લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ, પ્રેમાભક્તિ, મર્યાદામાર્ગ, અનુગ્રહમાર્ગ, દ્વૈત, અદ્વૈત અને દ્વૈતાદ્વૈત વગેરે રહસ્યોની સાથે બધા યોગોનો સમન્વય કરનાર મહાન ગ્રંથ છે.

પંડિત મહામના મદનમોહન માલવિયાના શબ્દોમાં, ‘ઈશ્વરનું જ્ઞાન અને તેમાં ભક્તિનું પરમ સાધન – આ બે પદાર્થાે જ્યારે કોઈ મનુષ્યને પ્રાપ્ત થઈ ગયા હોય તો બાકી કયા પદાર્થાે રહી ગયા કે જેની મનુષ્ય કામના કરે! આ બન્ને પદાર્થાે શ્રીમદ્ ભાગવતમાંથી પૂરી માત્રામાં પ્રાપ્ત થાય છે. એટલા માટે આ પવિત્ર ગ્રંથ મનુષ્યમાત્ર માટે ઉપકારક છે. જ્યાં સુધી મનુષ્ય ભાગવતને વાંચે નહીં અને તેની એમાં શ્રદ્ધા રાખે નહીં ત્યાં સુધી તે સમજી શકતો નથી કે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો આ કેટલો વિશાળ સમુદ્ર છે!’

આ ભાગવતપુરાણ વેદોની સમાન છે. શ્રીવ્યાસ દેવજીએ એને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય માટે જ પ્રકાશિત કર્યું છે.

इदं भागवतं नाम पुराणं ब्रह्मसब्मितम् ।

भक्ति ज्ञान विरागाणां स्थापनाय प्रकाशितम् ।।

भागवतमाहात्ब्य : 2.72

જીવ નારાયણનો અંશ છે. એણે તો તેમાં જ મળી જવાનું છે. એટલા માટે શાસ્ત્રોએ અનેક ઉપાયો કહ્યા છે. ૧.કર્મમાર્ગ, ૨.જ્ઞાનમાર્ગ, ૩.ભક્તિમાર્ગ.

ઉપનિષદ દ્વારા ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. પરંતુ વ્યાસજીએ વિચાર કર્યો કે ઉપનિષદોની ભાષા ગૂઢ છે, સામાન્ય મનુષ્ય તેને સમજી શકશે નહીં. ઉપનિષદોનું જ્ઞાન તો દિવ્ય છે પરંતુ વિલાસી લોકો આ દિવ્યજ્ઞાનનો અનુભવ નહીં કરી શકે, કારણ કે મનુષ્યનું જીવન અત્યંત વિલાસપૂર્ણ છે; એટલા માટે જ્ઞાનમાર્ગથી ઈશ્વર સમક્ષ જઈ શકે, એ અસંભવ છે. અતિ વૈરાગ્ય વિના જ્ઞાનમાર્ગમાં સફળતા મળતી નથી. જ્ઞાનનો આધાર છે વૈરાગ્ય. એવો અતિ વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું અત્યંત કઠિન છે. સર્વનો સર્વર્સ્વ ત્યાગ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. સંસારમાં ફસાયેલા જીવો ઉપનિષદોનું જ્ઞાન પચાવી ન શકે. આ બધાનો વિચાર કરીને ભગવાન વ્યાસે શ્રીમદ્ ભાગવત શાસ્ત્રની રચના કરી. સાધારણ મનુષ્ય તો કામક્રોધાદિ વિકારોને થોડા સમય માટે પણ છોડી શકતો નથી. તેવા કામસુખનો ઉપભોગ કરવાવાળો મનુષ્ય યોગાભ્યાસ કરી શકે નહીં. ભોગી જો યોગી બનવા જશે તો તે રોગી બની જશે. જ્ઞાનમાર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે. યોગમાર્ગમાં જેનું પતન થાય છે તે રોગી થાય છે અને ભક્તિમાર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે. કલિયુગનો મનુષ્ય યોગાભ્યાસ ન કરી શકે તેથી ભાગવત શાસ્ત્રની રચના કલિયુગના જીવોના ઉદ્ધાર માટે કરવામાં આવી છે.

ભાગવતમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ધ્યાન કરો, જપ કરો. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. ધ્યાનયોગ વગર બ્રહ્મસંબંધ થઈ શકતો નથી, ધ્યાનની પરિપક્વ દશા જ સમાધિ છે. વેદાંતમાં તેને જીવનમુક્તિ કહેવામાં આવે છે. સમાધિ દીર્ઘ સમય સુધી રહેવાથી જ્ઞાનીઓને જીવનમુક્તિનો આનંદ મળે છે. સાધનમાર્ગનો આશ્રય લઈને જ્ઞાની મુક્ત થાય છે. જ્ઞાનથી જ્ઞાની ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનમાર્ગનું લક્ષ્ય છે જ્ઞાનથી ભેદને દૂર કરવો. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. માર્ગ અને સાધન ભિન્ન ભિન્ન છે પરંતુ ધ્યેય તો એક જ છે. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતાં નથી. જ્ઞાન વગર ભક્તિ અંધ છે અને ભક્તિ વિના જ્ઞાન પંગુ છે. ભાગવત બધાને માટે છે, વેદાંત બધાને માટે નથી. વેદાંતનો અધિકાર બધાને આપવામાં આવ્યો નથી. જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા હોય તેને માટે વેદાંત છે. વેદાંતનો અધિકારી કોણ? જેણે ષટ્સંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરી હોય તે જ વેદાંતનો અધિકારી છે, પરંતુ ભાગવત તો બધાને માટે છે. હઠયોગથી મનને નિયંત્રિત કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. યોગ મનને એકાગ્ર કરી શકે છે પરંતુ હૃદયને વિશાળ કરી શકતો નથી. હૃદયને વિશાળ કરે છે ભક્તિ, ભક્તિથી હૃદય પીગળે છે.

ભક્તિમાર્ગની આચાર્યા છે ગોપીઓ. જ્ઞાનમાર્ગથી, યોગમાર્ગથી ઈશ્વરના જે આનંદનો અનુભવ થાય છે, તે આનંદનો અનુભવ આ ભક્તિથી સહજપણે પ્રાપ્ત થાય છે. ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેઓને ઘરમાં રહેવા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ભાગવત શાસ્ત્ર એવું માર્ગદર્શન કરાવે છે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે, તે જ આનંદ તમે ઘરમાં રહેવા છતાં પણ પ્રાપ્ત કરી શકો છો. શ્રીમદ્ ભાગવતમાં આ એક નવીન માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. તે બધું છોડીને જંગલમાં જવાનું કહેતું નથી. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો, પરંતુ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બની જવો જોઈએ. ગોપીઓ પણ માનતી હતી કે તેઓ જ્યાં જાય છે ત્યાં તેમના શ્રીકૃષ્ણ તેમની સાથે છે.

વ્રજની એવી ગોપીઓનાં દર્શન કરીને ઉદ્ધવજીનો જ્ઞાનગર્વ ઊતરી ગયો હતો. ગોપીઓના સત્સંગ પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા :

वन्दे नन्द व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णश: ।

सां हरिकथोद्नीतं पुनाति भुवनत्रयम् ।।

અર્થ છે નંદબાબાના વ્રજમાં રહેનારી આ ગોપીઓની ચરણરજને હું વારંવાર પ્રણામ કરું છું અને એને મસ્તક પર ચઢાવું છું. અરે! આ ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથાઓ વિશે ગુણગાન ગાયાં છે, તેઓ તો ત્રણેય લોકને પવિત્ર કરી રહી છે. ગોપીઓ બધાંમાં શ્રીકૃષ્ણને નિહાળે છે. તેઓ કહે છે, આ વૃક્ષમાં, લતામાં, ફૂલમાં, ફળમાં મને મારા પ્રભુ દેખાય છે. મારા કૃષ્ણ તો મને છોડીને જતા જ નથી. ગોપીઓને પોતાનાં ઘરમાં જ શ્રીપરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. શ્રીમદ્ ભાગવતમાં કહેવામાં આવ્યંુ છે કે ઘરમાં રહો, પોતાનો વ્યવહાર કરો છતાં પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં રહેવું એ પાપ નથી, મનમાં ઘરને રાખવું એ પાપ છે. આ રીતે જેમાં શ્રીકૃષ્ણનું મન મળશે તે શ્રીકૃષ્ણરૂપ બની જશે.

આવા અલૌકિક ભક્તિમાર્ગનું ભગવાન વ્યાસ નારાયણ દ્વારા વર્ણન કરાયું છે, જે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવી દે છે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરે છે. જ્ઞાની-યોગીઓને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે, તે જ આ સાધારણ જીવાત્માને પણ પ્રાપ્ત થાય, આવા ઉદ્દેશથી શ્રીમદ્ ભાગવતની રચના કરવામાં આવી છે.

શ્રીમદ્ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. તે ભગવત્ સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ અજ્ઞાનાંધકારથી પાર જવા ઇચ્છે છે તેમને માટે આધ્યાત્મિક તત્ત્વોને પ્રકાશિત કરનારો આ એક અદ્વિતીય દીપક છે. મનુષ્યોને માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી શ્રીકૃષ્ણમાં ભક્તિ ઊપજે. ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર બની રહે. એવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માની ઉપલબ્ધિ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી તેમનામાં ચિત્ત જોડવાથી નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે.

ધર્મનું ફળ છે મોક્ષ. તેની સાર્થકતા અર્થપ્રાપ્તિમાં નથી. અર્થ કેવળ ધર્મને માટે છે, ભોગવિલાસને તેનું ફળ માનવામાં આવ્યું નથી. ભોગવિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં નથી. તેનું પ્રયોજન છે માત્ર જીવનનિર્વાહ. જીવનનું ફળ પણ તત્ત્વજિજ્ઞાસા છે. ઘણાં કર્મો કરીને સ્વર્ગાદિ પ્રાપ્ત કરવાં એ તેનું ફળ નથી. તત્ત્વવેત્તાઓ જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્ત્વ કહે છે. તેને કોઈ બ્રહ્મ, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાનના નામે બોલાવે છે.

धर्मस्य ह्यापवर्गस्य नार्थोऽर्थायोप कल्पते ।

नार्थस्य धर्मैकान्तस्य कामो लाभाय हि स्मृत: ।।

कामस्य नेन्द्रियप्रीर्तिलाभो जीवेत यावता ।

जीवस्य तत्त्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभि: ।।

वदन्ति तत्तत्त्वविदस्तत्त्वं यत् ज्ञानमद्वयम् ।

ब्रह्मेति परमात्मेति भगवानिति शब्द्यते ।।

भागवत : 1.2.9-10-11

શ્રદ્ધાળુ મુનિજન ભાગવત પુરાણના શ્રવણથી પ્રાપ્ત જ્ઞાન-વૈરાગ્યયુક્ત ભક્તિથી પોતાના હૃદયમાં તે પરમ તત્ત્વ સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. આ જ કારણ છે કે પોતપોતાના વર્ણ તથા આશ્રમ અનુસાર મનુષ્ય જે ધર્મનું અનુષ્ઠાન કરે છે, તેની પૂર્ણ સિદ્ધિ એમાં જ છે કે ભગવાન પ્રસન્ન થાય. એટલા માટે એકાગ્ર મનથી ભક્ત વત્સલ ભગવાનનાં જ નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. વેદોનું તાત્પર્ય શ્રીકૃષ્ણ જ છે. યજ્ઞોનો ઉદ્દેશ શ્રીકૃષ્ણ જ છે. યોગ શ્રીકૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રીકૃષ્ણમાં જ છે. જ્ઞાનથી બ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણ માટે જ ધર્મોનું અનુષ્ઠાન થાય છે અને બધી ગતિઓ શ્રીકૃષ્ણમાં જ સમાઈ જાય છે.

શ્રીમદ્ ભાગવતના તૃતીય સ્કંધમાં ભગવાન કપિલદેવ અને માતા દેવહૂતિનો પરમ પવિત્ર સંવાદ અધ્યાત્મયોગનું ગૂઢ રહસ્ય છે. કપિલ ભગવાને માતા દેવહૂતિની જિજ્ઞાસાને શાંત કરવા માટે પ્રકૃતિ આદિ તત્ત્વોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર, જેને સાંખ્ય કહે છે તેનો ઉપદેશ કર્યો. એની સાથે જ ભક્તિ-વિસ્તાર અને યોગનું વર્ણન કર્યું. આ દિવ્ય પ્રસંગમાં પુત્ર માતાને ઉપદેશ આપી રહ્યો છે. ત્રણ અધ્યાયોમાંથી પહેલા અધ્યાયમાં વેદાંતનું જ્ઞાન આવે છે, પછી ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે અને અંતમાં સંસારચક્રનું વર્ણન છે.

Total Views: 525

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.