(ગતાંકથી આગળ)
નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો. અને આ બાજુ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને મળવા માટે વ્યાકુળ બનીને મા જગદંબાને વિનવી રહ્યા. ક્યારેક તો આ વ્યાકુળતા એવી તીવ્ર બની જતી કે તેઓ બગીચાના નિર્જન ભાગમાં દોડી જતા અને આંસુ વહાવતા-વહાવતા મોટેથી બોલવા લાગતા, “અરે! ઓ પ્રિય! તું મારી પાસે આવ, તારા દર્શન વગર હું રહી શકતો નથી, ઓ નિર્દયી! તું કેમ આવતો નથી? તને જોયા વગર મારા પ્રાણ તરફડે છે” અને પછી કલકત્તાથી જે કોઈ આવે એમને કહેતા, “નરેન્દ્રને કહેજો કે જલદી દક્ષિણેશ્વર આવે.”
તે રાત્રે બાબુરામ અને રામદયાલબાબુ દક્ષિણેશ્વરમાં રોકાયા હતા. તેઓ આગળની ઓસરીમાં સૂવા માટે ગયા. હજુ સૂવા ગયાને એક કલાક પણ પૂરો વીત્યો ન હતો ત્યાં શ્રીરામકૃષ્ણ એમની પથારી પાસે આવીને ઊભા રહ્યા ને બોલ્યા; “સૂઈ ગયા છો કે?” ઠાકુરનો અવાજ સાંભળતા બંને પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, “ના જી. ત્યારે શ્રીરામકૃષ્ણે એ બંનેને કહ્યું, “જુઓને, નરેન માટે જાણે કોઈ ગમછો નીચોવી રહ્યું હોય એવી વેદના અંતરમાં થાય છે. તેને એકવાર મળવા આવવાનું કહેજો. તે શુદ્ધ સત્ત્વગુણનો આધાર છે. સાક્ષાત્ નારાયણ છે. એને જોયા વગર હું રહી શકતો નથી.” આમ કહીને જતા રહ્યા. ફરી થોડીવાર થઈ ત્યાં પાછા આવ્યા ને ફરી એની એ જ વાત કરી. આમ તે આખી રાત્રી આમ જ વીતી. નરેનને મળવા માટેનો શ્રીરામકૃષ્ણનો તલસાટ જોઈને બાબુરામને થયું કે “કેવો અદ્ભુત છે એમનો પ્રેમ! પણ જેમના માટે તેઓ આટલા વ્યાકુળ છે, તે વ્યક્તિ તે કેવી કઠોર હશે!”
એક મહિના બાદ નરેન્દ્ર જ્યારે દક્ષિણશ્વર આવ્યા ત્યારે શ્રીરામકૃષ્ણની પ્રસન્નતાનો પાર ન રહ્યો. એમને પ્રેમપૂર્વક આવકારી પોતાની સમીપ બેસાડ્યા અને જેવા નરેન્દ્ર એમની પાસે બેઠા કે તુરત જ તેઓ ભાવાવેશમાં આવી ગયા. તેઓ એકીટશે નરેન્દ્રની સામે જોવા લાગ્યા. નરેન્દ્રને થયું કે તેઓ પહેલાંની માફક વિચિત્ર વર્તન કરશે, પણ તેમણે તો સીધો નરેન્દ્રની છાતી ઉપર પોતાનો જમણો પગ મૂકી દીધો. એ સ્પર્શ થતાં જ નરેન્દ્ર ઉઘાડી આંખે જોયું કે દીવાલો અને ઓરડામાંની તમામ વસ્તુઓ ફરવા લાગી અને પછી બધી શૂન્યમાં લય પામવા લાગી. તેમનું અસ્તિત્વ સુધ્ધાં શૂન્યમાં લય પામવાની અણી ઉપર હતું અને એમ જ થઈ ગયું હોત પણ ત્યારે તેઓ ભયભીત બનીને બોલી ઊઠ્યા, “અરે, આ તમે શું કરો છો? ઘરે મારાં માતાપિતા છે.” આ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ મોટેથી હસી પડ્યા અને નરેન્દ્રની છાતી પર હાથ ફેરવીને આ અનુભવનું શમન કરી દીધું ને કહ્યું: “ભલે, હમણાં બધું બંધ રહે. વખત આવ્યે બધું થઈ રહેશે” અને નરેન્દ્ર સ્વસ્થ બની ગયા. બધી વસ્તુઓ પૂર્વવત્ બની ગઈ. પરંતુ આ અનુભવે એમના ચિત્તમાં ભારે હલચલ મચાવી દીધી. તેમને થયું કે આ ખરેખર અદ્ભુત મહાન પુરુષ છે. જેમના સ્પર્શમાત્રથી શૂન્યની અનુભૂતિ થઈ આવી અને પાછી અલોપ થઈ ગઈ એ કંઈ સામાન્ય મહાપુરુષ નથી. આ તેમણે કેવી રીતે કર્યું? એનો ખુલાસો તેમની પ્રખર બુદ્ધિ પાસે નહોતો. જેમને પોતે પાગલ માન્યા હતા એ પુરુષની આ તે કેવી શક્તિ તે તેમને શૂન્યમાં લય કરી દીધા! આથી એમણે હવે એટલું તો નક્કી કરી જ લીધું કે આ અદ્ભુત મહાપુરુષથી હવે સાવધ રહેવું અને બીજીવાર તેમને આવી તક ન આપવી.
થોડા દિવસ બાદ જ નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને વચન આપ્યા પ્રમાણે જલદીથી દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. પણ આ વખતે તેમણે મન સાથે નક્કી કર્યું હતું કે, “પૂરેપૂરી સાવધાની રાખીશ અને કોઈ પણ રીતે એમના પ્રભાવ હેઠળ નહીં આવું.” આથી શ્રીરામકૃષ્ણે જ્યારે એમને કહ્યું, “ચાલ આપણે યદુમલ્લિકના બગીચામાં ફરવા જઈએ. ત્યારે એમણે ઠાકુરની સાથે બગીચામાં જવાનું આનંદથી સ્વીકારી લીધું કે, “રખેને, ઓરડામાં ઠાકુરની પાસે રહે તો તેઓ કંઈક કરી બેસે. એના કરતાં બગીચામાં ફરવું સારું. પણ બગીચામાં એક સ્થળે શ્રીરામકૃષ્ણ તો સમાધિસ્થ થઈ ગયા અને એ સ્થિતિમાં તેમણે નરેન્દ્રને સ્પર્શ કરી જ લીધો અને જેવો એ સ્પર્શ થયો કે નરેન્દ્રની બાહ્યચેતના લુપ્ત થઈ ગઈ. તેના સાવધ રહેવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. ને તેઓ પણ ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. કેટલો સમય આ રીતે સમાધિમાં વીત્યો તેનું તેમને ભાન જ ન રહ્યું અને જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણ એમની છાતી પર હાથ ફેરવી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણને નરેન્દ્ર વિષે જે જાણવું હતું તે તેમણે જાણી જ લીધું. નરેન્દ્રની આ સમાધિની સ્થિતિ દરમિયાન તેમણે તેમનો પૂર્વવૃત્તાંત, ઉદ્ભવસ્થાન, આ જગતમાં તેમણે કરવાનું કાર્ય, આ બધા વિષે પ્રશ્નો પૂછીને સઘળું જાણી લીધું અને તેમને ખાતરી થઈ ગઈ કે, “નરેન્દ્ર તો પૂર્ણ અવસ્થાએ પહોંચેલા ધ્યાનસિદ્ધ ઋષિ છે.” એ પછી તેઓ નરેન્દ્રને ખબર પણ ન પડે એ રીતે એને એના જીવનકાર્ય માટે ઘડવા લાગ્યા.
જેમ-જેમ નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવવા લાગ્યા તેમ-તેમ શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક શક્તિનો પણ તેમને પરિચય થવા લાગ્યો. તેમને એ વાતની સ્પષ્ટ પ્રતીતિ થઈ ગઈ કે, “તેઓ અત્યાર સુધીમાં જેટલા સંત મહાત્માઓને મળ્યા છે, તેમાં આ મહાત્મા અદ્વિતીય છે. તેના જેવા પ્રખર બુદ્ધિશાળીના મનને જેઓ માટીના પિંડાની જેમ ગુંદી શકે છે, જેઓ સ્પર્શમાત્રથી દિવ્ય અનુભૂતિઓ કરાવી શકે છે. જેમનો ત્યાગ અપૂર્વ છે, સંયમ કઠોર છે, પ્રેમ અલૌકિક છે, વાણી સત્યમયી છે, સ્થિતિ ઉચ્ચ આધ્યાત્મિક છે.” એવા આ મહાપુરુષનું સાંનિધ્ય હવે નરેન્દ્રને ગમવા લાગ્યું. એમના અંતરમાં હવે આ અદ્ભુત પુરુષ માટે આકર્ષણ થવા લાગ્યું. એમની સમીપ રહેવા માટે એમનું મન હવે ઝંખના કરવા લાગ્યું. છતાં પણ એમણે પોતાના મન સાથે નક્કી કર્યું કે શ્રીરામકૃષ્ણની વાતો ગમે તેટલી મહાન કેમ ન હોય, પણ તેઓ વિચાર્યા વગર અને અનુભવ્યા વગર તેમનો બિલકુલ સ્વીકાર નહીં કરે. કસોટીએ ચઢાવ્યા બાદ એમને જે સાચું લાગશે, એ જ ગ્રહણ કરશે ને બીજાં બધાંની ઉપેક્ષા કરશે. આમ હજુય એમના મનમાં સંશયની દુર્ભેદ્ય દિવાલ અડીખમ હતી. તો સામે શ્રીરામકૃષ્ણના હૃદયમાંથી વહેતી દિવ્યપ્રેમની અસ્ખલિત ધારાઓએ આ દિવાલને કોરીને નરેન્દ્રના અંત:સ્તલમાં જવાનો માર્ગ કરી જ લીધો.
નરેન્દ્ર નથી માનતા ઈશ્વરમાં કે નથી માનતા અવતારમાં. મૂર્તિપૂજાની તો એમની પાસે વાત જ કરી શકાતી નથી. તેમનું બળવાખોર મન ક્યારે વિદ્રોહ કરી બેસે એ પણ કહી શકાતું નથી. વળી પ્રત્યક્ષ અનુભવ વગર તો તેઓ કશાયનો સ્વીકાર પણ કરતા નથી. તેથી શું થયું? ઊલટું એથી તો શ્રીરામકૃષ્ણ એમને વધુ ઉત્કટપણે ચાહવા લાગ્યા. કેમકે તેઓ નરેન્દ્રની આંતરિક શક્તિઓને, પ્રભુને પામવાની એની પ્રબળ ઝંખનાને અને તેના ભાવિકાર્યને જાણતા હતા અને એટલે જ તેમનો સર્વપ્રકારે – આંતર – બાહ્ય પૂર્ણ વિકાસ થાય, તેમજ તેમની પ્રખર બુદ્ધિ આત્માનુભૂતિના પ્રકાશથી પ્રકાશતી થાય એ માટે તેઓ એમને મોકળું મેદાન આપતા હતા. પોતાના ઉપરનો આવો અનહદ પ્રેમભાવ જોઈને નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને કહેતા કે, “તમે મારામાં આસક્ત બની ગયા છો.” નરેન્દ્ર આ પ્રકારે વિચારે એ સ્વાભાવિક પણ હતું.
કેટલાય દિવસો સુધી શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વરમાં નરેન્દ્રની રાહ જોઈ. પણ ત્યારે નરેન્દ્ર દક્ષિણેશ્વર જઈ શક્યા નહીં. ઠાકુરે ઘણા લોકો સાથે સંદેશાઓ મોકલાવ્યા તોય નરેન્દ્ર આવ્યા નહીં. એટલે શ્રીરામકૃષ્ણે વિચાર્યું, “એ નથી આવતો તો કંઈ નહીં, હું એને મળવા કલકત્તા જઈશ” અને તેઓ કલકત્તામાં બ્રાહ્મોસમાજની સાંજની પ્રાર્થના સભામાં જઈ પહોંચ્યા કેમ કે તેમને ખબર હતી કે નરેન્દ્ર ત્યાં હશે જ. તેમણે અર્ધસમાધિની સ્થિતિમાં પ્રાર્થનાસભામાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાં ઉપાસના ચાલતી હતી. આવી રીતે શ્રીરામકૃષ્ણ એકાએક ત્યાં આવ્યા એ ત્યાનાં સંચાલકોને ગમ્યું નહીં. એવામાં શ્રીરામકૃષ્ણદેવ સમાધિસ્થ થઈ જવાથી સભાનું કુતૂહલ વધ્યું અને સભામાં અવ્યવસ્થા સર્જાઈ ગઈ. બધા હસવા લાગ્યા. નરેન્દ્ર ગાયક મંડળીમાં હતા. તેમણે આ જોયું. તેઓ દોડતા ગયા ને શ્રીરામકૃષ્ણને સંભાળી લીધા અને તેમને પાછલે બારણેથી બહાર લઈ ગયા. શ્રીરામકૃષ્ણને તેનો નરેન મળી ગયો. એમનો આવવાનો હેતુ સિદ્ધ થઈ ગયો. પછી લોકોને ભલેને જેમ બોલવું હોય તેમ બોલે એથી એમને શું? પછી તો તેઓ નરેનને પોતાની સાથે દક્ષિણેશ્વર લઈ ગયા.
પોતા પરના આવા અતિપ્રેમને જોઈને નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને કહ્યું, “તમારું ભરત રાજા જેવું થશે. તમને મારામાં આટલાં બધાં મોહ ને આસક્તિ છે.”
“એમ કે? તારો વિયોગ મને અસહ્ય થઈ પડે છે, તો મારું શું થશે? પણ ઊભો રહે. હું માને પૂછી આવું.” તેઓ કાલીમંદિરમાં ગયા ને થોડીવાર પછી હસતા-હસતા પાછા આવ્યા અને નરેન્દ્રને કહ્યું, “જા, જા, હું તારું કહેવું હવે બિલકુલ સાંભળવાનો નથી. મા કહે છે, મારો તારા ઉપર પ્રેમ છે, તેનું કારણ હું તારામાં પ્રભુનું દર્શન કરું છું, તે છે અને જે દિવસે તારામાં મને પ્રભુનું દર્શન થતું બંધ થશે, તે દિવસે તારું મોઢું પણ જોવું અસહ્ય થઈ પડશે.” આમ કહીને એમણે નરેન્દ્રની મોહ અને આસક્તિની વાતને હંમેશ માટે ઉડાવી દીધી.
એક દિવસ કલકત્તાથી આવીને નરેન્દ્રે કહ્યું; “ઠાકુર, આજે હું હોટેલમાં નિષિદ્ધ અન્ન ખાઈને આવ્યો છું,”
“તો શું થયું? તારા ઉપર એની કંઈ જ અસર નહીં થાય.” “અરે, ઠપકો આપવાને બદલે ઠાકુર આ શું કહી રહ્યા છે? એમનો મારા ઉપર આટલો બધો વિશ્વાસ કે આવા ખોરાકની મારા ઉપર બિલકુલ અસર નહીં થાય!” ઠાકુરના આવા વિશ્વાસથી નરેન્દ્ર ગદ્ગદિત બની ગયા. ત્યાં તો શ્રીરામકૃષ્ણ બોલ્યા, “હા, જો અહીં બેઠેલામાંથી કોઈએ પણ આમ કર્યું હોત તો હું એમનો સ્પર્શ પણ સહન કરી શકત નહીં. પણ આ તો નરેન્દ્ર છે. નિત્યસિદ્ધ છે. એ કંઈ પણ અપવિત્ર આહાર લે તો એનો પ્રદીપ્ત જ્ઞાનાગ્નિ એ આહારને ભસ્મસાત્ કરી નાખે છે. આહારની અશુદ્ધિ એના શુદ્ધચિત્તને કદાપિ મિલન કરી શકે નહીં.”
શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. વિચારની, વાણીની, વર્તનની. તેમણે કદી કોઈપણ બાબતમાં એમને ફરજ પાડી ન હતી. ક્યાંય બંધન નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ રોકટોક નહીં, કોઈ આશા નહીં અને છતાં એક એવું અનોખું પ્રેમબંધન હતું, કે જે છોડીને નરેન્દ્ર ક્યાંય જઈ શક્યા નહીં. મુક્તિમાં પણ એક એવો સ્નેહપાશ હતો, કે જે એમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે જકડી રાખતો હતો. આ વિષે સ્વામી વિવેકાનંદે પાછળથી માસ્ટર મહાશયને કહ્યું હતું; “હું મારી મરજી પ્રમાણે કામ કરતો. પણ તેઓ મને ક્યારેય કશું કહેતા નહીં. હું બ્રહ્મસમાજનો સભ્ય થયો હતો. એમને ખબર હતી કે ત્યાં સ્ત્રીઓ આવે છે અને સ્ત્રીઓની સામે બેસીને ધ્યાન કરી શકાય નહીં. એટલે એ પ્રથા ઠાકુર નાપસંદ કરતા. તો પણ તેઓ મને કંઈ જ કહેતા નહીં.” શ્રીરામકૃષ્ણ સાધનાની આચારસંહિતાના કોઈ નિયમો નરેન્દ્ર પર લાદ્યા ન હતા છતાં પણ તેઓ નરેન્દ્રના ફક્ત બાહ્ય વર્તનથી જ નહીં પણ આંતરિક વિચારો અને વૃત્તિઓથી પણ માહિતગાર હતા. આ વિષે પણ સ્વામી વિવેકાનંદે માસ્ટર મહાશયને કહ્યું હતું; “ઠાકુરનો મારા ઉપર એટલો પ્રેમ ભલે હોય, પણ જેવો અપવિત્ર વિચાર મારા મનમાં આવ્યો કે તુરત જ તેમણે તે પકડ્યો છે… ક્યારેક-ક્યારેક તો મને એવી અશ્રદ્ધા થઈ જતી કે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. હું સંપૂર્ણ નાસ્તિક બની ગયો હતો. તો પણ ઠાકુરે મારી સઘળી અપૂર્ણતાઓ અને મર્યાદાઓને સ્વીકારીને મને ભરપૂર પ્રેમ આપ્યો છે.”
તે દિવસો નરેન્દ્રના નિરાશાના, ઉદ્વેગના અને હતાશાન હતા. પિતાના અવસાન પછી ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ હતી. નરેન્દ્રને અનેક ધક્કા ખાવા છતાં ક્યાંય નોકરી મળતી ન હતી. આથી તેઓ ઈશ્વર છે જ નહિ એમ જોરશોરથી સહુને કહેવા લાગ્યા હતા. શ્રીરામકૃષ્ણના શિષ્યોએ પણ નરેન્દ્રના મુખે નાસ્તિકતાની વાતો સાંભળ હતી. તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું પણ ખરું કે, “નરેન્દ્રનું આવું પતન થશે, એ તો અમે માન્યું જ ન હતું. એ તો હળાહળ નાસ્તિક બની ગયો છે.” નરેન્દ્ર વિષે આવું સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા, “તું શું બોલે છે, તેનું તને ભાન છે? માએ મને કહ્યું છે કે નરેન કદી ખોટા માર્ગે જશે નહીં. જો ફરી તેં આવી વાત કરી છે, તો હું તારું મોઢું નહીં જોઉં.” ફરિયાદી તો આ સાંભળીને સ્તબ્ધ બની ગયો. પણ જ્યારે નરેન્દ્રને આ સમાચાર મળ્યા ત્યારે એનો સઘળો રોષ રુદનમ પલટાઈ ગયો. “મારી આવી સ્થિતિમાં ય ઠાકુરનો મારા પર આટલો અટલ વિશ્વાસ! દુનિયામાં એક વ્યક્તિ તો એવી છે કે જે મને અંતરથી બરાબર ઓળખી શકી છે અને મારું બહારનું વર્તન ગમે તેવું હોવા છતાં પણ એના વિશ્વાસમાં તસુભાર પણ ઘટાડો થતો નથી.” શ્રીરામકૃષ્ણના આવા નિર્વ્યાજ પ્રેમે તો એમને એ સમયે સંસાર છોડી ભાગી જતાં પણ રોકી લીધા હતા.
પિતાના અવસાન બાદ નરેન્દ્ર દુન્યવી દુ:ખોથી એટલા બધા ઘેરાઈ ગયા હતા કે તેમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે સંસાર છોડીને ચાલ્યા જવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ તે દિવસે શ્રીરામકૃષ્ણ કલકત્તામાં આવવાના છે, તેવા તેમને સમાચાર મળ્યા. એટલે એમણે વિચાર્યું કે ગુરુદેવના દર્શન કરીને પછી સીધો ક્યાંક દૂર દૂર ચાલ્યો જઈશ. આમ વિચારીને તેઓ શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા ગયા. એમને જોતાં જ શ્રીરામકૃષ્ણ પ્રસન્ન થઈને બોલી ઊઠ્યા, “અરે નરેન આવી ગયો કે?” ખબર અંતર પૂછીને પછી એમણે કહ્યું, “આજે તારે મારી સાથે દક્ષિણેશ્વર આવવાનું છે અને ત્યાં મારી સાથે જ રાત રોકાવાનું છે.”
“શું ઠાકુરને મારા ઈરાદાની ખબર પડી ગઈ હશે?” નરેન્દ્ર વિચારી રહ્યા અને પછી તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું, “આજે તો હું તમને પ્રણામ કરવા આવ્યો છું. આજે નહીં આવું આજે મારે બહાર જવું છે.”
“તારે જ્યાં જવું હોય ત્યાં પછીથી જજે. આજે તો હું તને લીધા વગર જવાનો જ નથી.” નરેન્દ્રને સંસાર છોડીને દૂરદૂર જ ચાલ્યા જવું હતું, તેને બદલે પહોંચી ગયા શ્રીરામકૃષ્ણે સાથે દક્ષિણેશ્વરમાં. ત્યાં સઘળા ભક્તોની વચ્ચે નરેન્દ્રના હાથને હાથમાં લઈને શ્રીરામકૃષ્ણે ભાવાવેશમાં ગીત ગાયું;
વાત કહેતાં ય ડરું છું.
અને ન કહેતાં ય ડરું છું
મારા મનમાં ભય છે,
હાય રાધે! ક્યાંક તને હું ખોઈ ન બેસું.
શ્રીરામકૃષ્ણને જે કહેવું હતું તે તેમણે આ ગીત દ્વારા કહી દીધું. હવે નરેન્દ્રને સ્પષ્ટપણે ખાતરી થઈ ગઈ કે ગુરુદેવ એમના સંસારત્યાગની ઈચ્છાને જાણી ગયા છે. એટલે એમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ઠાકુરની આંખમાંથી પણ આંસુઓ વહેવાં લાગ્યાં. ત્યાં હાજર રહેલા ભક્તો આશ્ચર્યમાં પડી ગયા કે એવી કશીય વાતચીત પણ થઈ નથી અને આ બંને એકાએક કેમ રડવા લાગ્યા? ભક્તોએ શ્રીરામકૃષ્ણને આ વિષે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, “એ તો મારી અને એની વચ્ચે કંઈક બની ગયું.” પછી જ્યારે બધા ચાલ્યા ગયા ને નરેન્દ્ર ઠાકુર પાસે એકલા હતા ત્યારે ઠાકુરે એમને કહ્યું: “હું જાણું છું કે તું જગંદબાનું કાર્ય કરવા આવ્યો છે અને સંસારી જીવન જીવી શકીશ નહીં. પરંતુ હું જીવું છું, ત્યાં સુધી તું થોભી જા. મારે ખાતર તું રહી જા.” આમ કહી ઠાકુર ફરી રડી પડ્યા અને ઠાકુરના આ અપૂર્વ સ્નેહે નરેન્દ્રને દૂરદૂર ચાલ્યા જતા રોકી લીધા.
શ્રીરામકૃષ્ણના આ નિ:સ્પૃહ, નિર્મલ પ્રેમે તો નરેન્દ્રને ઘોર નાસ્તિકતાના પથ પરથી ભગવત્ સાક્ષાત્કારના માર્ગ પર લાવી દીધા. બુદ્ધિ અને તર્કની અવાસ્તવિક દુનિયામાંથી સઘન આધ્યાત્મિક અનુભૂતિઓની દુનિયામાં મૂકી દીધા. મૃણ્મય મૂર્તિમાં ચિન્મય સ્વરૂપને નિહાળતા ને અનુભવતા કરી દીધા. શ્રીરામકૃષ્ણના આ અદ્ભુત અને અનન્ય પ્રેમની વાત સ્વામી વિવેકાનંદે ગદ્ગદ્ કંઠે પોતાના ગુરુભાઈઓને કરતાં જણાવ્યું હતું; “મને મળ્યા તે ક્ષણથી માંડીને શરૂઆતથી તે છેક સુધી જો કોઈએ મારામાં એક એવો વિશ્વાસ મૂક્યો હોય તો તે એકલા શ્રીરામકૃષ્ણ જ હતા. મારી માતા તથા ભાઈઓએ પણ મારામાં એવો વિશ્વાસ મૂક્યો ન હતો. મારા પ્રત્યે એમણે જે અખૂટ વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યા તેનાથી જ હું સદાને માટે એમની પાસે બંધાઈ રહ્યો. બીજા માણસને કેમ ચાહવો એ તો એકલા તેઓ જ જાણતા હતા. સંસારીઓ તો માત્ર સ્વાર્થ સાધી લેવા પ્રેમનો ડોળ જ કરતા હોય છે.”
શ્રીરામકૃષ્ણે પોતાના અંતરના સમગ્ર પ્રેમથી સંશય, નાસ્તિકતા અને બ્રહ્મસમાજના સંસ્કારો વચ્ચે અટવાતા મેધાવી યુવાન નરેન્દ્રની આંતરશક્તિઓને જાગૃત કરી. એમની આંતર-ચેતનાને સાચા શાનથી પ્રજ્જ્વલિત કરી. ઈશ્વર-પ્રાપ્તિની એમની ઝંખનાની આડે રહેલાં તમામ આવરણોને હટાવી દીધાં. આધ્યાત્મિક અનુભૂતિઓના પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા એમના મનમાં સઘળા સંશયોને નિર્મૂળ કર્યા. જેમ-જેમ તેમની આંતરિક શક્તિઓ વિકસતી ગઈ તેમ-તેમ તેઓ તેમના પર વિશેષ જવાબદારીઓ મૂકતા ગયા અને જ્યારે એમને લાગ્યું કે હવે નરેન જગદંબાના કાર્ય માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, ત્યારે પોતાની જીવનભરની સાધનાની સકલ સિદ્ધિઓ અને શક્તિઓ તેને આપીને પોતે સાવ અકિંચન બની ગયા.
શ્રીરામકૃષ્ણના આવા અપૂર્વપ્રેમે તો નરેન્દ્રમાંથી સમગ્ર વિશ્વની જડતાને હચમચાવી નાખનાર અને વિશ્વમાં જ્ઞાન અને શક્તિને પુન: જાગૃત કરનાર વિશ્વવંદ્ય વિભૂતિ વિવેકાનંદને સર્જ્યા.
શ્રીરામકૃષ્ણના નરેન્દ્રનાથ પરના આવા અલૌકિક પ્રેમના સાક્ષી શ્રીરામકૃષ્ણના ગૃહસ્થભક્ત મહેન્દ્રનાથ ગુપ્તે લખ્યું છે;
“ધન્ય નરેન્દ્રનાથ, તમારા ઉપર પુરુષોત્તમનો આટલો પ્રેમ! તમને જોઈને તેમને આટલું સહેજે ઈશ્વરનું ઉદ્દીપન – ધન્ય છો તમે.”
Your Content Goes Here




