શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે?
આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે છે અને તેની વિચારણા મૂલ્યવાન બનશે. કોઈ સ્પષ્ટ જવાબ સંભવતઃ આપી શકાય નહિ. સર્વ પ્રથમ દુન્યવી- પ્રેમ શું છે? જુદી જુદી વ્યક્તિઓ તે વિષે જુદા જુદા ખ્યાલો ધરાવે છે. કેટલાકને મન ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનું અંતર ભુંસાઈ ગયેલું છે. તેમનો આધ્યાત્મિક સાક્ષાત્કાર એટલો ઉચ્ચ હોય છે કે તેમને મન ઈશ્વર સિવાય કશું છે જ નહિ. તેમને મન સર્વ કંઈ ઈશ્વરમય છે. વળી કેટલાકને મન પ્રેમ એ બુનિયાદી રીતે દૈહિક-સ્થૂળ છે. આ બે મતના લોકોને માટે પ્રશ્નનો જવાબ આપવો સહેલો છે. પ્રથમ વર્ગ આત્મસાક્ષાત્કાર કરેલા માણસોનો છે. તેઓ જ્યારે મનુષ્યોને પ્રેમ કરે છે ત્યારે તેમના પ્રેમમાં કશું બિન-આધ્યાત્મિકપણું નથી અને બીજો વર્ગ જે પ્રેમ બતાવે છે તે આધ્યાત્મિકતાની તદ્દન ઊલટી બાજુ છે. અને તે ચોક્કસ બધી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ કરશે.
પરંતુ આ બે અંતિમોની વચ્ચેની વ્યક્તિઓની બાબતમાં પ્રશ્ન ઘણો સૂચક છે. તેઓ સંશયમાં છે. તેઓને ખબર નથી કે પ્રેમ શું છે. આપણે આ વર્ગ વિષે વિશેષ કરીને વિચારણા કરવી જોઈએ. પરંતુ આપણે સીધેસીધો પ્રશ્નનો જવાબ આપીએ તે પહેલાં આધ્યાત્મિકતાના બુનિયાદી સિદ્ધાંતો વિષે સ્પષ્ટ થઈ જવું જરૂરી છે.
આધ્યાત્મિકતા શું છે? આપણા જીવનની નેમ અને ધ્યેય શું છે, સત્ય શું છે, શાશ્વત વાસ્તવિકતા શું છે, અનંત શાંતિ શેમાં રહેલી છે? આઘ્યાત્મિક પ્રશ્નોના જવાબ માટે સૌ પ્રથમ આ હકીકતો સંપૂર્ણપણે નિશ્ચિત કરી લેવી જોઈએ. કેટલીક વાર એમ કહેવાય છે કે જીવનનું ધ્યેય ઈશ્વ૨ના સાથી કાર્યકર બનવાનું છે. મારા મતે તો તે ઈશ્વરની નિંદા કર્યા બરાબર છે. શું ઈશ્વર કોઈ સાથી કાર્યકરની રાહ જુએ છે? એટલે કે આ વિધાનની પાછળ એક અનુમાન છે. એટલે કે આ વર્ગના મિત્રો યોગ્ય રીતે તપાસતા નથી. તેઓ એમ માની લે છે. માણસો બીજા માણસોની સ્થિતિ સુધારવા માટે જીવે છે.
શું ખરેખર તે સાચું છે? શું તે જીવનની શોધ છે? તેઓ તો કેટલીક ઈશ્વરની ઈચ્છાઓ છે તેમ માની લે છે. પરંતુ જો તેઓને ઝીણવટથી પૂછવામાં આવે તો તેઓ ચોક્કસ કબૂલ કરવાના કે આ કેવળ અનુમાન છે. તેમ છતાં તેઓ તેમની ઉ૫૨ જીવનનું દર્શનશાસ્ત્ર રચવાની હિંમત કરે છે. આપણે કેટલીક બાબતો માનીને જ ચાલીએ છીએ. આપણે આપણી તપાસને તેના તર્કસંગત છેડા સુધી પાછળ પડતા નથી. આમ છતાં જો આપણે વધુમાં વધુ હદ સુધી સત્યને અનુસરીએ તો આપણે જોઈશું કે જગતનું અસ્તિત્વ જ ખુદ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપણે જોઈશું કે આ અફાટ અનંતરંગી વિશ્વ વાસ્તવિક રીતે કંઈ છે જ નહિ. આપણે જોઈશું કે અદ્યાપિ પર્યંત જેને ઈશ્વરની ઈચ્છા તરીકે માનતા હતા તેવા પ્રકારનું કંઈ જ ન હતું. તે આપણી પોતાની ઈચ્છાઓના ઊર્ધ્વીક૨ણ સિવાય કશું જ ન હતું. આપણી ચીલાચાલુ ધારણાઓ જમીનદોસ્ત બની જશે અને આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે ફરી જશે. કોઈ પણ આધ્યાત્મિક સમસ્યાના ખરા ઉકેલમાં માણસને શાશ્વત શાંતિ મળે તેવા અંતિમ સત્યના સ્વરૂપનો ખ્યાલ કરવો જોઈએ અને આ અંતિમ સત્ય શું છે? જો આપણે વેદાંત દર્શનમાં માનતા હોઈએ અને સર્વકાળ અને સર્વ સ્થળના મહાન સંતોના પુરાવાઓ સાચા માનતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે નિરપેક્ષ સચ્ચિદાનંદમાં દ્વૈતનું નામ નિશાન નથી. અને તેમાં દુનિયા કે માનવતા કે દુન્યવી- પ્રેમનો કોઈ પ્રશ્ન જ હોઈ શકે નહિ. આપણે તે ચિન્મય અવસ્થાનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તે સિવાય નથી શાંતિ, નથી વિરામ.
આ ધ્યેય તરફ સૌ કોઈ જાણતાં કે અજાણતાં પોતપોતાનો માર્ગ કાપતા હોય છે. જો આ ધ્યેય હોય તો પછી તે માટેનું સાધન શું હોવું જોઈએ? આપણે ચોક્કસ બધા દ્વૈતભાવથી, બધા અદિવ્ય-ભાવથી પર જવું જોઈએ. એટલે કે દુન્યવી-પ્રેમને પાર પણ આપણે જવું જોઈએ. જો આપણે દુન્યવી-પ્રેમ નિભાવીશું તો જાળમાં સપડાઈ જઈશું. આપણે આપણા માર્ગોથી ભૂલા પડીશું. આપણી પ્રગતિ રુંધાઈ જશે.
કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે ગૃહસ્થ-સંસારી બનીને, લગ્ન કરીને અને સંતાન પ્રાપ્ત કરીને ઈશ્વરને જુદા જુદા સ્નેહ સંબંધે બાંધીને પ્રેમ કરવા શક્તિમાન બને છે. જેમ કે પિતા, માતા, પ્રેમી કે પ્રેમીકા, પુત્ર કે પુત્રી તરીકે અથવા તે બધાંમાં ઈશ્વર છે તેમ માનીને અને સમજીને તેમના દ્વારા ઈશ્વર સાથે સંબંધ બાંધવો. એટલે કે દુન્યવી-પ્રેમ દિવ્યપ્રેમને વધુ વિવિધ, વધુ મધુર, વધુ આનંદદાયક અને વધુ ગાઢ બનાવે છે.
આના જેવો મધુર ભ્રમ બીજો કોઈ નથી! ભારતમાં અને કંઈક અંશે અન્ય દેશોમાં માતા પિતા તરીકે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની સાધના અજાણી નથી. પરંતુ આમાં સાધના શી છે? કેટલાક અપ્રસિદ્ધ સંપ્રદાયોના અપવાદ સિવાય બીજા બધા ધર્મો સર્વ સાંસારિક અને સામાજિક અનુરાગના સંપૂર્ણ ત્યાગને સાધનાની શરૂઆત પહેલાંની પૂર્વ શરત ગણે છે. પેલા અપ્રસિદ્ધ સંપ્રદાયો પુરુષો અને સ્ત્રીઓને પોતાના દિવ્ય પ્રેમાસ્પદનાં પ્રતીકો તરીકે લેખે છે.
એક ભૂલ વારંવા૨ ક૨વામાં આવે છે. એ વાત સાચી છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લીધા પછી આપણે તેને બધા માનવોમાં જોઈ શકીએ, તેની સેવા કરી શકીએ અને તેમનામાં ઈશ્વરને ચાહી શકીએ. પરંતુ તે સાક્ષાત્કાર કરવાનું સાધન ચીલાચાલુ ખ્યાલો મુજબ બધા વ્યવહારો ચાલુ રાખવામાં નથી. પરંતુ તેના ચોક્કસ પ્રતિકા૨માં છે. જેઓએ મનુષ્યોને ઈશ્વર તરીકે સાક્ષાત્ કરવા પ્રયત્ન કર્યો છે તેઓ જાણે છે કે કેવો તુમુલ સંઘર્ષ તેમાં અનુભવવો પડે છે. સર્વસામાન્ય, સ્વાભાવિક ખ્યાલોની પાછળ અનંત જન્મોના સંસ્કારો પડેલા છે, જેમાં બીજાં પુરુષો અને સ્ત્રીઓ સાથેના આપણા સ્નેહ સંબંધો મુખ્યત્વે સ્વાભાવિક રીતે સ્થૂળ શરીર દ્વારા ક્રિયાશીલ હોય છે. આપણે કદી તેમને ચેતન આત્મા તરીકે, શરીર અને મનથી પર જઈને જોવા – સમજવા કે ચાહવા કે તેમની સેવા કરવા કદી પ્રયાસ કર્યો નથી, પરંતુ હંમેશાં સ્થૂળ શરીર અને મન (સપાટી પરનું બાહ્ય મન) તરીકે તેમને જોયા છે, કે પ્રેમ કર્યો છે કે સેવા કરી છે. આ સ્થૂળ ઋણાનુબંધો કે અનુબંધોથી ૫૨ જવું અતિ-અતિ મુશ્કેલ છે. આપણું મન પુરુષો અને સ્ત્રીઓને શારીરિક અને માનસિક નામ રૂપો તરીકે જ અનુભવે છે. કઠણ સંગ્રામ કર્યા પછી આવી વૃત્તિઓને જીતીને તેનો નાશ કરવો પડે છે.
સૌથી પહેલું પગલું, તેવી લાગણીઓ, વિચારો અને આચારોને તજી દેવાનું છે. જે આપણને તેની દિવ્યતાને નહિ – મનુષ્યત્વની જ યાદી આપે છે. અને પ્રેમ સંબંધો આ પૈકી અત્યંત હાનિકારક છે. કારણ કે તેઓ વધુમાં વધુ ઊંડા હોય છે. અને આપણા બધા પૂર્વ જન્મોમાં તે પ્રેમ સંબંધો શરીર દ્વારા અને શરીરમાં જ હંમેશાં અભિવ્યક્ત થયા છે. એક સ્મિત, એક આંસુ, એક પ્રેમાળ શબ્દ – સામાન્ય માનવને મન કેટલું બધું છે! અને જેમ જેમ તે તેના પ્રેમમાંથી સ્થૂળ માનવ તત્ત્વનો પદચ્છેદ કરવા અને સ્મિત ને આંસુમાં ઈશ્વરનાં દર્શન ક૨વા, દિવ્ય તત્ત્વને જોવા પ્રયત્ન કરે છે તેમ તેમ તેનું મન તેના પુરાણા અનુબંધોને છોડી દેવાનો ઈન્કાર કરે છે.
અહીં જ ઘો૨ મુશ્કેલી છે અને તેનો સીધો સાદો અર્થ એ છે કે માનવ સંબંધ કે દુન્યવી-પ્રેમ કે આસક્તિથી સૌ પ્રથમ, આપણું આધ્યાત્મીકરણ કરવા માટે છૂટવું જોઈએ. વાસ્તવિક રીતે પૂછો તો, સંસારી લોકો માટે તેમના પોતાના કૌટુંબિક સંબંધોને જેમના તેમ ચાલુ રાખીને આધ્યાત્મિક બનાવવા અશક્ય છે. સાધનાના સમય દરમ્યાન કૌટુંબિક સુખોથી પર બનીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ. ઈશ્વરનું દર્શન કે તેના સાંનિધ્યનો ગાઢ અનુભવ થાય છે, ત્યારે જ આપણે આપણા માતા-પિતા વગેરેમાં ઈશ્વરના સાંનિધ્યનો અનુભવ કરી શકીએ છીએ. નહિતર આદર્શ સાથે વાસ્તવિકતાની આપણે ભેળસેળ કરી બેસીએ તેનું મોટું જોખમ રહેલું છે.
સામાન્ય સાધકને માટે સૌથી વધુ હિતવર્ધક વાત. તેણે કોઈ પણ માનવ વ્યક્તિમાં આસક્તિ રાખવી ન જોઈએ. તે સંપૂર્ણ અંતઃકરણ અને સમગ્ર આત્મા સાથે પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરે, પોતાનું સ્વાર્પણ કરે. કેમકે ઈશ્વર તેના પોતામાં પ્રતિષ્ઠિત છે. તે આ રીતે જ તેનું મન નિર્મળ બનાવશે અને તેની દૃષ્ટિને સાફ બનાવશે. આધ્યાત્મિક માર્ગમાં તે મિત્ર બનશે એમ માનીને જો તે કોઈ વ્યક્તિની આસક્તિમાં પડશે, તો તેમાં મોહ થવાની પૂરી સંભાવના છે, અને તે આધ્યાત્મિક દૃષ્ટિને ઝાંખી બનાવશે અને આખરે તેના પોતાના અધઃપતનને નોત૨શે. આવા બધા પ્રયોગો સંભાળપૂર્વક કરવાનું માંડી વાળવું જોઈએ. પરંતુ સ્વયં ઈશ્વર તરીકે તે બધાંની સેવા કરવાનો હક્ક અને અધિકાર તેની પાસે હંમેશાં રહે છે. પરંતુ ધ્યાન રાખો કે, તેની સેવા ઈશ્વર તરીકે હંમેશાં થવી જોઈએ નહિ કે એક માનવી તરીકે, અને સામાન્ય સ્થૂળ શરીર સંબંધોની સાથે તેનો કોઈ સંબંધ ન હોવો જોઈએ. માનવસહજ-વૃત્તિને ગુપ્ત રીતે તેમાં પ્રવેશવા ન દેવી જોઈએ. કેમકે તે જોખમથી ભરેલી છે.
અમે અહીં ભાર મૂકીને કહેવા માગીએ છીએ કે અમે જે ઉ૫૨ વિધાનો કર્યાં છે તે માત્ર સહૃદયી આધ્યાત્મિક સાધકો માટે જ છે અને તે સામાન્ય કે સરાસરી માનવી માટે નથી. દુન્યવી-પ્રેમના સ્પર્શથી ઉદ્ધાર થયો હોય કે નવજીવન પામ્યા હોય તેવા માણસોની સંખ્યા નાની સુની નથી. વળી દુન્યવી-પ્રેમના ઝરાઓ વિના જીવન તદ્દન શુષ્ક બની જાય તેવા માણસો પણ અસંખ્ય છે. મોટા ભાગના માણસો આ દશામાં છે. તેમનો ધર્મ કે તેમનું કર્તવ્ય શું છે? એ છે કે તેમના દુન્યવી-પ્રેમના સંબંધોને બને તેટલા સૂક્ષ્મ બનાવે અને તે દ્વારા તેમની સાથેના સંબંધોને વધુ પવિત્ર બનાવે, વધુ ઉમદા અને વધુ ઉચ્ચ બનાવે તે પછી એ સંબંધો તેમનું કલ્યાણ કરે છે અને તેના કલ્યાણ માટે તે બધા જરૂરી છે. પરંતુ આ ઉમદા અવસ્થાથી ૫૨ આધ્યાત્મિક જીવન રહેલું છે. જ્યારે માણસ મર્ત્ય-પ્રેમથી ધરાઈ જાય છે, જ્યારે ક્ષણિક જીવન અને વાસ્તવિકતા તેમની મર્યાદાઓમાંથી મુક્ત બનવા તેને બેચેન કરે છે, જ્યારે તેનું હૃદય અનંત અને શાશ્વત તત્ત્વને ઝંખે છે, કે જેવી રીતે માતા પોતાના ખોવાઈ ગયેલા સંતાન માટે આક્રંદ કરે તેવી વ્યાકુળતા આવે ત્યારે જ આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. અને તે પછી કહેવાતો દુન્યવી-પ્રેમ અંધકારમય, ઊંડા લીલા શેવાળથી ભરેલો ભયંકર કૂવો દેખાય છે. તેમ શ્રીરામકૃષ્ણદેવ આ અવસ્થાનું વર્ણન કરતાં સૂચક રીતે કહે છે: લોકકથાના ચાતક પંખીની જેમ વર્ષાનાં જ બિંદુઓ માટે તરફડે છે અને નદીઓ અને સરોવરો કાંઠા સુધી ભરેલાં હોવા છતાં તેમાંથી તરસ છિપાવવાનો ઈન્કાર કરે છે તેમ માણસ તે પછી પોતાની તરસ છિપાવવા મર્ત્ય-પ્રેમનો ઈન્કા૨ કરી પ્રભુપ્રેમ જ ઈચ્છે છે.
સસ્તા આદર્શવાદવાળા આ આધુનિક યુગમાં અસાંપ્રદાયિકતા અને શબને પુષ્પોથી ઢાંકવાની મનોવૃત્તિ સ્થૂળ વિષયભોગોના જીવનને અને સપાટી ઉપરની બુદ્ધિને વિષે એક કૃત્રિમ આભા સામાન્ય જીવનની આસપાસ ઊભી કરે છે. જો આધ્યાત્મિક સાધકો આગળ વધવા સહૃદયી અને ઉત્સુક હોય તો તેના માર્ગમાં આવતા આવા ખાડાઓથી ચેતવું જોઈએ. માણસે દરેક યુગમાં વાસ્તવિકતાને આદર્શના વાઘા પહેરાવ્યા છે. અને આ સંસાર તેના બધા આનંદો અને મનોરંજનોથી સભર હોવા છતાં આખરે મિથ્યા છે તે ગંભીર હકીકત તરફ તે પોતાની આંખો હંમેશાં બંધ રાખતો આવ્યો છે. પરંતુ તેમ છતાં તેને તેમાં સફળતા, અખંડ આનંદ કે શાંતિ મળી નથી. અને કદાપિ તેવી સફળતા મળશે પણ નહિ.
ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘Spiritual Practice’ માંથી સાભાર)
Your Content Goes Here




