(ગતાંકથી આગળ…)

રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ’ મેં કહ્યું, ‘તમે અત્યારે ખાવા કેમ ઇચ્છો છો? સંધ્યા સમય વીતી જવા દો.’ પરંતુ મારું કહ્યું સાંભળ્યા વિના તેમણે કહ્યું, ‘નહિ, હું અત્યારે જ ખાઈશ.’ રોટલી-શાક ખાઈ લીધા પછી તેઓ બોલ્યાં, ‘આપણે દસ વાગે પહોંચી જઈશું. મારે બીજું કશું ખાવું નથી.’ આટલું કહી તેઓ સૂઈ ગયાં. ચપલા અને હું બેઠાં હતાં. પંજાબ અને ઉત્તરપ્રદેશનાં કેટલાંક સ્ત્રી-પુરુષો અમારા ડબ્બામાં ચઢ્યાં અને થોડીવાર પછી ઊતરી ગયાં. કદાચ તેમણે દરવાજો બરાબર બંધ નહોતો કર્યો. રાતે લગભગ આઠ વાગે સુધીરાદી બાથરૂમ જવા પોતાની પથારીમાંથી ઊઠ્યાં. પાટા બદલતી વખતે રેલગાડીમાં ઝટકા લાગતા હતા. તેમણે ઉપરની સીટની સાંકળ પકડી હતી. મેં તેમને બાથરૂમમાંથી નીકળી દરવાજા પાસે ઊભેલાં જોયાં. અચાનક જ તેઓ ત્યાં દેખાયાં નહિ. ચપલાએ બૂમ પાડી, ‘સુધીરાદી પડી ગયાં.’ ગાડી રોકવા અમે સાંકળ ખેંચી પણ ગાડી રોકાઈ નહિ તેથી અમે સાંકળ પકડી તેના પર લટકાઈ ગયાં, ગાડી રોકાઈ. રોકાવામાં સમય લાગ્યો કેમ કે ગાડીની ગતિ તીવ્ર હતી. ગાડી રોકાતાં જ ચપલા અને હું ગાડીમાંથી કૂદી ઊંધી દિશામાં દોડ્યાં. ઘણે દૂર જઈ અમે સુધીરાદીને પાટા પર પડેલાં જોયાં, જાણે સૂઈ રહ્યાં છે ! થોડોક પણ ઘા કે રક્તસ્ત્રાવ થયાં નહોતાં. ગાડીમાં બે દાકતરો હતા. તેમણે તપાસીને કહ્યું, ‘આ જીવિત છે, તેને આંતરિક ઈજા થઈ છે.’ જ્યાં સુધીરાદી હતાં તે જગ્યાએ ગાડી પાછી લાવી, તેમને સ્ટ્રેચરમાં ઉઠાવી ગાડીના માલવાહક ડબ્બામાં સુવાડવામાં આવ્યાં. અમે પણ તેમની સાથે હતાં. રેલવેએ અમને દાકતરની વ્યવસ્થા કરી આપી. સુધીરાદી બેભાન અવસ્થામાં ઝડપથી શ્વાસ લઈ રહ્યાં હતાં. અમે વિચાર્યું કે ભાનમાં આવતાં તેઓ સ્વસ્થ થઈ જશે.

કાશીના રાજા મોતીચંદ્ર પણ એ જ ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ગાડીમાં જ મુસાફરી કરી રહ્યો છું, વારાણસી પહોંચતાં જ સેવાશ્રમના સંન્યાસીઓને આ બાબતની જાણ કરી દઈશ, તેઓ યોગ્ય વ્યવસ્થા કરી તમને લઈ જશે.’ વારાણસી સ્ટેશને પહોંચી ગાર્ડે સ્ટેશન માસ્તરને બધી વાત કરી. સ્ટેશન માસ્તરે કહ્યું કે રોગીને રેલવે ઈસ્પિતાલમાં રાખવા પડશે. અમે સુધીરાદીને રામકૃષ્ણ મિશન સેવાશ્રમ લઈ જવા ઇચ્છતાં હતાં. તેથી આવું સૂચન અમને માન્ય નહોતું. સ્ટેશન માસ્તરે કહ્યું કે તો તે લોકો તેમને પ્લેટફોર્મ પર રાખવા નહિ દે. વાદ-વિવાદ ચાલુ જ હતો ત્યાં જ મિશનના સાધુ – બ્રહ્મચારીઓ આવી ગયા. સુધીરાદીને સેવાશ્રમ લઈ જવામાં આવ્યાં. ચપલા, મીરા અને હું ચાલતાં ગયાં તથા અમારો સામાન પ્રમદાદી વગેરે ઘોડાગાડીમાં લઈ ગયાં. અમે મધરાતે સેવાશ્રમ પહોંચ્યાં. ત્યારે મહિલા-વિભાગ ખૂલ્યો નહોતો, તેથી તેમને પહેલા વોર્ડની બાજુના ઓરડામાં લઈ જવામાં આવ્યાં. સુધીરાદીનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેમની આંખો બંધ હતી. પૂજાની રજાઓને કારણે સેવાશ્રમમાં ઘણા ખ્યાતનામ દાકતરો હાજર હતા. સંન્યાસીઓએ ડૉ. સુરેશ ભટ્ટાચાર્યને બોલાવ્યા. તેમણે રોગીને તપાસીને કહ્યું, કે જીવનની કોઈ આશા નથી. ઉદ્‌બોધન ભવનમાં શરત મહારાજને તાર કરવામાં આવ્યો. બીજે દિવસે સુધીરાદીનું પેટ ફૂલી ગયું તથા લોહીની ઊલટીઓ થવા લાગી. અગ્રહાયણ ચોથ (નવેમ્બર) ૧૯૨૦ ના દિવસે બપોરે ત્રણ વાગે તેમનું મૃત્યુ થયું. પછીથી ખબર પડી કે યકૃત ફાટવાથી આંતરિક રક્તસ્ત્રાવ થયેલ. તેમના મૃત્યુથી અમને વર્ણવી ન શકાય તેવો આઘાત લાગ્યો. મનમાં કંઈ કેટલાય વિચારો આવ્યા. જ્યારે અમે હરિદ્વારમાં હતાં ત્યારે અમને પત્ર દ્વારા સમાચાર મળેલ કે સ્વામી બ્રહ્માનંદ વિજયાદશમીના દિવસે શાળાના મકાનનો શિલાન્યાસ કરશે. ત્યારે સુધીરાદીએ કહેલું, ‘આ બધું થશે પણ હું આ જોઈશ નહિ. તમે બધાં જોશો. તમે બધાં ત્યાં જ હશો પણ હું નહિ હોઉં.’ અમે વિરોધ કરતાં કહેલ, ‘એવું કેમ થાય? અમે તમારા વિના ત્યાં કેવી રીતે રહીશું?’ તેમણે ફરી ફરીને તેમ જ કહ્યું, ‘હું ત્યાં નહિ હોઉં.’

સુધીરાદીના દેહને બ્રહ્મચારી લોકો મણિકર્ણિકા ઘાટ પર લઈ ગયા. કોઈ પણ બહેનો સાથે જવા તૈયાર નહોતી. ફ્ક્ત એક બહેન, જે પહેલાં સેવાશ્રમમાં રહેતી હતી તે સાથે ગઈ. સ્મશાનથી પાછા આવી તેણે અમને કહ્યું, ‘તમે લોકો આવ્યાં નહિ, કેવું અદ્‌ભુત દૃશ્ય હતુ ! જ્યારે ચિતા બળી રહી હતી, ત્યારે ક્યાંકથી એક સાધુ આવ્યા અને ચિતાની ચારે બાજુ ફરતા ફરતા કહેવા લાગ્યા, ‘હું અહીં ઘણા વખતથી છું, પણ મેં આવું ક્યારેય જોયું નથી.’ તે પોતે જ જાણતા હતા કે તેમણે શું જોયું ! બીજે દિવસે કોલકાતાથી ગણેન મહારાજ આવ્યા. તેઓ સુધીરાદીને ન મળી શક્યા કેમ કે આગલા દિવસે બપોરે ત્રણ વાગતા સુધીમાં બધું સમાપ્ત થઈ ગયેલ. વજ્રપાત! સમજ નહોતી પડતી કે અમે શું કરીએ? વધુ સમય વારાણસીમાં રોકાવાનું પ્રયોજન હતું નહિ. તેથી બીજે દિવસે જ અમે ગણેન મહારાજ સાથે કોલકાતા જવા નીકળી ગયાં. જ્યારે શરત મહારાજે આ દુ :ખદ ઘટનાની વિગત જાણી ત્યારે બોલ્યા, ‘સુધીરાને પોતાના ઈષ્ટદેવનાં અચાનક જ દર્શન થયેલ તેથી તે પોતાને સંભાળી ન શક્યાં.’

સેવાશ્રમમાં પોતાની સેવા આપી શકે તે હેતુથી સુધીરાદી પોતાની સાથે પ્રમદાદીને લાવેલાં તથા મને પણ તેમની સાથે રાખવા ઇચ્છતાં હતાં. એ કારણે જ અમે અલ્લાહાબાદથી વારાણસી પાછાં આવેલાં. પરંતુ હવે અમે બધાં કોલકાતા પાછાં ફર્યાં. થોડા દિવસો પછી પ્રમદાદીએ શરત મહારાજને કહ્યું કે સુધીરાદીની એવી ઇચ્છા હતી કે હું (સરલાદેવી) તેમની સાથે વારાણસી સેવાશ્રમમાં કાર્ય કરવા જાઉં તેથી તેમની સાથે મારે હવે ત્યાં જવું જોઈએ. શરત મહારાજે કહ્યું, ‘નહિ, સરલા હમણાં ખિન્નાવસ્થામાં છે. તે ક્યાંય નહિ જાય.’

હું સ્કૂલ છાત્રાલયમાં રહેતી હતી. મારું મન ખૂબ જ ઉદાસ હતું. શ્રી શ્રીમા ચાલ્યાં ગયાં અને સુધીરાદી પણ ગયાં. સ્કૂલ ચલાવવાવાળું કોઈ નહોતું. કોણ ચલાવે? શરત મહારાજે ગણેન મહારાજને બોલાવીને સૂચના આપી કે પ્રબોધ તથા મહામાયા સ્કૂલનો કાર્યભાર સંભાળે અને ચપલા છાત્રાલયના કામકાજની દેખરેખ રાખે. તેમણે મીરાને કોઈ જવાબદારી ન આપી તથા મારા વિશે પણ કંઈ જ ન કહ્યું.

સુધીરાદી જીવતાં હતાં ત્યારે પણ ગણેન મહારાજ જ સ્કૂલના મંત્રી હતા અને શરત મહારાજ તે સંબંધે બધા જ વિષયોમાં તેમની સાથે પરામર્શ કરતા. ગણેન મહારાજ સ્કૂલની જવાબદારી ચપલાને સોંપવા ઇચ્છતા હતા પરંતુ મહામાયા ભગિની નિવેદિતાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હતી, તેથી શરત મહારાજે શાળાનું કાર્ય તેને સોંપ્યું. સુધીરાદીની ગેરહાજરીથી સ્કૂલમાં અનેક સમસ્યાઓ ઊભી થવા લાગી, જે મને ગમતું નહોતું. સુધીરાદીનાં સૌથી મોટાં બહેન માંદાં હતાં. તેમણે મને બોલાવી, તેથી તેમની સેવા-ચાકરી કરવા હું તેમના ઘરે ચાલી ગઈ. ત્યાંથી પાછા આવતાં મને જાણ થઈ કે મીરાએ શાળા છોડી દીધેલી. એક દિવસ તે શરત મહારાજ પાસે જઈને બોલી કે તે હવે સ્કૂલમાં નહિ રહી શકે, તેથી જઈ રહી છે. શરત મહારાજે કહ્યું, ‘સાંભળ ! જો તું ખરેખર વિષાદગ્રસ્ત હો તો જા, પણ જો કોઈ બીજા કારણસર રિસાઈને જતી હોય તો દુ :ખી થઈશ.’ પોતાની ભાણી રેણુ સાથે મીરા પોતાના પરિચિત દક્ષિણેશ્વર નિવાસી ત્રૈલોક્યનાથના ઘરે જતી રહી, પરંતુ થોડા દિવસોમાં પાછી આવી ગઈ.

મહામાયા સંતોષકારક રીતે શાળા ચલાવી રહી હતી, પરંતુ તેને ટી.બી. થઈ ગયો. તેથી કામ કરવા અસમર્થ થઈ ગઈ. શાળા તેમજ છાત્રાલયનો ભાર મીરા અને ચપલાએ સંભાળવો પડ્યો. એક દિવસ હું અને ચપલા બીમાર મહામાયાની ખબર કાઢવા ગયાં. તેની માતાએ મને કહ્યું કે તે પોતાની બીમાર પુત્રી સાથે રાતે એકલી રહે છે તેથી તેની ઇચ્છા છે કે હું રાતે તેમની સાથે રહું. મેં તે સ્વીકાર્યું. એક દિવસ શરત મહારાજ મહામાયાની ખબર જોવા આવ્યા. જ્યારે તેમને ખબર પડી કે રાતે હું ત્યાં રહું છું, તો તેમણે કહ્યું, ‘તું મહામાયાની સેવા ચાકરી કરે છે તે તો બરાબર છે, પરંતુ જો તે રાત્રે કોઈને ફક્ત સુવાડવા જ માગતી હોય તો હું શાળાની આયાને આઠ રૂપિયા આપીશ, તે અહીં રાતે આવીને સૂઈ જશે. તારે આવવાની જરૂરિયાત નથી.’ તે દિવસોમાં મારી તબિયત પણ સારી નહોતી તેથી શરત મહારાજ ચિંતિત હતા. તે દિવસથી હું ત્યાં ક્યારેક ક્યારેક જતી.

એક દિવસ મહામાયાની માતાએ સંદેશો મોકલ્યો કે તેની પુત્રીની તબિયત લથડી છે. તેથી ચપલા અને હું તરત જ ત્યાં ગયાં. અમે જોયું કે તેને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો. તે શ્રી શ્રીમાની શિષ્યા હતી. અને ખૂબ જ સરળ સ્વભાવની હતી. અમને તેની પાસે બેઠેલાં જોઈ તે બોલી, ‘તમે લોકો અહીં ફક્ત બેઠાં છો, ગીતા પાઠ કેમ નથી કરતાં?’ મેં પાઠ માટે ચપલાને કહ્યું. તે રાજેન પંડિત પાસેથી શીખેલી, હું શીખી નહોતી. ચપલાને સમજ નહોતી પડતી કે ક્યાંથી શરૂ કરવું? તેથી મહામાયાએ પોતે પુસ્તક લઈ પૃષ્ઠ ખોલી આપ્યું. ચપલાએ પઠન શરૂ કર્યું. અધ્યાય પૂરો થતાં તેણે અમને બહાર જવાનું કહ્યું, તેને બાથરૂમ જવું હતું. તેણે તેની માને પથારીમાંથી જપમાળા લઈ લેવાનું કહ્યું. ત્યાર બાદ તેણે ઊઠવાનો પ્રયત્ન કર્યો પણ લથડિયું ખાઈને પથારીમાં પડી ગઈ. દીવાલ પર શ્રી શ્રીમાની છબી તેના માથા ઉપર જ ટાંગેલી, તેના તરફ જોતાં જોતાં તેણે બે વાર ‘મા તારા, મા તારા’ નું ઉચ્ચારણ કરી દેહત્યાગ કર્યો. આટલું શાંતિપૂર્ણ મૃત્યુ જોઈ અમે અવાક્ થઈ ગયાં. મને અત્યંત દુ :ખ થયું. તે મારી બાળપણની મિત્ર હતી તથા અમે ભગિની નિવેદિતા પાસે સાથે ભણતાં હતાં. સ્મૃતિપટ પર વિવિધ પ્રસંગો ઊભરવા માંડ્યા. (ક્રમશ 🙂

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.