે મેં જાણ્યું,
તુચ્છ ઉદ્દેશ છે અપરાધ.
પ્રતિજ્ઞા છે, મહાન ઉદ્દેશના અથાક્ પ્રયત્નની.
એક જ લક્ષ્ય,
મહાન સશક્ત ભારત.
આર્થિક શક્તિ, આદર્શ મૂલ્યો,
ભૂગર્ભ, આકાશ, ધરાતલ,
અસીમ, સશક્ત ભારત.
વિકસિત રાષ્ટ્ર, પ્રજ્વલિત જ્યોતિ,
જ્ઞાનનો દીપક,
એક જ લક્ષ્ય,
વિકસિત મહાન ભારત.
(ડો. શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ આઝાદે પોરબંદરમાં રામકૃષ્ણ મિશન આયોજિત સભામાં આપેલું વ્યાખ્યાન)
સંકલન – શ્રી જ્યોતિબહેન થાનકી
Your Content Goes Here




