* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને વિમાર્ગે જતાં અને લાલચમાં લપટાતાં રોકે એ એની સાચી કૃપા છે.

* પ્ર. કેવાં કૃત્ય વડે ઈશ્વરને પામી શકાય?

ઉ. કર્મમાં કંઈ ફરક નથી. આ કર્મ ઈશ્વર પાસે લઈ જશે અને પેલું નહીં, એમ ના માનો.

બધાંનો આધાર પ્રભુની કૃપા પર છે. એ પામવા માટે તમે જે કંઈ કર્મ કરો તે, નિષ્ઠાપૂર્વક અને એને માટેની વ્યાકુળતાપૂર્વક કરો. એની કૃપા વડે, વાતાવરણ અનુકૂળ થશે અને, એની પ્રાપ્તિ માટે પરિસ્થિતિ પૂર્ણ થશે. તમારે સંસારત્યાગ કરવો હોય પણ તમારું કુટુંબ તમારા પર આધારિત હોય તો, કદાચ, તમારો ભાઈ એ જવાબદારી ઉઠાવે. કદાચ, તમારી પત્ની તમારા આધ્યાત્મિક માર્ગમાં રુકાવટ ન કરે પણ ઊલટી, મદદરૂપ થાય. કદાચ, તમે લગ્ન જ ન કરો અને સંસારના બંધનમાં જ ન પડો.

* સૈકાઓનું અંધારું ઓરડામાં દીવો લાવતાં વેંત દૂર થઈ જાય છે. ઈશ્વરના એક દૃષ્ટિપાત માત્રથી અસંખ્ય જન્મોનાં પાપ ભસ્મ થઈ જાય છે.

* કેટલીક માછલીઓને અનેક કાંટા હોય છે પણ, બીજી કેટલીક માછલીઓને એક જ હોય છે. માછલી ખાનારાઓ, એક કે અનેક, જે હોય તેને કાઢી નાખે છે. એ જ રીતે કેટલાંક માણસોનાં ઘણાં પાપ હોય છે તો કેટલાંકનાં થોડાં. પણ, ઈશ્વરની કૃપાથી બધાં જ તરત ધોવાઈ જાય છે.

* મલયાનિલ વાય ત્યારે, બધાં સત્ત્વશીલ વૃક્ષો ચંદનનાં વૃક્ષો બને છે એમ કહેવાય છે. પણ પપૈયા, વાંસ, કેળ અને એવાં બીજાં ઓછાં સત્ત્વશીલ વૃક્ષો એમ જ રહે છે. એ રીતે, જે પવિત્ર છે અને દિવ્યતાથી ભરેલા છે તેમની ઉપર પ્રભુકૃપા વરસે છે પણ જે નકામા અને સંસારી છે તે બધા એવા વણપલટાયેલા જ રહે છે.

* એક સંત માળા ફેરવતા અને મનમાં પ્રભુનામ લેતા. એમને ઠાકુરે કહ્યું: ‘તમે એક જ સ્થળે કેમ ચીટકી રહો છો? આગળ ધપો.’ સંતે ઉત્તર આપ્યો: ‘પ્રભુકૃપા વિના કશું બની શકતું નથી.’ ઠાકુર કહે, ‘એની કૃપાનો વાયુ તમારા શિરે સદા વાય છે. તમારી નાવના શઢ ખોલી નાખો તો જ, જીવનસાગરમાં તમે ઝડપથી પ્રગતિ સાધી શકશો.’

* ઈશ્વરકૃપાનો વાયુ વધારે ને વધારે વાઈ રહ્યો છે. જીવન સમુદ્રના આળસુ નાવિકો એનો લાભ લેતા નથી. પણ ચતુર અને શક્તિશાળી નાવિકો પોતાના મનના શઢને ખુલ્લાં રાખે છે કે જેથી અનુકૂળ વાયુ પકડી શકાય અને નિર્ધારિત મુકામે પહોંચી શકાય.

* પ્ર. શું કશું અચાનક નથી થતું?

ઉ. પૂર્ણતા પામતાં પહેલાં ખૂબ તૈયારી કરવી પડે છે એવો સાધારણ નિયમ છે. બાબુ દ્વારકાનાથ મિત્તર કંઈ એક જ દિવસમાં જજ બની બેઠા ન હતા. અતિશય પરિશ્રમ અને, ઘણાં વર્ષોની મહેનત પછી એ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. તકલીફ ઉઠાવવાને અને મહેનત કરવાને તૈયાર ન હોય તેવા લોકો અસીલ વગરના વકીલ રહેવાના. પણ પ્રભુકૃપાથી કોઈકવાર મનુષ્યની ઉન્નતિ ઝડપથી થાય છે; કાલિદાસના કિસ્સામાં એવું બન્યું હતું, એ જન્મ્યો હતો મૂર્ખ પણ, માતા સરસ્વતીની કૃપાથી એ ભારતવર્ષનો મહાનમાં મહાન કવિ બન્યો હતો.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી ૧૨૧ – ૨૨)

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.