રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેનું સુંદર વર્ણન રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સુનિર્મલાનંદજી પ્રસ્તુત કરે છે. – સં.
મેઘો મંડાણો છે. પક્ષી આશરાની શોધમાં છે. એક સ્થળે પ્રયાસ કરે છે, પણ ત્યાંથી તેને જાકારો મળે છે. વળી બીજે જાય છે, પણ તેને આત્મસંતોષ થતો નથી. અંતે તે પાછું ફરે છે. એનું ઘર – એનો માળો એ જ એનું નિશ્ચિંત સ્થળ. એને થયું કે એ તો જીર્ણશીર્ણ હાલતમાં હશે. પણ તોય એ જ એનું લક્ષ્ય. અંતે ત્યાં પહોંચે છે અને કેવો હાશકારો અનુભવે છે! માળો તો એનું આશ્રય સ્થાન, એનું ઘર, વરસાદથી રક્ષણ કરનારું સ્થાન, અંતે તેનું હૃદય આનંદ -હર્ષથી ભરાઈ ગયું. બેલુર મઠમાં યોજાયેલ યુવ-સંમેલનમાં હજારો યુવા-ભાઈબહેનોને જોઈને સૌ કોઈના મન-હૃદયની લાગણી આ જ હતી- આ બધા યુવાનો ભારતના બીજા કરોડો યુવાનોના પ્રતિનિધિરૂપ-આદર્શરૂપ હતા. આજના વિશ્વમાં જે તમાશા થઈ રહ્યા છે, આપણે ગમે તેનું ગમે તેટલું અનુકરણ કરીએ તો યે અંતરમાંથી કંઈક અમંગલના એંધાણ ઊઠે છે, ‘ચમકતું બધું સોનું નહિ’ એ જૂની લોકોક્તિ છે, એ જ વાત અવારનવાર આપણને આપણી આજની મૂલ્યીની ઝંખના શોધવા કહી રહી છે.
બેલુરમઠમાં ભારતભરમાંથી દશ હજાર જેટલાં યુવા ભાઈબહેનો ૩જી અને ૪થી ફેબ્રુઆરીએ જોવા મળ્યાં. રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં આ યુવ-સમ્મેલનનું આયોજન થયું હતું. આખા વર્ષના કાર્યક્રમો પૈકી આ સંમેલન ઉપાંત્ય કાર્યક્રમ હતો. કલકત્તામાં આવો કાર્યક્રમ યોજવો થોડો અકલ્પ્ય છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો હતો. એક તો આટલા યુવાનોના ઉતારા-ભોજનની વ્યવસ્થા કરવી ય મુશ્કેલ હતી. બીજી સમસ્યા હતી યુવ-સંમેલનની તારીખની. ફેબ્રુઆરી મહિનો એટલે પરીક્ષાની પૂર્વતૈયારીનો મહિનો, એમાં કોણ આવવા ઈચ્છે? આટલી આટલી સમસ્યાઓ છતાં આ યુવ- સંમેલનને ભવ્ય સફળતા મળી. સ્વામીજીના સંદેશ -વિચાર આદર્શની શક્તિનું આ સંમેલન પરિચાયક બની રહ્યું.
યુવ-સમ્મેલનનો મંગલ પ્રારંભ વેદવિદ્યાલય (બેલુર મઠ)ના વિદ્યાર્થીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો. વૈદિક મંત્રોચ્ચાર પછી પોતાના પ્રાસંગિક-સ્વાગત પ્રવચનમાં રામકૃષ્ણ મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજે આખા વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવના કાર્યક્રમોનો ખ્યાલ આપતાં કહ્યું કે, “શ્રીરામકૃષ્ણદેવની પ્રેરણાથી પાંગરેલો આ સંન્યાસી સંઘ આજે વિશ્વભરમાં એક વિશાળ સંન્યાસી સંઘ બની ગયો છે, છતાં ય હજુ ઘણું ય કરવાનું બાકી છે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રી મા અને સ્વામીજીએ વિશ્વને અમૂલ્ય સંપત્તિ -વિચાર -આદર્શ સંપત્તિ આપી છે. વિશ્વના દૂર દૂરના ખૂણે હજી એમનો સંદેશો પહોંચ્યો નથી. આપણાં બધાંની એ મહાન જવાબદારી છે કે આપણે આપણા જીવનનું ઘડતર કરીએ, અન્યને સહાયરૂપ બનીએ અને એ મહાત્માઓના આદર્શને અનુસરીએ.” આ રીતે સ્વામી સ્મરણાનંદજીએ આ સમ્મેલનના સદ્ભાગી યુવ-પ્રતિનિધિઓને જ નહીં, પણ ભારતભરના યુવાધનને રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવા સમર્પણ ભાવ કેળવવા આહ્વાન કરીને આવકાર્યું. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાના આશીર્વચન – પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે “પરીક્ષાઓ નજીક હોવા છતાં સ્વામીજીના આદેશને યાદ કરીને આટલી બહોળી સંખ્યામાં આ સંમેલનમાં હાજર રહેનાર યુવાનો પ્રત્યે આભારની લાગણી અનુભવું છું. સ્વામીજીને યુવાપેઢી પાસે ઊંચી અપેક્ષા-આશા હતાં. તેઓ દૃઢપણે માનતા કે યુવાનો જ દેશ-દુનિયાને ઉત્ક્રાન્તિના આરે લાવી શકશે. આ ક્રાંતિ માત્ર રાજકીય જ નહોતી પણ એમને મન તો એથી યે વિશેષ આવશ્યક હતી –સાંસ્કૃતિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્રાંતિ. ભારતમાં આવશ્યક પરિવર્તન લાવવા યુવાનોની જવાબદારી ઘણી મોટી છે. જેમ ફાટેલા નક્શાની પાછળ રહેલા માનવચિત્રનાં અંગોપાંગને જોડીને નાના બાળકે ભારતનો નક્શો સાંધી આપ્યો, જોડી આપ્યો તેમ આપણે બધાં સુસ્થ-સ્વસ્થ હોઈશું તો રાષ્ટ્ર પણ સ્વસ્થ-સુસ્થ થઈ શકશે. આ માટે યુવાનોએ દૃઢ ચારિત્ર્યબળ કેળવવું પડશે.” ચારિત્ર્ય ઘડતર કેવી રીતે કરી શકાય? પોતાના આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે “તમારે બધાએ નિષેધાત્મક વિચારો છોડી દેવા જોઈએ. તમારી ભીતર રહેલા શક્તિશાળી ગુણ-સ્રોતને ઓળખો. ભૂતકાળની ભૂલોને ભૂલી જાઓ. જેટલી બની શકે તેટલી નિ:સ્વાર્થ ભાવના કેળવો.” તેમણે પોતાની ઓજસ્વી વાણીમાં યુવાનોને કહ્યું : “સ્વામીજીનું ભારત ભૂમિ પરનું આગમન- એમનું જીવન એળે ન જાય એ જોવાનું કામ યુવાનોનું છે.” એમણે યુવાનોને પહેલાં રાષ્ટ્ર-કલ્યાણ માટે કાર્યનિષ્ઠ બનવાની અને વિશ્વના માંગલ્ય માટે કામ કરવાની હાકલ કરી હતી.
આશીર્વચનના રોમાંચકારી પ્રવચન પછી રામકૃષ્ણ-મઠ મિશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આ યુવસમ્મેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના ઉદ્ઘાટક પ્રવચનમાં પ્રભાવક શૈલીમાં એમણે યુવાનોને સ્વામી વિવેકાનંદનું સાહિત્ય, તેમાં ય ખાસ કરીને એમના પત્રો અને ‘ભારતમાં આપેલાં ભાષણો’ વાંચવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે – “આઝાદીની લડતના સમયમાં મહાત્મા ગાંધી અને નહેરુ ઉપરાન્ત ભારતના કેટલાય સ્વાતંત્ર્યવીરો માટે આ બે પુસ્તકો ઘણાં પ્રેરક રહ્યાં હતાં. સ્વામીજીના શબ્દોએ-વાણીએ એમને દેશદાઝ – સેવાના કાર્ય માટે પ્રેર્યા હતા. આપણને આઝાદી મળવા છતાં છેલ્લાં ૫૦ વર્ષમાં આપણા થયેલા અધઃપતન માટેનું કારણ છે – પરિસ્થિતિ અન્વયે દૃષ્ટિકોણનું સંસ્કરણ અને કાર્યપ્રવૃત્તિ પરત્વેના નવનિર્ધારનો અભાવ. આ દૃષ્ટિ આપણને સ્વામીજીના જીવનસંદેશ સિવાય ક્યાંયથી નહીં સાંપડે. આપણા આવા મહાન લોકનાયક સ્વામીજી ભારતમાં જ જન્મ્યા હતા. સ્વામીજીના શબ્દો બૉમ્બ જેવા વિસ્ફોટક છે. એનો વિસ્ફોટ થતાં બધાં દૂષણો દૂર થઈ જશે. સમગ્ર વિશ્વના ભલા માટે એક નવા ચારિત્ર્યનું ઘડતર કરવું પડશે. આ સુકાર્ય વૈયક્તિક કક્ષાએ આત્મ વિકાસ, સ્વ-વિકાસથી અને સામૂહિક કક્ષાએ વેદાન્તના સંદેશના પ્રચાર -પ્રસારથી જ શક્ય બનશે. આપણામાં મંગલ-અમંગલ બંને કાર્ય કરવાની શક્તિ છે. ચાલો આપણે મંગલ કાર્યના માર્ગને અપનાવીએ.” સ્વામી રંગનાથાનંદજી મહારાજના ઉદ્ઘાટન પ્રવચન પછી શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના બંગાળી સંદેશાનું વાચન થયું હતું. એમના સંદેશમાં પોતાના અલ્પકાલીન જીવનમાં વેદાન્ત અને વિશ્વ માટે સ્વામીજીએ આપેલાં બલિદાનની યુવાનોને એમણે યાદ અપાવી હતી. પ્રૉ. દુબે સવારની સભાના છેલ્લા વક્તા હતા. પ્રૉફે. દુબેએ પોતાના ઢાકા (બાંગલાદેશ) – રામકૃષ્ણ મિશનના નજીકના સંબંધ – સંપર્કની વાતો કરીને પોતાના વક્તવ્યમાં આત્મીયતા આણી. પોતાના હિત માટે પણ સ્વામીજીના સંદેશને અનુસરવા યુવાનોને તેમણે હાક્લ કરી. તેમણે ઉમેર્યું કે “સ્વામીજી પાસે ભારતનું એક દર્શન હતું, તેમણે મંગલમય અને મહાન ભારતનાં દર્શન કર્યાં હતાં. પ્રાચીન ભવ્ય ભારતનો પુનઃ કાયાકલ્પ એ જ એમનું દર્શન હતું. આપણે એક રાષ્ટ્ર-પ્રજા તરીકે સ્વામીજીની અપેક્ષાઓ – આદર્શોના ચીલા ચાતર્યા છે. આજે હતાશા, ઉદાસીનતા, લાગણીહીનતા જ સર્વત્ર જોવા મળે છે. ઉચ્ચ જીવનનાં મૂલ્યો ઘસાઈ ગયાં છે -મરી પરવાર્યાં છે. આ દશામાં સુધારો તો યુવાનો જ લાવી શકે. યુવાનો હજી યે નિર્દોષ છે. આર્કિમિડિઝને ઊભવાની જગ્યા મળી હોત તો તેણે જગતને હચમચાવી મૂક્યું હોત. એવી જ રીતે સ્વામીજીને ૧૦૦ યુવાનો સાંપડ્યા હોત તો તેમણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું હોત. એમણે આખા વિશ્વને ઉત્ક્રાન્તિના આરે મૂકી દીધું હોત. એટલે જ યુવાનોએ આગળ આવીને પોતાની જાતને રાષ્ટ્રનિર્માણ અને ચારિત્ર્યનિર્માણની પ્રવૃત્તિમાં સમર્પિત કરી દેવી જોઈએ. ચારિત્ર્ય ઘડાય તે માટે આ ત્રણ સિદ્ધાંતોનું અનુસરણ કરવું આવશ્યક છે : ગરીબ-પતિત-કચડાયેલા લોકો માટે સમસંવેદન, અન્યના કલ્યાણ માટે કાર્ય કરવાનો ઉત્સાહ અને ત્યાગ.”
ગોવા અને મઁગલોર યુનિવર્સિટીના સંસ્થાપક સુખ્યાત પૉ. શૈખઅલીના પ્રમુખસ્થાને બીજા સમારંભનો પ્રારંભ થયો. વેદાન્ત કેસરીના ભૂતપૂર્વ સંપાદક સ્વામી ત્યાગાનંદજી મહારાજના યુવાનોના હૃદયને સ્પર્શી ગયેલા પ્રારંભિક-મુખ્ય પ્રવચન સાથે વક્તવ્યોનો પ્રારંભ થયો. ‘યુવાનો કુદરતની અદ્ભુત દેણગી છે અને તેનો દુર્વ્યય ન થાય તે જોવું જોઈએ’ – બર્નાર્ડ શૉના આ કથન સાથે તેમણે ઉમેર્યું કે સ્વામીજીના જીવન સંદેશને અનુસરીને જ આપણે આ યુવાનોનો, આ ભવ્ય ભેટનો સદુપયોગ કરી શકીશું. તેમણે કહ્યું, “સ્વામીજી પશ્ચિમમાં વેદાન્તનો પ્રસાર-પ્રચાર કરીને ભારતમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય અભિવાદન થયું હતું. પશ્ચિમના દેશોમાં આધ્યાત્મિકતાનો નવસંચાર કરવા માટે જ તેઓ પશ્ચિમમાં ગયા હતા. વેદાન્તના આદર્શો સમજવા ઉપરાંત પશ્ચિમના લોકોને એ પણ સમજાયું કે સદીઓથી આપણે ઓળખતા-જાણતા હતા એવો અસભ્ય અસંસ્કારી માણસોનો આ દેશ નથી. આ બાજુએ સ્વામીજીએ ભારતના લોકોને પોતાના સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા અમૂલ્ય વારસાથી વાકેફ કર્યા. વાસ્તવિક રીતે એમણે આપણને ગાઢ નિદ્રામાંથી જગાડ્યા છે. આઝાદી પછી પચાસ પચાસ વરસના વાયરા વાયા છતાં ય આપણે કેટલા સ્વતંત્ર છીએ -મુક્ત છીએ તે પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ. સ્વામીજી જે જાગૃતિ આપણા દેશમાં લાવ્યા તેનો અભ્યાસ કરવાનો સમય આવી ચૂક્યો છે. આપણે આટલાં વર્ષો સુધી સ્વામીજીનું અમુક અંશે આચરણ કર્યું છે. જો એમ ન હોય તો બીજાં બધાં ક્ષેત્રોમાં દેખાતી અસમાનતા ક્યાંથી આવી? જો આઝાદીને પૂરી પચાવી ન હોય તો રૂપકડી, નામની, સંકુચિત સ્વાર્થમય રાષ્ટ્રીયતા… પ્રાંતીયતા -જન્મે, પૂર્ણ સ્વાતંત્ર્ય ભાવના કુંઠિત બને. આપણે દરેક વસ્તુને આદર્શોને એમના યોગ્ય સંદર્ભમાં જ સમજવી જોઈએ.” તેમણે આ પ્રશ્ન કર્યો કે આપણામાંથી કેટલાએ સ્વામીને સાચી રીતે વાંચ્યા છે – કે સમજ્યા છે? આપણામાંથી કેટલાએ જીવન અને તેમના ધ્યેય વિશે પુખ્ત વિચારણા કરી છે? તેમણે કહ્યું કે આપણા કલ્યાણ માટે આપણા પોતાના ભલા માટે પણ સ્વામીજીએ પ્રારંભેલી જાગૃતિની પ્રક્રિયા આપણે ચાલુ રાખવી જ પડશે. તેમણે યુવાનોને જણાવ્યું હતું કે “યુવાનોએ ઉચ્ચગ્રાહી અને ઉમદા જીવનના આદર્શો અનુસરીને, ધારણ કરીને પોતાની અતિ આવશ્યક કારકિર્દીના ઘડતરમાં મંડી રહેવું જોઈએ. સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવવા સ્વામીજીને સો યુવાનોની જરૂર હતી. અહીં બેઠેલા દશ હજાર યુવાનો વિશ્વમાં આવી ક્રાન્તિ લાવી શકે છે.” ‘સ્વામી વિવેકાનંદનું પશ્ચિમના દેશોમાંથી પ્રત્યાગમન અને ભારતનું નવ જાગરણ’ એ વિશે બોલતાં સ્વામી ત્યાગાનંદજીએ આ સમારંભના ચર્ચાના મુખ્ય વિષય પરના આ વિચારને સુંદર રીતે રમતો કર્યો.
આ સમારંભમાં અન્ય ચાર વક્તાઓમાં પ્રથમ વક્તા સયનતન દાસે પોતાના બંગાળી પ્રવચનમાં જણાવ્યું કે “એ જમાનામાં ભારતને પોતાની દુઃખદ- દયાજનક કરુણ દશામાંથી બહાર લાવવા એક મહાન ઉદ્ધારક નેતાની આવશ્યકતા હતી. બરાબર એ જ સમયે આ સ્વામીજી ભારતના વિશાળ પટલ પર આવ્યા. વિશ્વનું પુનઃ ઘડતર કરવા સ્વામીજી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું મિલન ઈચ્છતા હતા. ભારતમાં પુનર્જાગરણ કરવામાં સ્વામીજીના પ્રદાન માટે કોઈ બે મત નથી.” બીજા વક્તા કુ. સુચેતા શર્માએ કહ્યું : “સ્વામીજી હિમાલયની ગુફામાં રહેતા સંન્યાસી ન હતા. તેમણે તો આપણી વચ્ચે આપણા માટે અવિરામ કાર્યો કર્યાં છે. પ્રાચીન ધર્મને તેમણે નવસંસ્કારિત કર્યો, ભારતમાં એમનું થયેલું સન્માન અભૂતપૂર્વ હતું.” વિવેકાનંદ કેન્દ્રના શિક્ષણ વિભાગના મંત્રી કુ. નિવેદિતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે “સ્વામીજીના આગમનની બે વાત આપણને સ્પર્શી જાય તેવી છે : ૧. આધ્યાત્મિક આદર્શને લીધે ભારત ટકી રહે એમ વિશ્વ ઈચ્છે છે. ૨. પોતાના આ આદર્શો બીજાને આપવા શક્તિમાન બને એ રીતે ભારતે તૈયાર થવું પડશે – ભારતના તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિકતાની પ્રાપ્તિ માટેની પદ્ધતિઓ આજના વિજ્ઞાનની સંગાથે ચાલી શકે તેમ છે. આ જ એનું વધારાનું જમા પાસું છે. આ આદર્શો માત્ર શબ્દો દ્વારા સંક્રાંત ન કરી શકાય. પણ એ માટે જીવતું – જાગતું, અનુસરણવાળું જીવન જરૂરી છે. આ માટે તત્પર થવા સૌ પ્રથમ આવશ્યકતા છે આત્મશ્રદ્ધાની. સ્વામીજીએ એટલે જ ભારપૂર્વક કહ્યું હતું કે આ માટે આપણે કાર્ય કરવું જ પડશે. કાર્યનિષ્ઠાથી જ આત્મશ્રદ્ધા આવે છે. જાગૃતિ અને વળી પાછી ચિરનિદ્રા-એ ચિંતાજનક નથી કારણ કે એ તો ચક્રવત્ પરિવર્તનવાળી અવસ્થા છે.” આ વખતનો ભારતનો કાયાકલ્પ તો સમગ્ર વિશ્વને એક વિદ્યુત આંચકો આપતું પ્રબળ મોજું બની રહેશે, એમ એમણે ખાતરીપૂર્વક ઉચ્ચારણ કર્યું હતું. ન્યુ દિલ્હીના મૅનેજમૅન્ટ ક્ષેત્રના તજ્જ્ઞ શ્રી કે. કે. ચૉપરાએ પોતાનું વક્તવ્ય હિંદીમાં આપતાં ત્યાગ, સેવાના આદર્શ વિશે વિગતે વાત કરી- “આપણે સ્વામીજીને ભક્તિભાવથી પુષ્પ અર્પણ કરીએ તેને બદલે તેને આપણું જીવન સમર્પિત કરી દેવું જોઈએ. માત્ર વાતો અને થોડી ઘણી સમાજ સેવાથી ચાલશે નહિ. આપણે આવાં ઉદાત્ત કાર્યો માટે પ્રાણ અને મન અર્પણ કરવાં પડશે. આવી સમર્પણ ભાવના જ ભારતના ભાવિ વિકાસ માટે ઉપયુક્ત બની રહેશે,”
પોતાને આ ઉમદા સંમેલનમાં ભાગ લેવા માટે મળેલી તક માટે શ્રી રામકૃષ્ણ મિશનનો આભાર માનતાં પોતાના અધ્યક્ષીય સંબોધનમાં પ્રૉ. શૈખઅલીએ જણાવ્યું કે “સ્વામીજીએ આપણને ‘સત્ય એ જ ઇશ્વર’ અને ‘પરમેશ્વર એટલે સત્ય’ આ વાત શીખવી છે. સત્ય એ જ જ્ઞાન છે. આ જ્ઞાન માત્ર પરીક્ષણ કે પ્રયોગો દ્વારા મળતું ભૌતિક જ્ઞાન નથી. પણ તે ઈન્દ્રિયાતીત અનુભવોમાંથી આવતું અધ્યાત્મ જ્ઞાન છે. ‘સત્ય’ ઉપરાન્ત દિવ્ય જગતમાંથી પારસ્પરિક અસરની શાલીનતા અને આત્માની ઉન્નતિ બંને સાથે ને સાથે ચાલવાં જોઈએ. અજ્ઞાનનાં અંધારાં ઉલેચાય એ જ સાચી મુક્તિ. આ દુનિયાથી બહાર નિગૂઢ એવું એક શાંતિ અને આનંદનું વિશ્વ છે. પોતાના આત્મરત્નને નિતાંત-શુદ્ધિ-પવિત્રતામાં લઈ જઈ શકે. તેમને માટે આ વિશ્વ નિવાસસ્થાન બની શકે.”
આ રીતે પ્રથમ દિવસનો સવારનો સમારંભ પૂર્ણ થયો. બપોર પછી ભોજન બાદ રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત આદિવાસીઓના કલ્યાણાર્થે રત નારાયણપુર (બસ્તર, મ.પ્ર.)ના વિદ્યાર્થીઓએ મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યો અને ત્યાર બાદ કોઇમ્બતૂરના રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પીરસ્યા.
પહેલા દિવસના અંતિમ સમારંભનો વિષય હતો : “દ્વિધામાં ફસાયેલા યુવા સમાજને સ્વામી વિવેકાનંદ કઈ રીતે સહાયરૂપ બની શકે?” આ સમારંભના અધ્યક્ષ હતા, મૅનેજમૅન્ટ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. શ્રી સુવીર ચૌધરી. વિદ્યામંદિર, કૉલેજના આચાર્ય સ્વામી આત્મપ્રિયાનંદજીએ સમારંભના મૉડરેટર તરીકે સુંદર કાર્ય કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી ડૉ. સુવીર ચૌધરીએ આપણા દેશ વિશે આંકડાકીય માહિતી દ્વારા પચાસ વર્ષની આઝાદી પછીના ભારતની કરુણ-દુઃખદ પરિસ્થિતિનું ચિત્ર આપ્યું હતું. સમારંભના પ્રથમ વક્તા બૅંગ્લોરના ગૌતમે જણાવ્યું હતું કે “તરુણ અવસ્થા એટલે પરાવલંબનમાંથી સ્વાવલંબનમાં સંક્રમણ. આ અવસ્થામાં નૈતિકતા અને સિદ્ધાન્તપ્રિયતાના પ્રશ્નો સર્વોપરી સ્થાને રહે છે. આજના મૂંઝાતા યુવાનોને સ્વામીજીના નૈતિક્તાના આદર્શો સૌથી વધારે સહાયક અને અનુરૂપ બને તેમ છે. આજના યુવાનોમાં વ્યક્તિત્વ તાદાત્મ્યની કટોકટી છે આજના યુવાનોનો આદર્શ એટલે સ્વામી વિવેકાનંદે આપેલો આદર્શ માનવ બનો અને માનવ બનાવો.’ એ છે.”
આ સમારંભના બીજા વક્તા શ્રી સ્વર્ણબિંદુ બૅનરજીએ કહ્યું : માત્ર બાહ્ય રીતે જોઈએ તો સ્વામી વિવેકાનંદ વિરોધાભાસી વિચારવાળા લાગે પણ તેઓ મૂર્તિપૂજા, પૂતળાપૂજા ઈચ્છતા ન હતા. પણ આપણે તો એમ જ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જ સ્વામીજી ઈચ્છતા હતા કે ખાસ કરીને યુવાનો અને સામાન્ય રીતે લોકો પણ પોતાના આદર્શો સેવે એ જરૂરી છે. આપણને બધાને પોતપોતાનું વ્યક્તિત્વ છે, પણ આપણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીના સંદેશને અનુસરવું જોઈએ અને એ પ્રમાણે આપણા જીવનનું ઘડતર કરવું જોઈએ. ‘માનવસમાજની નિઃસ્વાર્થ સેવા’નો સ્વામીજીનો શ્રેષ્ઠ સંદેશ આપણને પૂર્ણત્વ તરફ – પૂર્ણ માનવ તરફ દોરી જાય છે.” શ્રી પ્રિયરંજન ઝાએ પોતાનું વક્તવ્ય હિંદીમાં આપ્યું હતું. તેમણે આ પ્રશ્ન કર્યો : “આ સમારંભના ચૅરમૅનશ્રીએ રજૂ કરેલ આંકડાકીય માહિતી પ્રમાણે ભારતમાં પરિસ્થિતિ આટલી કરુણાજનક હોય તો એમને માટે જવાબદાર કોણ છે? શું આજના વરિષ્ઠો એને માટે જવાબદાર નથી? એમણે જ ખોટી નીતિરીતિઓ અપનાવીને ઘણું ખોટું કર્યું છે. આપણી સામે અત્યંત ભયજનક ખરાબ સમસ્યા છે અને એટલે જ આપણે કામ કરવું રહ્યું… પણ એ કેવી રીતે કરવું? આપણે ખરેખર શું શું કરી શકીએ? આ માટે સ્વામીજીએ આપણને માર્ગ ચિંધ્યો છે.” ઓરિસ્સાના પ્રતિનિધિ શ્રી શશાંક શેખર ગૃહાચાર્યે કહ્યું કે “આપણે લુચ્ચાઈભર્યું આપણું બુદ્ધિચાતુર્ય ત્યજવું જ પડશે એટલા માટે આપણે સ્વામીજીના આદર્શોને અપનાવવા પડશે અને જીવનમાં તેનું અનુસરણ કરવું પડશે.” કલકત્તાના શ્રી શુદ્ધસત્ત્વદાસે કહ્યું, “આપણી સમસ્યાનું સમાધાન આપણને સ્વામીજીના શિક્ષણ વિશેના આદર્શોમાંથી મળી રહેશે. આ શિક્ષણ આજે જરૂરી એવું પૂર્ણત્વ આપશે. ભીતર રહેલા પૂર્ણત્વને બહાર લાવ્યા વિના અને એને આત્મજાગૃતિની પ્રવૃત્તિઓમાં વાળ્યા વિના જીવનની કોઈ સમસ્યાનો હલ નહિ મળે.” મુંબઇના કુ. પ્રીતિ વર્માએ જણાવ્યું કે “આપણે ચૌરાહા પર છીએ. આધુનિક જીવન-પ્રણાલિ અસંખ્ય સમસ્યાઓ લાવીને ઊભી છે એટલે આપણે સ્વામી વિવેકાનંદે દર્શાવેલા નિઃશંક ઉત્તમ આદર્શ-પથને ઓળખીને- પસંદ કરીને જ ચાલવું જોઈએ.” ત્યાર પછીના રાજકોટ કેન્દ્રથી આવેલા વક્તા કુ. નેહા દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે: “આપણે એટલા બધા ખરાબ નથી. આપણા યંત્રવત્ જીવને આપણને બગાડ્યા છે. પશ્ચિમના આંધળા અનુકરણને લીધે જ આ યાંત્રિકતા આપણા જીવનમાં ઘર કરી ગઈ છે. ભારતીયો તો મૂળે આદર્શવાદી રહ્યા છે. આપણને તો મૌલિક આદર્શોની આવશ્યકતા છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા કોઈની હરીફાઈ કરવાની આપણે જરૂર નથી. આપણે આપણા ગઈકાલના -ભૂતકાળના અનુભવો સાથે સ્પર્ધા કરીએ. આપણું ધ્યેય આપણા કાર્ય સાથે સુસંગત હોવું જોઈએ. એ પ્રશ્ન ભલા-બૂરાનો નથી પણ આપણી વિચારશૈલીનો છે. આપણા પૂર્વજ વાનરદેવ પર પસંદગી ઉતારવી કે ઋષિ મનુને પસંદ કરવા એ આપણા પર આધાર રાખે છે.” ચેન્નાઈના વક્તા શ્રીકુમારે કહ્યું : “સ્વામીજીની કલ્પનાનું ભારત એ ભૌતિક -ભૌગોલિક ભારત જ ન હતું પણ એમની કલ્પનાનું ભારત છે આધ્યાત્મિક ભારત – સર્વમાં શિવને જોતું, અધ્યાત્મ ભાવવાળા જીવનનું ભારત. સેવા વિશેની આપણી સંકલ્પનાઓ પણ ભૂલ ભરેલી છે. આપણે બધી ઉણપોથી થઈએ એ જ જરૂરી છે.” કલકત્તાના કુ. મધુમિતા ઘોષે ઉમેર્યું : “આજના યુવાનો યોગ્ય માર્ગદર્શનના અભાવે અસહાય -લાચાર છે. એમને સાચો માર્ગ ચીંધી જુઓ, જરૂર તેઓ ચમકી ઊઠશે.” અધ્યક્ષ ડૉ. શ્રી સુવીર ચૌધરીએ સમારંભના સમાપન પ્રસંગે કહ્યું : “આજની દુ:ખદ પરિસ્થિતિનું કારણ આગલી પેઢીએ આપેલા જૂઠા આદર્શો હતું. પશ્ચિમી ઢબનું શિક્ષણ પણ કારણભૂત ખરું, પણ હવે પરિસ્થિતિ સુધારવાનું કાર્ય યુવાનોના હાથમાં છે.”
શિવ-તાંડવ નૃત્યથી કાર્યક્રમનું સમાપન થયું. આ સંમેલનનો ચોથો સમારંભ ૪ થી ફેબ્રુ. ૯૮ના રોજ શરૂ થયો. રાજકોટના સ્વામી શ્રી દિવ્યવ્રતાનંદજી મહારાજના ભજન પછી ‘મનની શક્તિઓ’ વિશે ચર્ચાનો આરંભ કરતાં સ્વામી મુક્તિનાથાનંદજી મહારાજે વેદાન્ત, યોગની ચર્ચા દ્વારા મન શું શું કરી શકે તેનો ખ્યાલ આપ્યો. મનની શક્તિઓ વિશે માનસશાસ્ત્ર અને માનસશાસ્ત્રીઓની વાત પણ એમણે કરી. મનની અપવિત્રતા- અશુદ્ધિને ધ્યાન-એકાગ્રતાથી દૂર કરી શકાય એમ તેમણે ઉમેર્યું. હૈદ્રાબાદના શ્રી જે. બાલકૃષ્ણે કહ્યું : “હતાશાનું જીવન જીવતા આપણે પાંચ હજાર વર્ષ પહેલાંના માનવ જેવા જ અસંસ્કૃત માનવી છીએ. આપણે આપણા ઉદ્ધારકની જરૂર છે અને એ છે સ્વામીજી. આપણી લાગણીઓ ઊર્મિઓને અંકુશમાં લેવા સંયમમાં રાખવા –મનની સાચી કેળવણીની- યોગ સાધનાની જરૂર છે. એકાગ્રતા-ધ્યાન જ સફળતાની ચાવી છે.” કૅનૅડાના શ્રી સામ ગ્રેસીએ કહ્યું : “આવતાં હજાર વર્ષના પુત્ર-પુત્રીઓ આપણી તરફ એટલે કે ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારો તરફ નજર માંડી રહ્યા છે. આપણે તેમને શું આપીશું? ભૌતિક લાભો, વૈજ્ઞાનિક સુખો કે આધ્યાત્મિક આનંદ-આશ્ચર્યો? આ બધી મુસીબતોનું સમાધાન સ્વામીજીના આદર્શોને અનુસરવાથી જ મળશે.” મૅનૅજમૅન્ટ ક્ષેત્રના સુપ્રસિદ્ધ તજજ્ઞ શ્રી એમ.બી. અથ્રેયાએ અધ્યક્ષસ્થાનેથી બોલતાં જણાવ્યું : “મન અદ્ભુત શક્તિ પણ ધરાવે છે અને સાથે તેનાં જોખમો પણ છે અને આપણે કાળજીપૂર્વક મનને કેળવવું રહ્યું. દરેક ક્ષેત્રમાં વેદાન્તના સંદેશ પ્રમાણે કામ કરવું જોઈએ. સદ્ભાગ્યે યોગમાં લોકોનો રસ વધી રહ્યો છે. કારણ લોકોને ખ્યાલ છે કે મનની એકાગ્રતા-ધ્યાન દ્વારા આપણે આપણા મનને વધારે કાર્યરત કરવા – વધુ શક્તિ માગી લેતાં કાર્યો કરવા– મનની ઉદાત્ત શક્તિઓ કેળવી શકીએ તેમ છીએ.”
ચા-વિરામ પછી પ્રશ્નોત્તરીનો સમય હતો. શ્રીરામકૃષ્ણસંઘના ત્રણ સુખ્યાત તજ્જ્ઞ સંન્યાસીઓ સ્વામી સત્યરૂપાનંદજીએ (રાયપુર) હિંદી, કલકત્તાના સ્વામી પૂર્ણાત્માનંદજીએ બંગાળી અને રાજકોટના સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ અંગ્રેજી પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ૬૦૦ પ્રશ્નોમાંથી ચયન કરેલા પ્રશ્નોના ઉત્તરો અપાતા હતા. આ ઉત્તરોથી સંતુષ્ટ યુવાનોએ એમને ત્રણેયને તાળીઓથી વધાવી લીધા હતા. સ્વામી સત્યરૂપાનંદજીએ યુવાનોને પોતાનું જીવન જીવવામાં કેવી રીતે સુધારણા લાવવી તે વિશે દશેક મિનિટનું મનનીય સંબોધન કર્યું હતું.’ લંચ પછી શ્રી રોનુ મજમુદારના વાંસળી વાદનનો આહ્લાદક કાર્યક્રમ હતો.
બે દિવસના ‘યુવ સંમ્મેલન’ના અંતિમ સત્રના અધ્યક્ષસ્થાને હતા ભારતના સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જે. એસ .વર્મા. ‘યુવાનો માટે નૈતિક આધ્યાત્મિક મૂલ્યો’ એ વિશે બોલતાં ચેન્નાઈના શ્રીરામકૃષ્ણ મઠના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીએ કહ્યું : “આપણા આજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક સમસ્યાઓના સમાધાન માટે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું આચરણ જ અગત્યનું છે. સ્વામી વિવેકાનંદના ભારતમાં પ્રત્યાગમન વખતે એમનું થયેલું ભવ્ય સન્માન બતાવે છે કે આપણો સમાજ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો ચાહક છે. અધ્યાત્મ તેજ માટે પ્રભુ પ્રત્યેની તીવ્ર ઝંખના જરૂરી છે અને એ આવે છે ત્યાગ –વિવેક વૈરાગ્ય દ્વારા. આ ચાર અધ્યાત્મ મૂલ્યો આપણે કેળવવાં જ પડશે. આત્મશ્રદ્ધા, શુદ્ધિ-પવિત્રતા, સમર્પણભાવ, પ્રામાણિકતા – કાર્યનિષ્ઠા” ત્યાર પછી આદિવાસી વિસ્તારમાં પોતાની અનન્ય સેવા બદલ નૉબલ પુરસ્કાર સમાન મહત્ત્વ ધરાવતા ‘Right Livlihood’ ઍવૉર્ડ વિજેતા ડૉ. શ્રી સુદર્શને એવી આંકડાકીય માહિતી આપી કે સૌને થયું કે આ દેશને થયું છે શું? તેમણે ઉજળું ચિત્ર પણ રજૂ કર્યું. ગ્રામ્ય વિસ્તારના આપણાં આરોગ્ય કેન્દ્રોની બેહાલ દશાની વિગતે વાત કરી. તેમણે કહ્યું, “આમાં નાણાંકીય પરિસ્થિતિ જવાબદાર નથી પણ આપણી સામાજિક રાજકીય પરિસ્થિતિ જવાબદાર છે. આપણા દેશમાં મૂલ્યોનો દુષ્કાળ છે. વિચારો આપતું રામકૃષ્ણ મિશન આ મૂલ્યોના દુષ્કાળમાંથી સમાજને બચાવવા પ્રયત્નશીલ છે. એ આપણું સદ્ભાગ્ય છે.” ક્લકત્તાંના શ્રી કૌશિક મુખરજીએ યમ નિયમ અને સમાજ માટે આવશ્યક નૈતિક મૂલ્યોની વાત કરી. જમશેદપુરનાં કુ. સુષ્મા સિંઘે રામકૃષ્ણ મિશનના કાર્યોની પ્રશંસા કરી ને બધી મુસીબતોનો સામનો કરીને પણ યુવાનોએ માનવસમાજને જીવાડતાં મૂલ્યો જાળવીને કાર્ય કરવાની હાલ કરી હતી. વૃદ્ધો પણ નવા વિચારો લઈને, યુવાનો પણ સાચા તંદુરસ્ત આદર્શો સાથે ભારતના પુનર્નિર્માણ માટે મંડી પડે એ આવશ્યક છે. સ્વામી શુદ્ધરૂપાનંદજીએ કાવ્યમય ભાષામાં ચાર યોગની વાતથી યુવાનોને પ્રેર્યા હતા. દેવઘર રામકૃષ્ણ મિશનના સ્વામી સુવીરાનંદજીએ સ્વામી વિવેકાનંદના સંદેશને ઝીલીને પોતાના રાષ્ટ્રને માટે ભારતવર્ષને માટે યુવાનોએ પોતાનું સમર્પણ કરવું જોઈએ એમ કહ્યું હતું.
સમારંભના ચૅરમૅન ન્યાયમૂર્તિ શ્રી વર્માએ જણાવ્યું : “આજે આપણા રાષ્ટ્રને મૂલ્યોના સુદૃઢ આધારની જરૂર છે. આપણા આઝાદીના લડવૈયાઓમાં જે મૂલ્ય આધાર હતો તેની આજે જરૂર છે. આપણા રાષ્ટ્રના મૂળગામી આદર્શોના સાર તત્ત્વને આપણે શોધવું રહ્યું. થોડા સમય પહેલાં પ્રામાણિકતા અને પ્રામાણિક લોકોની વાત નહોતી થતી. આવું સર્વ સામાન્ય વાતાવરણ હતું. આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં તહીં ક્યાંય પ્રામાણિક માનવની વાત આવે તો તે સમાચારોમાં ચમકી ઊઠે છે, ન્યાયમૂર્તિઓ પ્રામાણિક હોય તો લોકચાહના – પ્રશંસા મેળવે છે. નૈતિક શક્તિ અને અધ્યાત્મશક્તિ પર ક્યારેય શંકાનાં વાદળ ઘેરાતાં નથી. વાસ્તવિક રીતે જીવનમાં આવાં મૂલ્યોની યોગ્ય કેળવણી-તાલીમથી બધી સમસ્યાઓનું સમાધાન સાધી શકાય. આજે દેખાતાં અનિષ્ટો માટે વિના કારણે અનાચારો સામે મૂંગો રહેનાર બહુમતિ સમાજ છે. આ સમાજે કંઈક કરવું પડશે. નહીં તો એમનું કંઈ ચાલવાનું નથી.” શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પોતાના સમાપન ઉદ્ગારોમાં કહ્યું : “સ્વામીજી વિશે જાણવા આતુર આ યુવાન ચહેરાઓને જોઈને હું હર્ષ અનુભવું છું.” બંને દિવસની બધી પળોને યાદ કરીને તેમણે કહ્યું : “આડ – અસર વિનાની આ એક મહાન મિજબાની હતી. સત્યને વળગી રહો – સત્ય દિવ્ય તત્ત્વ છે. ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ એ આપણો આદર્શ છે.” શ્રીરામકૃષ્ણ સંઘના આસિ. સૅક્રેટરી શ્રીમત્ સ્વામી શિવમાયાનંદજી મહારાજે આભાર – દર્શન વિધિ કર્યો હતો. સમાપન સમારંભના અંતે શ્રી રાજન – સાજન મિશ્રાના શાસ્ત્રીય સંગીતનો આનંદ યુવાનો અને ભાવિકોએ માણ્યો હતો. આ બે દિવસના સમારંભમાં સ્વયંસેવકોએ દિવસ રાત સૉલ્ટ લેઈક સ્ટેડિયમ અને શારદાપીઠ બન્ને સ્થળોએ અનન્ય સેવા બજાવી હતી. એમાંય એક પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કલાકો સુધી ઊભા રહી યુવા – પ્રતિનિધિઓને પાણી પાવાની અનન્ય એવી ફરજ બજાવી હતી.
હવે કાર્યનિર્ધાર યુવાનોના હાથમાં છે. યુવાનો અહીંથી તો ભાથું લઈ જાય છે. તેનો વધુ સારો અમલ કરે અને આદર્શોને – તંદુરસ્ત વિચારોને – આચરણમાં મૂકે તો ભારતનો વિકાસ થશે, દેશની સાચી ઉન્નતિ થશે એ વાત નિઃશંક છે.
અંગ્રેજીમાંથી ભાષાંતર : શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here




