આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ આંતરિક શાંતિ માટે ધ્યાનની મહત્તા વિમલાતાઇ અહીં દર્શાવે છે. – સં.
શાંતિમય ચેતના અને શાંતિમય જીવનશૈલીના સમુજ્જવલ ઉદ્ગાતા હતા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ. એ સનાતન આર્ય ધર્મના પાવનકારી સંદેશને સ્વામી વિવેકાનંદે પોતાની આગવી શૈલીમાં વિશ્વના લોકોને પહોંચાડ્યો અને સમજાવ્યો. અમૃતનાં એ સંતાનોને આજે ફરીથી એ યાદ અપાવવાની આવશ્યકતા છે કે, આંતરિક શાંતિ વિના બધી બાહ્ય ભૌતિક સંપત્તિ વ્યર્થ છે એટલું જ નહીં એ અનર્થકારી પણ બની રહે છે.
આજે રાષ્ટ્રસંઘથી માંડીને પ્રત્યેક રાષ્ટ્રની સરકારો દ્વારા ‘વિશ્વ શાંતિ’ના નારા ગૂંજી રહ્યા છે અને એ માટે ઘોષણાપત્રો પણ બહાર પડે છે. પૂર્વ હોય કે પશ્ચિમ બધાં રાષ્ટ્રો અરસપરસ શાંતિના નામે શાંતિના કરારો કરતાં રહે છે, પણ કરુણ વાસ્તવિકતા તો એ છે કે સમગ્ર વિશ્વ અશાંતિથી ભર્યું છે. જગત તો અરાજકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના ભરડામાં આવી ગયું છે. ખરેખર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કડી ખૂટે છે ખરી અને એટલે જ શાંતિ સ્થાપના પાછળ ખર્ચેલી જનશક્તિ, ધનશક્તિ અને સમયશક્તિ લગભગ વ્યર્થ જ જાય છે. મને એ સ્પષ્ટપણે લાગે છે કે જે મન-બુદ્ધિ સાથે શાંતિ સ્થાપના માટે જે ચર્ચા વિચારણા થાય છે, આયોજનો થાય છે, તે મન-બુદ્ધિ જ એ શાંતિ સ્થાપનાના મહાન કાર્ય માટે સક્ષમ નથી. ચંચલ મન અને નિત્ય વ્યગ્ર અને અસ્થિર બુદ્ધિ જ અશાંતિના મૂળમાં છે અને આ બંને આપણા સામાજિક જીવનમાં અન્યાય, શોષણ અને હિંસાના પ્રવર્તક બળ બની જાય છે.
એટલે જ આ મન-બુદ્ધિના ગુણાત્મક પરિવર્તન અને પરિશીલનયુક્ત પરિવર્તનથી જ શાંતિની શોધ કરવી રહી. વિદ્યાલયના શિક્ષણ- સાહિત્ય- સંગીત- નાટ્ય- વગેરેની સુવાસથી મન-બુદ્ધિને સંસ્કારી શકાય. અને એ રીતે મન-બુદ્ધિને શોધવા – સંસ્કારવાં પડે જ. પરંતુ આ આયામ પૂરતો નથી. મન-બુદ્ધિથી પર બનીને ‘ચેતના’ના બ્રાહ્મિક આયામમાં સ્થિર-દૃઢમૂલ બનીને આપણી ‘પ્રજ્ઞા’ને ‘પશ્યન્તિ પ્રજ્ઞા’ બનાવવી પડશે.
સંસ્કારોના પંજામાંથી ચેતનાને મુક્ત કરવાનો ઉત્તમ માર્ગ છે – ‘ધ્યાનમાર્ગ’. આ સંસ્કારિત ચેતના જેવી ગતિમુક્ત બને તેવી જ શૂન્યાવસ્થા પ્રગટે છે. અને આ નિરાલંબ શૂન્યાવસ્થાને આપણા રોમેરોમમાં પ્રતિષ્ઠિત થવા દઈએ ત્યારે જ ધ્યાનાવસ્થા જાગૃત થાય છે. આ માનવ મનથી અલિપ્ત બ્રહ્મમય ચેતના- Divine Consciousness untouched by human mind – માનવને અખિલાઈથી ભરી દે છે – અને આ છે માનવનો બીજો જન્મ, ધ્યાનાવસ્થામાં સદૈવ જીવતી વ્યક્તિ જ સાચો ‘દ્વિજ’ કહેવાય છે. આ દ્વિજત્ત્વ જન્મસિદ્ધ નથી પણ જ્યારે ચેતનાનો વર્ણ બદલાય ત્યારે જ જે તે માણસ દ્વિજવર્ણનો બને છે.
આ સંસ્કારમુક્ત બ્રહ્મમય ચેતનામાં જીવનની એકતાની પ્રતીતિ સંચરિત થતાંની સાથે જ એવી અવસ્થા આવે છે કે દ્વૈતભાવ-ભેદભાવ અને તેને કારણે જન્મતાં ભય-ઈર્ષ્યા-ક્રોધ વગેરે ઉદ્ભવતાં જ નથી. સર્વજીવો પ્રત્યે સમભાવ-આત્મભાવ અને સહજ સ્નેહભાવનાં સ્પંદનો થવા લાગે છે. આપણે માનવીય સંબંધોમાં અનેકતાના તથ્યને સ્વીકારીએ છતાં પણ આ અદ્વૈતભાવનું ભાન અને એનું અધિષ્ઠાન છૂટી પડતું નથી.
જો આપણે શાંતિ ઝંખતા હોઈએ તો આ ધ્યાનપથના પથિક બનીને ચિત્તના ‘સમત્વ’ ને મેળવવું રહ્યું. આજના વિજ્ઞાનયુગનો માણસ અજ્ઞાન રહેશે, અસંકલિત કે અજાગ્રત રહેશે તો હિંસા, અરાજકતા અને યુદ્ધ આવતાં જ રહેશે. આત્મ બોધવાળા માનવના ચિત્તમાં શાંતિનું ઐશ્વર્ય હોય છે. એટલે જ આંતરિક સંપન્નતા વિનાની ભૌતિક કે બૌદ્ધિક સંપન્નતા એક અભિશાપ જ બની રહે છે.
શાંતિના ઉપાસકોએ આ ભૌતિક વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક અનુભૂતિવાળા આત્મવિજ્ઞાનની આરાધના કરવી પડશે.
મન-બુદ્ધિ જેવાં અંતઃકરણોનો ઉપયોગ કરતાં કરતાં એનાથી પર જે ઉર્જાઓ શક્તિઓ છે તેમની સંપ્રાપ્તિ કરીને જ મન- બુદ્ધિનો કાયાકલ્પ સાધવો પડશે. જ્ઞાન વિજ્ઞાનની મર્યાદાઓને ઉલ્લંઘીને પ્રજ્ઞાનધર્મા બનવું પડશે અને પછી જ માનવ શાંતિધર્મા બની શકશે અને તો જ માનવસમાજ હિંસામુક્ત બની શકશે.
Your Content Goes Here




