યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ અને તેની ફલશ્રુતિના આધારે સમજાય છે. પરંતુ આ બધા સમન્વયને દીર્ઘકાલ સુધી સર્વોત્કૃષ્ટ રીતે પોતાના જીવનમાં આચરવાનું શ્રેય શ્રીશ્રીમાને જાય છે.

જેમ શરદકાળની પૂર્ણિમાના શુભ્ર પ્રકાશમાં ગમે તેટલા તારાઓ પણ ઓઝલ થઈ જાય છે તેમ કરુણામયી, સ્નેહમયી, પ્રેમમયી, અમૃતમયી એવાં દિવ્ય વૈશ્વિક માતૃત્વરૂપી શ્રીશ્રીમાના મધુર, શીતળ, કોમળ, નિર્મળ, પાવન પ્રકાશમાં જ્ઞાની, કર્મી, દેવી, ગુરુ, સંઘકર્તા, યોગિની જેવા અનન્ય ગુણો ઓઝલ થઈ ગયા છે.

સ્વામી જીવાનંદ કૃત ‘શ્રી શારદાદેવી સ્તોત્રામૃત’માં છે – ज्ञानभक्तिमिश्रपूर्णशौर्यवीर्यदायिकां… એવાં આદિશક્તિ, પરામ્બા એક ગ્રામ્ય નારી શ્રી શારદાદેવી સ્વરૂપે અવતર્યાં, એમનો મહિમા કોણ ગાઈ શકે! ‘કે તોમાકે જાનતે પારે તુમિ ના જાનાલે પરે – કોણ તમને જાણી-સમજી શકે, તમે જો ન જણાવો.’ આ તો  ‘मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः’ શ્રી શ્રીમાના જીવનમાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગને જોઈએ.

કોઈ કર્મયોગમાં પરિપૂર્ણ છે, એ જાણવા માટે શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ, મહાપુરુષોએ ઘણાં લક્ષણો બતાવ્યાં છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, ‘कर्मण्यकर्मः यः पश्येत् अकर्मणि च कर्म यः’ જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે, તે યોગી છે. પ્રથમ કર્મમાં અકર્મને જોવું એટલે સઘન કર્મની વચ્ચે પણ પરમ શાંતિની અનુભૂતિ થવી. શ્રીમા શારદાદેવી દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં આખો દિવસ કાર્યમાં લાગી રહેતાં. તે કાર્યોની વચ્ચે એક લાખ જપ કરતાં, શ્રીમાનું મન અવિચ્છિન્ન તૈલધારાવત્ દિવ્ય આનંદધારામાં મગ્ન રહેતું. શ્રીમા પોતે કહે છે, ‘જાણે કે હૃદયમાં અમૃતનો કળશ કોઈએ બેસાડી દીધો હોય! હૃદયમાં સતત આનંદની ધારા વહેતી રહેતી.’ એક દૃષ્ટાંત જોઈએઃ

શ્રીમા જયરામવાટીમાં હતાં. આજે તેમનો જન્મદિવસ. મોટી સંખ્યામાં ભક્તો શ્રીમાને પ્રણામ કરવા પંક્તિબદ્ધ ઊભા છે. આ બાજુ શ્રીમા શું કરે છે! એમની ભાભીને સુવાવડ થવાની છે. તેમને માટે રાબ બનાવે છે. કેવી નિર્લિપ્તતા, નિર્વિકારભાવ, નિરહંકારભાવ! કીર્તિના કોલાહલ વચ્ચે નિરહંકારિતા રૂપી પરમ શાંતિ! એવાં કેટલાંય દૃષ્ટાંત છે કે જેમાં મા પ્રબળ કર્મની વચ્ચે પોતાના અસલ સ્વરૂપમાં અવસ્થિત રહી ભક્તો પર કૃપા કરી વિભિન્નરૂપે દિવ્યતા પ્રગટાવતાં.

હવે ‘अकर्मणि च कर्म यः’ આપણે બધા જાણીએ છીએ કે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ ના રચયિતા સ્વામી સારદાનંદ મહારાજ છે. પરંતુ સ્વયં સ્વામી સારદાનંદ મહારાજ કહે છે, ‘આ ગ્રંથ શ્રીશ્રીમાની કૃપા, શક્તિ અને ઇચ્છાથી જ લખાયો છે.’ સારદાનંદ મહારાજ ઉદ્‌બોધનમાં નાના ઓરડામાં લીલાપ્રસંગની રચના કરતા જાય અને વાંચીને શ્રીશ્રીમાને સંભળાવતા જાય. એ દરમિયાન શ્રીશ્રીમાએ ઈ.સ. ૧૯૨૦માં લીલાસંવરણ કર્યું. આમ, શ્રીમાની મહાસમાધિ પછી થોડો સમય ‘લીલાપ્રસંગ’નું લેખનકાર્ય બંધ રહ્યું. સ્વામી શુદ્ધાનંદજી મહારાજ સ્વામી સારદાનંદજી મહારાજને યાદ અપાવે છે કે ‘મહારાજ, લીલાપ્રસંગ આગળ લખો.’ ‘શું શું લખવાનું છે?’ એમ સારદાનંદજી મહારાજ ઉત્તર આપતા. ફરી એકવાર પૂછાતાં સ્વામી સારદાનંદજી મહારાજ ગંભીર બનીને કહેવા લાગ્યા, ‘જો સુધીર (સ્વામી શુદ્ધાનંદ), હવે કોઈ પ્રેરણા જ નથી થતી, આ જે લખાયું છે તે શ્રીશ્રીમાની કૃપા અને શક્તિથી જ થયું છે. હવે નહીં લખી શકાય.’ અને સાચે જ સારદાનંદજી મહારાજ પછી તેમાં વિશેષ કશું ઉમેરી શક્યા નહીં! રામકૃષ્ણ મઠ-મિશનના કોઈ પદ પર શ્રીશ્રીમા આસીન ન હતાં, છતાં સમસ્ત મઠનાં કર્તાહર્તા અને સંહર્તા તેઓ જ હતાં.

જયરામવાટીમાં એક મહારાજ દૂરના એક ગામડે હટાણું કરવા ગયા. શ્રીમાએ મજૂર કરવાનું કહ્યું ન હતું. વધારાના પૈસાનો ખર્ચ થશે એમ વિચારી મહારાજ બધો વજનદાર સામાન પોતાના માથા પર લઈ ચાલવા લાગ્યા. આ બાજુ જયરામવાટીમાં શ્રીમા ખૂબ જ વ્યથિત અને ઉદ્વિગ્ન બની ગયાં. ‘અરે! મારા દીકરાને મજૂર કરી લેવાનું પણ ન કહ્યું! અરેરે!’ થોડીવાર પછી રસ્તામાં મહારાજ જુએ છે તો પોતે ઊંચકેલો વજનદાર સામાન સાવ જ હળવો થઈ ગયો છે. જયરામવાટી પહોંચીને જુએ છે તો શ્રીશ્રીમા પોતાના મકાનની પરસાળમાં આમતેમ આંટા લગાવે છે અને અસ્પષ્ટપણે બોલે છે, ‘મારા દીકરાને મજૂર કરવા પણ ન કહ્યું.’ મહારાજ જુએ છે તો શ્રીમા હાંફે છે અને તેમના આંખના ડોળા ચડી ગયા છે. મહારાજે સામાન તરત જ નીચે ઉતાર્યો અને શ્રીશ્રીમાને પ્રણામ કરી બેસાડી દીધાં. મહારાજને સમજાઈ ગયું કે રસ્તામાં પોતે ઉપાડેલો વજનદાર સામાન કેમ હળવો થઈ ગયો હતો. શ્રીશ્રીમાએ જ તેમનો ભાર ઉપાડી લીધો હતો. આવાં તો ઘણાં બધાં દૃષ્ટાંત આપી શકાય.

આમ, આ લક્ષણથી જાણી શકાય છે કે શ્રીમા કર્મયોગમાં સર્વાંગ સંપૂર્ણ હતાં. બીજાં પણ ઘણાં લક્ષણોથી જાણી શકાય છે કે તેઓ કર્મયોગમાં સંપૂર્ણ છે પણ તેની અહીં ચર્ચા નહીં કરીએ. આપણે જ્ઞાનયોગ વગેરે યોગ જોવાના છે.

જ્ઞાનયોગ – સાધારણ રીતે જ્ઞાનના બે પ્રકાર છે. વ્યાવહારિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન. વ્યાવહારિક જ્ઞાન એટલે દૃશ્યમાન જગતનું જ્ઞાન, કર્મમાં દક્ષતા, જેમાં સર્વનું કલ્યાણ પણ થાય અને બુદ્ધિપૂર્વક હેતુ પણ સરી જાય. ફળનો ત્યાગ – અનાસક્તિપૂર્વક કર્મ, જેથી તે બંધનકર્તા ન બને.

વ્યાવહારિક જ્ઞાનઃ  આ વ્યાવહારિક જ્ઞાનનાં શ્રીશ્રીમાના જીવનમાં અનેક દૃષ્ટાંતો છે. શ્રીમાની ભત્રીજી માકુને વધુ ને વધુ કરિયાવર મળે, તે માટે નલિની અને રાધુને મોટાં કર્યાં, તૈયાર કર્યાં – એ રીતે કાર્ય સંપન્ન કર્યું. એકવાર કોલકાતાથી જયરામવાટીની યાત્રા કરતાં હતાં ત્યારે શ્રીઠાકુરને ભોગ ધરાવવા માટે રસ્તામાં એક જગ્યાએ તૈયારી કરી. ભોગ સજાવતી વખતે સિદ્ધ થયેલ ચોખાની માટીની હાંડલી તૂટી ગઈ. ભાત નીચે વેરાઈ ગયો. બધાં ગભરાઈ ગયાં. અરેરે! ફરીથી ભાત રાંધવો પડશે, મોડું થઈ જશે. શ્રીઠાકુરને ભોગ કેવી રીતે ધરાવવો? શ્રીશ્રીમાએ ધીરતાપૂર્વક પરિસ્થિતિનું અવલોકન કરી ખૂબ જ કુશળતાથી ઉપર-ઉપરનો સારો ભાત લઈ, ચર્ચરી (બંગાળી શાકભાજી), મીઠાઈ વગેરે સજાવીને શ્રીશ્રીઠાકુરને ભોગ નિવેદિત કર્યો અને પ્રાર્થના કરતાં કહ્યું, ‘હે ઠાકુર! આજે આવી રીતે ભોગ ગ્રહણ કરો. નહીંતર જયરામવાટી પહોંચતાં મોડું થઈ જશે.’

શ્રીમા કહેતાં, ‘જેખાને જેમોન સેખાને તેમોન – જ્યારે જેવી પરિસ્થિતિ, ત્યારે તેવી રીતે ચલાવી લેવું પડે.’ પાણિહાટિની ઘટના આપણે જાણીએ છીએ. શ્રીઠાકુર સ્વયં તેમની બુદ્ધિમત્તાની પ્રશંસા કરે છે, ‘સારું, તેઓ (શ્રીમા) પાણિહાટિ ન આવ્યાં, નહીંતર લોકો કહેત, હંસ-હંસી આવ્યાં છે.’

હિમાલયમાં આવેલ અદ્વૈત આશ્રમ, માયાવતીમાં શ્રીઠાકુરની નિત્યપૂજાને લઈને જે ઉચાટ ઉત્પન્ન થયો હતો, તેનું કાયમી નિરાકરણ આપતાં શ્રીશ્રીમાએ કહ્યું હતું, ‘શ્રીઠાકુર તો અદ્વૈત છે, તમે બધા અદ્વૈતી છો, ત્યાં પૂજા નહીં થાય.’

આધ્યાત્મિક જ્ઞાનઃ શ્રીઠાકુર સ્વયં કહે છે, ‘તેઓ શારદા છે, સરસ્વતી છે, તેઓ જ્ઞાન દેવા આવ્યાં છે!’ શ્રીશ્રીમાના કેટલાય શિષ્યો તેમની કૃપાથી મહાન પંડિત, બ્રહ્મજ્ઞાની બની ગયા છે.

જ્ઞાન થયાનાં ઘણાં લક્ષણો છે. મુંડક ઉપનિષદ (૨.૨.૭)માં છે, ‘यः सर्वज्ञः सर्वविद्यस्यैष महिमा भुवि।’ ‘જે સર્વજ્ઞ છે, જે સામાન્યરૂપે અને વિજ્ઞાનરૂપે બધું જ જાણે છે, વિશ્વમાંનું આ બધું જ જેના મહિમારૂપ છે…’ યોગિન મા પોતાને ઘેર સુકાયેલાં બિલ્વપત્રથી પૂજા કરતાં હતાં. દક્ષિણેશ્વરમાં એકવાર તેઓ આવ્યાં ત્યારે શ્રીમાએ પૂછ્યું, ‘યોગિન, શું સૂકાં બિલ્વપત્રોથી પૂજા કરો છો?’ યોગિન માએ કહ્યું, ‘હેં મા, પણ તમે કેવી રીતે જાણ્યું?’ શ્રીમા બોલ્યાં, ‘આજે સવારે મેં ધ્યાન કરતી વખતે જોયું કે સૂકાં બિલ્વપત્ર લઈ ‘મા..’ કહી શબ્દો પૂરા કર્યા વગર બોલ્યાં, ‘પૂજા કરતાં હતાં.’

બાગદાના શશીભૂષણ મુખોપાધ્યાયે શક્તિમંત્ર માગ્યો હતો. એ વખતે શ્રીમાએ કહ્યું, ‘પણ દીકરા, તારી અંદર તો હું રામને જોઉં છું. તારા વંશના બધા શું રામના ઉપાસક છે? રામ અને શક્તિ તો અભિન્ન છે, તો પછી રામમંત્ર લેવામાં શો વાંધો?’ અને સાચે જ એમના વંશના બધા રામના ઉપાસક હતા!

જ્ઞાનનું બીજું લક્ષણ છે – ‘न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।’ ‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કશું નથી.’ સ્વામી અભેદાનંદજી  શ્રીશ્રીમા વિશે લખે છે,

‘पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा।
पवित्रतास्वरूपिण्यै तस्यै कुर्मो नमो नमः।।’

સ્વામી વિવેકાનંદ બાગબઝારમાં શ્રીશ્રીમાનાં દર્શનાર્થે બેલુર મઠથી જાય છે. નૌકામાં બેસીને ગંગાનદીના વહેતા પ્રવાહમાંથી વારંવાર ગંગાજળનું આચમન કરે છે. પવિત્રતાસ્વરૂપિણી શ્રીશ્રીમાનાં દર્શને જાય છે ને! ગંગાજળનું આચમન કરીને જાણે પોતાને વધુ પવિત્ર બનાવે છે!

જયરામવાટીમાં શ્રીશ્રીમાની રસોઇયણ એક વખત રાતના નવ વાગ્યે તેમની પાસે આવીને બોલી કે તે એક કૂતરાને અડકી ગઈ છે, એટલે તેણે આભડછેટના નિયમો પ્રમાણે આ શિયાળાની રાત્રે પણ નહાવું પડશે. શ્રીશ્રીમાએ તેને કહ્યું, ‘આટલી મોડી રાત્રે તારે નહાવાની જરૂર નથી, હાથપગ ધોઈને કપડું બદલી લઈશ તો ચાલશે.’ તેણે પૂછ્યું, ‘શું આટલાથી ચાલશે?’ ત્યારે શ્રીમાએ સૂચના કરી કે ‘તો ગંગાજળનો સ્પર્શ કરી લે.’ એ જવાબથી પણ રસોઇયણને સંતોષ ન થયો ત્યારે પવિત્રતાની મૂર્તિ સમાં શ્રીમાએ કહ્યું, ‘તો પછી મને અડકી લે.’ આ સાંભળી રસોઇયણની આંખો ખૂલી ગઈ.

જ્ઞાનનું વધું એક લક્ષણ. (ગીતા, ૫.૧૮)

विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।।

‘જ્ઞાનીજનો વિદ્યા અને વિનયથી યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે.’

શ્રીશ્રીમાની પ્રેમધારા અબાધિત, અસ્ખલિત સમ્યક્રૂપે વહેતી રહેતી. તેમાં પોપટ, વાછડું, બિલાડી, જીવજંતુ, કીટપતંગ, ગોવાળ કે ગિરીશચંદ્ર જેવા ભક્ત, નાના-મોટા, ગરીબ-તવંગર, પાપી-સંતો, બધાં સમાવિષ્ટ થઈ જતાં. તે સમયમાં એક વિધવા નારીના કેટકેટલા કડક વિધિનિયમો વગેરે હતાં. એ બધા વચ્ચે શ્રીશ્રીમાએ વિદેશી નારી નિવેદિતા, ઓલિબુલ વગેરેને પોતાનાં કરી લીધાં એ એક વિરલ ઘટના છે. શ્રીશ્રીમા કહે છે, ‘શરદ (સ્વામી સારદાનંદ) જેમ મારો દીકરો છે, તેમ અમઝદ (ડાકુ) પણ મારો દીકરો છે.’ સમદૃષ્ટિનું આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.