* એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય?’ ઠાકુર: બધું ઈશ્વરની ઇચ્છા પર આધારિત છે. ઈશ્વરદર્શન માટે ખંત જરૂરી છે. સરોવરને કાંઠે, બેસીને તમે બોલો કે, ‘સરોવરમાં માછલી છે’, તો શું તમે એક્કેય માછલી પકડી શકશો? માછલીના શિકાર માટે જરૂરી ચીજો લઈ આવો, ‘વાંસ લાવો, દોરી બાંધો, ગલ લગાડો અને માછલી આકર્ષાય. પછી ઊંડા પાણીમાંથી માછલીઓ ઉપર આવશે અને, તમે જોઈને શિકાર કરી શકો એટલી નજીક આવશે. તમારે મારી બાજુમાં બેસવું છે, કોશિશ કશી કરવી નથી અને ઇચ્છો છો કે હું તમને ઈશ્વરદર્શન કરાવું! તમે કહો છો કે દહીં મારે જમાવવું, વલોણું મારે કરવું અને માખણ આવે તે તમારા મોંમાં મૂકવું. માછલી હું પકડું અને તમારા હાથમાં મૂકું એમ તમે ઇચ્છો છો. કેવી તો ખોટી તમારી માગણી છે!
* મધદરિયે તરતા વહાણના કૂવાથંભ પર બેઠેલું પંખી થાકી જાય છે ને બીજું આરામદાયક સ્થાન શોધવા ઊડે છે; પણ બીજું ઠેકાણું નહીં મળતાં પાછું ખૂબ થાકીને કૂવાથંભે આવે છે. એ જ રીતે, સાધકના શુભેચ્છક અને પૂરા અનુભવી ગુરુ શિષ્ય પર જે શિસ્ત લાદે છે તેથી કંટાળી જઈ, સાધક સાધનાપંથે ત્રાસ અનુભવે છે. એ આશા અને ગુરુમાં શ્રદ્ધા ગુમાવી દે છે અને, ‘સ્વપ્રયત્નથી જ હું ઈશ્વરને મેળવીશ.’ એ માન્યતા સાથે એ ગુરુને છોડી સંસારમાં જાય છે; પણ ઘણા નિષ્ફળ પરિશ્રમ પછી, પોતાના ગુરુનાં આશીર્વાદ અને કૃપા માટે ગુરુ પાસે એ પાછો જવાનો જ છે.
* પવન વાતો ન હોય ત્યાં સુધી, ગરમી દૂર કરવા આપણે પંખો ખાઈએ છીએ; પણ પવન વાવા લાગે અને, ગરીબ, તવંગર સૌને એ ઠંડક આપવા લાગે કે આપણે હાથમાંથી પંખો મૂકી દઈએ છીએ. ઉપરથી મદદ ન મળે ત્યાં સુધી, અંતિમ ધ્યેયે પહોંચવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો રહ્યો. પણ, સદ્ભાગ્યે એ સહાય આવી મળે ત્યાર પછી ભલે માણસ પરિશ્રમ મૂકી દે, નહીં તો એ ન છોડાય.
* પવન વાય ત્યારે પંખાની કશી જરૂર રહે નહીં. ઈશ્વરકૃપા વરસે પછી પ્રાર્થનાની, તપની જરૂર નહીં.
* ‘ઈશ્વરની, ગુરુની અને ભક્તની કૃપા હોય તો પણ, એક ચોથી કૃપા ન વરસે તો આત્મા વિનાશને નોતરે છે. આ ત્રણ કૃપા મેળવવા સદ્ભાગી બનવા છતાં, મનુષ્યનું પોતાનું હૃદય જાત ઉપર કૃપા ન વરસાવે તો, અર્થાત્, આત્મોન્નતિ માટે એ વ્યાકુળ ન હોય તો, એ ત્રણ કૃપાઓનું કશું પરિણામ આવતું નથી.
* ગમે એટલું તમે મથો, પ્રભુકૃપા વગર કશું પામી શકાય નહીં; એની કૃપા વગર એને પામી શકાય નહીં. પણ દિવ્ય કૃપા સરળતાથી વરસતી નથી. તમારા હૃદયમાંથી તમારા અહંકારને પૂરો દેશવટો દેવો પડશે. ‘હું કર્તા છું;, એવું ‘હું’ પણું હોય ત્યાં સુધી તમે ઈશ્વરને જોઈ શકો નહીં.’ કોઠારમાં કોઈ હોય, અને ઘરધણીને કોઈ કોઠારમાંથી કશું લાવવાનું કહે તો, એ તરત કહેવાનો, ‘કોઠારમાં કોઈક છે; જરા એની પાસે જઈને માગો. મારે ત્યાં જવાની કંઈ જરૂર નથી.’ પોતે કર્તા છે એમ માનનારના હૃદયમાં ઈશ્વર કદી દર્શન દેતો નથી.
* પોતાની કૃપા દ્વારા ઈશ્વર પોતાને પ્રગટ કરે છે. એ જ્ઞાનસૂર્ય છે. એનું એક કિરણ આ જગતમાં જ્ઞાનશક્તિ લાવ્યું છે. એના વડે જ, આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ અને વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પોતાના મુખ પર એ પોતાનો પ્રકાશ ફેંકે તો જ, આપણે એને જોઈ શકીએ.
(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી ૧૨૨-૨૩)
Your Content Goes Here




