(ગતાંકથી આગળ…)
ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ હતાં. શરત મહારાજ સાથે સ્વામી નિખિલાનંદ, વૈકુંઠ સાંન્યાલ તથા બીજા સાત લોકો હતા. તેઓ બધા લક્ષ્મીનિવાસમાં ઊતર્યા. મહા (જાન્યુઆરી – ફેબ્રુઆરી) મહિનો હતો. બરેનનાં ફોઈ ત્યારે કાશીમાં હતાં. શરત મહારાજ તેને લક્ષ્મીનિવાસ લઈ આવ્યા. તે યાત્રામાં ખૂબ જ આનંદ આવ્યો. શિવરાત્રી અને રંગભરી એકાદશીના દિવસે અમે લોકો શરત મહારાજ સાથે વિશ્વનાથ મંદિરે ગયાં. એક દિવસ અમે બધાં સારનાથ ગયાં. સેવાશ્રમના કાર્યકર્તાઓએ મહારાજ સાથે સારનાથમાં ઉજાણીની વ્યવસ્થા કરેલી. શ્રી સાંન્યાલે અમને બહેનોને સાથે લઈ જવાની વ્યવસ્થા કરેલી. મહારાજે અમને સારનાથ ફરી-ફરીને બતાવ્યું. એપ્રિલના મધ્યમાં અમે કોલકાતા પાછાં ફર્યાં.
એકવાર યોગિનમાએ શરત મહારાજને મને જગન્નાથપુરી લઈ જવાનું કહેલું તેથી ગોલાપવાસિની, પ્રફુલ્લમુખીદેવી અને હું તેમની સાથે અષાડ (જૂન-જુલાઈ) માસમાં પુરી ગયાં. ત્યાં અમે શશિનિકેતનમાં ઊતર્યાં. તે વખતે લગભગ ત્રીસ સાધુ પુરીમાં હતા. અમે લોકો દિવસમાં બે ત્રણ વાર જગન્નાથ મંદિરે દર્શન કરવા જતાં. કાશીમાં પણ અમે દરરોજ બે ત્રણ વાર વિશ્વનાથનાં દર્શને જતાં. શ્રી સાંન્યાલ કહેતા કે જો અમે વિશ્વનાથનાં દર્શન ન કરીએ તો તેઓ અમારા હાથે રાંધેલું ભોજન નહિ ખાય. પુરીમાં પણ તેમ જ બન્યું. જગન્નાથજીનો શૃંગાર જુદી જુદી રીતે દિવસમાં કેટલીય વાર થતો, તેથી અમે વારંવાર દર્શને જતાં. શરત મહારાજે, ગગન અને હરિપ્રેમને અમને ફેરવવા કહ્યું. તેમણે અમને બજારનું કંઈ જ ખાવાની મનાઈ ફરમાવેલી અને મંદિરમાં જ પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરેલી. તે સમયમાં તો વીસ-પચ્ચીસ રૂપિયામાં ત્રીસ-ચાલીસ લોકોને પૂરતો પ્રસાદ મળતો હતો. એવી માન્યતા છે કે ચાંદીનો સિક્કો ચઢાવી જગન્નાથનાં દર્શન કરવાં જોઈએ. તેથી શરત મહારાજે મને એક દિવસ સોનાનો સિક્કો આપી દર્શન કરવા મોકલી. આહા ! તેમણે મારા પર કેટલા પ્રેમની વર્ષા કરેલી ! તેમના સાંનિધ્યમાં અમે લોકો આનંદપૂર્વક રહેતાં હતાં, પરંતુ રથયાત્રાના દિવસે રથ ખેંચ્યા બાદ તેઓ અચાનક જ બીમાર પડી ગયા. કોલકાતાથી ડૉ.દુર્ગાપદ આવ્યા પરંતુ તેમની ચિકિત્સાથી કંઈ સુધારો થયો નહિ. જ્યારે કોલકાતાના શ્યામદાસ કવિરાજની આયુર્વેદિક દવા લાવીને આપવામાં આવી ત્યારે મહારાજ સારા થયા. અમે લોકો ખરેખર બહુ જ ડરી ગયેલાં. પાછા ફરતી વખતે અમે પંદર દિવસ ભુવનેશ્વરમાં ગાળ્યા. સંન્યાસીઓ રામકૃષ્ણ મઠમાં ઊતર્યા અને અમે લોકો નજીકના એક મકાનમાં રહ્યાં. વિભિન્ન મંદિરોમાં દેવદર્શન કર્યા બાદ અમે દુર્ગાપૂજા ઉત્સવ પહેલાં કોલકાતા પાછાં ફર્યાં.
થોડા દિવસો મેં શાળામાં વિતાવ્યા. કાશી સેવાશ્રમમાં કાર્યરત પ્રમદાદી મને પોતાની સાથે કામ કરવા વારંવાર તેડાવતાં હતાં. જ્યારે મેં શરત મહારાજને આ વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા, ‘જો તારી ઇચ્છા હોય તો જઈ શકે છે. હું તને સેવાશ્રમમાં રહેવા અને કામ કરવા નહિ કહું, ત્યાં ન રહેતી.’ આ નિષેધનું કારણ ન તો તેમણે ક્યારેય કહ્યું અને ન મેં પૂછ્યું.
ઈ.સ.૧૯૨૬ માં રામકૃષ્ણ મઠ અને મિશનની મહાસભાનું બેલુર મઠમાં આયોજન થયું હતું. તેના એક સત્રમાં અમે બધાં શાળામાંથી ગયેલાં, તે દિવસે શરત મહારાજે જાહેરસભાને સંબોધન કરેલું. બીજાં કેન્દ્રોમાંથી આવેલા અનેક સંન્યાસીઓએ પ્રવચન આપેલાં. મહાસભાના કાર્ય માટે મહારાજ વારંવાર બેલુર મઠ જતા. એક દિવસ મને બોલાવીને તેમણે કહ્યું, ‘અહીં મારું કામ પૂરું કરીને કાશી જઈશ, તને મારી સાથે લઈ જઈશ. તૈયાર રહેજે, કોઈ મોટી જવાબદારી લઈશ નહિ.’ મેં હસતાં હસતાં કહ્યું, ‘આપ મને આ વખતે આપની સાથે લઈ જવાનું કારણ બતાવશો? એ વખતે આપ સરલાને એવું કહીને વારાણસી લઈ ગયેલા કે તેની તબિયત સારી નથી. તે પછી યોગિનમાના કહેવાથી આપ તેને પોતાની સાથે લઈ ગયેલા, પરંતુ હવે આપ સરલાને આપની સાથે શું કહીને લઈ જશો?’ તેઓ કંઈ બોલ્યા નહિ, ફક્ત હસ્યા.
તે દિવસોમાં મહારાજને મળવા હું દરરોજ બે વાર ઉદ્બોધન ભવન જતી હતી. એક દિવસ વાણીએ મને કહ્યું, ‘તું મહારાજ પાસે દરરોજ જાય છે, હું તને રાતે એક વાત કહીશ, મારી ઇચ્છા છે કે તું મહારાજને તે કહેજે.’ પરંતુ કોઈ કારણસર તેણે મને કંઈ જણાવ્યું નહિ. બીજે દિવસે સવારે મહારાજને મળતાં મેં તેમને કહ્યું, ‘મારા દ્વારા વાણી આપને કંઈક કહેવા માગે છે, પરંતુ હજી સુધી કહ્યું નથી. સંભવત : આજે કહેશે.’ તેમણે ઉપાય બતાવ્યો, ‘તેને કહેજે કે તે વાત તને ન કહેતાં મને લખીને આપી દે.’ સાંજે જ્યારે વાણી મારી સાથે વાત કરવા આવી તો મેં કહ્યું, ‘એવું થઈ શકે કે હું તારો સંદેશો મહારાજને સારી રીતે કહી ન શકું, તેથી તું લખીને આપી દે.’ આ રીતે મને જણાવ્યા વિના તેણે પત્ર લખી દીધો, મેં તે વાંચ્યો નહિ.
છાત્રાલયમાં બે અનાથ વિદ્યાર્થિનીઓ હતી, એકને શરત મહારાજ ન્યાયાલયથી લાવેલા અને બીજીને સ્વામી બ્રહ્માનંદ ઓરિસાથી લાવેલા. તેમાંની એકનું નામ ભૂતિ હતું, જેની જવાબદારી સુધીરાદીએ ઉઠાવેલી. તેનું મન ભણવામાં લાગતું નહોતું. સ્વામીજીની એક દૂરની ભત્રીજી શ્રીરામપુરની વણાટ-શાળાની પ્રધાન શિક્ષિકા હતી. તે શરત મહારાજની શિષ્યા હતી. તેથી મહારાજે તેને ભૂતિના ભરણપોષણની વ્યવસ્થા કરવા કહેલું. તેમણે મહારાજને ભૂતિને પોતાની વણાટ-શાળામાં પ્રવેશ કરાવવા મોકલવા કહ્યું. શરત મહારાજે ભૂતિને શ્રીરામપુર મોકલવાની યોગ્ય વ્યવસ્થા કરી. શ્રીરામપુર જતાં પહેલાં તેમણે ભૂતિને ‘માયેર વાડી’માં પ્રસાદ લેવા કહ્યું અને મને તેની સાથે આવવા કહ્યું.
ઉદ્બોધન ભવન જઈને જ્યારે વાણીનો પત્ર મેં મહારાજને આપ્યો, ત્યારે તેમણે પૂછ્યું, ‘તેં વાંચ્યો છે?’ મેં કહ્યું, ‘નહિ.’ તેમણે તે પત્ર મને આપ્યો. પત્ર વાંચી હું સ્તબ્ધ થઈ ગઈ અને બોલી, ‘શું આ સંભવ છે? વિશ્વાસ નથી થતો.’ તેમણે કહ્યું, ‘શું કરી શકાય? ઈશ્વરની મોહિની-માયા મનુષ્યને વાસનાઓથી બદ્ધ કરી રાખે છે, તે (મનુષ્ય) શું કરી શકે?’ મેં જોયું કે તેઓ વારંવાર ગંભીર અને અન્યમનસ્ક થઈ જતા હતા. પ્રસાદ લઈ હું ને ભૂતિ તેમના ઓરડામાં આરામ કરી રહ્યાં હતાં. મને લાગ્યું કે મહારાજ અશાંત હતા, સૂઈ શકતા નહોતા. બપોરે લગભગ ત્રણ વાગે તેમણે ભૂતિને હરિપ્રેમની સાથે શ્રીરામપુર મોકલી દીધી. ત્યાર બાદ તેમણે ચા-નાસ્તો કર્યો અને મને પ્રસાદ આપ્યો. મેં કહ્યું, ‘હું પછી ખાઈશ.’ આરતી પછી મંદિરમાં ન જતાં તેઓ પોતાના ઓરડામાં જઈ પત્રનો જવાબ લખતા રહ્યા. મેં તેમને કહ્યું, ‘લાગે છે કે આપની તબિયત બરાબર નથી, આજે જ પત્રનો ઉત્તર દેવો જરૂરી નથી.’ પરંતુ તેઓ માન્યા નહિ, જવાબ લખી મને વાંચવા આપ્યો અને પૂછ્યું કે કેવો છે? મારા વારંવાર કહ્યા બાદ તેમણે મને પ્રસાદ ખાવા કહ્યું અને પત્રનો જવાબ વાણીને આપી દેવા કહ્યું.
મને પ્રસાદ આપી તેઓ બાથરૂમમાં ગયા, ત્યાંથી આવી તેમણે ચશ્માં લગાવી, ખમીસ પહેર્યું. રાત્રે આઠ વાગેલા. શનિવારનો દિવસ હોવાથી અનેક ભક્તો નીચલા માળે તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પથારી પર બેસવા પ્રયત્ન કર્યો પણ સ્થિર રહી શક્યા નહિ, શિથિલ થઈ પડી ગયા. મેં થોડા ઊંચા સ્વરે કહ્યું, ‘આપને શું થયું?’ તેમણે મને શાંતિથી પ્રસાદ ખાવા ઈશારો કર્યો, પરંતુ મેં જોયું કે તેઓ પડી જતા હતા, તેથી હું તરત જ ઊઠી અને તેમને સંભાળપૂર્વક સુવરાવી દીધા, પછી નીચે જઈ બધાંને સમાચાર આપ્યા.
બધાં દોડીને ઉપર આવી ગયાં. તે ઈ.સ.૧૯૨૭ ની છઠ્ઠી આૅગસ્ટનો દિવસ હતો. તેમને અચાનક પક્ષઘાતનો હુમલો આવેલો. દાકતરોને બોલાવવામાં આવ્યા અને આ સમાચાર બધે પહોંચાડવામાં આવ્યા. તેર દિવસો સુધી તેઓ આ દશામાં રહ્યા. તેરમા દિવસે, ૧૯ આૅગસ્ટે બપોરે દોઢ વાગે તેમણે દેહત્યાગ કર્યો. અંતિમ ક્ષણ સુધી હું તેમની સાથે રહી. તેમના પરમ સ્નેહી તુલસી મહારાજ તે સમયે બેંગલોરમાં હતા. તેમને માંદગીના સમાચાર મોકલવામાં આવ્યા, પરંતુ મદ્રાસમાં પૂર આવવાથી રેલવે વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાથી તેઓ લગભગ સાત દિવસે કોલકાતા પહોંચ્યા. જે દિવસે તુલસી મહારાજ કોલકાતા પહોંચ્યા, તે જ દિવસે શરત મહારાજે ભૌતિક શરીરનો ત્યાગ કર્યો.
તે સમયની મારી પોતાની માનસિક દશાની શું વાત કરું? કંઈ વિચારી શકતી નહોતી, જે બની ગયું તેના પર વિશ્વાસ નહોતો આવતો. જે દિવસે શરત મહારાજે દેહત્યાગ કર્યો તે જ દિવસે મહાપુરુષ મહારાજે તંદ્રાવસ્થામાં તેમને કહેતા સાંભળ્યા, ‘આ બધાં લોકો પાછળ રહી ગયાં છે, હું બાબા વિશ્વનાથની પાસે કાશી જઈ રહ્યો છું.’
આ સાંભળી મેં વિચાર્યું કે મહારાજ ચોક્કસ કાશી ગયા છે. તેમણે મને કહેલું કે તેઓ મને પોતાની સાથે લઈ જશે તેથી મેં કાશી જવાનું નક્કી કર્યું, પરંતુ ત્યારે હું બીમાર હતી અને શાળામાં પણ અનેક સમસ્યાઓ હતી, તે કારણે તે સમયે કાશી જવાનું બંધ રાખવું પડ્યું. એક મહિનાની અંદર જ પ્રફુલ્લમુખીદેવી કુમિલ્લાથી આવ્યાં ત્યારે અમે બંને કાશી ગયાં અને ત્યાં સેવાશ્રમમાં ઊતર્યાં. રજાઓ પછી તેઓ જતાં રહ્યાં અને મેં ગોલાપદીના ઘરે એક નાનો ઓરડો ભાડે રાખ્યો. (ક્રમશ 🙂
Your Content Goes Here




