આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે ઘટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે; સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણી વાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ, અને આપણે બહાદુર છીએ તેવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. આ અર્થપૂર્ણ શ્લોકથી ગીતાની શરૂઆત થાય છે; ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ।
‘‘હે અર્જુન! ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર.’’ ત્યારે અર્જુન શ્રીકૃષ્ણ સાથે તર્ક કરવા માંડે છે અને પ્રતિકાર કરતાં અપ્રતિકાર કઈ રીતે શ્રેષ્ઠ છે વગેરે નૈતિક વિચારો રજૂ કરે છે. એ પોતાના વિચારોનું સમર્થન કરવા પ્રયત્ન કરે છે, પણ શ્રીકૃષ્ણ આ દલીલ પાછળનો હેતુ તરત જ સમજી લે છે. આ દાખલામાં તે (હેતુ) છે નિર્બળતા. અર્જુન અહીં પોતાના સગાંઓને જુએ છે; તેમને તે શસ્ત્રો વડે મારી શકે તેમ નથી.
અર્જુનના હૃદયમાં લાગણીશીલતા અને કર્તવ્ય એ બે વચ્ચે સંઘર્ષ જામ્યો છે. પશુઓ અને પક્ષીઓથી જેટલા વધુ નજીક હોઈએ તેટલા આપણે લાગણીના અધમ પ્રવાહમાં વધારે સપડાઈ જઈએ છીએ. આપણે તેને પ્રેમ કહીએ છીએ પણ તે આત્મસંમોહન છે. પશુઓની જેમ આપણે આપણી લાગણીઓના કાબૂમાં આવી જઈએ છીએ. એક ગાય પોતાના વાછરડા માટે પ્રાણ કુરબાન કરી શકે છે; દરેક પશુ એ રીતે પ્રાણ આપી શકે છે. તેથી શું? પક્ષીના જેવી અંધ લાગણી કંઈ સંપૂર્ણતાએ પહોંચાડે નહિ… સનાતન ચેતનાએ પહોંચવું એ માનવનું લક્ષ્ય છે. ત્યાં લાગણીશીલતાને કોઈ સ્થાન નથી, તેમ જ જે કાંઈ ઇન્દ્રિયગ્રાહ્ય છે તેને પણ સ્થાન નથી-માત્ર શુદ્ધ તર્કના પ્રકાશને જ સ્થાન છે. માનવ ત્યાં આત્મા તરીકે ઊભો છે.
હવે, અર્જુન આ લાગણીશીલતાને વશ થયો છે. બુદ્ધિના સનાતન પ્રકાશમાં કર્મ કરતો મહાન આત્મસંયમી, જ્ઞાની મુનિ જેવો તે રહ્યો નથી. જેવો હોવો જોઈએ એવો એ રહ્યો નથી. એ પશુ જેવો, બાળક જેવો બની ગયો છે, પોતાની બુદ્ધિને લાગણીરૂપે દોરવાવા દે છે અને પોતાને મૂર્ખ બનાવે છે. પોતાની દુર્બળતાને ‘પ્રેમ’ અને એવા રૂપાળા શબ્દો વડે ઢાંકવા પ્રયાસ કરી રહ્યો છે. શ્રીકૃષ્ણ એ બરાબર સમજી જાય છે. અર્જુન અલ્પજ્ઞાની માનવીની પેઠે અનેક દલીલો રજૂ કરે છે, અને સાથોસાથ મૂર્ખાઈભર્યું બોલે છે.
શ્રીકૃષ્ણ કહે છે ‘પંડિતો જીવતાઓનો કે મરેલાઓનો, કોઈનો પણ શોક કરતા નથી.’ ‘તમે નથી મરતા તેમ હું પણ નથી મરતો. એવો એકેય સમય ન હતો કે જ્યારે આપણું અસ્તિત્વ ન હતું; તેવો એકેય સમય નહિ આવે કે જ્યારે આપણું અસ્તિત્વ નહિ હોય. જેમ આ જિંદગીમાં માનવ બાળપણથી જીવન શરૂ કરીને યૌવન અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થાય છે, તેમ મૃત્યુ પછી એ માત્ર અન્ય શરીરમાં પ્રવેશે છે. જ્ઞાની પુરુષે શા માટે શોક કરવો જોઈએ?’ અને જે આ લાગણીવશતાએ તારા પર કબજો જમાવ્યો છે, તે ક્યાંથી આવી? ઇંદ્રિયોમાંથી. ‘શીત કે ઉષ્ણ, સુખ કે દુ:ખ, આ બધા અનુભવો વિષયો સાથે ઇંદ્રિયોના સંપર્કથી ઉદ્ભવે છે, અને તે આવે છે તથા જાય છે.’ એક ક્ષણે માનવી સુખી હોય તો બીજી ક્ષણે તે દુ:ખી હોય છે. આમ હોવાથી તે આત્માનો સ્વભાવ જાણી શકતો નથી.
‘અસ્તિ કદી નાસ્તિ હોઈ શકે નહિ, તેમ જ નાસ્તિ કદી અસ્તિ હોઈ શકે નહિ…’ આમ સમજીને ઊભો થા અને યુદ્ધ કર. એક પગલું પણ પીછેહઠ ન કરીશ; એ જ મુદ્દો છે… છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે. તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું? માટે યુદ્ધ કર! નામર્દ થવાથી તને કાંઈ મળશે નહિ.
— સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




