ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને વિલક્ષણ લાગતી હકીકતો જણાવી છે, એ બધા વિશે વિદ્વાનોમાં મતમતાંતર હોઈ શકે. ગીતા સંન્યાસલક્ષી કે ઈશ્વરલક્ષી લક્ષણ ધરાવતો ગ્રંથ છે, તે વિશે પણ મતભેદ હોઈ શકે. અને જો તેમાં આધ્યાત્મિકતાનો દૃષ્ટિકોણ છે, તો પછી તે જ્ઞાનનું કે ભક્તિનું વચનામૃત છે, એ બાબતે વિદ્વાનોમાં ભિન્ન ભિન્ન મત પણ હોઈ શકે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને અને તેના દ્વારા સમગ્ર માનવજાતિને જે વિશિષ્ટ વ્યવહારુ સંદેશ આપ્યો છે એમાં બે મત નથી. એમાં એ બાબતે ભગવાન શ્રીકૃષ્ણે કોઈ સંદિગ્ધતા રાખી નથી. ગીતાનો પ્રારંભ અર્જુનની યુદ્ધ કરવાની અનિચ્છા અને ઉદાસીનતાથી થયો છે. માત્ર રાજ્ય મેળવવા પોતાના સ્વજનો અને આદરણીય મહાન વ્યક્તિઓ સાથે યુદ્ધ કરવું એ પાપ છે એમ અર્જુન વિચારે છેે. શ્રીકૃષ્ણ અર્જુનની સઘળી ખિન્નતાને પોતાના ઉપદેશોથી નિવારી દે છે. જે યુદ્ધ અર્જુન લડવાનો છે તેની સત્યતાને શ્રીકૃષ્ણે પોતાની આંખે જોતો કર્યો. તેને ખાતરી કરાવી દીધી કે સત્ય અથવા ધર્મ માટે યુદ્ધ કરવું એ નિશ્ચિતપણે “સ્વધર્મ’ છે અને યુદ્ધ ન કરવું એ “અધર્મ’ છે. શ્રીકૃષ્ણના ઉપદેશની યુદ્ધને લગતી ધારણાથી અર્જુનમાં સૂચક પરિવર્તન આવ્યું. પણ જો અનાસક્ત ભાવે કરેલ કર્મને ધ્યાનમાં નહીં લઈએ તો ઉપદેશનું કોઈ મહત્ત્વ રહેશે નહીં. ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાં એ જ ગીતાનો મુખ્ય ઉપદેશ છે. એટલે જ “કર્મયોગ’ એ જ ગીતાની વાણી છે, એ જ એનો વિલક્ષણ સંદેશ છે.

હવે વાસ્તવિક રીતે ખરેખર “કર્મયોગ’ એટલે શું એ વિશે જાણીએ. “કર્મ’નો સામાન્ય અર્થ “ક્રિયા’ કે “કામ’ એવો થાય છે. જો કે ગીતામાં કર્મ એટલે એવાં નિયત કર્તવ્યો અને ફરજો કે જે સમયાનુસાર સમાજરક્ષા માટે વર્ણાશ્રમ મુજબ વ્યક્તિ પાસે અપેક્ષિત હોય. બીજા શબ્દોમાં કહીએ તો કર્મ વર્ણાશ્રમધર્મનું સૂચન કરે છે.

ગીતાના આ સંદેશની વિલક્ષણતા માટે આ બે શ્લોકોનું પઠન કરો :

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।

कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ।।

“પહેલાંના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે સમજીને કર્મો કર્યાં છે. તેથી તું પણ પૂર્વજો દ્વારા પહેલાં કરાયેલાં કર્મો જ કર.’ (૪.૧૫)

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।

कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणेः ।।

“હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનાં કર્મોના તેમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ પાડવામાં આવ્યા છે.’ (૧૮.૪૧)

એવી જ રીતે “યોગ’ના ઘણા અર્થ જોવા મળે છે. એટલે “કર્મયોગ’ને લાગેવળગે ત્યાં સુધી પોતાની જાતને પ્રવૃત્તિમાં જોડવી એવો અર્થ થાય છે. તેથી કર્મયોગનો સારભૂત અર્થ કોઈપણ જાતના ઈરાદા કે ફળની ઇચ્છા વિના પોતાની જાતને પોતાના નિયત કર્તવ્યની બજવણી માટે સમર્પિત કરી દેવી તેવો થાય. બધાં સ્વૈચ્છિક કર્મો કોઈ વિશિષ્ટ ફળની અપેક્ષા સાથે થાય છે. અર્જુન પણ પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઇચ્છાથી કર્મરત થયો છે. ચોક્કસ ફળ મેળવવાની ઇચ્છાથી થતાં કર્મ કર્મયોગ ન હોઈ શકે કારણ કે આવાં કર્મ સમર્પણ ભાવને વરેલ છે પણ સાથે સાથે એના ફળ કે પરિણામને વરેલાં છે. આવાં કર્મ કોઈ પણ વ્યક્તિને દુન્યવી બંધનોમાં બાંધી દે છે. કર્મયોગમાં પણ પરિણામ કે ફળની આકાંક્ષા કરતી વખતે અને કર્મ પૂર્ણ થયા પછી પણ પોતાના મનમાંથી ફલાકાંક્ષા કાઢી નાખવી. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ।।

“તારો કર્મમાં જ અધિકાર છે. એનાં ફળોમાં કદાપિ નહીં. તેથી તું કર્મફળનું કારણ-ઇચ્છુક ન થા. અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાઓ.’ (૨.૪૭)

શ્રીકૃષ્ણે ગીતામાં અવારનવાર કહ્યું છે તે પ્રમાણે કર્મયોગ સૂચવે છે કે ફળની જરાય અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરવું! દરેક કાર્યનું ફળ કે પરિણામ તો હોય જ છે, એમાં શંકા નથી; પછી ભલેને આપણે એના ફળની અપેક્ષા રાખી હોય કે ન રાખી હોય. કર્મયોગીને એની સાથે નહાવા-નીચોવાનો સંબંધ નથી. જ્યારે કર્મ કે કાર્ય પૂર્ણ થાય છે, ત્યારે તેને કોઈ અભિરુચિ રહેતી નથી અને પરિણામ કે ફળ પ્રત્યે તો સંપૂર્ણ અનાસક્ત રહે છે.

કર્મયોગના આદર્શ પ્રમાણે કાર્યો કરવામાં મહત્ત્વનો લાભ એ છે કે કોઈપણ વ્યક્તિ પોતાનાં કાર્યો સંપૂર્ણ સજગતાથી અને સ્વસ્થતાથી કરી શકે છે. શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે,

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।

सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते।।

“હે ધનંજય, તું યોગમાં સ્થિર થઈ, ફળની આશાને ત્યાગીને સિદ્ધિ-અસિદ્ધિમાં સમાનભાવે કર્મો કર. સમત્વ જ યોગ કહેવાય.’ (૨.૪૮)

આમ ગીતા અનુસાર કર્મયોગ એટલે મનનું સમત્વ. જ્યારે કાર્ય ઇચ્છાથી પ્રેરાઈને થાય છે, ત્યારે ધાર્યું પરિણામ કે ફળ મળશે કે નહીં, એવી ચિંતા કાર્ય કરનારના મનને વિક્ષુબ્ધ કરશે જ; વળી કાર્ય કોઈ સ્વહિતથી પ્રેરાયું હોય, તો આમાં સાચું શું છે અને ખોટું શું છે, એની દૃષ્ટિ ગુમાવી બેસશે. ભલે કર્તાએ સાચી બાબતો કરવાનું પસંદ કર્યું હોય, પણ પરિણામ કે ફળ મેળવવાની નિરર્થક આકાંક્ષા તેને સદાચાર અને પ્રામાણિક પથ પરથી ચ્યુત કરી દેશે. આનાથી ઊલટું, કાર્ય કરનાર પરિણામ કે ફળ પ્રત્યે અનાસક્ત હોય તો તે બધી ચિંતાથી મુક્ત બની જશે. સત્યના પથ પરથી તેને ચલિત કરનાર કંઈ પણ રહેતું નથી. જવાબદારીપૂર્વક સામાજિક કે બીજી કોઈ પણ આપણી ફરજો બજાવવાનો ઉપદેશ અને તેની સાથે ને સાથે તેમાંથી વ્યક્તિગત લાભ મેળવવાના વિચારનો પરિત્યાગ તેમજ ઈશ્વરસમર્પણનો ભાવ એ છે શ્રીકૃષ્ણની દૃષ્ટિનો કર્મયોગ. ગીતાનો ઉદ્દેશ છે કર્મ અને ચિંતન. એ બે આદર્શાે વચ્ચે બન્નેની ગુણવત્તા જાળવતા રહીને સ્વર્ણિમ ઉપાય શોધવાનો.

પ્રેરકબળ તરીકે અનાસક્તિપૂર્ણ કર્મઠ જીવનની ગીતા તરફેણ કરે છે. વળી કર્મ એ આધ્યાત્મિક વિકાસનું ધ્યેય છે તેની પણ ગીતા તરફદારી કરે છે. આ રીતે કર્મયોગ કોઈપણ વ્યક્તિના આદર્શ કે ધ્યેયને અવગણતો નથી. પરંતુ વ્યક્તિના ત્યાગભાવને, પ્રવૃત્તિશીલતાને સુગ્રથિત કરીને, સાથે સાંકળીને તે માનવને પરિશુદ્ધ અને ઉન્નત બનાવે છે. કર્મયોગમાં આ બન્ને આદર્શાેનું એકીકરણ એક તરફ સામાજિક કલ્યાણને અને બીજી બાજુએ વ્યક્તિને પોતાની આધ્યાત્મિક આકાંક્ષાઓની આપૂર્તિ કરવા તરફ દોરી જાય છે અને એ બન્ને આદર્શાેની ગણના કરે છે. આમ ગીતા સમાજની કે વ્યક્તિની અવગણના કરતી નથી. ગીતા અકર્મણ્યતાના જીવનની તરફેણ કરતી નથી, પરંતુ તેને બદલે તે તો સન્નિષ્ઠ કર્મની ભલામણ કરે છે અને તેમાં પોતાની જાતને દરેક રીતે વિસ્મૃત કરી દેવાનું સૂચવે છે.

અર્જુનનો પથ પણ કર્મપથ હતો. તે યુદ્ધ મેદાનમાં સાચા ક્ષત્રિયરૂપે આવ્યો હતો કારણ કે તેણે પોતાનું રાજ્ય પુન :પ્રાપ્ત કરવાનું હતું. પરંતુ એકાએક આ સંસારને ત્યજવાનો અને યુદ્ધમાંથી પાછા હઠવાનો તેમજ ત્યાગનો પથ લેવાનો તેણે નિર્ણય કર્યો. જે કોઈ ત્યાગના પથે ચાલવા ઇચ્છતા હોય તેમને માટે સાચી અનાસક્તિની પૂર્વ-આવશ્યકતા છે, તે વાત અર્જુન ભૂલી ગયો હતો. અર્જુન પૂર્ણર્પણે આવી અનાસક્તિ ધરાવતો ન હતો એટલે તે ત્યાગ-વૈરાગ્યના આદર્શ માટે સુસજ્જ ન હતો. આમ છતાં પણ તેણે સંસારનો ત્યાગ કરવાનું વિચાર્યું.

આ વૈરાગ્ય યથાર્થ ન હતો, એ પ્રબુદ્ધતાથી જન્મ્યો ન હતો, પણ એ તો પોતાના સ્વજનો પ્રત્યેનાં મોહ-વિમૂઢતાનું પરિણામ હતું. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે સાચો વૈરાગ્ય સદૈવ “માત્ર ઈશ્વર જ સત્ય છે અને બાકીનું બીજું બધું મિથ્યા છે’ એવી સુદૃઢ ધારણાનું પરિણામ છે. દેખીતી રીતે જ અર્જુનમાં આવી દૃઢ ધારણા ન હતી. તેની યુદ્ધ કરવા પાછળની ઉદાસીનતાનાં બે કારણો હતાં. પહેલું કારણ તો તે પોતે પોતાનાં નિકટનાં સગાં-સંબંધીઓને પોતાના “સ્વધર્મ’ કરતાં વધારે ચાહતો હતો. પોતાના સ્વજનોને હણવા કરતાં પોતાના “સ્વધર્મ’ને ત્યજી દેવા અને રાજ્યને અધર્મમાં ધકેલી દેવા તૈયાર હતો.

વિરુદ્ધ દળમાંના ભીષ્મ, દ્રોણ અને બીજા સુપ્રસિદ્ધ યુદ્ધવીરો સામે લડીને તે યુદ્ધમાં વિજય નહીં મેળવી શકે, એવો એના મનનો ભય, તે બીજું કારણ હતું. જેમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તેમ અર્જુનનો એ વૈરાગ્ય ઉપરછલ્લો હતો અને એ એના હૃદયની દુર્બળતા હતી. સિદ્ધાંત પર આધારિત ન હોય અને માત્ર કોરોકટ અનુભવ હોય એવું અકર્મણ્યતાનું વલણ અર્જુને અપનાવ્યું હતું. અર્જુન એ ભૂલી ગયો હતોે કે તેણે માત્ર પોતા માટે કે પોતાના કુટુંબ માટે યુદ્ધ કરવાનું નથી પરંતુ જોખમમાં મુકાયેલ “ધર્મ’ માટે લડવાનું છે. શ્રીકૃષ્ણનો અર્જુનને એ સંદેશ હતો કે સંકુચિત મનની સ્વાર્થભરી લાગણીઓનું અતિક્રમણ કરવું રહ્યું અને એમ કરવાનો ઉપાય અકર્મણ્યતાની સહાય લેવામાં નથી, પરંતુ હૃદય-દુર્બળતા અને વ્યક્તિગત લાભનો વિચાર કર્યા વિના પોતાનાં કર્તવ્યો બજાવવામાં છે. શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના અજ્ઞાનને કારણે ઉદ્ભવેલાં ભય અને આસક્તિને ખંખેરી નાખવાનું અને સાચા ક્ષત્રિયની જેમ લડવાનું કહે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો આ ઉપદેશ માત્ર અર્જુન માટે કે પોતાના સમયકાળના લોકો માટે હતો, એવું સમજી લેવું ન જોઈએ. આ ઉપદેશ આજે પણ પ્રાસંગિક છે. અલબત્ત, આજે લોકો અર્જુન જેમ ઇચ્છતો હતો તેમ સામાજિક જીવન ત્યજી દેવા કે સંસારમાંથી નિવૃત્ત થવા કદાચ એટલા બધા આતુર નહીં હોય, પરંતુ ભય તો બીજી બાજુએથી આવે છે. આજે લોકો પોતાના હક્ક માટે ઘણા જાગૃત અને સચિંત છે. એ બધા હક્ક મેળવવા અને તેનો ઉપભોગ કરવામાં તેઓ કર્તવ્યની ઉપેક્ષા કરે કે તેને ભૂલી પણ જાય, એવું બનવાનો સંભવ છે. એટલે જ ગીતાના ઉપદેશની આજે પણ આવશ્યકતા છે. કાળના વહી જવા સાથે તેનું મૂલ્ય ઘસાયું કે વિલીન નથી થયું એ જ એના ઉપદેશની મહાનતાનું સૂચક તત્ત્વ છે.

ગીતાના ઉપદેશ માટે ખાસ કરીને યુદ્ધમેદાનની પસંદગી કરવામાં શ્રીકૃષ્ણે સુયોગ્યતાની મહાન સમજણ બતાવી છે, કારણ કે યુદ્ધક્ષેત્ર સિવાય સાર્વજનિક કલ્યાણની તુલનામાં બીજા કોઈ ક્ષેત્રમાં સ્વહિત સંપૂર્ણપણે નિમ્ન દરજ્જાનું, ઓછા મહત્ત્વનું બની જતું નથી. જે મેદાનમાં સૈનિક લડે છે, તેની યથાર્થતા વિશે તો તે પૂરતી ખાતરી ધરાવતો હશે; પરંતુ આ યુદ્ધનો અંત કેવી રીતે આવશે, એ વિશે એ ક્યારેય ચોક્કસતા ધરાવતો નહીં હોય. ભલે તે દુશ્મન પર વિજય મેળવવાનો હોય, આ બાબતની ધારો કે ખાતરી ધરાવતો હોય, છતાં પણ વિજયનાં ફળ માણવા તે પોતે રણયુદ્ધમાં બચી જશે, એવી એની એને કોઈ ખાતરી હોતી નથી. પરંતુ અચોક્કસતા તેની સૈનિક તરીકેની જવાબદારીને જરાય ઓછી કરતી નથી. તેણે તો પોતાની ફરજ બજાવવાની હોય છે. એટલે કે તેણે તો ઉત્કૃષ્ટ વિશ્વાસ અને શ્રેષ્ઠ સામર્થ્યથી લડવાનું હોય છે. વળી એ સમયે તેણે યુદ્ધના લાભોમાં ભાગીદાર પણ બનવાનું હોય છે, એ એણે સંપૂર્ણપણે ભૂલી જવું જોઈએ. ગીતાની ભાષામાં વાત કરીએ તો સૈનિકે એ વાત પૂરેપૂરી અનુભવવી જોઈએ કે તે કર્તા-લડવૈયો તો છે, પણ સાથે ને સાથે યુદ્ધનાં પરિણામોને માણશે, એ વાત એણે ભૂલી જવી જોઈએ. એટલે કે પોતાને કોઈ લાભ નહીં મળે એ રીતે કામ કરવાનું છે, આત્મબલિદાનનું સર્વોત્તમ દૃષ્ટાંત પૂરું પાડવાનું છે અને આ રીતે આવા જોમ-જુસ્સાનું સર્વોત્કૃષ્ટ પ્રદર્શન આ રણયુદ્ધમાં પ્રદર્શિત થવું જોઈએ.

પ્રવૃત રહેવું એ માનવનો સ્વભાવ છે અને ગીતા પુન : પુન : કહે છે કે કોઈ પણ વ્યક્તિ “કર્મ’થી દૂર ન રહી શકે કારણ કે મનુષ્ય પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જઈ શકતો નથી. માનવજાતને સહજ-સુગમ બને એવી કર્તવ્યભાવનાને સુયોગ્યપણે ઇષ્ટ પથે વાળવાની ગીતા વિનવણી કરે છે, કે જેથી સ્વાર્થભર્યાં કે ભૌતિક સુખો માટે તેનો ઉપયોગ ન થાય અને તે માનવજીવનની સાર્થકતાની પ્રાપ્તિના સાધનરૂપ બને.

ગીતા બધાંને પોતાનાં કર્તવ્યો કે “સ્વધર્મ’ને કર્મયોગના ભાવથી બજાવવાની હાકલ કરે છે. એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ પોતાનાં વિશેષ કર્તવ્ય કે સ્વધર્મને ત્યજવાનાં નથી, પછી ભલે ઉચ્ચ કે નિમ્ન કક્ષાનાં હોય. ગીતાના નીચેના શ્લોકો આનું સમર્થન કરે છે :

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।

स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ।।

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।

सर्वारब्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ।।

“બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ મુશ્કેલ હોય અને ઓછા ગુણવાળો હોય છતાં માણસને માટે પોતાનો ધર્મ જ કલ્યાણકારી છે, કારણ કે પોતાને માટે નિયત થયેલાં કર્તવ્યકર્મોનું આચરણ કરતો મનુષ્ય પાપી થતો નથી. હે કુંતીપુત્ર! પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તોપણ તે છોડવું ન જોઈએે, કારણ કે ધુમાડાથી અગ્નિની જેમ બધાં કર્મોની સાથે કોઈ ને કોઈ દોષ તો વળગેલો જ હોય છે.’ (૧૮.૪૭-૪૮)

Total Views: 589

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.