આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય છે.’ આપણે મંદિરમાં જઈએ છીએ, ભગવાનને પ્રણામ કરીએ છીએ, પૂજા-પાઠ કરીએ છીએ, ભેટ-સોગાદો ધરાવીએ છીએ, તીર્થસ્થાનોની યાત્રા કરીએ છીએ, અને ઉત્સાહપૂર્વક ઉત્સવોની ઉજવણી કરીએ છીએ. અને આ બધું એ આશામાં કે ઈશ્વર આપણું અને આપણા પરિવારનું મંગલ કરશે.

પરંતુ ઈશ્વરની કૃપા મેળવવા માટે આ બધું પૂરતું છે?

વળી આપણને એવા લોકો પણ જોવા મળે છે કે જેઓ ઈશ્વરનું તો ઘણું નામ કરતા હશે પરંતુ સાથે સાથે જ વેપાર-ધંધામાં કે નોકરીમાં બેઈમાની કરતાંય અચકાતા નથી. રાજનીતિમાં આજે ધર્મનું મોટાપાયે આગમન થયું છે. પરંતુ આ જ રાજનેતાઓ જેટલું અસત્ય બોલતા પણ આપણે બીજા કોઈને જોયા નથી.

આ બધું જોઈ આપણા મનમાં સહેજે પ્રશ્ન થાય કે આપણે જે કરીએ છીએ અને જે કહીએ છીએ એ બે વચ્ચે વિરોધાભાસ હોય તો ચાલે? શું આપણે ભગવાનની આંખમાં ધૂળ નાખી શકીએ?

આપણા હૃદયમાં આપણને આ પ્રશ્નનો ઉત્તર ખબર હોવા છતાં પણ આપણે તેને છુપાવીને રાખીએ છીએ, તેનો સહજતાથી સ્વીકાર કરતા નથી.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ શબ્દોની બાંધછોડ કર્યા વગર સમજાવે છે : ‘એવું છે કે સત્ય એ જ કલિયુગની તપસ્યા. સત્યને આગ્રહપૂર્વક પકડી રાખીએ તો ભગવત્પ્રાપ્તિ થાય. સત્યનો આગ્રહ ન હોય તો ધીમે ધીમે બધું નાશ પામી જાય.’

‘જુઓ, વેપાર ધંધો કરવા બેસો એટલે સાચું બોલવાનો નિયમ રહે નહિ. ધંધામાં તેજી મંદી આવે. નાનકની વાતમાં છે કે તેમણે કહ્યું કે ‘પાપી માણસના દ્રવ્યનું ભોજન કરવા જતાં જોયું કે એ ભોજન બધું લોહિયાળ થઈ રહેલું છે.’ સાધુઓને શુદ્ધ વસ્તુ આપવી. ખોટા ધંધા કરીને મેળવેલી વસ્તુ આપવી નહિ. સત્યને માર્ગે ઈશ્વરને પામી શકાય.’

‘જેઓ સંસાર વહેવાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા !’

‘સાચું બોલવું એ કલિયુગની તપસ્યા. કલિકાલમાં બીજી તપસ્યા કઠણ. સત્યને વળગીને રહીએ તો ભગવાનને પામી શકાય. તુલસીદાસ કહે છે :

સત્ય-વચન ઔર નમ્રતા, પરસ્ત્રી માત સમાન;
ઈતને સે હરિ ના મિલે, તો તુલસી જૂઠ જબાન !’
મુંડક ઉપનિષદમાં પણ આ જ વાત સમજાવી છે :

सत्येन लभ्यः तपसा हि एष आत्मा
सम्यक् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।
अन्तः शरीरे ज्योतिर्मयो हि शुभ्रो
यं पश्यन्ति यतयः क्षीणदोषाः ।।5।।

सत्यमेव जयते नानृतं
सत्येन पन्था विततो देवयानः ।
येन आक्रमन्ति ऋषयः हि आप्तकामा
यत्र तत् सत्यस्य परमं निधानम् ।।6।।

શરીરમાં કમળના આકારના હૃદયમાં આ સર્વદા વિશુદ્ધ અને સ્વયંપ્રકાશ આત્માનો અનુભવ કરવો જોઈએ. અને એ અનુભૂતિ પ્રાપ્ત કરવાનો માર્ગ, માનસિક અને શારીરિક તપશ્ચરણ, આત્મસંયમ, એકાગ્રતા અને ધ્યાન દ્વારા આત્માનું સાચું સ્વરૂપ જાણવું અને બ્રહ્મચર્ય સેવવું તે છે. વિશુદ્ધ ચિત્તવાળા યોગીઓ આવા આત્માનો સાક્ષાત્કાર કરે છે.
સત્ય જ વિજય પામે છે – વિસ્તરે છે, અસત્ય નહિ. કારણ કે સ્વર્ગ તરફ જતો પહોળો રસ્તો સત્યમાં થઈને જ જાય છે. બધી કામનાઓને પાર કરી ગયેલા ઋષિઓ પોતાના ઉદ્દેશને સત્ય દ્વારા જ પ્રાપ્ત કરે છે.

આ વિશે તેઓ મજાનાં ઉદાહરણો આપે છે : ‘એ વિચારીને હું જો ક્યારેય બોલી નાખું કે શૌચ જવું છે, તો હાજત ન લાગી હોય તોય એકવાર તો ઝારી લઈને ઝાઉતલા તરફ જઈ આવું; એવી બીકથી કે વખતે સત્યનો નિયમ ભાંગે તો ? મારી આ અવસ્થા પછી હાથમાં ફૂલ લઈને માને કહ્યું હતું કે ‘મા ! આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારી પવિત્રતા, આ લો તમારી અપવિત્રતા, મને શુદ્ધ ભક્તિ આપો. મા ! આ લો તમારું સારું, આ લો તમારું નરસું, મને શુદ્ધ ભક્તિ આપો મા ! આ લો તમારું પુણ્ય, આ લો તમારું પાપ, મને શુદ્ધ ભક્તિ આપો. પણ જ્યારે આ બધું બોલતો હતો ત્યારે એમ બોલી શક્યો નહિ કે મા ! આ લો તમારું સત્ય, ને આ લો તમારું અસત્ય. બધું ત્યજીને માને દઈ શક્યો, પણ સત્ય ત્યજી દઈ શક્યો નહિ !’

વળી એક જગ્યાએ તેઓ કહે છે : ‘અને સંસારમાં રહેવું હોય તો સત્યનો ખૂબ આગ્રહ જોઈએ. સત્યથી જ ભગવાનને પામી શકાય. મારો સત્ય વચનનો આગ્રહ હવે તો જરાક ઓછો થયો છે, અગાઉ તો બહુ જ હતો. જો કહું કે ‘નહાવું છે,’ તો ગંગામાં ઊતરું, મંત્રોચ્ચાર કરું, માથા પર પાણી ઢોળું, તોય સંદેહ રહેતો કે કદાચ પૂરેપૂરું નહાવાયું નહિ હોય તો ? ‘અમુક જગાએ શૌચ જવું છે, એમ બોલું તો ત્યાં જ જવું જોઈએ. અમે રામને ત્યાં ગયા કોલકાતામાં. ત્યાં બોલી જવાયું કે ‘હું પૂરી ખાવાનો નથી’. પણ જ્યારે ખાવા બેઠો ત્યારે વળી ભૂખ લાગી ગઈ. પણ પૂરી ખાવાનો નથી એમ બોલ્યો હતો, એટલે પછી મીઠાઈથી જ પેટ ભર્યું; પૂરી ખવાઈ નહિ ! (સૌનું હાસ્ય).

પરંતુ હવે આગ્રહ જરાક ઓછો થયો છે. શૌચની હાજત લાગી ન હોય, પણ ‘શૌચ જવું છે,’ એમ બોલાઈ ગયું હોય. હવે શું થાય ? એ વખતે રામ (રામ ચેટર્જી : શ્રીરાધાકાન્તનો પૂજારી)ને પૂછ્યું કે ‘હવે શું કરવું ?’ તેણે કહ્યું કે જવાની જરૂર નહિ. ત્યારે વિચાર કર્યો કે બધુંય નારાયણ. રામ પણ નારાયણ, ત્યાર પછી એની વાત ન સાંભળવી શું કરવા ? હાથી નારાયણ ખરો, પણ મહાવત પણ નારાયણ ! તો પછી મહાવત જ્યારે કહે છે કે હાથીની નજીક આવશો મા, ત્યારે મહાવતની વાત ન સાંભળવી શું કરવા ? એમ વિચાર કરીને પહેલાં કરતાં આગ્રહ જરાક ઓછો થયો છે.’

‘સાચું બોલવું એ કળિયુગની તપસ્યા. સત્ય કથન ઔર દીનતા, પરસ્ત્રી માત સમાન.’

સત્ય વિશે મહાત્મા ગાંધીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે ઉચ્ચ સાધ્ય પ્રાપ્ત કરવા માટે શુદ્ધ સાધન અતિ આવશ્યક છે. ઋષિમુનિઓના ચરણસ્પર્શથી પાવિત આપણી પુણ્યભૂમિ ભારતનું સ્વાતંત્ર્ય ચાલાકી દ્વારા કે રક્તપાત દ્વારા ક્યારેય છીનવી શકાય નહીં. તેથી જ તેઓએ સ્વાતંત્ર્ય-સંગ્રામને ‘સત્યાગ્રહ’ નામ આપ્યું હતું. તેઓ માટે સત્ય એ માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહીં પરંતુ આધ્યાત્મિક સ્વાતંત્ર્યનો પણ એકમાત્ર માર્ગ હતો.

લંડનમાં આયોજિત ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતાં સ્વિટ્ઝર્લેન્ડમાં એક સભામાં તેમને પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું :

‘સત્ય એ જ ઈશ્વર છે’ એમ હું કેમ માનું છું, એ પ્રશ્ન તમે મને કર્યો છે. … ‘ઈશ્વર પ્રેમસ્વરૂપ છે’, એમ જેઓ કહે છે એમની સાથે હું અવશ્ય સ્વીકૃત થઈને કહું છું કે ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, પરંતુ મારા હૃદયના ઊંડાણમાં મને ખાતરી છે કે ભલે ઈશ્વર પ્રેમસ્વરૂપ હોય પણ મારા માટે તો ઈશ્વર સત્યસ્વરૂપ જ છે. જો વાણી દ્વારા ઈશ્વરને સંપૂર્ણરૂપે વર્ણવી શકાય તો હું એમનું વર્ણન ‘સત્ય’ના રૂપમાં કરું. પરંતુ બે વર્ષ પહેલાં મેં આથી પણ એક ડગલું આગળ વધીને કહ્યું કે ‘સત્ય એ જ ઈશ્વર’ છે.

‘ઈશ્વર સત્યસ્વરૂપ છે’ અને ‘સત્ય એ જ ઈશ્વર છે’ – ઈશ્વરનાં આ બે વર્ણનો વચ્ચેનો સૂક્ષ્મ તફાવત તમે જોઈ શકશો. આ નિષ્કર્ષ પર હું સત્યના સ્વરૂપને જાણવાની મારી ૫૦ વર્ષ જૂની સતત અને અવિરત શોધના અંતે પહોંચ્યો છું.

ત્યાર બાદ મેં આત્મસાત્ કર્યું કે સત્ય સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો છે, પ્રેમ. પરંતુ મને એ પણ સમજાયું કે અંગ્રેજી ભાષામાં પ્રેમના ઘણા અર્થ છે અને સ્ત્રી અને પુરુષની વાસનાના રૂપમાં એને વાપરીએ તો એનો નિમ્નગામી અર્થ પણ થાય છે. મને એ પણ સમજાયું કે અહિંસાના અર્થમાં પ્રેમને લઈએ તો એને સ્વીકારવાવાળા ખૂબ ઓછા લોકો આ જગતમાં છે. પરંતુ મને સત્યનો બેવડો અર્થ ક્યારેય જોવા મળ્યો નથી. એટલે સુધી કે નાસ્તિકો પણ સત્યની શક્તિને સ્વીકારે છે. અને સત્યના સાચા સ્વરૂપને જાણવા માટેના એમના આગ્રહને પરિણામે નાસ્તિકો ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતાં પણ અચકાતા નથી – કે જે એમના પોતાના દૃષ્ટિબિંદુથી બરાબર જ છે.

આ બધાં કારણોને પરિણામે જ ‘ઈશ્વર સત્યસ્વરૂપ છે’ કહેવાને બદલે હું કહું છું કે ‘સત્ય જ ઈશ્વર છે’.

Total Views: 538

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.