(ગતાંકથી આગળ…)

ઈ.સ.૧૯૧૯ માં શ્રી શ્રીમા રાધુ સાથે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલ સ્કૂલના છાત્રાલયમાં રહ્યાં. રાધુ ગર્ભવતી હતી, તેનાથી ઘોંઘાટ સહન ન થતો. તેથી શ્રી શ્રીમા ઉદ્‌બોધન ભવન છોડી છાત્રાલયમાં આવ્યાં હતાં. બાજુમાં જ લાખનું કારખાનું હતું, રાધુથી તેનો અવાજ પણ સહન ન થતાં, શ્રી શ્રીમા તેને લઈને જાન્યુઆરીમાં જયરામવાટી પાછાં ચાલ્યાં ગયાં. શ્રી શ્રીમા મને પણ સાથે લઈ જવા ઇચ્છતાં હતાં. પરંતુ સુધીરાદીએ મને થોડા દિવસો પછી જવા કહ્યું કારણ કે રાધુને બાળક આવવામાં થોડા મહિના બાકી હતા.

શ્રી શ્રી માના જયરામવાટી ગયા બાદ સુધીરાદી મને વારાણસી લઈ ગયાં કારણ કે તેમણે સેવાશ્રમને વચન આપેલું કે તેઓ મહિલા રોગીઓની સેવા માટે કેટલીક યુવતીઓની વ્યવસ્થા કરશે. મેં નર્સિંગ કોર્સ પાસ કરી લીધેલ. કંઈ કરી શકાય કે કેમ, તે જોવા માટે મને લઈ ગયાં. અમારી સાથે વારાણસી આવવામાં મહામાયા, તેની માતા તથા નરેશદી હતાં. મહામાયા માંદી હતી. કેટલાક મહિના પહેલાં પ્રફુલ્લમુખીદેવી તેમજ ગિરિબાલાદીએ એક સ્કૂલ ખોલી હતી તથા તેઓ કાલીમંદિરની પાછળ એક ઘરમાં રહેતાં હતાં. અમે લોકો સેવાશ્રમના મહિલા વિભાગના વોર્ડ નંબર એકમાં રહ્યાં. મહામાયા તથા તેની માતા વચલા ઓરડામાં હતાં તથા તેમની સામે જ એક અલગ ઓરડામાં હું હતી. ત્યાં વિશ્વેશ્વરી નામની એક યુવતી કાર્ય કરતી હતી પણ તેને નર્સિંગનું કામ નહોતું આવડતું, તેથી હું તેને નર્સિંગ શીખવવા માંડી. મેં ત્યાં લગભગ દોઢ માસ કાર્ય કર્યું. એક દિવસ મને શરત મહારાજનો પત્ર મળ્યો, જેમાં લખેલ કે શ્રી શ્રીમા રાધુની માંદગીને લઈને અત્યંત ચિંતિત છે અને મારે તરત જ જયરામવાટી જવું. તે વખતે શ્રી શ્રીમા કોઆલપાડા હતાં. હું બીજા જ દિવસે કોલકાતા પહોંચી ગઈ. વારાણસીથી નીકળતાં પહેલાં હું હરિ મહારાજને (સ્વામી તુરીયાનંદ) પ્રણામ કરવા ગઈ તથા તેમને જણાવ્યું કે હું શ્રી શ્રીમા પાસે જઈ રહી છું. તેમણે સહર્ષ કહ્યું, ‘તું શ્રી શ્રીમા પાસે જઈ રહી છો? તેઓ સ્વયં જગજ્જનની, મહાશક્તિ છે. તેમનું મન હંમેશાં એવા અતિન્દ્રિય રાજ્યમાં રહે છે કે જ્યાં ઘોર તપસ્યા દ્વારા પણ આપણે પહોંચી ન શકીએ.’

કોલકાતામાં હું એક દિવસ રોકાઈ. તે વખતે હું જુગલ સ્કૂલના છાત્રાલયમાં રહેતી હતી. શ્રી શ્રીમા પાસેથી દીક્ષા લેવા રૂમા નામની એક છોકરી અલ્મોડાથી કોલકાતા આવી હતી. તે બંને મારી સાથે કોઆલપાડા આવી. ત્યાં શ્રી શ્રીમા પાસે ઘણાં લોકો હતાં, ઉત્સવ જેવું વાતાવરણ હતું. રાધુ, નલિની, માકુ, ભૂદેવની પત્ની, પગલી મામી (રાધુની માતા), નંદરાણી, જુગલ, ભોલા તથા યામિનીની બે બહેનો વગેરે બધાં ત્યાં હતાં. અનેક પુરુષ ભક્તો પણ ત્યાં આવતા. શ્રી શ્રીમા લગભગ રોજ દીક્ષા આપતાં હતાં.

અમે સવારે દસ વાગે કોઆલપાડા પહોંચ્યાં. શ્રી શ્રીમાને તાવ હતો, મને જોઈને તેઓ અત્યંત ખુશ થઈ ગયાં અને એક નાની છોકરીની જેમ બોલ્યાં, ‘જો દીકરી, હું તાવમાં પટકાઈ છું. માકુ અને રાધુ ગર્ભવતી છે. શું થશે?’ રાધુથી કોલાહલ સહન ન થતો, તે ગાંડા જેવી થઈ ગયેલી, વારંવાર વસ્ત્ર ઉતારી નાખતી. તેથી આશ્રમથી થોડેક દૂર તેના માટે એક ઓરડો બનાવી દીધેલો. તે ત્યાં જ સૂતી. જામિની અને નવાસન ગામની એક વિધવા વરંડામાં સૂતાં અને સ્વામી ઈશાનાનંદ તથા એક બીજા સાધુ બહાર ખાટલા પર સૂઈ જતા. રાધુને નવડાવવી, ખવડાવવું તથા બીજી રીતે પણ તેની સતત દેખરેખ રાખવી પડતી હતી. આ બધા કલેશોની વચ્ચે પણ શ્રી શ્રીમાની ઉપસ્થિતિને કારણે ઘરમાં આનંદનો પ્રવાહ અખંડિત વહ્યા કરતો. શ્રી શ્રીમા સાથે રહેતી બધી જ કન્યાઓ બાળક જેવી સરળ હતી. યોગિનમા કહેતાં, ‘એવું લાગે છે કે આ બધી ઋષિ કન્યાઓ છે.’ એક બે દિવસ બાદ શ્રી શ્રીમાની તબિયત થોડી સુધરી અને રુમાની દીક્ષા થઈ ગઈ. મોતી મહારાજની સાથે રૂમા તથા ડૉ.વૈકુંઠ કોલકાતા ચાલ્યાં ગયાં અને હું ત્યાં જ રોકાઈ ગઈ. એક મહિના પછી રાધુએ પુત્રને જન્મ આપ્યો. એક દિવસ નલિનીએ ઝઘડો કર્યો, તે માકુ અને તેના મોટા પુત્ર નેડાને લઈને પાલખી કરી જયરામવાટી જતી રહી. માકુના બીજા પુત્રનો જન્મ ત્યાં જ થયો. જ્યારે રાધુનો પુત્ર ત્રણ માસનો થયો ત્યારે સુધીરાદીએ અષાઢ માસ (જૂન-જુલાઈ) માં મને પત્ર દ્વારા કોલકાતા બોલાવી. શ્રી શ્રીમાને જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે તેઓ બોલ્યાં, ‘સુધીરાએ તને તેડાવી જ છે તો પછી જા.’ સ્વામી હરાનંદ અને સ્વામી શાંતાનંદ શ્રી શ્રીમાનાં દર્શને કોઆલપાડા આવેલા. માએ તેમને કહ્યું, ‘તમે લોકો તો જાઓ જ છો તો જુગલ અને સરલાને પણ સાથે લેતા જાઓ. તેમની ટિકિટ લેવા સિવાય તમારે બીજું કંઈ જ કરવાનું નથી.’ અમારા નીકળવા સમયે શ્રી શ્રીમાની આંખોમાં આંસુ આવી ગયાં. અત્યારે પણ તે વાત યાદ આવતાં દુ :ખ થાય છે. તેમને રડતાં જોઈ હું જડવત્ થઈ ગઈ. વારંવાર તેમણે કહ્યું, ‘તમે તો જોયું જ છે કે હું કેવી દશામાં રહું છું! શરતને કહેજો.’ જુગલ અને હું કોલકાતા આવી ગયાં.

અમારા ગયા પછી એક મહિના બાદ શ્રી શ્રીમા જયરામવાટી આવી ગયાં. ત્યારે વર્ષાઋતુનો શ્રાવણ મહિનો હતો. શ્રી શ્રીમાને મલેરિયાનો તાવ આવવા માંડ્યો. જ્યારે સ્વામી સારદાનંદને આ ખબર મળ્યા ત્યારે તેમણે ગણેશ મહારાજને ફેબ્રુઆરીમાં શ્રી શ્રીમાને કોલકાતા લઈ આવવા મોકલ્યા. જ્યારે તેઓ ઉદ્ બોધન ભવન પહોંચ્યાં ત્યારે તેમને ક્ષીણકાય અને કાળાં પડેલાં જોઈ યોગિનમા દુ :ખી હૃદયે બોલી ઊઠ્યાં, ‘કેવી ભયાનક દશામાં માને લઈ આવ્યા છો ! બળેલી લાકડી જેવાં લાગે છે.’

હું તે વખતે બેનેટોલામાં ઉષાના પરિવાર સાથે રહેતી હતી. ઉષાની બહેન શિવરાણીને પ્રસૂતિ પછી ટાઈફોઈડ થઈ ગયેલો, હું તેની સેવા કરી રહી હતી. શ્રી શ્રીમાના કોલકાતા આવ્યા પછી શરત મહારાજે તેમની સેવા માટે મને બોલાવી લીધી. ત્યાં સુધીમાં તો શિવરાણી પણ સારી થઈ ગયેલી.

અમારી શાળાની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી પરિચિત લોકોના ઘરે નર્સિંગની જરૂર હોય ત્યારે તેઓ મને બોલાવી લેતાં અને પછી સુધીરાદીને મારી સેવાના બદલામાં પૈસા મોકલતાં. કપડાંના સીવણ ગૂંથણમાંથી પણ અમે અર્થાેપાર્જન કરી લેતાં. અમારી સ્કૂલમાં ત્રણ સંચા હતા. તે દિવસોમાં મોટાભાગના લોકોને સીવણ ન આવડતું. અમારી શાળાની આયા ઘરે ઘરે સીવેલાં વસ્ત્રો વેચી આવતી. ફાગણ માસ (ફેબ્રુ.-માર્ચ) માં હું શ્રી શ્રીમાની સેવા માટે ઉદ્‌બોધન ભવન ગઈ. તેમની ઉત્તરોત્તર લથડતી જતી તબિયત જોઈને મને રડવું આવતું.

એક દિવસ મેં તેમને કહ્યું, ‘જો આપ અમને છોડીને જતાં રહેશો તો હું જીવતી નહિ રહી શકું’ તેમણે કહ્યું, ‘અંતે તો તું મારી પાસે આવીશ, મારી પાસે જ તો આવીશ. પણ મારે તારા દ્વારા કેટલુંક કાર્ય કરવું છે. તે કર્યા પછી તું મારી પાસે આવીશ.’

(ક્રમશ 🙂

Total Views: 418

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.