ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે પ્રાચીન ભારત, આંસુઓ અને પ્રાર્થનાઓનું ભારત, જાગરણ અને ઉપવાસનું ભારત અને હવે તે મૃતપ્રાય બનતું જાય છે, અને ક્યારેય પાછું નહીં આવે.’ પ્રાચીન ભારત વહી જશે, ક્યારેય પાછું નહીં આવે; આમ છતાં પણ ભારતની સેવા કરવા અને તેનો જુસ્સો વધુ પડતો ન થઈ જાય તે માટે નવભારતના સંદર્ભમાં પ્રાચીન ભારતને સમજવાની જરૂર છે.
વાસ્તવિક રીતે દેશની સેવા કરવા ઇચ્છતાં સુજ્ઞ અને વિચારશીલ એવાં આ દેશનાં આધુનિક નરનારીઓએ પણ પ્રાચીન ભારતની કદર કરી નથી અને પેલા શિક્ષિત ટોળા વિશે તો જેટલું ઓછું કહેવાય તેટલું વધારે સારું. તેઓ એવું ધારે છે કે જીવનનાં મૂલ્યો તો અર્ધપચ્યું શિક્ષણ મેળવવામાં જ રહેલ છે અને તે શિક્ષણ તેમને પૂર્વ કે પશ્ચિમને જરાય સમજ્યા વિના પશ્ચિમના રિવાજો અને રીતભાતોનું અનુકરણ કરવા સક્ષમ બનાવે છે. આપણને આ બીજા મુદ્દા સાથે ઝાઝી લેવા દેવા નથી પણ જો આપણે ખરેખર ભારતને બરાબર સમજવા અને તેની સેવા કરવા ઇચ્છતા હોઈએ તો તે ભગિની નિવેદિતાના જીવનસમર્પણમાં, પોતાના ગુરુ દ્વારા મળેલી પ્રત્યક્ષ તાલીમમાં, એક ભારતીય સંન્યાસિનીના જીવનમાં અને તેમના ભારતનાં ઇતિહાસ, પ્રણાલીઓ, ભારતીય મૂલ્યો પ્રત્યેના આદરભાવમાં જોવા મળશે.
સ્વામી વિવેકાનંદ પ્રબળપણે ઇચ્છતા હતા કે જો નિવેદિતા ભારતીય નારીઓની સેવા કરવા માગતાં હોય તો તેમણે પોતાની જાતનું ભારત સાથે સંપૂર્ણપણે ઐક્ય સાધવું જોઈએ અને તેમણે ભારતીયો કરતાં પણ વધારે સારા ભારતીય બનવું જોઈએ. અને આ શિષ્યાએ પોતાની જાતને પોતે હતાં તેના કરતાં પણ વધારે સારાં સાબિત કર્યાં. દયાને પાત્ર એવી ભારતીય નારીઓની સેવા કરવામાં તેમનું પ્રદાન માત્ર એક સામાજિક કાર્યકરનું ન હતું. તેમણે ભારતનાં વધુ ગહન મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કર્યો અને ભારતીય વાતાવરણનું એક અંગ બનીને તેનું પ્રેરકબળ બન્યાં.
રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો : ‘એમની પાસે સર્વસમાવેશક મન અને પ્રેમની ઉત્કૃષ્ટ અંતર્દૃષ્ટિ હતાં. તેઓ આપણાં સામાજિક સ્વરૂપો પાછળના સર્જનાત્મક કાર્ય-આદર્શોને જોઈ શક્યાં હતાં અને ભૂતકાળ સાથેના આપણા આત્માના જીવંત સંબંધો અને તેની પૂર્તિ માટેની આગેકૂચને તેઓ શોધી શક્યાં હતાં.’
વળી આગળ ટાગોર એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે નિવેદિતા એક આદર્શવાદી હોવાને લીધે ‘જેઓ માત્ર વસ્તુને જ જોઈ શકતા હતા અને સત્યોને નહીં, એવા વિદેશીઓ કરતાં તેઓ ઘણા વધારે પ્રમાણમાં જોઈ શક્યાં.’
સ્વામીજીએ આ સમજણને નિવેદિતામાં કેળવવા તેમને કેવી રીતે તાલીમ આપી, તે વાંચવું અને જાણવું ઘણું રસપ્રદ છે. કોઈપણ વસ્તુને સુયોગ્ય રીતે સમજવા સહાનુભૂતિની નજરે જે તે વસ્તુના દૃષ્ટિબિંદુથી જોવું જોઈએ, આ વાત પોતાના શિષ્યોને કહેતાં કે સમજાવતાં સ્વામીજી ક્યારેય થાક્યા નહીં. 1898 દરમિયાન ઉત્તર ભારતની યાત્રામાં અલમોડાથી કાશ્મીરના પ્રવાસમાં સ્વામીજી સાથે નિવેદિતા જોડાયાં. દરેક સ્થળે પ્રાચીન પાટલીપુત્ર અને વારાણસીની પવિત્ર તેમજ પુણ્યશાળી પ્રણાલીઓ, બુદ્ધની યુવાની અને એમણે હિમાલયની તળેટીમાં કરેલા સંસારત્યાગની ભારતની પ્રાચીન વાતો દ્વારા સ્વામીજીએ ભારતના ભૂતકાળનું ભવ્ય ચિત્ર નિવેદિતાના મનમાં આલેખ્યું.
અલમોડામાં સ્વામીજીના સુખ્યાત સંન્યાસી શિષ્ય સ્વામી સ્વરૂપાનંદની નિશ્રામાં ભગિની નિવેદિતાએ ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો. અહીં સ્વામીજીએ ભગિની નિવેદિતાની આકરી કસોટી કરી. એ સમયને યાદ કરીને નિવેદિતા કહે છે :
‘આ સમયે મારા ગુરુદેવ સાથેનો મારો સંબંધ સંઘર્ષ કે વિસંવાદિતારૂપે જ વર્ણવી શકાય. હવે હું જોઈ શકી કે હજુ તો કેટલું બધું શીખવાનું હતું અને એ શીખવા માટે સમય કેટલો ટૂંકો પડે તેમ હતો. નિ:શંકપણે કહું તો તે છે શિષ્યના મનમાં રહેલી સ્વપર્યાપ્તિના ભાવનો વિધ્વંશ. મારા બધા પહેલેથી સેવેલા વિચારો પરના સતત આક્રમણ અને ઠપકાથી હું થોડા પ્રમાણમાં સજ્જ થઈ હતી અને એ જ હવે મારું ભાગ્ય હતું. પરંતુ આ તબક્કો બહુ લાંબો ન ચાલ્યો. એક સાંજ એવી આવી કે જ્યારે સ્વામીજીએ પોતાનો અભિગમ બદલ્યો અને તેમણે પોતાની શિષ્યાને હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા અને મનની શાંતિ આપી.’
પહેલેથી જ ગૃહીત કરેલા ખોટા ખ્યાલોને ભાંગીતોડી નાખવા માટે થયેલી ગડમથલના સમયગાળાની આ આવશ્યક પરિસ્થિતિ હતી. સાથે ને સાથે ભારતને તેના પોતાના યોગ્ય પરિપ્રેક્ષમાં સમજવા તૈયાર થવા અને પોતાની જાતને ભારતના સેવાકાર્ય માટેનું સુયોગ્ય યંત્ર બનાવવા માટે પણ આ જરૂરી હતું. પોતાના ગુરુ દ્વારા મળેલી નિવેદિતાની કેળવણી ગીતાના આદેશ પ્રમાણેની જ હતી : ‘પ્રણામ કરીને, ફરી ફરી પ્રશ્ન પૂછીને અને સેવા કરીને એ (પરબ્રહ્મ)ને જાણો; જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તે જ્ઞાનીઓ આ જ્ઞાનનો બોધ આપશે.’ (ગીતા 4.34)
ભારતના પ્રાચીન વારસા અને રીતિરિવાજો તેમજ રીતભાતોના સંશોધનમાં ભગિની નિવેદિતાએ માત્ર ઉપરછલ્લું કાર્ય કર્યું ન હતું. એમણે ભારતીય મનની ગહન અંત:પ્રેરણાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંત:પ્રેરણાએ યુગો સુધી ભારતને ઘડ્યું હતું અને તે વિદેશી શાસકોના આક્રમણ સામે તેમજ સમયકાળની કસોટીની પળે સહાયક નીવડી હતી. નિવેદિતાનાં લખાણો પરની એક ઊડતી નજર તેઓ કેવી રીતે ભારતીય મનમાં પ્રવેશી ગયાં હતાં, તે વાત પ્રગટ કરી શકે છે.
ભારતના ઇતિહાસની વાત કરતાં તેઓ કહે છે, ‘ભારત આજ સુધી જે ઊભું છે તેની સમજણ તો ભારતના ઇતિહાસની મદદથી જ સમજાવી શકાય. ભૂતકાળે આપણે માટે છોડેલાં સંસાધનો અને આપણા આ વારસાની સમજણની સહાયથી ભવિષ્યકાળનું આપણે સર્જન કરીએ એની પ્રતીક્ષા કરે છે.’
આપણી આજની સમસ્યાઓને વધારે ને વધારે સમજવા માટે આપણા ભૂતકાળને સમજવો એ એની અનિવાર્ય પૂર્વશરત છે. ભારતનો ઇતિહાસ ગ્રંથોમાં પ્રાપ્ય છે પણ તેને તાણીખેંચીને વિકૃત કર્યો છે. જો કે ભારતીય ઇતિહાસને સારી રીતે પ્રકાશિત કરવા સ્વતંત્રતા પછી પ્રયત્નો થતા રહ્યા છે. એટલે જ નિવેદિતા યાત્રાપ્રવાસની આવશ્યકતા અનુભવે છે. આ દેશનાં દૂરસુદૂર સુધી આવેલાં પ્રાચીન સ્મારકો આપણા ભૂતકાળના સૂચક પુરાવાઓ આપે છે. સમય અને આક્રમણખોરોના વિનાશથી બચેલાં આ સ્મારકો બહુ ઓછી માત્રામાં જોવા મળે છે.
ભગિની નિવેદિતાની દૃષ્ટિએ આવાં સ્મારકોનો અભ્યાસ ભારતના ઇતિહાસની અત્યંત મહત્ત્વની હકીકતોમાંની એક પ્રગટ કરે છે અને એ છે કે આજે અને હંમેશાંને માટે ભારતદેશ સમન્વયકારી રહ્યો છે. વેદાન્તી ભૂમિકાવાળું ભારતીય જીવન તેને સમન્વયકારી વલણ પૂરું પાડવામાં સહાયક બન્યું છે. એટલે જ આવી રીતે ભારતમાં આવનાર બધા વિદેશીઓએ આ દેશને પોતાનું વતન બનાવ્યું અને માનવતાના વિશાળ મહાસાગરનું એક બિંદુ બન્યા. આ શક્ય બન્યું કારણ કે પ્રાચીન ભારત હંમેશાં શીખવામાં અને તેને આત્મસાત્ કરવામાં માનતું હતું. ભારત વિદેશી પ્રભાવને પોતાના ઢાળામાં ઢાળી શક્યું અને તેને પોતાનો આકાર આપી શક્યું હતું. જેમ માળા એક દોરામાં પરોવાયેલી રહે તેમ, ભારતે આ જુસ્સાની વિશિષ્ટતાને પોતાની પ્રવૃત્તિઓમાં જાળવી રાખી. ભગિની નિવેદિતાના શબ્દોમાં કહીએ તો:
ભારત પોતે જે કંઈ પણ ધરાવે છે, તેના પર જે પ્રભાવક બને છે, જેને તે ઢાંચામાં ઢાળે છે તેમજ ભાવિને આકાર આપે છે અને જેનાથી એની સંરચના થઈ છે એ તત્ત્વોના મૂળ સ્વરૂપને આપણે ઓળખવું જોઈએ. ભારતીય લોકો યાંત્રિક સંસ્થાનની પદ્ધતિઓમાં ખામીવાળા હોઈ શકે, એક પ્રજા તરીકે તેઓ આવી ખામી ધરાવતા રહ્યા છે પણ એમાંની કોઈ જૈવિક સમન્વયની તાત્ત્વિક કે અનિવાર્ય આવશ્યક બાબતોમાં ઊણપ ધરાવતા નથી.
બૌદ્ધકાલીન ભારત પછીના સમયમાં ઘણાં મહાન સ્મારકો ઊભાં થયાં. પોતાના એ પહેલાંના સમયના સાંસ્કૃતિક ઇતિહાસમાં ભારતે ‘ભાવિજીવનની કલ્પના અને ઉપનિષદના તત્ત્વજ્ઞાન’માં પૂરેપૂરી શક્તિ લગાડી દીધી. જ્ઞાનમાહિતીના આ ખજાનારૂપી આપણા પ્રાચીન વારસાને શબ્દો સિવાય બીજી કોઈ રીતે જાળવી શકાય તેમ ન હતો. ભલે આપણાં ઐતિહાસિક સ્મારકોનો મહદંશે વિનાશ થયો હોય, પણ વેદો અને ઉપનિષદોએ વહેતા મૂકેલા આ વિચારપ્રવાહને સાવ ભૂંસી શકાયો નથી. આધુનિક વિશ્વના ઘણા મેધાવી લોકો પણ ઉપનિષદોના આ પ્રાચીન ગ્રંથો વાંચે છે અને એમાંથી માર્ગદર્શન કે સહાય મેળવે છે. એટલે જ ભગિની નિવેદિતા કહે છે કે જો ભારતના વિદ્યાર્થીઓ જ્ઞાનમાહિતીના ભંડારસમા આ પ્રાચીન ગ્રંથો વાંચશે તો તેમના જ્ઞાનના વિકાસની વૃદ્ધિ કરવામાં તે સહાયરૂપ નીવડશે તેમજ એમાંથી ગૌરવ અને પૂજ્યતાની ભાવના જ મળશે.
નિવેદિતા પૂરેપૂરાં વાકેફ હતાં કે જો કોઈપણ રાષ્ટ્રે સાચી પ્રગતિ કરવી હોય તો બીજાં રાષ્ટ્રો પાસેથી કંઈક શીખવું જોઈએ. બીજા પાસેથી પ્રાપ્ત કરેલ આવશ્યક અને પરિશુદ્ધ તત્ત્વોને જાળવી રાખવાં જોઈએ તેમજ રાષ્ટ્રના વિચારમનને રુંધનારાં અનાવશ્યક તત્ત્વોને દૂર રાખવાં જોઈએ. સ્વામીજીએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે જ્યારે ભારતે પરદેશીઓ માટે ‘મ્લેચ્છ’ શબ્દ શોધી કાઢ્યો અને પોતાને માટે બહારની દુનિયાનાં દ્વાર બંધ કર્યાં ત્યારથી ભારતનું અધ:પતન શરૂ થયું. પૂર્વ અને પશ્ચિમનાં સંવાદી તત્ત્વોનું પરસ્પરનું ગૂંથન ભારતને સહાયરૂપ થઈ શકે.
નિવેદિતા જાણતાં હતાં કે ભારતને જીવંત રાખવા માટે સમગ્ર વિશ્વની સંસ્કૃતિ અને સભ્યતાને ભૂતકાળમાં આપેલ પ્રદાન જ પૂરતું નથી. વર્તમાનમાં પણ પોતાની વ્યક્તિમત્તા માટે તે જાગ્રત હોવું જોઈએ. સાથે ને સાથે જીવનના દરેક ક્ષેત્રમાં નવી ખીલતી વસંત લાવવા પોતાનું પુન:નવીનીકરણ કરવું પડશે. જો એમ નહીં થાય તો ઇજિપ્ત અને ગ્રીસ, જુડાહ અને રોમની જેમ તે અદૃશ્ય થઈ જશે. એ વિશે વાત કરતાં ભગિની નિવેદિતાએ કહ્યું છે કે વિશ્વને સાચી ધર્મભાવના આપવી એ બતાવે છે કે તે રાષ્ટ્ર(ભારત)નો ભૂતકાળ નથી ગયો, પણ એમ માનીને બેસી રહેવું એ ભવિષ્ય માટે સલામતીભર્યું નથી.
એટલે જ નિવેદિતાએ ભારતીયોને પોતાના દેશનું પુનર્ઘડતર કરવા માટે નવા ઉત્સાહ અને ઉત્કટતાને લાવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું છે કે આપણા પ્રાચીન જ્ઞાનને આધુનિક સમરૂપોમાં રૂપાંતરિત કરવું તે આપણું ભગીરથ કાર્ય છે. આપણે તો નવા દેહને પ્રાચીન સામર્થ્યનાં વસ્ત્રો પહેરાવવાનાં છે. પ્રાચીન સામર્થ્ય વિના નવું રૂપ એક મજાક કે મશ્કરી બની રહેશે. આધ્યાત્મિકતા, મેધાવીપણા માટે આપણે પ્રયત્ન કરવા જ પડશે.
નિવેદિતાના સમયમાં જે પરિસ્થિતિ હતી તેના કરતાં આપણે ઘણા દૂર નીકળી ગયા છીએ. આ સદીના પ્રારંભના દશકાઓનાં આંદોલનોએ આપણને રાજકીય સ્વતંત્રતા અપાવી છે. આપણી પ્રાપ્તિ-અપ્રાપ્તિની વચ્ચે આપણે આ સંકીર્ણ વિશ્વમાં સ્થાન મેળવવા મથી રહ્યા છીએ. નિવેદિતાના સમયમાં જે સમસ્યાઓનો સામનો કરવાનો હતો તેના કરતાં હાલની સમસ્યાઓ વાસ્તવિક રીતે ઉકેલવી વધારે દુષ્કર છે.
સુજ્ઞ ભારતીયોએ આ પ્રશ્નો પ્રત્યે પોતાનું મન લગાડવું જોઈએ : આજે આપણને કઈ વસ્તુઓ દુ:ખ પહોંચાડે છે ? આર્થિક રીતે આપણો દેશ શા માટે બીજા દેશો પર આટલો બધો આધારિત છે ? આજની સતત સ્પર્ધાત્મક દુનિયામાં આપણે આપણો અવાજ સૌ કોઈ સાંભળે એવું કેવી રીતે કરી શકીએ ? શું આપણે આપણા ભૂતકાળને અવગણીને પ્રગતિ કરી શકીએ ? આપણા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની યોગ્ય સમજણ કેળવીને શું આપણે પ્રગતિ કરી શકીએ ? મુશ્કેલીઓનાં મોજાંવાળા આ વિશ્વસાગરમાં આપણી હોડીને પાર ઉતારવા કઈ કઈ માર્ગદર્શક રેખાઓ જરૂરી છે ? આ બધી સમસ્યાઓના ઉત્તર આપણે નિવેદિતાના ભારતની સમસ્યાઓ પ્રત્યેના અભિગમને વાંચીસમજીને શોધી શકીએ. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે નિવેદિતાના આદર્શો અને વિચારો એમના ગુરુદેવ (સ્વામી વિવેકાનંદ)નાં જીવન અને કવનની ધખધખતી ભઠ્ઠીમાં ઢળાયેલા છે. આજની કટોકટીની પળને આપણે મૂલ્યોની કટોકટી કહી શકીએ. આપણી આર્થિક, સામાજિક અને રાજનૈતિક કક્ષાની બધી સમસ્યાઓ આ એક ઉદ્દેશથી શોધી શકાય અને ઉકેલી શકાય. કોઈપણ રાષ્ટ્ર પોતાનું જીવનદર્શન જીવનનાં વિવિધ પાસાંમાં પ્રતિબિંબિત કરે છે. પરંતુ આજે આપણું જીવનદર્શન શું છે ? સામાજિક મૂલ્યો અત્યારે ગાળવાના નરમ પાત્રમાં છે અને આધ્યાત્મિક મૂલ્યોનો શૂન્યાવકાશ છે. આ સદીના પ્રારંભમાં આપણા નેતાઓમાં જોવા મળેલ ઉચ્ચ આદર્શો કે જીવનના દરેક ક્ષેત્રોમાં પૂરેપૂરું પુનર્જાગરણ આવશે એવી આશા ઘણાં હૃદયમાં નિવેદિતાએ જગાડી હતી પરંતુ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે જાણે પુનર્જાગરણનું એ પુષ્પ પૂરેપૂરું ખીલી ઊઠે એ પહેલાં જ કરમાઈ ગયું છે.
ભારતનાં 19મી અને 20મી સદીના રાજકીય આંદોલનો અને સામાજિક ક્રાંતિઓનાં મૂળ આપણા ભૂતકાળમાં હતાં અને છતાં પણ તે આધુનિક હતાં. એ વખતનું સૂત્ર હતું પૂર્વ અને પશ્ચિમના સંમિલનનું પણ આજે આપણને શું જોવા મળે છે? આજે એવું લાગે છે કે પ્રથમ તબક્કાનું યુદ્ધ તો જીત્યા પણ ત્યાર પછી આપણે જાણે કે થાકી ગયા છીએ. આજે તો સર્વત્ર જોમજુસ્સો અને ચેતનતાનો અભાવ જ જોવા મળે છે. યુવાનો અને વૃદ્ધો સૌ એમની સમસ્યાઓને કોઈ બીજો ઉકેલે તેવું જોતા-વિચારતા થયા છે. જેઓ રાજ્યશાસન ચલાવે છે તેઓ પણ જૂનું ગાણું ગાયા કરે છે અને એને આધુનિક સમસ્યાઓ સાથે જરાય લેવાદેવા નથી. ભગિની નિવેદિતાએ પચાસ વર્ષ પહેલાં જે કંઈ કહ્યું તે આજે પણ લાગુ પડે છે : ‘ભારતીય લોકોનું મન હજુ પણ પોતાની ભૂમિના મહાન પ્રદાન અને શ્રદ્ધાવિશ્વાસને જીતવા અને તેમને ધારણ કરવા સુધી પહોંચી શક્યું નથી. આધુનિક વસ્તુઓની બાબતમાં પણ એવું જ રહ્યું છે. તેઓ એમને જે અપાય તે આજ્ઞાંકિતની જેમ સ્વીકારી લે છે. સ્વીકારેલી વસ્તુઓનાં નવીનતા અને વિલક્ષણતાએ તેમને જાણે કે વિચારશૂન્ય બનાવી દીધા છે. સમગ્રતયા છેલ્લી બે પેઢીથી ભારતીય લોકો મર્દાનગીશૂન્ય, કોઈપણ પરિસ્થતિની સામે મુક્તપણે પ્રતિભાવ આપવાની શક્તિ વિહોણા અને સામાન્યબુદ્ધિ વિનાના બનીને કોઈ દીવાસ્વપ્નમાં ચાલતા હોય એવા બની ગયા છે.’
આજે તાતી જરૂર છે નવીન વિચારો કરવાની. નવી નેતાગીરીએ નવેસરથી આવેલું છે એવું વિચારવાથી ડરવું નહીં અને હજારો વર્ષથી જેમણે આપણા રાષ્ટ્રની વ્યક્તિમત્તાને જાળવી રાખી છે તેવાં જૂનાં મૂલ્યોને ન ભૂલી જવાં, એ આજની તાતી જરૂર છે. આ નવા વિચારો પણ સર્જનાત્મક હોવા જોઈએ. પ્રતિકૂળ સંજોગો કે શકિતઓ સામે લડવાની સમસ્યા નથી, પણ સમસ્યા તો છે આપણી પોતાની ઊણપો સામે લડવાની. ભણેલા- ગણેલા અને સાધનસંપન્ન ભારતીયોએ હવે નિસ્વાર્થ ભાવના અને સત્ય પ્રત્યેના પ્રેમનાં મૂલ્યોને સમજવાની જરૂર છે અને રાષ્ટ્રસેવા કરવાની આ જ આધારભૂમિ છે. જેવી આપણને રાજકીય સ્વતંત્રતા મળી કે તરત જ આપણામાંથી મોટા ભાગના લોકો વિચારવા લાગ્યા કે બીજાના ભોગે અને રાષ્ટ્રને સ્વાવલંબી બનાવવાની મથામણને સમજવાને બદલે, બને તેટલો આપણે એનો લાભ લઈ લઈએ. એનું પરિણામ એ આવ્યું કે આપણી યોજનાઓ અને પ્રકલ્પો ભલે કાગળ પર તો બધાં અદ્ભુત લાગ્યાં હોય પણ વાસ્તવિક પરિણામ લાવવામાં તે નિષ્ફળ ગયાં છે અને પશ્ચિમના મોડેલનું આંધળું અનુકરણ કરી રહ્યાં છે. તેમના પર કાર્યકુશળતા વિના અમલ થયો છે અને રાષ્ટ્રનાં સંસાધનો એમ ને એમ, જરાય વપરાયાં વિના વેડફાઈ રહ્યાં છે.
ક્રાંતિ અને રાજકીય આંદોલનોના યુગમાં આપણે સફળ થયા હોઈએ, પરંતુ સર્જનાત્મકતાના આ યુગના ભગીરથ કાર્યમાં એવો પુરુષાર્થ કે સામર્થ્ય બતાવ્યાં નથી. સ્વામી વિવેકાનંદે ભારપૂર્વક કહ્યું હતું તેમ રાષ્ટ્ર કે પ્રજાનું સર્જનાત્મક નવસર્જન કરવા ‘શ્રદ્ધા અને સમર્પણ’નાં મૂલ્યોની આવશ્યકતા છે. આજે તો આપણને એવું લાગે છે કે કાળાંડિબાંગ વાદળાંની જેમ તમસ-જડતા ફરીથી છવાઈ ગયાં છે. પોતાના ઇન્દ્રિયભોગોની પૂર્તિ માટે પુરુષાર્થ કે કાર્ય કરીને આજના યુવાનો પોતાના જીવનના ઉચ્ચ આદર્શને શોધવા નિરર્થક મથી રહ્યા છે. અરેરે ! શું આજનો યુવાન ફિલ્મી કલાકારોની વાનરનકલ જ કરીને પશ્ચિમની આયાત કરેલી તરંગી ઘેલછાનો શિકાર બનશે! જો ભારતે આગળ વધવું હોય તો આ પરિસ્થિતિને બદલવી પડશે.
આવું નવપરિવર્તન લાવવા માટે છેલ્લાં પાંચ હજાર વર્ષથી રાષ્ટ્રને ટકાવી રાખ્યું છે એવાં ત્યાગ અને આત્મસમર્પણનાં મૂલ્યોને આ દેશનાં યુવાન નરનારીઓએ આત્મસાત્ કરવાં પડશે. એમના કાનમાં સ્વામી વિવેકાનંદના આ ઉદ્ગારો રણઝણી ઊઠવા જોઈએ :
ભારતવાસી ! માત્ર આમ બીજાઓના પડઘા પાડીને, બીજાઓનું આવું અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને આ ગુલામને છાજતી નિર્બળતાનું, આ અધમ અને તિરસ્કારપાત્ર ક્રૂરતાનું પાથેય લઈને શું તું સંસ્કૃતિ અને મહત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનો છે ? તારી આવી શરમભરી કાયરતાથી બહાદુરોને અને શૂરવીરોને જ લાયક એવું સ્વાતંત્ર્ય શું તું મેળવી શકીશ ? ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય – દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઇંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહીં કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે તારી સમાજ-વ્યવસ્થા અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુધ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અત્યંજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે !’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે હે ‘ગૌરીપતે, હે જગજજનનિ અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા ! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ ! મને મર્દ બનાવ !’
ભારત માટે શહીદ થનાર, આપણા શાસક રાષ્ટ્ર (યુ.કે.)માંથી યુવાભારતના સામર્થ્યને જગાડનાર સિંહનારીને, ભારતીયતાને ગહનતાથી સમજીને પોતાની સંસ્થાઓ દ્વારા કાર્ય કરનાર મહાન નારીને આપણે આજે નિવાપાંજલી અર્પીએ છીએ. ચાલો, આપણે કર્મઠ બનવા જાગીએ અને તે પણ મૂક બનીને. પરમ શાંતિથી, પૂર્ણ નિષ્ઠાથી અને ધીરસ્થિર બનીને આપણે રાષ્ટ્રઘડતરનું કાર્ય કરીએ. ચાલો, આપણે ઉપનિષદમાં ઋષિએ રચેલ આ પ્રાર્થના કરીએ :
અસતો મા સદ્ ગમય,
તમસો મા જ્યોતિર્ગમય,
મૃત્યોર્મા અમૃતમ્ ગમય ॥
અસત્યો માંહેથી પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા,
મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા.
Your Content Goes Here




