૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં ભારત પાછા ફરીને એમણે યુવાઓને ભારતીય ગૌરવની પુન : જાગૃતિનું લક્ષ્ય આપ્યું અને કાર્યમાં પરિણત વેદાંત સમા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ના બેવડા આદર્શ સાથે મિશનના યુવા સાધુઓ ગંભીર આધ્યાત્મિક સાધના તેમજ શિક્ષણ અને રાહતકાર્ય જેવાં સમાજ સેવાનાં કાર્યોમાં લાગી ગયા. પરંતુ આ લાંબાગાળાના અથાગ પરિશ્રમથી સ્વામીજીનું સ્વાસ્થ્ય ભાંગી પડ્યું. ડોક્ટરોએ તેમને લાંબી સમુદ્ર સફર કરવાની સલાહ આપી કે જેથી સમુદ્રની તાજી હવા તેમજ ભારતના મિશનનાં સંગઠનાત્મક કાર્યોથી વિશ્રામ મળી શકે. આમ શરૂ થઈ સ્વામીજીની બીજી વારની વિદેશયાત્રા. સ્વામીજીની સાથે આવ્યાં ભગિની નિવેદીતા અને હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ).
ઘણા સમય સુધી એમ જ મનાતું હતું કે આ બીજીવારની વિદેશ સફર સ્વામીજીના સ્વાસ્થ્યસુધાર માટે હતી. પ્રથમવાર એમણે જેમ વેદાંત અને યોગનો પરિચય કરાવીને વિદેશીઓનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો અભિગમ સંપૂર્ણપણે બદલાવી દીધો હતો તેવું મહત્ત્વપૂર્ણ કાર્ય આ બીજી મુલાકાત દરમિયાન થયું ન હતું. ૧૯૫૧થી શરૂ કરીને મેરી લૂઈ બર્ક (પછીથી સિસ્ટર ગાર્ગી)એ વેદાંત સોસાયટી ઓફ નોર્ધર્ન કેલીફોર્નિયાના સ્વામી અશોકાનંદજીના માર્ગદર્શન હેઠળ સ્વામીજીની અમેરિકાની મુલાકાતો વિશે ઝીણવટભર્યું સંશોધન આદર્યું. આ નવા સંશોધનના પરિણામે સ્વામીજીના ભારતીય જીવનીકારો તેમજ અનુગામીઓ પ્રથમવાર માહિતગાર થયા કે બીજી મુલાકાતનો સંદેશ વિદેશીઓ માટે પ્રથમ મુલાકાત જેટલો જ નવીનતાભર્યો અને ઊંડી અસર કરનારો હતો. જો પ્રથમ મુલાકાત દરમિયાન તેઓ વેદાંતનાં અદ્ભુત દર્શન અને યોગનાં ગંભીર ઊંડાણ વિશે બોલ્યા હતા, તો બીજી મુલાકાત દરમિયાન તેઓએ માનવની અંતર્નિહીત દિવ્યતા તેમજ અનંત શક્તિની સંભાવનાઓ વિશે હૃદયસ્પર્શી વાતો કરી હતી. બીજી મુલાકાતના દિવ્યસંદેશ વિશે કેટલીક પ્રેરણાત્મક ઘટનાઓ આ લેખમાં આવરી લેવામાં આવી છે.
સ્વામીજી એમનાં સાથીઓ સાથે સોમવાર, ૨૮ ઓગસ્ટ ૧૮૯૯ની સવારે ન્યૂયોર્ક બંદરે આવી પહોંચ્યા. સ્વામીજીનું સ્વાગત કરવા એકત્ર થયેલ એમના અમેરિકન મિત્રોમાં એમને જોઈને ખુશીની લહેર દોડી ગઈ. તેઓ સ્વામીજીને શ્રીમાન લેગેટના રીજલી ગામ સ્થિત બંગલે લઈ ગયા. દસ એકરમાં ફેલાયેલા આ શાંત અને રમણીય વાતાવરણમાં સ્વામીજી પોતાના અમેરિકન મિત્રો સાથે લગભગ દસ અઠવાડિયા રહ્યા હતા. મીસ મેક્લાઉડનાં શબ્દોમાં આ ‘દિવ્ય ગ્રીષ્મ’ એમના મિત્રો માટે જીવનભરનું સંભારણું બની ગયું હતું.
જાન્યુઆરી ૧૮૯૫ ના છેલ્લા અઠવાડિયામાં સ્વામીજીએ ન્યૂયોર્કમાં વિણેલા વિદ્યાર્થીઓ માટે યોગ વર્ગાે શરૂ કર્યા હતા. એ સમયે વર્તમાન અમેરિકાની સામાજીક અને ધાર્મિક અંત :સાર વિહિનતાથી નિરુદ્દેશ્ય બનેલ અનેક અમેરિકનો પૂર્વની માન્યતાઓ તરફ આકર્ષાયા હતા અને તેઓ માટે સ્વામીજીના વર્ગાેએ એક નવી જ ક્ષિતિજ દર્શાવી હતી. આ જ જિજ્ઞાસુઓના સમુહમાં સ્વામીજી પાસે આવી હતી બે બહેનો- જોસેફાઇન મેકલાઉડ અને બેટ્ટી સ્ટર્જીસ. ૨૯ જાન્યુઆરીના રોજ એમણે સ્વામીજીના વર્ગમા પ્રથમ હાજરી આપી, અને જોસેફાઇનના શબ્દોમાં, ‘સ્વામીજી બોલ્યા…તત્ક્ષણ એ મારા માટે સત્ય હતું, એ બીજું વાક્ય બોલ્યા જેે સત્ય હતું, અને ત્રીજું વાક્ય સત્ય હતું. અને મેં એમને સાત વર્ષ સુધી સાંભળ્યા અને જે કાંઇ એમણે મને કહ્યું હતું એ સત્ય હતું.’ સ્વામીજીથી પ્રભાવિત થઇને જોસેફાઇન અને બેટ્ટી સ્વામીજીનાં આજીવન અનુયાયી બન્યા હતા. બેટ્ટી સ્ટર્જીસે ન્યૂયોર્કના ઉદ્યોગપતિ ફ્રાન્સીસ લેગેટ સાથે વિવાહ કર્યા અને તેઓ પણ સ્વામીજીના એક મહત્વપૂર્ણ સહાયક બન્યા હતા. આ જ લેગેટ દંપતીના રમણીય ગ્રામ્ય ઉદ્યાનભવનમાં સ્વામીજી વિશ્રામ માટે પધાર્યા હતા.
સ્વામીજી પ્રત્યે એમના ગુરુભાઇઓમાં કેટલું માન હતું એ વિશે એક રોચક ઘટના છે. એમને અને હરિ મહારાજને એક મકાનમાં સાથે રહેઠાણ આપવામાં આવ્યુંું. સવારમાં એમના રહેણાંકની વ્યવસ્થા નીહાળવા આવેલ શ્રીમતી લેગેટે જોયું તો હરિ મહારાજે પોતાનું બીછાનું જમીન ઉપર પાથર્યું હતું. એમણે પુછ્યું, ‘શું થયું? શું ખાટલામાં કંઈ ખામી છે ?’ હરિ મહારાજે કહ્યું, ‘ના, ના, ખાટલો તો બરાબર જ છે. પણ સ્વામીજી જે ઊંચાઈ ઉપર સૂઈ જાય છે એ ઊંચાઈ ઉપર હું સૂઈ ન શક્યો, એટલે મેં મારું બીછાનું જમીન પર પાથર્યું છે.’
રીજલી સ્થિત શાંત મનોરમ પરિવેશ અને અંતરંગ મિત્રો તેમજ અનુયાયીઓની જ્ઞાનપિપાસાએ મળીને સ્વામીજીને પોતાની ગહન સાધનાના પરિણામે એકત્ર થયેલ રત્નભંડારસમા ચિંતનમાંથી કેટલાક અમુલ્ય વિચારો પ્રગટ કરવા માટે પ્રેર્યા હતા. એમના આ સમયના ભાવ વિશે કુમારી મેકલાઉડે એક કાગળમાં લખ્યું : ‘સ્વામીજી દિવ્યભાવમાં છે અને એમનો નવો સંદેશ પણ તૈયાર છે – ચરિત્ર જ આપણા જીવનમાં સર્વસ્વ છે, બુદ્ધ અને જીસસ જેવા અવતારો સહાય કરવાને બદલે નુકશાન વધારે પહોંચાડે છે કારણ કે માનવજાત પોતાનું ચરિત્ર ગઠન કરવાને બદલે એમનું અનુકરણ કરવામાં જ રસ ધરાવે છે.’ સ્વામીજીની આ અલૌકિક વાત સાંભળીને જ રોમાંચ થાય છે કે, ‘આપણી સહુથી વધુ જરૂરિયાતના સમયે જ આપણે એકલા હોઈએ છીએ.’ સ્વામીજી સાચે જ નવા સંદેશ સાથેના પયગંબર છે.
એ સમયની ધર્માંધતાથી નારાજ અમેરિકનો માટે એમણે એક દિવસ ‘મુક્તિ’ની ઘોષણા કરી, ‘મહમ્મદ કે બુદ્ધ સારા વ્યક્તિ હતા એની મને શું પરવા છે ! શું તે મારી પોતાની બુરાઈ કે સારાપણું બદલે છે ? ચાલો આપણે સારા બનીએ, આપણા પોતાના માટે અને આપણી પોતાની જવાબદારી પર, એ માટે નહીં કે યુગો પહેલા કોઈ સારા વ્યક્તિ હતા.’
આ ઘટનામાં વ્યવસ્થાપન – મેનેજમેન્ટ અને ટીમવર્ક વિશે સ્વામીજીની આંતરદૃષ્ટિ ઝળકી ઉઠે છે. સાંજે તેઓ પોતાના મિત્રો સાથે એકઠા મળીને ચર્ચા કરતા. એક દિવસ એમણે કોઈ વિષય ઉપર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યું. એક મહિલાએ કહ્યું, ‘સ્વામીજી, હું તમારી સાથે આ બાબત ઉપર સહમત નથી.’ સ્વામીજીએ કહ્યું, ‘નહીં? તો પછી આ વાત તમને લાગુ નથી પડતી.’ બીજા કોઈએ કહ્યું, ‘પરંતુ સ્વામીજી હું તમારી આ વાત સાથે સહમત છું.’ એ વ્યક્તિના મંતવ્યનું પૂરું સન્માન દાખવીને સ્વામીજીએ કહ્યું, ‘તો પછી આ વાત તમને બરાબર લાગુ પડે છે.’
અનેક વર્ષોથી એકત્ર થયેલ જડ માન્યતાઓને હચમચાવી દેવાની સ્વામીજીની શક્તિ કેટલી હતી એ આ વાત પરથી ખબર પડે છે. એક દિવસે સાંજે સ્વામીજીની ચર્ચા અત્યંત પ્રભાવશાળી હતી. એક ડઝન મિત્રો ત્યાં ઉપસ્થિત હતા. એમનો અવાજ ધીરે ધીરે મૃદુ અને જાણે કે અતિદૂરથી આવતો હોય એવો બનતો ગયો; વાતાવરણ ગંભીર આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ થઈ રહ્યું. જ્યારે રાત પડી ત્યારે બધા એકબીજાને ‘શુભરાત્રી’ કહ્યા વગર જ છૂટા પડ્યા. થોડા સમય પછી કોઈ કારણસર શ્રીમતી લેગેટને એક કમરામાં જવાનું થયું. ત્યાં એમણે એક અવિશ્વાસુ મહિલાને રડતાં જોઈ. ‘શુ થયું ?’ એમણે પૂછ્યું. એ મહિલાએ કહ્યું, ‘એમણે મને અનંત જીવન બક્ષ્યું છે. હું એમને ફરીથી ક્યારેય સાંભળવા માંગતી નથી.’
(સંદર્ભ ગ્રંથ – મેરી લુઈસ રચીત ‘ન્યુ ડિસ્કવરીઝ’ ભાગ પાંચ)
Your Content Goes Here





