‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની આગવી સંપદા સમાં છે. એક સ્વતંત્ર ભજન તરીકે તેનો વિચાર કરતાં એનું ભાવગાંભીર્ય અને કક્ષા ચેતોહારી છે. અહીં તેમાંથી એક ભજન લઈ તેના રસમાં અવગાહન કરવાનો ઉપક્રમ છે. આશા છે, તે વાચકોને ગમશે.

ડૂબ ડૂબ ડૂબ, રૂપસાગરે મારા મન,
તલાતલ પાતાલ શોધ્યે, દેખીશ હૃદયમાંહિ વૃંદાવન…
શોધ, શોધ, શોધ, શોધ્યે મળશે રે પ્રેમરત્ન ધન,
ઝળ! ઝળ! ઝળ! જ્ઞાનનો દીવો બળે હૃદયમાં સર્વક્ષણ…
સન! સન! સન! જીવનહોડી ચલાવનારો એ કોણ જણ?
કુબીર કહે, સુણ, સુણ, સુણ, સ્મરે રે ગુરુનાં શ્રીચરણ!

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ ૧, પૃ. સં. ૧૦૮ પુનર્મુદ્રણ, માર્ચ ૧૯૮૨)

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં ગીત-ભજનોની લહાણી છૂટે હાથે થયેલી છે. ઘણી વાર સંદર્ભ જ એવો અદ્ભુત હોય છે કે, ગીત તેમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હોય એમ લાગે છે. રસનું ગાંભીર્ય અને ભાવસમાધિની ચરમ સીમા શબ્દોની પાળે-પાળે બંધાયાં છે. આ રસસાગર તરફ દોરી જવા સંદર્ભ પગદંડીનું કામ કરે છે. આમાં કશું જ આગંતુક નથી. શબ્દ અને સંદર્ભ બન્ને મળી એક પરિસ્થિતિ ઊભી કરે છે.

‘સોનાર બાંગલા’ની હૃદયશ્રી તેનાં બાઉલ ગીતોમાં અવિચ્છિન્ન રીતે પ્રગટ થઈ છે. કવિવર ટાગોરની ‘ગીતાંજલિ’ની પ્રેરક ભૂમિ પણ એ જ ગણાય છે. એક વૈખરીને બાદ કરીએ તો વાણી અને જીવનનો સંબંધ લોહી અને મજ્જાનો છે. જ્યાં આ સંબંધનું સાયુજ્ય અવિનાભાવે પ્રગટ થયું છે, ત્યાં વાણી દ્વારા હૃદય મુખરિત થઈ ઊઠ્યું છે. હૃદયની અમૂર્ત સંવેદનાનો પિંડ વાણી દ્વારા બંધાયો છે.

ઉપરનું ભજન કુબીરનું છે. સાળ ઉપરનો તાર સાંધતાં ઈશ્વર સાથે તેમનો જીવન-તંતુ સંધાઈ ગયેલો. એમની નિર્ભેળ વાણીમાં જે મબલખ કમાણી છે તે અનુભવની સચ્ચાઈની. આ રચના પણ એવા એક અનુભવની સુભગ પળે સ્વયંભૂ પ્રગટી ઊઠી છે. શ્રીઠાકુરનું આ પ્રિય ભજન છે, અને અનેક પ્રસંગે ભાવની ચરમ સીમા પર તે સ્વયં ઠાકુરના શ્રીમુખે ગવાયું છે.

કુબીર, તુલસી, મીરાં, નાનક આદિની ભક્તિગંગોત્રી કોઈ એક ભાષા કે કોઈ એક પ્રદેશની આગવી આગવી મૂડી નથી. ઉત્તરપશ્ચિમ-મધ્ય ભારતના બહુજન સમાજની એ નિજી સંપદા છે. ગંગા જેમ ક્યાંક ગંગા, ક્યાંક હુગલી કે ક્યાંક મેધના નામે ઓળખાય છે તેમ ભારતના ઘણાખરા ભાગમાં લોકમુખે ઝિલાઈને વિવિધ ભાષા બોલનાર બહુજન સમાજની પોતીકી સંપત્તિ છે.

સમગ્ર વાતનો સંદર્ભ ઘણો અગત્યનો બંધાયો છે. છે. શિવનાથ વગેરે સાથે ચર્ચાનો પ્રસંગ છે. તેઓ શું બોલે છે તે જાણવાની શ્રીઠાકુરની ઈચ્છા હતી. ઈશ્વરની અપરંપાર રચનાઓ અને તેના ઐશ્વર્યની તેમણે સુંદર વાણીમાં પ્રશંસા કરી શ્રીઠાકુરને ભાવસમાધિ લાગી ગઈ.

શ્રીઠાકુરના મનમાં ફરીફરીને એક પ્રશ્ન આવે છે. ઐશ્વર્યનું આ વર્ણન આ બધી વિગતો જાણવાની શી જરૂર છે? એથી કહેનાર અને સાંભળનાર વિગતજ્‌વરથી પીડાય છે.

અને તરત જ પ્રસંગ બદલાય છે.

રાધાકાંતના મંદિરમાં ઘરેણાંની ચોરી થાય છે. મથુરબાબુ ઠાકોરજીને ઠપકો આપે છે, “તમે તમારાં ઘરેણાંનું પણ રક્ષણ કરી શક્યા નહિ?” ત્યારે શ્રી ઠાકુર કહે છે, “તમારાં ઘરેણાં તમારી નજરે કીમતી, પણ લક્ષ્મી જેનાં ચરણ ચાંપે છે તેને મન તેનું મૂલ્ય માટીના ઢેફા બરાબર છે. તમે એમને ક્યું ઐશ્વર્ય આપી શકો? જેને તમે ચાહો તેની પાસે કેટલું ઐશ્વર્ય કે સમૃદ્ધિ છે એ જાણીને તમારે શું કામ છે?”

માટી મોંમાં નાખતાં કૃષ્ણનું મોં ખોલવા જતાં મુખમાં ત્રિભુવનનું દર્શન કરતાં યશોદાની જે વલે થઈ તેથી અંતે કહેવું પડ્યું કે, તું મારો બાળ કનૈયો થઈને રહે. ઐશ્વર્યનો માહિતી ભંડાર રસસાગરના નિર્વિઘ્ન અવગાહનમાં બાધારૂપ બને એમ શ્રીઠાકુર કહે છે અને એ સંદર્ભ આ ભજન માટે ઘણો અગત્યનો છે.

આ ગ્રંથમાં શ્રીઠાકુરના શ્રીમુખે કેટલાંક ભજનો સહજ રીતે ગવાયાં છે. ઘણા પ્રસંગે એવું બને છે કે, અન્ય મુખે ભાવવાહી ભજન સાંભળતાં શ્રીઠાકુર ભાવવિભોર બની સમાધિમાં ડૂબી જાય છે. આ ભજન એમણે સ્વયં ગાયું છે. માસ્ટર મહાશય કહે છે, “ગાંધર્વને પણ શરમાવે તેવા કંઠથી.” એટલે ભજન ભલે કુબીરનું હોય પણ એનો અ-ક્ષરદેહ શ્રીઠાકુરની અંતરગુહામાં રહેલા અનિર્વચનીય ભાવથી રસાઈને પ્રગટ થયો છે.

આમાં સંબોધન પોતાના મનને છે. ઐશ્વરીય રૂપસાગરમાં ડૂબવાનું મનને પ્રેમભર્યું આહ્વાન છે. પ્રેમરત્ન રૂપી ધન તો મળશે- મળવાની નિશ્ચિતતા જ છે પણ એને શોધવું પડશે. એને તલ-અતલ-પાતાલ સુધી શોધવાની વૃત્તિ જોઈશે.

આ તળ-અતળ -પાતાળ ક્યાં છે? બીજી જ કડીમાં એની સ્પષ્ટતા તરત થઈ જાય છે. તારી ખોજ સતત જારી રાખ. મોરલીના નાદમાધુર્યથી સચરાચર વ્યાપી એવું વૃંદાવન છે. એ બીજે કશે નહિ, તારા હદયમાં જ છે. એટલે તળ-અતળ-પાતાળ એ હૃદયની અંતરગુહામાં જ છે. એની શોધ બહાર કશે નહિ, અંદર જ કરવાની છે.

આ શોધ અગમ્ય, અગોચર સ્થાને કરવાની હોય પણ ત્યાં તારા માર્ગને ઉજાળનાર અને રસ્તો બતાવનાર દીવો ઝળ-ઝળ પ્રજ્વલિત છે. આ દીવો છે જ્ઞાનનો. જ્ઞાનની-જ્યોત હરક્ષણે હૃદયમંદિરમાં ઝળહળે છે. તે હરક્ષણે પ્રકાશિત છે. અહીં સંપૂર્ણ વિધેયાત્મક રીતે વાત મૂકી છે, તે ઘણું અગત્યનું છે. દરેકના હૃદયમાં દીવો બળે છે. એનો પ્રકાશ પામવા માટે અંતર્ચક્ષુ ખોલી નાખવાની જરૂર છે.

એ ખૂલી જતાં જ્ઞાન-જ્યોતનો પ્રકાશ દેખાતાં જ ભાવજળમાં હોડી સડસડાટ ઊપડે છે. એનો ચલાવનાર નાવિક કોણ છે એની ચિંતા કરવાની જરૂર નથી. એ લક્ષ્ય સ્થાને પહોંચાડશે જ, એ શ્રદ્ધા પૂરતી છે. શ્રીગુરુચરણને યાદ કર એટલે બધું ગોઠવાઈ જશે.

આ ભજનની ખૂબી એ છે કે, બધું સહજ રીતે કમબદ્ધ ગોઠવાતું જાય છે. ‘एक साधे सब साधो’ની જેમ આ સંદર્ભમાં એક બીજા પ્રસંગે શ્રી ઠાકુરે આપેલું કઠિયારાનું ઉદાહરણ ઘણું અર્થપૂર્ણ લાગે છે :

રોજ જંગલમાં લાકડાં કાપી ગુજરાન ચલાવનાર એક કઠિયારાને સાધુએ કહ્યું, ‘તું આગળ વધ.

વારંવારની આગળ વધવાની પ્રેરણાથી કઠિયારો ક્રમશ: ચંદનવૃક્ષનાં વન, ત્યાંથી ચાંદીની ખાણ, ત્યાંથી સોનાની ખાણ અને અંતે હીરા મોતીનાં ખજાના સુધી પહોંચે છે. એમ ડૂબવાના ઝંપલાવવાના એક સાહસમાંથી જીવ ક્રમશ: વૃંદાવનની પરમાનંદરૂપ લીલાવિહારભૂમિ સુધી પહોંચી જઈ શકે છે. એ સાહસ અંતે શ્રીગુરુચરણમાં આનંદયાત્રા બની વિરામ પામે છે.

હકીકતમાં આમાં કશું બહારથી ખોળવાનું નથી. આ તો અંતર્ચેતનાની યાત્રા છે. એનો અંત મહાસમાધિના આનંદમાં -બ્રહ્માનંદમાં છે. એટલે જ બીજા એક પ્રસંગે શ્રીઠાકુર કહે છે, “ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ.”

‘શાસ્ત્રોમાં શું ઈશ્વરને મેળવી શકાય? શાસ્ત્રો ભણીને તો બહુ બહુ તો ઈશ્વર છે, એટલું સમજાય. પરંતુ પોતે ડૂબકી ન મારે તો ઈશ્વર દર્શન આપે નહિ. ડૂબકી માર્યા પછી એ પોતે પોતાનું સ્વરૂપ દેખાડી દે ત્યારે સંદેહ દૂર થાય!’

(કથામૃત-ભાગ ૨, પૃ. સં. ર૯૦-૨૯૧)

આ ભજનની એક બીજી વાત પણ ધ્યાન ખેંચે છે. આમાં દરેક ક્રિયાપદ એક વાર નહિ, બે વાર નહિ પણ ત્રણત્રણ વાર મીઠા આદેશાત્મક સ્તરે આવે છે. રસનો સાગર બતાવી કોઈ આંગળી ચીંધીને પ્રેરી રહ્યું છે : “ડૂબ ડૂબ, ડૂબ!” શ્રીઠાકુર કાનમાં આંગળી ખોસી પોકારીને કહે છે, ‘સુણ, સુણ, સુણ’ વાણીની આ યુક્તિ વાસાવડનો એક કવિ બરાબર પકડે છે..

‘મને વહાલું વહાલું વહાલું દાદા રામજીનું નામ.’ ભાવસઘનતાને ત્રેવડી આપવાની કુબીરની ત્રેવડ અને વાણીનો ચમત્કાર આમાં દેખાય છે. પ્રહ્‌લાદની અંતિમ કસોટીમાં ધગધગતો સ્તંભ હતો. થાંભલો ધગધગતો હતો કે પ્રહ્‌લાદની તમન્ના? પ્રહ્‌લાદની ધગધગતી તમન્નામાંથી જ નર-સિહનું પ્રગટ થવું સ્વાભાવિક છે.

‘ડૂબ, ડૂબ, ડૂબ’ની રસસમાધિમાં કૂદી ૫ડવાના અદમ્ય સાહસમાંથી જ હૃદય વૃંદાવનમાં રસલીન થવાનું સંભવી શકે.

(કથામૃત ખંડ ૧, પૃ. સં. ૧૦૮. પુનર્મુદ્રણ, માર્ચ ૧૯૮૨)

તાજા કલમ

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણે ખંડોમાં ફરી વળતાં આ ભજન જુદા જુદા પ્રસંગે લગભગ શ્રીઠાકુરના શ્રીમુખે અનેક વાર ગવાયેલું છે. પ્રસંગ અને સંદર્ભ પર આમાંથી દર વખતે અર્થની કોઈ નવી જ ક્ષિતિજનાં દર્શન થાય છે. કેલીડોસ્કોપને જરાક ફેરવતાં દર વખતે એક નવી જ આકૃતિ રચાય તેમ આ ભજનના અનેક ભાવસંદર્ભ દેખાયા છે. અર્થનું એક નવું જ રહસ્ય પ્રગટ થતું રહ્યું છે. આ તમામ સંદર્ભના અર્થની વિવિધ અર્થછાયાઓનો અભ્યાસ પણ કરવા જેવો છે. આ ભજન એક સીડી છે. સીડીના દરેક પગથિયે અર્થની આગવી રંગછટા દેખાય છે.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.