(સપ્ટેમ્બર થી આગળ…)
પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી લીધી. તે વખતે અમૂલ્ય મહારાજે (સ્વામી શંકરાનંદે) મદદ માટે પૂછ્યું હતું પરંતુ મેં તેમને કહ્યું કે મારી ઇચ્છા કેવળ કાશીમાં રહેવાની છે.
અગ્રહાયણ માસ (નવે.-ડિસે.) માં મહાપુરુષ મહારાજ કાશી આવ્યા. હું ઘણા વખતથી કાશીમાં હતી તેથી મહારાજે મને નિવેદિતા સ્કૂલે પાછા જવા કહ્યું. મેં તેમની સમક્ષ માથું ઝૂકાવી કહ્યું, ‘મહારાજ એમ ન કહો, હજી મારું મન જરાય સારું નથી, જ્યારે સારું લાગશે ત્યારે પાછી ફરીશ.’ પછી મારા એક પત્રના જવાબમાં તેમણે લખ્યું, ‘શ્રી શ્રીમા, યોગિનમા, ગોલાપમા તથા શરત મહારાજની સેવા પછી તારું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. હવે બાકીનું જીવન જપ-ધ્યાનમાં ગાળ.’ ગોલાપદીના ઘરના, એ નાના ઓરડામાં મેં પાંચ વર્ષ આનંદપૂર્વક વિતાવ્યાં. ત્યારબાદ બીમાર પડવાથી સારવાર માટે કોલકાતા જઈ દાકતર દુર્ગાપદના ઘરે રહી. ત્યારબાદ થોડા દિવસ સ્કૂલમાં ગાળી હું વારાણસી પાછી ફરી.
રાજા મહારાજ પાસેથી મેં સાંભળેલું કે મણિકર્ણિકા ઘાટ પર જપ કરવો ઉત્તમ છે. સાધારણ રીતે ગંગાસ્નાન, વિશ્વનાથ દર્શન, ઠાકુરપૂજા, વગેરે કર્યા પછી સાંજે ચાર વાગે હું મણિકર્ણિકા ઘાટ પર જતી અને મોડેથી ઘરે પાછી આવતી. ક્યારેક ક્યારેક વિશ્વનાથજીની આરતીનાં દર્શન કરીને ઘરે આવતી. મારો આખો દિવસ જપ, પૂજા અને ધ્યાનમાં વીતતો. ક્યાંય પણ જવાની ઇચ્છા જ ન થતી. કુમિલ્લાથી પાછા ફરી પ્રફુલ્લમુખીદેવીએ કહ્યું, ‘હું પણ કાશીવાસ કરીશ. આપણી પાસે જે કંઈ પૈસા છે તેનાથી ઘર બનાવી લઈશું, ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું?’ તેથી ઈ.સ.૧૯૩૪ માં અમે ઘર બનાવ્યું. પરંતુ ઘર બનાવ્યા બાદ અમારી ઝંઝટ વધી ગઈ. જપ-ધ્યાન માટે અમને પહેલાં જેવો સમય ન મળતો. ઈ.સ.૧૯૩૬ માં મારી આંખો નબળી થઈ ગઈ. તેથી હું ગંગાસ્નાન કે વિશ્વનાથ દર્શને દરરોજ જઈ ન શકતી, ફક્ત સોમવારે જ મંદિરે જતી.
શ્રીરામકૃષ્ણ જન્મશતાબ્દી ઉત્સવમાં હું કોલકાતા આવી લગભગ એક વર્ષ સુધી નિવેદિતા સ્કૂલમાં રહી. બેલુરમાં રામકૃષ્ણ મંદિરના ઉદ્ઘાટન બાદ હું કાશી પાછી આવી અને લાંબા સમય સુધી કોલકાતા ગઈ નહિ. એ દરમ્યાન સ્કૂલમાં અનેક પરિવર્તન આવ્યાં. કાશીમાં મને બધા સમાચાર મળતા રહેતા. ઈ.સ.૧૯૪૮ માં દુર્ગાપૂજા પછી જ્યારે રેણુ (બાદમાં પ્રવ્રાજિકા મોક્ષપ્રાણા) વગેરે કાશી આવ્યાં તો તેમણે મને સ્કૂલમાં આવવા આમંત્રિત કરી. ઈ.સ.૧૯૪૯ ની ઉનાળાની રજાઓમાં જ્યારે રેણુ અને લક્ષ્મી (પ્રવ્રાજિકા શ્રદ્ધાપ્રાણા) સ્કૂલમાં હતાં, ત્યારે સુશ્રી (પ્રવ્રાજિકા નિર્ભયપ્રાણા) ની સાથે હું ત્યાં ગઈ. મારાં માતા મને મળવા વ્યાકુળ હતાં. રજાઓ પછી સુશ્રી કાશી પાછી ગઈ પરંતુ હું થોડા દિવસો ત્યાં જ રહી. ઈ.સ.૧૯૫૧ માં ૨૦-૨૨ બહેનોનો એક મોટો સમૂહ કાશીથી કામારપુકુર મંદિરના પ્રતિષ્ઠા સમારંભમાં ગયો. પહેલાં અમે બાંકુડા અને વિષ્ણુપુર થઈ જયરામવાટી ગયાં.
અક્ષય તૃતીયાનો ઉત્સવ પતાવી અમે ત્યાંથી કામારપુકુર ગયાં. સુશ્રી પણ અમારી સાથે હતી. ઈ.સ.૧૯૫૪ના એપ્રિલમાં શ્રીશ્રીમાની જન્મશતાબ્દીના પ્રસંગે ફરીવાર જયરામવાટી ગયાં. કામની વ્યવસ્થા માટે અમને કેટલાંકને ઉત્સવના ઘણા દિવસો પહેલાં જ બોલાવવામાં આવેલાં.
મેં સાંભળેલું કે મહિલાઓના મઠનો શુભારંભ થવાનો હતો, પરંતુ મારે પણ ત્યાં જવાનું થશે તેવો વિચાર ક્ષણભર માટે પણ મનમાં આવ્યો નહોતો. ગગને મને કહ્યું કે કદાચ મારે ત્યાં જવાનું થશે, પરંતુ હું વિચારી ન શકી કે આ કેવી રીતે થશે.
સ્વામી શંકરાનંદ જયરામવાટી આવેલા. એક દિવસ શાકભાજી સમારતી વખતે તેમના એક સેવક બ્રહ્મચારી અમલે આવી મને કહ્યું કે મહારાજ આપને બોલાવી રહ્યા છે. હું તેમની સાથે મહારાજ પાસે ગઈ. દરવાજો બંધ કરી તેમણે મને કહ્યું, ‘જ્યારે અમે મહિલાઓનો મઠ શરૂ કરીશું ત્યારે તારે આવવું પડશે.’ મેં કહ્યું, ‘મારા માટે એ સંભવ નથી.’ તેમણે કહ્યું, ‘જો મારા દ્વારા આ કાર્ય સંભવ થયું હોય તો તારા દ્વારા પણ થશે. શ્રીશ્રીમા ઉપર આધાર રાખવાથી કાર્ય આપોઆપ થઈ જાય છે. મઠમાં જોડાનાર મહિલાઓને એ જ તાલીમ આપવાની જે તેં શ્રીમા પાસેથી મેળવી છે… સુયોગ જયારે આવે ત્યારે તે સુયોગનો સ્વીકાર કરવો જોઈએ. હું આજે જઈ રહ્યો છું. તને જણાવી દીધું. યોગ્ય સમયે હું તને લખીશ.’
ઉત્સવ બાદ અમે કાશી પાછાં ફર્યાં, ત્યાર પછીની ઘટના તો બધાં જાણે છે.
શ્રી સારદા મઠની સ્થાપના
(ઈ.સ. ૧૯૫૪ થી ૧૯૭૩)
ઈ.સ.૧૯૫૧ માં શ્રીરામકૃષ્ણ મઠ, બેલુરના પરિચાલક સંન્યાસીઓએ સ્વામી વિવેકાનંદની ઇચ્છાનુસાર મહિલાઓ માટે મઠની સ્થાપના કરવાનો વિચાર કર્યો. શ્રી શ્રીમાના જન્મશતાબ્દી વર્ષ (ઈ.સ. ૧૯૫૩-૫૪) ના શુભ અવસરે મઠની સ્થાપનાનો પ્રસ્તાવ ઈ.સ. ૧૯૫૨ ના સાધુ સંમેલનમાં રજૂ કરી, સ્વીકૃત કરવામાં આવ્યો. તે પ્રમાણે મઠાધિકારીઓએ રામકૃષ્ણ મિશનનાં વિભિન્ન કેન્દ્રોમાં નિ :શુલ્ક સેવા આપતી વ્રતધારિણી બહેનોને બ્રહ્મચર્ય વ્રતમાં દીક્ષિત કરવાનો નિર્ણય લીધો. રામકૃષ્ણ મઠના તત્કાલીન અધ્યક્ષ સ્વામી શંકરાનંદે શ્રી શ્રીમાના જન્મદિવસે ૧૯૫૩માં ૨૭મી ડિસેમ્બરે, સાત બહેનોને બ્રહ્મચર્ય દીક્ષા આપી. મઠના જૂના મંદિરમાં અનેક વરિષ્ઠ સંન્યાસીઓની ઉપસ્થિતિમાં દીક્ષા-વિધિ સંપન્ન થઈ. મઠના મહાસચિવ સ્વામી માધવાનંદે મઠ પ્રાંગણમાં આયોજિત સાર્વજનિક સભામાં આ ઐતિહાસિક સમાચારની ઘોષણા તે જ દિવસે બપોરે કરી દીધી.
બેલુર મઠાધિકારી સંન્યાસીઓ મહિલાઓના મઠ માટે યોગ્ય જમીન શોધી રહ્યા હતા. ઈ.સ.૧૯૫૧માં દક્ષિણેશ્વર કાલી મંદિર પાસે ગંગાના પૂર્વ કિનારે ‘સુરધુની કાનન’ નામનું મકાન, તેની આસપાસની બગીચાવાળી જમીન સહિત ખરીદવામાં આવ્યું. તેને રહેવા લાયક બનાવવા માટે સમારકામનું કાર્ય તરત જ શરૂ કરી દેવામાં આવ્યું.
એ દરમ્યાન શ્રી મૃગાંકમોહન સુરે મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપના માટે કોલકાતાના એન્ટાલી ખાતે એક મકાન રામકૃષ્ણ મિશનને દાનમાં આપ્યું. દક્ષિણેશ્વરમાં સમારકામ પૂરું થવામાં થોડો સમય બાકી હતો તેથી મઠાધિકારીઓએ નિર્ણય લીધો કે મહિલાઓના મઠની સ્થાપના થાય ત્યાં સુધી બ્રહ્મચારિણીઓ, સરલાદેવી સાથે તે મકાનમાં રહીને નીરવપણે સાધનજીવન યાપન કરે. સ્વામી શંકરાનંદના નિર્દેશ અનુસાર સરલાદેવી ૭ મી જુલાઈ,૧૯૫૪ ના રોજ કાશીથી નિવેદિતા સ્કૂલે આવ્યાં. બીજા દિવસે એટલે કે ૮મી જુલાઈએ તેમણે બેલુર મઠના ટ્રસ્ટીઓ સાથે મહિલાઓના મઠ વિશે ચર્ચા કરી. ઊલટો રથ ના દિવસે ૧૦મી જુલાઈની વહેલી સવારે ગંગાસ્નાન બાદ તેમણે ઉદ્બોધન ભવનમાં શ્રી શ્રીમાની પૂજા કરી. પ્રસંગોપાત્ત તે દિવસે તેમનો જન્મદિવસ પણ હતો, પરંતુ તેમણે તે કોઈને જણાવ્યું નહિ. ત્યારબાદ, શ્રીરામકૃષ્ણ અને શ્રીસારદાદેવીની છબીઓ લઈને તેઓ કેટલીક બ્રહ્મચારિણીઓ સાથે એન્ટાલીના મકાને આવ્યાં. પોતાના કાશી નિવાસકાળમાં તેમણે સત્તાવીસ વર્ષો સુધી આ છબીઓની દરરોજ પૂજા કરેલી. સ્વામી વિશુદ્ધાનંદ, સ્વામી માધવાનંદ અને સ્વામી અભયાનંદની સાથે સ્વામી શંકરાનંદ બેલુર મઠથી આવેલા. શુભ મુહૂર્તમાં સ્વામી શંકરાનંદજીએ છબીઓની વેદી ઉપર સ્થાપના કરી પુષ્પાંજલિ આપી, તેમણે બ્રહ્મચારિણીઓને અંતર્મુખ આંતરિક જીવનયાપન કરવાનો ઉપદેશ આપ્યો અને સરલાદેવીને અધ્યક્ષા તરીકે નિયુક્ત કર્યાં.
ઘણા સમય પહેલાં સ્વામી સારદાનંદે સરલાદેવીને સંન્યાસિનીના પરિધાન સ્વરૂપે એક ભગવા રંગની સાડી આપી હતી, એ વાતની ઘણાંને ખબર નહોતી. આ અવસરે સ્વામી શંકરાનંદે તેમને ફરીથી એક ભગવા રંગની સાડી આપી કહ્યું, ‘‘હવેથી સ્વામી સારદાનંદ દ્વારા અપાયેલ નામ ‘શ્રી ભારતી’નો ઉપયોગ કરજો અને ભગવાં વસ્ત્રો જ ધારણ કરજો.’’
સરલાદેવી પોતાની ડાયરીમાં લખે છે : ૧૨ જુલાઈ : અહીં અમારો સાતેય બહેનોનો સમય પોતપોતાનાં દૈનંદિન કાર્યોની સાથોસાથ પૂજા, શાસ્ત્રપાઠ, ધ્યાન અને જપમાં વ્યતીત થાય છે. પોતાનાં બધાં જ કામો અમે જાતે જ કરીએ છીએ. માત્ર એક ચોકીદાર છે. શ્રી ઠાકુર અને માના આદર્શ પ્રતિ ગંભીર શ્રદ્ધા સાથે એ આદર્શને અનુરૂપ જીવનગઠન કરવું અને આધ્યાત્મિક ભાવરાજ્યમાં એક સાથે રહેવું એ અમારા આ નિર્જનવાસનો ઉદ્દેશ છે.
શ્રી ભારતી એન્ટાલીથી કાશી ગયાં તથા બાબા વિશ્વનાથ અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ લઈને એક માસમાં પાછાં આવ્યાં. ત્યારબાદ તેમણે હંમેશાં ભગવાં વસ્ત્રો જ પહેર્યાં.
દક્ષિણેશ્વરમાં મહિલાઓના મઠનું ઉદ્ષઘાટન ૨ જી ડિસેમ્બર, ઈ.સ.૧૯૫૪ ના દિવસે થયું. તેમાં બેલુર મઠના વરિષ્ઠ સંન્યાસીઓ, મહિલા-મઠની બ્રહ્મચારિણીઓ તથા અનેક ગૃહસ્થ ભક્તો ઉપસ્થિત હતાં. બ્રહ્મચારિણીઓ દ્વારા વેદમંત્રપાઠ તથા સ્તુતિગાનની વચ્ચે સ્વામી શંકરાનંદે શ્રીરામકૃષ્ણ, શ્રીસારદાદેવી અને સ્વામી વિવેકાનંદની નવી છબીઓની મંદિરમાં સ્થાપના કરી, મઠનું પ્રતિષ્ઠાકાર્ય સમ્પન્ન કર્યું.
મહિલાઓના આ મઠનું નામ ‘શ્રી સારદા મઠ’ રાખવામાં આવ્યું. તથા શ્રી ભારતીને તેનાં અધ્યક્ષા બનાવવામાં આવ્યાં. આ રીતે અનેક વર્ષો પછી સ્વામીજીની ઇચ્છાએ સાકારરૂપ ધારણ કર્યું. આખો દિવસ પૂજા અને હોમ વગેરે કાર્યક્રમો ચાલતા રહ્યા. એક સુસજ્જિત મંડપમાં શ્રી રામકૃષ્ણદેવ, શ્રી સારદાદેવી તથા સ્વામીજીની વિશાળ છબીઓ સજાવવામાં આવેલી, જેની સામે બેસીને મહિલા ભક્તોએ પ્રાત :કાળથી જ ભજન-કીર્તન ગાવાનું શરૂ કરેલું. વાતાવરણમાં આધ્યાત્મિક ભાવ પ્રસરી ગયો. સંન્યાસીઓ તથા પુરુષ ભક્તો ફળ-મીઠાઈ પ્રસાદ લઈ સવારે દસ વાગ્યા સુધીમાં ચાલ્યા ગયા. લગભગ અઢી હજાર મહિલાઓ તથા બાળકોને મોડી સાંજ સુધી અન્નપ્રસાદ ખવડાવવામાં આવ્યો. ભક્તોના ચાલ્યા જવા બાદ જ્યારે વાતાવરણ શાંત થઈ ગયું ત્યારે વ્રતધારિણીઓએ અખંડ જપ શરૂ કર્યા, જે પંદર દિવસ સુધી ચાલ્યા.
શ્રી શ્રીમાના જન્મશતાબ્દી સમારંભ દરમ્યાન મહિલા-ભક્ત સંમેલન થયું, જેમાં સમગ્ર ભારત દેશમાંથી મહિલાઓ આવી એકત્રિત થયેલાં. શ્રી સારદા મઠના શાંત તથા પવિત્ર વાતાવરણથી બધાં મુગ્ધ થઈ ગયાં.
શ્રી સારદા મઠની સ્થાપનાના ઉપલક્ષ્યમાં, બેલુર મઠના સંન્યાસીઓને ભંડારો આપવા માટે શ્રી ભારતીએ પહેલાં જ સ્વામી શંકરાનંદને સંમતિ આપવા વિનંતી કરેલી, એ અનુસાર શ્રી સારદા મઠમાં ૧૪ ડિસેમ્બર,૧૯૫૪ ના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. રામકૃષ્ણ મઠ તથા મિશનનાં બીજાં કેન્દ્રોમાંથી પણ સંન્યાસીઓને ભંડારામાં આમંત્રિત કરવામાં આવ્યા. પ્રત્યેકને વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યાં. મઠાધ્યક્ષ સ્વામી શંકરાનંદ, ઉપાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદ, મહાસચિવ સ્વામી માધવાનંદ, સ્વામી શાંતાનંદ, સ્વામી નિર્વેદાનંદ, સ્વામી ઓંકારાનંદ, સ્વામી દયાનંદ, સ્વામી અભયાનંદ, સ્વામી શાશ્વતાનંદ, સ્વામી વીરેશ્વરાનંદ વગેરે લગભગ સિત્તેર વરિષ્ઠ સાધુઓએ પ્રસાદ ગ્રહણ કરેલો. બધાંને ખૂબ આનંદ થયેલો. ઈ.સ.૧૯૫૯ સુધી શ્રી સારદા મઠને બેલુર મઠની શાખા ગણવામાં આવી હતી.
શ્રી શ્રીમાની જન્મતિથિ ૧ જાન્યુઆરી, ઈ.સ.૧૯૫૯ ના દિવસે અધ્યક્ષ સ્વામી શંકરાનંદ દ્વારા શ્રી ભારતી તથા સાત બ્રહ્મચારિણીઓને રામકૃષ્ણ મઠ તથા મિશનના ટ્રસ્ટીઓ તથા વરિષ્ઠ સંન્યાસીઓની ઉપસ્થિતિમાં સંન્યાસ દીક્ષા આપવામાં આવી. બેલુર મઠના જૂના મંદિરમાં વિરજા હોમ સંપન્ન થયો. શ્રી ભારતીને નવું નામ આપવામાં આવ્યું પ્રવ્રાજિકા ભારતીપ્રાણા. અન્ય સહુને નીચે પ્રમાણે નામ આપવામાં આવ્યાં – પ્રવ્રાજિકા મોક્ષપ્રાણા, પ્રવ્રાજિકા મુક્તિપ્રાણા, પ્રવ્રાજિકા દયાપ્રાણા, પ્રવ્રાજિકા વિદ્યાપ્રાણા, પ્રવ્રાજિકા ભક્તિપ્રાણા, પ્રવ્રાજિકા શ્રદ્ધાપ્રાણા તથા પ્રવ્રાજિકા મેધાપ્રાણા. તે શુભ દિન, માહેન્દ્ર ક્ષણ, પવિત્ર સંસ્કારવિધિ, સુચિંતિત નામકરણ તથા ભગવાં વસ્ત્રની આભાએ શ્રી સારદા મઠની મઠવાસિનીઓને અલૌકિક ભાવથી અભિભૂત કરી દીધાં. તેઓએ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા તેમજ સ્વામીજી પ્રત્યે પ્રાર્થના તેમજ કૃતજ્ઞતા વ્યક્ત કર્યાં, પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે તેઓની પાસે શબ્દો ન હતા. બધાંના અંતરમાંથી ગુરુ પરંપરાને શત્કોટિ ભક્તિનમ્ર પ્રણામ ઉચ્ચારિત થયાં.
તે જ વર્ષે આૅગસ્ટ માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓએ સંન્યાસિનીઓને શ્રી સારદા મઠના ટ્રસ્ટીઓ બનાવીને મઠની સમગ્ર જવાબદારી તે લોકોને સોંપી દીધી. પ્રવ્રાજિકા ભારતીપ્રાણા અધ્યક્ષા થયાં તથા પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાને મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યાં.
શ્રી સારદા મઠનો ઉદ્દેશ્ય, આદર્શ તથા કાર્યપ્રણાલી શ્રીરામકૃષ્ણ મઠ જેવાં જ છે, પરંતુ વહીવટમાં પ્રવ્રાજિકાઓ સ્વતંત્ર છે. આ પ્રમાણે મહિલાઓના મઠ માટેની સ્વામી વિવેકાનંદની પરિકલ્પના સાકાર બની. નવા ટ્રસ્ટીઓએ કાર્યવાહક સમિતિ ઘડી, સ્વતંત્રરૂપે કાર્ય શરૂ કરી દીધું.
મઠાધ્યક્ષના રૂપમાં પ્રવ્રાજિકા ભારતીપ્રાણાએ તે જ વર્ષે મહાલયા પછી આઠ બ્રહ્મચારિણીઓને સંન્યાસ દીક્ષા આપી. તેમણે શ્રી સારદા મઠમાં ભક્તોને ૬ઠ્ઠી ડિસેમ્બર, ઈ.સ.૧૯૫૯ થી મંત્રદીક્ષા આપવાનું શરૂ કર્યું. ૨૨ ડિસેમ્બરે શ્રી શ્રીમાની જન્મતિથિ પર તેમણે ત્રણ પ્રશિક્ષણાર્થિનીઓને બ્રહ્મચર્ય દીક્ષા આપી. આ રીતે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. કાશીનું નીરવ સાધન જીવન સમાપ્ત થઈ ભવિષ્યના કર્મજીવનનો આરંભ થયો.
(ક્રમશ 🙂
Your Content Goes Here




