“મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને કેટલો વખત થઈ ગયો? એ તો અહીં આવતો જ નથી. મા, તું એને કહેને કે એ અહીં આવી જાય.” દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં જગંદબા કાલી પાસે અશ્રુભર્યાં હૃદયે શ્રીરામકૃષ્ણ આજીજી કરી રહ્યા હતા. જેમને મળવા માટે એમનું સમસ્ત અંતર આટલું બેચેન બની ગયું હતું તે હતા કલકત્તાના વકીલ વિશ્વનાથ દત્તના યુવાન પુત્ર નરેન્દ્રનાથ કે જેઓ પહેલી જ દૃષ્ટિમાં શ્રીરામકૃષ્ણના હૃદયમાં વ્યાપી ગયા હતા.

પરંતુ શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શનના સમયે નરેન્દ્રનાથ પોતે કંઈ શ્રીરામકૃષ્ણથી આકૃષ્ટ થયા ન હતા. નરેન્દ્રને શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં થયું હતું. ઈ.સ. ૧૮૮૧ના નવેમ્બરના કોઈ એક દિવસે સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ પણ ત્યાં કૃપા કરીને પધાર્યા હતા. સુરેન્દ્રનાથ મિત્ર ભજન ગાવા માટે નજીકમાં રહેતા યુવાન નરેન્દ્રને બોલાવી લાવ્યા. પણ આ શું? શ્રીરામકૃષ્ણ તો આ યુવાનને જોતાં જ મુગ્ધ બની ગયા. એમના અંતરમાં પ્રસન્નતાની લહેરો ઊઠવા લાગી. “અંતરને આનંદથી ભરી દેનારો આ યુવાન કોણ છે?”સુરેન્દ્રનાથ મિત્રને એમણે પૂછ્યું. પછી તો એક સામટા અનેક પ્રશ્નો – ‘એ ક્યાં રહે છે? શું કરે છે? એનાં માતાપિતા કોણ છે?’વગેરે પૂછી નાખ્યા. આમ સુરેન્દ્રનાથ પાસેથી તે યુવાન વિષેની સઘળી માહિતી તો શ્રીરામકૃષ્ણે મેળવી લીધી પણ તો યે એમને સંતોષ ન થયો એટલે એમણે રામબાબુને બોલાવ્યા. રામબાબુ નરેન્દ્રના પિતાના આશ્રિત તરીકે એમને ઘરે ઘણો સમય રહ્યા હતા. એટલે એમની પાસેથી પણ એમણે નરેન્દ્ર વિષે વધારાની ઘણી માહિતી મેળવી લીધી. અને ત્યાંભજન શરૂ થયાં. નરેન્દ્રના બુલંદ કંઠે ભાવવાહી ભજનની પહેલી કડી હજુ પૂરી ગવાઈ ન હતી ત્યાં તો શ્રીરામકૃષ્ણ ભાવસમાધિમાં ડૂબી ગયા. ભજન પૂરું થયું ત્યારે તેઓ ભાવસમાધિમાંથી જાગ્યા અને ઊભા થઈને તેઓ તો નરેન્દ્રનાથ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયા ને તેમના અંગોનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. “આ મહાત્મા તેમની સામે આવી રીતે કેમ જોઈ રહ્યા છે?”નરેન્દ્રને આ વર્તન જરા વિચિત્ર લાગ્યું. પણ તેઓ કંઈ જ બોલ્યા નહીં. પણ ત્યાં તો એ મહાત્માએ નરેન્દ્રની સાથે સીધી વાતો કરવી જ શરૂ કરી અને હવે એમણે ત્રીજી વખત નરેન્દ્રના મુખે એનો પરિચય મેળવ્યો. ત્યારે જ એમને સંતોષ થયો. પછી એમણે અત્યંત વહાલપૂર્વક નરેન્દ્રને કહ્યું:“બેટા, દક્ષિણેશ્વર આવજે.” જાણે પોતાની ચિરપરિચિત વ્યક્તિને પોતાની પાસે આવવા આમંત્રણ આપતા ન હોય એટલી સાહજિકતાથી શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને દક્ષિણેશ્વર આવવા કહ્યું. આ હતી નરેન્દ્રનાથની શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત.

પરંતુ આ પ્રથમ મુલાકાત નરેન્દ્રના હૃદયમાં શ્રીરામકૃષ્ણ પ્રત્યે કોઈ વિશિષ્ટ આકર્ષણ જગાવી શકી ન હતી. બ્રાહ્મસમાજના સંસ્કારોની પ્રબળ અસર, પાશ્ચાત્ય કેળવણીનો પ્રચંડ પ્રભાવ અને અનેક મહાત્મા, તેમ જ સાધુપુરુષોની સાથેની મુલાકાતોએ આપેલી નિરાશાને લઈને નરેન્દ્રનાથને પ્રથમ મુલાકાતે દક્ષિણેશ્વરના આ સંતમાં આકૃષ્ટ થવા જેવું કંઈ લાગ્યું નહીં અને તેઓ પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત બની ગયા.

“જો નરેન, તને સાચોસાચ ધર્મપ્રાપ્તિની ઇચ્છા થતી હોય તો તું એકવાર દક્ષિણેશ્વરમાં ઠાકુર પાસે જઈ આવ.” રામચંદ્ર દત્ત નરેન્દ્રના ઘરે વરસો સુધી રહ્યા હતા એટલે તેઓ નરેન્દ્રની સાંસારિક જીવન પ્રત્યેની ઉદાસીનતાથી સારી રીતે પરિચિત હતા. વળી તેઓ પોતે પણ વારંવારદક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણ પાસે જતા આવતા હતા. આથી એમણે એક દિવસ નરેન્દ્રને દક્ષિણેશ્વર આવવા આગ્રહ કર્યો. પણ નરેન્દ્રને અંતરમાં શ્રીરામકૃષ્ણને મળવા માટેની એવી કોઈ તાલાવેલી હજુ જાગી ન હતી. એટલે ત્યારે તો તેઓ એટલું જ બોલ્યા, “ભલે, ક્યારેક આવીશ”પણ પેલી બાજુ નરેન્દ્રને એકવખત જોયા પછી શ્રીરામકૃષ્ણદેવ તો તેને મળવા આતુર બની ગયા હતા અને તેના દક્ષિણેશ્વર આવવાની રાહ જોઈ રહ્યા હતા.

અને એ દિવસ પણ આવી પહોંચ્યો. ઈ.સ.૧૮૮૧ના પોષ મહિનાના કોઈ એક દિવસે સુરેન્દ્રનાથ અને રામબાબુ સાથે શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને દૂરથી જ આવતો જોયો અને એમનું સમગ્ર અંતર અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું. જેની તેઓ આટલા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એ આખરે આવી પહોંચ્યો હતો! તેને વહાલથી પોતાની પાસે બેસાડીને શ્રીરામકૃષ્ણે ભજન ગવડાવ્યાં. નરેન્દ્રના કંઠે‘મન ચલો નિજ નિકેતન’આ કડી સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં સરી પડ્યા. જયારે ભજન પૂરું થયું ત્યારે જ તેઓ સમાધિમાંથી જાગ્યા. પછી તેમણે ત્યાં બેઠેલા કોઈ પણ ભક્તોની પરવા કર્યા વગર નરેન્દ્રનો હાથ પકડીને તેને ઊભો કર્યો અને કહ્યું; “મારી સાથે ચાલ.” ત્યારે નરેન્દ્રને મનમાં એમ થયું કે તેઓ તેને એકાંતમાં કંઈ ઉપદેશ આપવા ઇચ્છતા હશે. એટલે બધાથી અલગ લઈ જઈ રહ્યા છે. એથી તેઓ એમની સાથે ગયા. શ્રીરામકૃષ્ણ તો એમને ઉત્તર તરફની ઓસરીમાં લઈ ગયા અને ત્યાંનું બારણું કર્યું બંધઅને પછી નરેન્દ્રના બંને હાથને પોતાના હાથમાં પકડીને આંસુભરી આંખે કહેવા લાગ્યા; “અરેરે, આટલું મોડું અવાય કે? આટલી બધી રાહ જોવડાવવા જેટલો નિર્દય તું કેમ બન્યો? સંસારી લોકોની અપવિત્ર વાતો સાંભળી સાંભળીને મારા કાન સળગી ગયા છે. મારી અનુભૂતિને ઝીલી શકે એવી કોઈ વ્યક્તિ આગળ મારા મનનો ભાર હળવો કરવા હું મથી રહ્યો છું.” આંખમાંથી આંસુની ધાર ચાલીને તેઓ તો નરેન્દ્રના હાથ પકડીને કંઈકંઈ બોલવા લાગ્યા“અરે પ્રભુ, હું જાણી ગયો છું, તમે પ્રાચીન ઋષિ નરનારાયણનો અવતાર છો. માનવજાતિનાં દુ:ખ દૂર કરવા તમે પૃથ્વી પર આવ્યા છો.” આવું સાંભળીને નરેન્દ્રનાથ તોઆશ્ચર્યચકિત થઈ ગયા ને વિચારવા લાગ્યા, હું તો વિશ્વનાથ દત્તનો પુત્રછું અને આ મહાત્મા મને આવું કેમ કહી રહ્યા છે? પછી એમણે માન્યું કે આ તો એમનો સ્નેહોન્માદ છે. આથી તેમણે શ્રીરામકૃષ્ણને બોલતા અટકાવ્યા નહીં ત્યાં તો શ્રીરામકૃષ્ણે સ્વસ્થતાથી કહ્યું, “તું અહીં જ રહેજે. હું હમણાં આવ્યો.” એમ કહીને તેઓ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા અને હવે તેઓ નવું શું કરશે એનો નરેન્દ્ર વિચાર કરે તે પહેલાં તો તેઓ પોતાના હાથમાં મિઠાઈ, સાકર, માખણ વગેરે લઈને ઝડપથી આવી પહોંચ્યા અને પોતાના હાથેથી નરેન્દ્રને એ બધું ખવડાવવા લાગ્યા. એવા કોઈ આત્મીય પરિચય વગર આટલો બધો સ્નેહ વરસાવતા જોઈને નરેન્દ્રને અકળામણ અને મૂંઝવણ થવા લાગી. આવા મહાત્માના હાથેથી ખાવામાં એમને ખૂબ જ સંકોચ થવા લાગ્યો. એટલે એમણે કહ્યું, “આપ મને હાથમાં પ્રસાદ આપો. હું જાતે ખાઈ લઈશ.”

“ના આ તો હું જ તને ખવડાવીશ.”

“પણ આપ મને આપો, હું મારા મિત્રોની સાથે એ ખાઈશ.”

“હા, એ બધાને પણ પ્રસાદ મળશે, તેની તું ચિંતા ન કર.”

“પણ આ પ્રસાદ તો તારે મારા હાથે જ ખાવો પડશે.”

છટકવાનો બીજો કોઈ જ ઉપાય ન જોતાં નરેન્દ્ર એમ ચૂપચાપ પ્રસાદ ખાવા લાગ્યા. બધો જ પ્રસાદ નરેન્દ્રને ખવડાવી દીધા બાદ શ્રીરામકૃષ્ણના ચહેરા ઉપર પરમ તૃપ્તિ છવાઈ ગઈ. પણ હવે નરેન્દ્રનાથ બહાર જવા ઉત્સુક બની ગયા હતા. આથી એમણે શ્રીરામકૃષ્ણની રજા લીધી ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, “તું ભલે જાય છે, પણ મને વચન આપ કે પાછો તું જલદી-જલદી એકલો જ મને મળવઆવીશ.” એ આગ્રહમાં અંતરનું એવું કંઈક પ્રબળ આકર્ષણ હતું કે નરેન્દ્રને હા પાડવી પડી. એમણે કહ્યું:“હા, મહાશય, હું જલદી પાછો આવીશ.”

શ્રીરામકૃષ્ણ નરેન્દ્રનો હાથ પકડીને એમને પાછા પોતાના ઓરડામાં લાવ્યા. ત્યાં અનેક ભક્તજનો શ્રીરામકૃષ્ણની રાહ જોઈને બેઠા હતા. ત્યાં આવીને શ્રીરામકૃષ્ણે ત્યાં બેઠેલા ભક્તજનોને કહ્યું; “જુઓ,જુઓ, સરસ્વતીના પ્રકાશથી નરેન્દ્ર કેવો પ્રકાશી રહ્યોછે!”બધા ભક્તો નરેન્દ્રને આશ્ચર્યથી જોવા લાગ્યા, પણ એમને તો એ પ્રકાશ ક્યાંય દેખાયો નહીં. એટલે સહુને મનમાં થયું કે ઠાકુર કેવી વાત કરી રહ્યા છે? નરેન્દ્ર ને વળી ઊંડી આધ્યાત્મિકતા! એ તો ભારે આશ્ચર્યની વાત કહેવાય! ત્યાં તો શ્રીરામકૃષ્ણે સીધું જ નરેન્દ્રને પૂછ્યું;

“સૂતાં પહેલાં તું કોઈ પ્રકાશ જુએ છે?”

‘હા’,

“બરોબર છે. તું નિત્યસિદ્ધ છે.”

ત્યાં બેઠેલા ભક્ત સમુદાયને ઠાકુરની આ વાત સમજાઈ નહીં અને ખુદ નરેન્દ્ર પણ તે સમયે આ વાતોને સમજી શક્યા નહીં. પછી તો શ્રીરામકૃષ્ણ ભક્તજનો સમક્ષ પોતાના જ્ઞાનામૃતને વહાવ્યું અને તેથી નરેન્દ્ર વધુ મૂંઝવણ અનુભવવા લાગ્યા. થોડી ક્ષણો પહેલાંનો એમની સાથેનો ઉન્માદભર્યો પ્રલાપ અને હવે આ જ્ઞાનગંભીર વાતો! આ બંનેનો એમના મગજમાં કેમેય મેળ બેસતો ન હતો. શું ઉન્માદી કે પાગલ મનુષ્ય આવું આત્મજ્ઞાન આટલી સરળ રીતે સમજાવી શકે? અને જેવી સરળ વાણી એવું જ સરળ વર્તન! નરેન્દ્ર આશ્ચર્ય, મૂંઝવણ અને અસમંજસના ભાવો અનુભવી રહ્યા. તેમની બુદ્ધિ આ બધું સ્વીકારવા તૈયાર ન હતી અને હૃદય ઈન્કારતું ન હતું. આવી મથામણમાં તેમણે જે પ્રશ્ન અનેકવાર અનેક મહાત્માઓને, સંતોને પૂછ્યો હતો, પણ હજુ એમને કોઈ પાસેથી સંતોષકારક ઉત્તર મળ્યો ન હતો એ પ્રશ્ન એમણે આ મહાપુરુષને પણ પૂછી નાખ્યો; મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે?”“હા, જેવી રીતે હું તને અહીં જોઉં છું. તેવી જ રીતે ઈશ્વરને જોઉં છું.”અરે, આ તેઓ શું કહે છે? આ શું સાચું છે કે પછી મજાક? એમણે શ્રીરામકૃષ્ણની સામે જોયું તો તેઓ સ્થિર, ધીર, ગંભીર હતા. આ કોઈ મજાક, મશ્કરી ન હતી. પણ સાચેસાચી અનુભૂત વાણી હતી. એ વાણીની સચ્ચાઈ નરેન્દ્રના અંતરને સ્પર્શી ગઈ. નરેન્દ્રનું અંતર પ્રસન્ન થઈ ઊઠ્યું. “ઓહ! આખરે એવો પુરુષ મળ્યો ખરો કે જે હિમ્મતપૂર્વક કહી શકે છે કે હા, મેં ઈશ્વરને જોયો છે.” ત્યાં તો એ અનુભૂત વાણીનો પ્રવાહ આગળ વધ્યો:“બેટા, જેવી રીતે તને જોઉં છું અને તારી આગળ વાત કરું છું, તેવી રીતે તેની સાથે પણ વાત થઈ શકે છે.” અરે આ તો ફક્ત ઈશ્વરને જોવાની જ વાત નથીપણ એની સાથે વાર્તાલાપ પણ કરી શકાય છે. પહેલી જ વખત નરેન્દ્રને એવું કંઈક સાંભળવા મળ્યું કે જે સાંભળવા એમનું હૃદય વરસોથી ઝંખી રહ્યું હતું. હવે નરેન્દ્ર એ વાણીના પ્રવાહમાં ભીંજાવા લાગ્યા. “હા, ઈશ્વરની સાથે વાત કરી શકાય, પણ એવી દરકાર કોણ કરે છે? લોકો સ્ત્રી, પુત્ર, ધન સંપત્તિ માટે આંસુ વહાવે છે, પણ ઈશ્વરને માટે કોણ એવું કરે છે? જો કોઈ ઈશ્વર માટે એમ કરે ને આંસુ વહાવે તો એને જરૂર ઈશ્વરનાં દર્શન થાય.” આત્મામાંથી સીધી પ્રગટતી આ અનુભૂતવાણી નરેન્દ્રના આત્માને સ્પર્શી ગઈ. પણ હજુ બુદ્ધિનું અભેદ્ય આવરણ પૂરેપૂરું ભેદાયું નહીં. આથી એમના મનમાં ગડમથલ ચાલુ જ રહી. આ પ્રસંગ વિષે સ્વામી વિવેકાનંદે પાછળથી વાર્તાલાપમાં જણાવ્યું હતું કે “જેમ-જેમ હું સાંભળતો ગયો તેમ-તેમ મને પ્રતીતિ થતી ગઈ કે આ કંઈ સામાન્ય ઉપદેશકની વાણી નથી. આ વાણી તો આત્માનુભૂતિની વાણી છે. તો પણ મારા પ્રત્યેના એમના વિચિત્ર વર્તન સાથે એમની વાણીનો હું મેળ બેસાડી શક્યો નહીં. આથી મેં માન્યું કે તેઓ અર્ધપાગલ હશે. – તો પણ એમના ત્યાગની મહત્તાનો સ્વીકાર કર્યા વગર હું રહી શક્યો નહીં. મને થયું કે ભલે એ પાગલ હોય, પણ આવો ત્યાગ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે. પાગલ હોય તો પણ આ પુરુષ અત્યંત પવિત્ર અને સાચો સંત છે. અને આ એક જ કારણે પણ તે મનુષ્યજાતિ માટે વિશ્વવંઘ છે. વિચારોની આવી ગડમથલ સાથે મેં એમને પ્રણામ કરીને કલકત્તા પાછા ફરવાની રજા માંગી. ‘પાછો જલદી આવજે’કહીને એમણે રજા આપી.”

(ક્રમશ:)

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.