(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. – સં.)

ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ ધ્યાન કહેવાય છે. મને વિશ્વાસ છે કે આ ધ્યાનથી મનુષ્ય સર્વોચ્ચ સત્યને સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે, કેમ કે જો કોઈ એક વિચાર લાંબા સમય સુધી નિરંતર ચાલતો રહે, તો અંતે મન એ વિચારમાં ઓતપ્રોત થઈ જાય છે. જો આપણે કોઈ વિશેષ ભાવથી મનને એકધારું રંગવા માંડીએ તો શરૂઆતમાં ભલે મનની જેવી સ્થિતિ હોય—તે આધ્યાત્મિક હોય કે ન હોય, તેમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય અથવા તે વાસનાઓથી ભરેલ હોય—પણ સમય જતાં તેમાં ઇચ્છા અનુસાર પરિવર્તન આવશે જ.

શ્રીરામકૃષ્ણદેવ આ સત્ય પર ખૂબ ભાર મૂકતા હતા. આ વિષય પર એમણે જે ઉપદેશ આપ્યા છે, તેમાંનો એક ઉપદેશ સમજવામાં મને ઘણો સમય લાગેલો. પણ હું જ્યારે તે સમજી ગયો—અને આશા રાખું છું કે હું તે સમજી ગયો હોઉં—ત્યારે મેં તેમાં મહાન સંભાવના તથા આશા જોઈ. તેઓ કહેતા, “મન જાણે રંગારાને આપવામાં આવેલ કપડું. કપડાને જે રંગમાં ડુબાડો, તે રંગમાં રંગાઈ જાય છે.” પહેલાં તો હું વિચારતો હતો કે શ્રીરામકૃષ્ણદેવનું કહેવાનું તાત્પર્ય એ છે કે મનને ભગવદ્‌ ચિંતનમાં ડુબાડી, ઈશ્વરના રંગમાં રંગવા માટે તેને પહેલાં સારી રીતે પવિત્ર બનાવી લેવું જોઈએ, પણ તેમાં તો કોઈ વિશેષ ઉત્સાહની વાત નથી. કેમ કે, લગભગ બધાં જ આધ્યાત્મિક સાધકોની સામે મનની શુદ્ધિ સૌથી મોટી સમસ્યા રહી છે. આ પ્રકારની પવિત્રતા મેળવી લેવી એ જાણે કે પોણા ભાગનું યુદ્ધ જીતવા બરાબર છે, કેમ કે જ્યારે મન સાવ શુદ્ધ થઈ જાય છે ત્યારે આધ્યાત્મિક અનુભૂતિ આપોઆપ જ થવા લાગે છે.

પરંતુ જ્યારે હું શ્રીરામકૃષ્ણદેવની આ ઉપમા પર મનન કરવા લાગ્યો ત્યારે આ વાત કંઈક અલગ પ્રકારથી મારી સમજમાં આવવા લાગી. જ્યારે તેમણે મનની ઉપમા રંગારાને ત્યાં ગયેલ કપડા સાથે કરી, ત્યારે તેનું તાત્પર્ય સાધારણ મન સાથે હતું; જે મન સાંસારિક તથા વિરોધી વિચારો અને લાગણીઓથી ઠસોઠસ ભરેલું રહે છે, તથા જે ઈશ્વર સંબંધી વિચારોથી વિમુખ છે. તેમણે જે મનની ઉપમા રંગારાના કપડાને આપી, તે શુદ્ધ કરેલું મન નહિ, પરંતુ તે એવું મન જે કોઈ પણ દશામાં હોય! મારી સમજમાં તેનો અર્થ એ કે સાધારણ મનને પણ જો ઈશ્વર-ચિંતનમાં ડુબાડી દેવામાં આવે તો તે આધ્યાત્મિક રંગે રંગાઈ જશે.

આ એક અદ્‌ભુત ઉત્સાહવર્ધક અને ઉપયોગી મનોવૈજ્ઞાનિક સત્ય છે. પરંતુ આધ્યાત્મિક સાધક મોટાભાગે તેને ભૂલી જાય છે. એક વાર એક માણસ શ્રીરામકૃષ્ણદેવ પાસે આવીને કહેવા લાગ્યો, ‘હું મારા મનને વશ નથી કરી શકતો, તેનો ઉપાય પણ હું નથી જાણતો.’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘તું અભ્યાસ-યોગ કેમ નથી અપનાવતો?’ અભ્યાસ-યોગનો અર્થ છે—મનને વારંવાર ઈશ્વર-ચિંતનમાં લગાડવું. ભગવદ્‌ગીતામાં આ સાધનની વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી છે. શરૂઆતમાં મન જો આમ-તેમ ઘૂમે તો તેમાં દોષ શો છે? પણ હા! આપણે એ મનને ખેંચીને વારંવાર ઈશ્વરમાં લગાડવું જોઈએ. જો આપણે આ યાદ રાખી શકીએ તો અડધું યુદ્ધ તો જીતી જ લીધું કહેવાય. પણ દુર્ભાગ્યવશ આપણે તે ભૂલી જઈએ છીએ, અને બીજી વાતોમાં મનને લગાડીએ છીએ અને આધ્યાત્મિક જિજ્ઞાસાને સંપૂર્ણ રીતે ભૂલી જઈએ છીએ. આવી દશામાં હું સમજું છું કે આત્મસંયમ અને ધ્યાનના ઉપાયોને લગતી કેટલીક વાતોની ચર્ચા કરવી લાભદાયી રહેશે.

ધ્યાન માટે મનની કેવી અવસ્થા હોવી યોગ્ય છે? મને લાગે છે, તમે તેને ‘શાંત મન’ તરીકે જાણો છો. આ કોઈ પરાણે પ્રાપ્ત કરેલ શાંતિ નથી, પરંતુ એ એવી શાંતિ છે, જે મોટાભાગે પ્રબળ વાસનાઓ ઓછી થયા બાદ ઊપજે છે. જે વાતો મનને ચંચળ કરે છે—તે ભલે અંદરથી ઊઠી હોય કે બહારથી આવી હોય—તે આપણી મૂળભૂત વાસનાઓને લગતી જ હોય છે. આપણે હંમેશાં કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. ભલે આપણે તનતોડ મહેનત કરીએ, પરંતુ મોટેભાગે આપણે નિષ્ફળ જઈએ છીએ અને આ નિષ્ફળતા આપણને વ્યગ્ર કરી દે છે.

કદાચ સફળતા મળે પણ ખરી, તો પરિણામ બહુ વિચિત્ર હોય છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે જ્યારે આપણે આપણી ઇચ્છિત વસ્તુઓનો ઉપભોગ કરતા હોઈએ, તો તે આપણી પકડમાંથી દૂર જતી રહે છે. તેનાથી આપણે નિરાશ થઈ જઈએ છીએ અને એવું લાગે છે કે જાણે આપણે છેતરાઈ ગયા છીએ. આનાથી વિપરીત જો આપણે આ રીતે નિરાશ ન થઈએ તો તે ઉપભોગની વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈ જઈએ છીએ. પરંતુ ઉપભોગ તો સતત તીવ્ર ન હોઈ શકે, તેથી પરિણામે કંટાળો આવે છે. આ બધી પ્રતિક્રિયાઓ મનને અવિરતપણે ચંચળ બનાવ્યે રાખે છે—પછી ભલે તે ચંચળતા સુખકારી હોય કે દુઃખદાયી. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે વિચાર આપણા મનને ભગવાનના ભાવમાં બેસવા ન દે, તે આપણી વાસનાઓની વસ્તુઓને લગતા હોય છે અને જ્યારે આપણે આપણી પ્રબળ વાસનાઓને નિર્મૂળ કરવામાં સક્ષમ થઈએ ત્યારે મન આપણી ઇચ્છા પ્રમાણે શાંતભાવ ધારણ કરે છે.

મનની આ પ્રકારની શાંત સ્થિતિને આપણે ‘પ્રત્યાહાર’ની શરૂઆત કહીએ છીએ. આ સ્થિતિમાં જો કે મન ક્યારેક ક્યારેક ચંચળ થઈ જાય છે, તેમ છતાં બાકીના સમયે એ શાંત રહે છે. જ્યારે તે વિષય-ભોગના સંસર્ગમાં આવે છે ત્યારે ચંચળ થઈ જાય છે, બાકી તો મોટાભાગે શાંત રહે છે. આ ઘણી જ અનુકૂળ સ્થિતિ છે. જ્યારે લાગે કે ચંચળ બનાવી દે તેવી વસ્તુઓના પ્રત્યક્ષ સંપર્કમાં ન હો ત્યારે તમારું મન સ્વાભાવિકપણે શાંત છે, જ્યારે એવું અનુભવવા લાગો કે તમે એકલા રહેવું પસંદ કરો છો અને તમારી અંદર એક ગંભીર ભાવ આવ્યો છે, તો સમજી લેવું કે આ સ્થિતિ ઘણી જ વાંછનીય કહેવાય.

મનની આવી સ્થિતિમાં તમારે શક્તિ પ્રમાણે ધ્યાનના અભ્યાસમાં લાગી જવું જોઈએ; તેની અવગણના ન કરવી જોઈએ. મન બહુ જ પરિવર્તનશીલ હોય છે. એવું ન વિચારવું કે એક વાર મનની ઇચ્છિત સ્થિતિ પ્રાપ્ત થયા બાદ તે એ જ પ્રકારની સ્થિતિમાં રહેશે. એવું પણ થઈ શકે કે કંઈક અંદરથી ઊઠ્યું અથવા બહારથી આવ્યું, જે તમને ચલિત કરી દે. એવી દશામાં મનને ફરીથી શાંત કરવામાં ક્યારેક ક્યારેક પાંચ તો ક્યારેક ક્યારેક દસ વર્ષ પણ લાગી જાય છે, જેવી રીતે તોફાન પછી સમુદ્રને શાંત થવામાં કેટલાય દિવસો લાગી જાય છે તેમ.

મારું કહેવાનું તાત્પર્ય એવું નથી કે આપણે ક્યારેય સંપૂર્ણ રીતે સુરક્ષિત ન થઈ શકીએ. નિઃસંદેહ મનની એક એવી સ્થિતિ છે, જ્યાં પહોંચી ગયા બાદ કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો, પણ એ એક બહુ જ ઉચ્ચ અવસ્થા છે. જ્યારે વ્યક્તિ આ ઉચ્ચ એકાગ્રતાની અવસ્થાએ પહોંચી જાય છે ત્યારે તે પોતાના પાછળનાં બંધનોને તોડી નાખે છે. તે એવી સ્થિતિએ પહોંચી ગયેલ હોય છે કે જ્યાં તેને સંસારની વસ્તુઓ-બંધનો આકર્ષિત ન કરી શકે, જે જગતને તેણે પાછળ છોડી દીધું છે, તેનાથી તેનું મન હવે લિપ્ત ન થાય. તે હવે સુરક્ષિત થઈ જાય છે.

માની લો કે આપણે આવી એક અવસ્થાએ પહોંચી ગયા છીએ, જ્યાં ભલે મન ક્યારેક ક્યારેક ચંચળ થઈ જાય છે, તેમ છતાં બાકીના સમયમાં શાંત જ રહે છે, તો આવી અવસ્થામાં ધ્યાનમાં સફળ થવા માટે આપણે શું કરવું જોઈએ?

(૧) સૌ પ્રથમ તો આપણે દૃઢ નિશ્ચય કરી લેવો જોઈએ કે આપણે આપણા અભ્યાસમાં નિયમિત રહીશું. જે રીતે આપણી અનિવાર્ય શારીરિક જરૂરિયાતો પ્રત્યે આપણે સભાન અને તત્પર રહીએ છીએ—ભલે કંઈ પણ થાય પણ આપણે તેના માટે સમય કાઢી જ લઈએ છીએ—એ જ રીતે આપણે ધ્યાનના અભ્યાસમાં પણ સંનિષ્ઠ રહેવું જોઈએ. શ્વાસોચ્છ્વાસની જેમ જ ધ્યાનને પણ જીવનનો એક ભાગ બનાવી દેવો પડે. આપણા દેશમાં કોઈ માણસ બહુ જ કામમાં રહેતો હોય તો કહે છે, ‘મને શ્વાસ લેવાનો પણ સમય નથી.’ પરંતુ ખરેખર તો તે શ્વાસ લેતો જ હોય છે. આ રીતે આપણે ધ્યાન માટે તત્પરતા દાખવવી જોઈએ. ભલે શરૂઆતમાં ધ્યાનના અભ્યાસની ઇચ્છા એટલી તીવ્ર ન જણાય, પણ મનમાં દૃઢ નિશ્ચય કરી લો, સ્વયંને કહો, ‘હું ધ્યાન કરીશ જ.’

આપણે ત્યાં એક ગીત પ્રચલિત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોતાનું સંપૂર્ણ જીવન મૂર્ખતાપૂર્વક વિતાવ્યા બાદ અંતમાં મનુષ્યને પોતાની ભૂલ સમજમાં આવે છે અને તે બોલી ઊઠે છે, “પ્રભુ, સંસારની અન્ય બધી વાતો માટે મને સમય મળ્યો પણ તમારા ધ્યાન માટે હું સમય ન કાઢી શક્યો.” માનવીના મનની વિચિત્રતા તો જુઓ! આપણા જીવનમાં બાકી બધી વાતો માટે સમય અને સ્થળ છે પણ ધ્યાન કરવા માટે આપણી પાસે દિવસમાં પંદર મિનિટનો પણ સમય નથી. જો તમે મને કહો કે મને સમય નથી મળતો કે મારામાં શક્તિ નથી બચતી તો શું તમે સમજો છો કે હું તમારી વાત પર વિશ્વાસ કરી લઈશ? હું તો કહીશ કે તમે તમારી જાતને છેતરી રહ્યા છો. જ્યાં ઇચ્છા છે, ત્યાં રસ્તો છે. જો તમે દૃઢ નિશ્ચય કરી લો તો ધ્યાન માટે સમય કાઢી શકો છો.

અહીં હું એક સૂચન કરવા માગું છું, કેમ કે હું જાણું છું કે નિરાશા આવે છે. ક્યારેક ક્યારેક ધ્યાનના સમયે મન અદ્‌ભુત રીતે કાર્ય કરે છે; તે સહજ રીતે શાંત અને એકાગ્ર થઈ જાય છે અને તમે ઉત્સાહિત થઈ જાઓ છો. પરંતુ જો બીજી વખત બરાબર વ્યવહાર ન કરે, શાંત થવા સંમત ન થાય અને ભિન્ન ભિન્ન પ્રકારના વિચારોથી ચંચળ થતું રહે તો સંભવ છે કે તમે બોલી ઊઠશો, “ધ્યાન કરવાથી કોઈ લાભ નથી. પ્રયત્ન તો કરું છું પણ કંઈ ફળ નથી મળતું.”

અહીંયા હું જણાવી દેવા માગું છું કે ઉદાત્ત માનસિક ગુણો સાથે જન્મ્યા ન હો અને આધ્યાત્મિક વિકાસની પ્રકાશાવસ્થામાં નહિ પહોંચ્યા હો તો બીજા બધા સાધકોની જેમ તમારે પણ મનના ઉતાર-ચડાવ અનુભવવા પડશે. પરંતુ તેનાથી હતાશ ન થાઓ. એવું ન વિચારો કે જ્યાં સુધી મન પર્યાપ્ત માત્રામાં આધ્યાત્મિક નથી થયું, ત્યાં સુધી તમે ધ્યાન કરવાને લાયક નથી.

કેટલાક લોકોએ પૂછ્યું છે, “મનની નિમ્ન અવસ્થામાં હું ઈશ્વરની તરફ કેવી રીતે જઈ શકું?” જો તમને ઠંડી લાગતી હોય તો શું તમે કહેશો કે, “કેમ કે હું ઠંડો થઈ ગયો છું, એટલે અગ્નિ પાસે જતા પહેલાં ગરમ થઈ જાઉં; અથવા તો મને ઠંડી લાગી રહી છે તો પહેલાં આગ પાસે જાઉં અને પોતાને ગરમ કરી લઉં?”

આમ જો તમારી અંદર આધ્યાત્મિકતાનો અભાવ લાગતો હોય તો તે જ ઈશ્વરનું ધ્યાન કરવા માટે સૌથી ઉચિત સમય છે.

Total Views: 417

2 Comments

  1. દેવેન્દ્ર જોષી July 16, 2023 at 1:44 am - Reply

    Original article in English is available on Internet, which one can download. Recommend reading and studying English article.

  2. Navdip Tundiya July 16, 2023 at 1:16 am - Reply

    🙏🙏🙏😇

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.