કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા. બીજે દિવસે શેઠ મંગળદાસ અને અમદાવાદના બીજા વૈષ્ણવ ધનિકો સાથે અમદાવાદમાં પોતાનો આશ્રમ સ્થાપવાની શક્યતા વિશે ચર્ચા કરી. ચર્ચાના અંતે જો ગાંધીજી અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું વિચારે તો આર્થિક જવાબદારી સ્વીકારવાની તેમણે તૈયારી પણ બતાવી.

આ ચર્ચાઓ પછી ગાંધીજીએ શાંતિનિકેતન, ગોખલેના અવસાન નિમિત્તે પૂણે, રંગૂન, કુંભમેળામાં હરિદ્વાર અને ઉત્તરદક્ષિણ ભારતની મુસાફરી કરી. ગાંધીજી જ્યારે હરિદ્વાર ગયા, ત્યારે શ્રદ્ધાનંદજીએ તેમને હરિદ્વાર વસવા કહ્યું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટમાં વસવાનો હતો. પરંતુ પોતે ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકાશે અને અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ વધારે સારી રીતે કરી શકાશે તેવી ગાંધીજીની માન્યતા હતી. વળી ધનિકો તરફથી આર્થિક મદદ મળી શકશે તે ખાતરી તો ધનિકોએ તેમને આપેલી જ હતી. આથી ગાંધીજીની નજર અમદાવાદ પર ઠરી હતી.

૧૧મી મે ના દિવસે ગાંધીજી અમદાવાદ આવ્યા. તે દિવસે કોચરબમાં જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો જોઈને ભાડે લીધો. આશ્રમનું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ રાખ્યું. શેઠ મંગળદાસ સાથે આશ્રમ અંગે વાતચીતના અનુસંધાનમાં આશ્રમના ખર્ચ અંગે ૧૧મે, ૧૯૧૫ના રોજ ૪૦ માણસો શરૂઆતમાં હશે, તેની યાદી મોકલી. ભવિષ્યમાં બીજા પણ કેટલાક લોકો આશ્રમમાં આવી વસશે તેમ જણાવ્યું. સાથે સુથારીકામનાં સાધનો અને મોચીકામનાં સાધનોની યાદી મોકલી તથા એક બળદગાડું અને ૫૦ માણસનું વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ખર્ચ થશે એમ જણાવ્યું.

૨૦મી મેના રોજ ગાંધીજીએ ટોપી પહેરી વાસ્તુપૂજન કર્યું. ૨૦મી મે, ૧૯૧૫ પહેલાં આશ્રમના બંધારણનો મુસદ્દો તેમણે કેટલાક મિત્રોને મોકલેલો. આશ્રમનો ઉદ્દેશ્ય આજીવન દેશસેવા કરતાં શીખવાનો અને દેશસેવા કરવાનો હતો. એમાં ત્રણ વિભાગો હતા – ૧. વ્યવસ્થાપકો ૨. ઉમેદવારો ૩. વિદ્યાર્થીઓ. વ્યવસ્થાપકો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આશ્રમમાં કેટલાંક વ્રતો અને નિયમો પાળવાં જોઈએ. આ વ્રતોમાં મુખ્ય ૬ વ્રતો- સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ હતાં. કેટલાંક વ્રતો પાછળથી ઉમેરાયાં. તેમાં સ્વદેશી, નિર્ભયતા અને સ્પર્શભાવના વ્રત હતાં. સ્વભાષા, જાતમહેનત પર ભાર મુકાયો. માણસજાતને સારુ આજીવિકાનું સાધન માત્ર શરીરશ્રમ જ છે. પોતાની માનસિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ પરોપકાર અર્થે જ કરવો ઘટે, એવું વ્યવસ્થાપકો માનતા. વણાટકામ તેમને જરૂરી લાગ્યું, કારણ કે અંગ્રેજોના આવ્યા પછી દેશી ચરખા અને હાથસાળોનો નાશ થયો હોવાથી તેનો જીર્ણાેદ્ધાર કરીને દેશના લોકોની ગરીબાઈ દૂર કરવાનો પ્રયત્ન કરવો જરૂરી હતો. રાજકારણ, આર્થિક, સંસાર-વ્યવહારના વિષયો વગેરેનો અભ્યાસ ધર્મનિષ્ઠાથી કરવાનો ઉદ્દેશ્ય પણ હતો. વિદ્યાર્થીઓને સાંકળી લઈને અભ્યાસક્રમ અંગે બીજા ૧૭ મુદ્દાઓ તૈયાર કરેલા.

આવી રૂપરેખા વિચારેલ આશ્રમમાં ગાંધીજી અને સાથીઓ ૨૨ મે, ૧૯૧૫ના રોજ રહેવા ગયા અને ૨૫મેથી આશ્રમની શાળામાં નિત્યક્રમ શરૂ થયો. દેશસેવા અર્થે આશ્રમવાસીઓમાં જરૂરી નૈતિકબળ કેળવવાના ઉદ્દેશ્યથી જ ઉપરોક્ત વ્રતોની યોજના કરવામાં આવેલી.

વિશ્વહિતને અવરોધક એવી રાષ્ટ્રસેવા, એવો આ આશ્રમનો ઉદ્દેશ્ય હતો. તેમાં પ્રાંતે પ્રાંતેથી ભેગા થનારા લોકોમાં જાતિ, સંપ્રદાય કે ધર્મનો ભેદભાવ નહોતો.

તે વખતે કોચરબ આશ્રમમાં માત્ર બે જ મકાન હતાં. ગાંધીજીએ બંધારણમાં જણાવેલ, ‘થોડા માસમાં અમદાવાદની આસપાસ અઢીસો વીઘાં જેટલી જગા મેળવીને તે જમીન ઉપર આશ્રમ સ્થાપવાની ઉમેદ છે.’ બંધારણમાં આખા દિવસનું સમયપત્રક વહેલી સવારે ચાર વાગ્યાથી ઊઠીને રાત્રીના નવ વાગ્યા સુધીનું પણ જણાવ્યું હતું. જેમાં પાણી ભરવું, દળવું, ઝાડુ કાઢવું, વણાટકામ, રસોઈ અને અક્ષરજ્ઞાન હતાં.

આશ્રમમાં રહેવા માટે જ્ઞાતિબાધ નહોતો, તેથી અમૃતલાલ ઠક્કરની સૂચનાથી ૧૧ સપ્ટેમ્બરે અંત્યજ દુદાભાઈને પ્રવેશ આપ્યો હતો. ૨૬મી, સપ્ટેમ્બરે દુદાભાઈ પોતાના સહકુટુંબ આશ્રમમાં જોડાયા. આ વાત કસ્તુરબા અને મગનલાલનાં પત્ની સંતોકબહેન સ્વીકારી ન શક્યાં. અંત્યજ પરિવારને લઈને આશ્રમવાસીઓમાં પણ જબરો ઉહાપોહ થયેલો અને ધનિકોએ આર્થિક સહાય બંધ કરી. ક્સ્તુરબા પોતે ગાંધીજીને છોડી શકે તેમ નહોતાં, એટલે તેમણે અંત્યજ કુટુંબને સ્વીકારેલું. ગાંધીજીએ મગનલાલને વણાટકામ શીખવા મદ્રાસ મોકલ્યા. આથી સંતોકબહેનનો પ્રશ્ન પણ ઉકેલાયો. આ સમયે અંબાલાલ સારાભાઈએ રૂપિયા ૧૩,૦૦૦ની રકમ આપીને આશ્રમને આફતમાંથી બચાવ્યો.

ફેબ્રુઆરી ૧૬, ૧૯૧૬ના રોજ યંગમેન્સ ક્રિશ્ચિયન એસોસિએશનમાં આશ્રમનાં વ્રતો અંગે વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતાં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્પષ્ટ સમજણ રજૂ કરી હતી. તેમણે કહ્યું, ‘આપણાં શાસ્ત્રોમાં કેટલાક નિયમો જીવનનાં સૂત્ર અને સિદ્ધાંતરૂપે જણાવ્યા છે, જેને આપણે સ્વયંસિદ્ધ સત્ય તરીકે સ્વીકારી લેવાના છે. શાસ્ત્રો આપણને કહે છે કે આ નિયમોનું સેવન કરવામાં ન આવે, તો ધર્મની થોડીઘણી પણ ઝાંખી કરવાને આપણે અશક્ત જ રહેવાના. ઘણાં વર્ષો થયાં આ નિયમોમાં હું પૂર્ણ રીતે માનતો હોવાથી અને શાસ્ત્રના આ આદેશોને આચરણમાં મૂકવાને મેં ખરેખર પ્રયત્ન કરેલો હોવાથી, સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરવામાં મારા જેવા વિચાર કરનારાઓની સહાયતા મેળવવી મને યોગ્ય જણાઈ છે.’

ભાષણના અંતમાં ગાંધીજીએ કહ્યું, ‘હું અહીંયાં એમ નથી કહેતો કે તમે બધા મોટી સંખ્યામાં આશ્રમમાં જોડાઈ જાઓ, ત્યાં એ માટે જગા પણ નથી. પરંતુ હું કહું છું કે તમે બધા પોતપોતાની મેળે એકલા તેમજ સમૂહમાં પણ આ પ્રકારનું આશ્રમજીવન અપનાવવાનું પસંદ કરી શકો છો. મેં તમારી સમક્ષ જે નિયમો રજૂ કર્યા છે તેમાંથી તમે ગમે તે પસંદ કરશો અને અમલમાં મૂકશો તો તેનાથી મને સંતોષ થશે.’

એ જ રીતે સમાજસેવાસંઘમાં પણ તેમણે કહ્યું, ‘સમાજસેવા માટે એક શરત અનિવાર્ય છે. એ શરત એવી કે જે લોકો સેવા કરવા માગતા હોય તેમનામાં એ કરવા માટેના જરૂરી ગુણો હોવા જોઈએ. સેવાનો ઉદ્દેશ્ય ગમે તેટલો સારો હોય, તોપણ જો સેવકોમાં એ સેવા કરવાની લાયકાત નહીં હોય, તો તેઓ સેવા કરવા જતાં સેવાને બદલે કુસેવા કરી બેસવાના.’

આમ સત્યાગ્રહ આશ્રમ ચારિત્ર્યની ખિલવણીરૂપ બને એ પ્રયત્ન પણ ગાંધીજીનો હતો.
આ સત્યાગ્રહ આશ્રમ, કોચરબમાં મામાસાહેબ ફડકે, કાકાસહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ, મહાદેવભાઈ દેસાઈ, વિનોબા ભાવે, જમનાલાલ બજાજ, વાલજી ગોવિંદજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, સુમંત મહેતા, હરિપ્રસાદ દેસાઈ જેવા મહાનુભાવોની ગાંધીજી સાથે મુલાકાત પણ થયેલી. આમાંના કેટલાકની મુલાકાતો ફળદાયી નીવડી. તેઓ કાયમ માટે ગાંધીજી સાથે જોડાયા. નરસિંહરાવ દિવેટિયાએ Lead Kindly Light ગીત આશ્રમમાં ગાંધીજી પાસેથી મેળવેલું. એ પછી એનો અનુવાદ ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’ આપણી સમક્ષ આવ્યો.

૧૯૫૦ સુધી કોચરબ આશ્રમ મૂળ સ્થિતિમાં રહ્યો. ગાંધીજીના આ પ્રથમ સ્થાનનો એમની ગમતી રચનાત્મક પ્રવૃત્તિ તેમજ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઉપયોગ કરી શકાય તે માટે આજુબાજુની જમીન મેળવી લીધેલી. આ સત્યાગ્રહ આશ્રમનો સ્મારકરૂપે ઉદ્‌ઘાટનવિધિ રેંટિયાબારસના શુભ દિને ૪ આૅક્ટોબર,૧૯૫૩ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે થયેલો. ત્યારથી આ આશ્રમનું સંચાલન અનેે જાળવણી ગુજરાત વિદ્યાપીઠને સોંપાયાં. તે વખતે નીચે મુજબની કેટલીક પ્રવૃત્તિઓ આશ્રમમાં શરૂ થયેલી.

૧. આશ્રમના મુલાકાતીઓને આ ઐતિહાસિક સ્થાનની સમજ આપવી.

૨. ગ્રંથાલય-વાંચનાલય શરૂ કર્યું. તેનો લાભ સમાજના બધા જ વર્ગના લોકો લઈ શકતા. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ કેટલીક પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી.

૧. સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરવી.

૨. શિક્ષણ વિસ્તરણના કાર્યક્રમો

૩. જન આરોગ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણની શ્રેણી અંતર્ગત આયુર્વેદ, નિસર્ગાેપચારનાં વ્યાખ્યાનો-તાલીમ વર્ગાે ગોઠવવાં.

૪. મહિલાવિકાસ – સ્ત્રીજાગૃત્તિની પ્રવૃત્તિઓ

૫. રક્તપિત્તગ્રસ્ત દર્દીઓની સહાય કરનારી સંસ્થાઓના કાર્યક્રમ કરવા.

૬. ગાંધીવિચાર પ્રચાર-પ્રસાર માટે વ્યાખ્યાનો ગોઠવવાં.

૭. ગુજરાત વિદ્યાપીઠના કેટલાક વિભાગો જેવા કે ગાંધીદર્શન, પ્રૌઢશિક્ષણ, રાષ્ટ્રિય-સેવા-યોજના, સમાજકાર્ય, આદિવાસી સંશોધન કેન્દ્ર, ગ્રંથાલય, હિન્દી વગેરેની સાથે મળી પ્રદર્શન, પુસ્તકમેળા, શિબિરો વગેરે કાર્યક્રમો થાય છે.

૮. ગ્રંથાલય-વાંચનાલયનો લાભ આજુબાજુના વિસ્તારના લોકો લઈ રહ્યા છે.

૯. ગાંધીપ્રદર્શન પણ ગોઠવાયેલું છે. તેની સમજ વિદ્યાર્થીઓને તથા મુલાકાતીઓને આપવામાં આવે છે.

હાલ આશ્રમની નવીનીકરણની સુંદર પ્રક્રિયા ચાલી રહી છે. સાદગીની સાથે સાથે સૌંદર્યલક્ષી ગૌરવ લઈ શકાય તે રીતની સાર-સંભાળ લેવાનું, જાળવણીનું કામ ગુજરાત વિદ્યાપીઠ થકી થઈ રહ્યું છે.

હરિજન આશ્રમ, સાબરમતી

કોચરબ સત્યાગ્રહ આશ્રમમાં મરકીએ (પ્લેગ) દેખા દીધી. કોચરબની સ્થાપના વખતે ગાંધીજીનો વિચાર વિશાળ જમીનમાં આશ્રમને લઈ જવાનો હતો જ. આથી પ્લેગને આ આશ્રમ છોડવાની નોટિસ સમજી આશ્રમ સારુ જમીન શોધવા માંડી. સદ્ભાગ્યે તે જેલની નજીક મળી. આશ્રમવાસીને કપાળે જેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જેલનો પડોશ ગાંધીજીને ગમ્યો. ત્યાં મકાનો ઊભાં કરવામાં આવ્યાં. આમ જૂન ૧૭, ૧૯૧૭માં હરિજન આશ્રમ, સાબરમતીનું મંડાણ થયું.

૨૭ ફેબ્રુઆરી, ૧૯૧૮ના રોજ આશ્રમની પ્રાર્થનામાં પ્રવચન કરતાં ગાંધીજીએ કહેલું કે ‘સત્યાગ્રહ એકલો સરકારની સામે નથી થઈ શકતો.. ખેડામાં સરકારની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, અમદાવાદમાં ધનિકોની સામે ચાલી રહ્યો છે, અંત્યજોના પ્રશ્ને શાસ્ત્રો સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે.’ આમ ગાંધીજી સત્યાગ્રહની પરિભાષા સમજાવતાં સમજાવતાં આશ્રમના રોજિંદા કાર્યક્રમો તોે ચાલુ જ રખાવતા.

આશ્રમજીવન એ મહાત્મા ગાંધીજીના જીવનનો વિશિષ્ટ પ્રયોગ હતો. તે કેવળ રાષ્ટ્રની આઝાદી માટે શીલવાન, સમર્પિત વ્યક્તિઓ કે પરિવારો નિર્માણ કરવાનું સ્થળ નહોતું પણ ચિત્તશુદ્ધિ, જીવનશુદ્ધિ માટે ઉપાસનારત સાધકોના ઉત્ક્રમણ માટેનો સામૂહિક આધ્યાત્મિક પ્રયોગ પણ હતો. આશ્રમજીવન એ સત્યાગ્રહી માટે જીવનશાળા હતી.

જુલાઈ ૧, ૧૯૧૭ના રોજ આશ્રમફંડ માટે ગાંધીજીએ પરિપત્ર મોકલેલો. તેમાં રહેવાના ખર્ચ અંગેે, હાથવણાટના કામની વિગતો તેમજ રાષ્ટ્રિયશાળાના કાર્યકર્તાઓએ શિક્ષણ કેટલું મેળવ્યું છે તે અંગેની વિગતો જણાવી હતી. વળી હિન્દી ભાષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તેવો પ્રયત્ન તેમને જરૂરી લાગેલો તે પણ જણાવેલ હતું. આમ ઝીણવટપૂર્વક વિગતો ગાંધીજીએ મોકલેલી. તે જ રીતે શાસ્ત્રીયારને ૩ જુલાઈ, ૧૯૧૭માં પરિપત્ર મોકલેલ. તેમાં ચોક્કસ ત્રણ પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો.

(૧) હાથસાળ વડે વણાટકામનો (૨) રાષ્ટ્રિય ઢબનું શિક્ષણ વિકસાવવાના પ્રયત્નો (૩) શિક્ષિત હિન્દીઓ માટે સમાન માધ્યમ તરીકે હિન્દી ભાષાના પ્રચારકામનો સમાવેશ. આ પરિપત્ર બીજા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વકીલોને પણ મોકલેલ.

આમ, હરિજન આશ્રમ, સાબરમતીમાં સહભાગી, સામૂહિક આશ્રમજીવનની શરૂઆત થઈ. તેમાં કેટલીક પ્રવૃત્તિ મુખ્ય હતી, જેમ કે સામૂહિક સફાઈ, સામૂહિક સૂત્રયજ્ઞ (કાંતણ), સામૂહિક રસોડું, સામૂહિક પ્રાર્થના. ખોરાક અને આરોગ્યના પ્રયોગો પણ થતા. આશ્રમમાં સાદગી, સેવા અને સંયમનું વાતાવરણ ઊભું કરવામાં વ્રતો ઉપયોગી થતાં. કેટલીક વ્યક્તિઓ જેવી કે ઇમામસાહેબ, મગનલાલ, છગનલાલ ગાંધી, સંતોકબહેન, કાશીબહેન, વિનોબા ભાવે, તોતારામજી, છોટેલાલજી, સુરેન્દ્રજી, ગંગાબહેન વૈદ્ય, પ્રેમાબહેન કંટક, કાકાસાહેબ, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ, નારણદાસ ગાંધી જેવા પૂરક થતા.

આશ્રમ એ કંઈ માત્ર કાગળ પર ચલાવવાનો ન હતો. એ ચલાવવા મૂલ્યોની સાથે સાથે કુશળતાની આવશ્કતા પણ હતી. બધા સાથીઓને સાથે રાખીને ગાંધીજી તેને વધારતા રહેતા. આ અંગે મીરાંબહેને ‘યંગ ઇન્ડિયા’ની નોંધમાં લખ્યું છે કે ‘હું અનેક જાતિઓના શંભુમેળા એવા આશ્રમમાં નથી આવી. હું તો સ્ત્રી-પુરુષો અને બાળકો મળી લગભગ ૨૦૦

જેટલા ઉત્તમ પ્રતિષ્ઠિત હિંદીઓના બનેલા એક સુવ્યવસ્થિત આશ્રમમાં રહું છું.’
૧૯૨૬ના આરંભથી ૧૯૨૮ સુધીમાં અડધાથી વધારે સમય ગાંધીજી આશ્રમમાં રહ્યા, જેમાં ગીતાનું શિક્ષણ, ગુજરાત વિદ્યાપીઠમાં બાઇબલના વર્ગાે અને કેટલાંક ભજનો અંગેની સમજણ પણ સવારની પ્રાર્થનામાં આપવા લાગ્યા. બીજા અનેક પ્રશ્નો એમની સામે ઊભા હતા જ. ‘નવજીવન‘ અને ‘યંગ ઇન્ડિયા’માં અહિંસા વિશેના કેટલાક પ્રશ્નો જેવા કે વાછરડાનો પ્રશ્ન, વાંદરાઓના રંજાડ અંગેના પ્રશ્ન વિશે લખતા.
‘સ્વરાજ ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પાછો નહીં આવું,’ એવું પ્રણ લઈને ૭૮ આશ્રમવાસીઓની ટુકડી સાથે ૧૨મી માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ આ આશ્રમની ભૂમિ પરથી દાંડી જવા પગપાળા પ્રયાણ કર્યું. ૧૯૩૩ની ૪થી જાન્યુઆરીએ સાબરમતી આશ્રમનો કબજો સરકાર લઈ લે એવી ગાંધીજીએ ઇચ્છા પ્રદર્શિત કરી. ૨૨ જુલાઈ, ૧૯૩૩ના રોજ હરિજન પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કરી આશ્રમનું બલિદાન દેવા નિર્ણય લીધો. વિખેરાતા આશ્રમનો કબજો લેવા સરકારને લખ્યું. આશ્રમનો કબજો લેવાની સરકારે ના પાડી. ૧૯૩૩ની ૩૦ સપ્ટેમ્બરે આ આશ્રમ ‘હરિજન સેવક સંઘ’ને અર્પતો પત્ર લખ્યો. પાછળથી હરિજન કન્યાઓના શિક્ષણ, ગૌશાળા, ખાદી અને ગ્રામોદ્યોગ જેવાં રચનાત્મક કાર્યો માટે ‘હરિજન આશ્રમ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી. ૨૪ નવેમ્બર, ૧૯૩૩થી સાબરમતી આશ્રમ ‘હરિજન આશ્રમ’ નામથી ઓળખાતો થયો.

આ આશ્રમની રાષ્ટ્રિય વારસા તરીકે જાળવણી માટે ૧૯૫૧માં સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરવામાં આવી તથા સ્મારક સંગ્રહાલયના મકાનનું ઉદ્‌ઘાટન ૧૦ મે, ૧૯૬૩ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે થયેલું. આ સંગ્રહાલયમાં ત્રણ ગેલેરી છે. (૧) ગાંધી અમદાવાદમાં (૨) ચિત્ર ગેલેરી (૩) મારું જીવન એ જ મારી વાણી- જન્મથી મૃત્યુ સુધીની પ્રદર્શની. ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહ્યા અને દેશમાં શું શું કાર્યો કર્યાં એની સુંદર ઝલક આ ત્રણ ગેલેરીમાં જુદી જુદી રીતે પૂર્ણપણે પ્રદર્શિત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વનો ભાગ આર્કાઈવ્ઝ છે, જેમાં ગાંધીજીની ધરોહર સચવાયેલી છે. ૩૪,૦૦૦ હસ્તપ્રતો દોઢ લાખ પાનાઓમાં સંગ્રહાયેલી છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતાં સાથે લાવેલા ન્યૂઝ કટીંગની ફાઈલો, ગાંધીજીને મળેલાં ૧૫૦થી વધુ માનપત્રો, ૬૦૦૦ ફોટાઓનું કલેકશન, ફિલ્મો, મૂળ હસ્તપ્રતોની માઈક્રોફિલ્મ, સુરક્ષિત પત્રોની ફોટોસ્ટેટ (ઝેરોક્ષ), ૨૦૦ ફાઇલો, ગાંધીવિચારનાં ૩૫૦૦૦ (લગભગ) પુસ્તકો સચવાયેલાં છે. આ ઉપરાંત મહાદેવભાઈ દેસાઈના અંગત સંગ્રહનાં ૪૫૦૦ પુસ્તકોની જાળવણી કરવામાં આવેલ છે. આ તમામ ગાંધી સંબંધિત સંગ્રહનું, ડિજીટલાઈઝેશનનું, ચિત્રોની સાચવણીનું વગેરે કાર્યો અત્યારે હાથ ધરાયાં છે. આ ભવિષ્યની પેઢીને ઉપયોગી થાય તે રીતે સજાવાયેલું-સંગ્રહાયેલું છે.

હાલમાં આશ્રમની વર્તમાન સંસ્થાઓ અને તેની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.

૧. હરિજન આશ્રમ ટ્રસ્ટ – હરિજન કન્યાઓનું છાત્રાલય અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે વિનય મંદિર તથા પ્રાથમિક શિક્ષકોનું મહિલા અધ્યાપન મંદિર ચલાવે છે.

૨. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ – ખાદી, હાથકાગળ, સાબુ, તેલ અને ગ્રામોદ્યોગ ઉપરાંત અંબર ચરખા, હાથસાળ અને તેના સરંજામનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

૩. ગુજરાત હરિજન સેવક સંઘ – અસ્પૃશ્યતા નિવારણનું તથા શિક્ષણ માટે છાત્રાલયો ચલાવવાનું કામ ગુજરાતભરમાં કરે છે. ગ્રામ આરોગ્ય અને પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન – સફાઇનું સંશોધન તથા તાલીમનું કાર્ય કરે છે.

૪. ગૌશાળા – બીડજ અને લાલી ગામમાં ખેતી, પશુપાલન, ગૌસંવર્ધન અને ગૌવંશ સુધારણાનું તેમજ વધુ દૂધ ઉત્પાદનના પ્રયોગો અને વિસ્તરણનું કાર્ય કરે છે.

૫. તોરણ અતિથિગૃહ – ગાંધીવિચારના અધ્યયન તેમજ આશ્રમદર્શન માટે આવનાર અતિથિઓને નિવાસ-ભોજનની સુવિધા આપે છે.

ગાંધીજીના આશ્રમો વ્યક્તિગત ઉત્થાન માટેના જ માત્ર ન બની રહેતાં સમાજ પરિવર્તનના કામ માટે પણ કાર્યરત રહ્યા. આ જ આશ્રમોમાંથી કેટલાક કાર્યકરો સમાજસેવક બની સમાજના ઉત્થાન માટેના રચનાત્મક કાર્યમાં જોડાયા. આમ, આશ્રમો સમાજ-પરિવર્તન માટે મદદરૂપ થનારા ચારિત્ર્યવાન, દેશભક્ત સેવકો તૈયાર કરવાનું મહત્ત્વનું સ્થાન બની રહ્યા.

Total Views: 705

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.