(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદે અમેરિકામાં વિતાવેલ દિવસો વિશેની અઢળક લુપ્ત માહિતી પુન: ઉજાગર થઈ છે. -સં.)
(૯) આ કઈ રીતે કરશો? જ્યારે બોલો, તો ઈશ્વરના સંબંધમાં બોલો. જ્યારે ચાલો, તો તેમના મંદિરમાં જાઓ. જ્યારે પોતાના હાથથી કામ કરો, તો એમની જ સેવાને નિમિત્ત કંઈક કરો. શરીર અને મનની દરેક ક્રિયાને, શક્ય તેટલી ઈશ્વર તરફ વાળી દો. જો મંદિરને બદલે તમારે ઑફિસ જવું પડે, તો પોતાની ઑફિસને જ ભગવાનનું મંદિર બનાવી લો. જો તમારું કામ પ્રામાણિક છે, તો આવું કરી શકાય છે. જો તમારું કામ સચ્ચાઈનું નથી, તો એને બદલી દો. જો આ પ્રકારે કામને બદલી દેવાથી તમારે ભૂખ્યા પણ મરવું પડે, તો પણ તૈયાર રહો.
સાહસ, સાહસ! બસ આની જ હંમેશાં જરૂર છે. એ ન ભૂલશો કે જે ભગવાને આ દુનિયાને ઉત્પન્ન કરી છે, તે અત્યારે અને પછી પણ ક્યારેય આપણને ભૂખ્યા નહીં મરવા દે. જો આપણે ખરેખર સત્યસ્વરૂપને પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, અને એટલે જે કંઈ પણ ખોટું અને અસત્ય છે, એને ત્યાગી દેવા માગીએ છીએ તો ચોક્કસ જાણો કે એ સત્યની તરફ જવાથી આપણે કશું ગુમાવીશું નહિ. એનો મતલબ એવો નથી કે બધી બાબતો આપણી ઇચ્છાનુસાર થશે, પરંતુ તે એવા પ્રકારે થશે કે આપણને કષ્ટ ઓછું અને લાભ વધુ થશે.
જો તમારો વ્યવસાય સચ્ચાઈનો છે તો ચોક્કસ જાણો કે તમે, તેને ઈશ્વર નિમિત્તે સમજી શકો છો. ભલે તમે મેજ પર બેઠા હો કે ઘરનાં કામમાં વ્યસ્ત હો, ઈશ્વરનું ધ્યાન કરો. દિવસભર તમે જે કંઈ પણ કર્યું તે ઉપર ઉપરથી ભલે એવું દેખાય કે તમે તમારા શેઠ માટે કર્યું છે, પરંતુ સર્વે ઈશ્વરને સમર્પિત કરી દો. શું તમે વીસ પત્રો ટાઇપ કર્યા છે અને અધિકારી પાસે સહી કરાવવા માટે લઈ ગયા છો? કંઈ વાંધો નહિ, એને તેના પર સહી કરી લેવા દો. બાદમાં તમારી આંખો બંધ કરી લો અને બધું જ ઈશ્વરને અર્પિત કરી દો. આ પ્રકારે તમે તમારા વિચારોને એક નવો વળાંક આપશો. કામ કરવાની આ એક અલગ જ પદ્ધતિ છે. શરૂઆતમાં આ તમને થોડુંક વિચિત્ર લાગી શકે છે પણ એને છોડતા નહિ; એમાં મંડ્યા રહો. ધીરે ધીરે આનો ગહન અર્થ તમને સ્પષ્ટ થતો જશે અને જોશો કે તમે શરૂઆતમાં આ અભ્યાસને જેવો સમજ્યો હતો તેવો તે નથી; તે તો અત્યંત ઉપકારક અને ફળદાયી છે.
આ પ્રકારે જ્યારે પણ આપણે અન્ય લોકો માટે કે સ્વયં માટે કંઈ કરીએ ત્યારે એવું વિચારી શકીએ છીએ કે આપણે ઈશ્વર માટે આ બધું કરીએ છીએ. ત્યાર બાદ જીવનની દરેક બાબતને આધ્યાત્મિક ક્રિયામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ પ્રયત્નપૂર્વક અને જાણી-સમજીને બધું જ પ્રત્યક્ષ રૂપે ઈશ્વરને નિમિત્ત બનાવીને કરવામાં સમર્થ હોય છે. કેટલા ભાગ્યશાળી છે એ લોકો! આ રીતે સૌભાગ્યવાન બનવા માટે જ તો લોકો લાંબી લાંબી પૂજા કરે છે, બગીચામાં ફૂલ ઉગાડીને વેદી પર ચઢાવે છે અને ધૂપ-દીપ પ્રગટાવે છે. બની શકે કે તમને આ બધી બાબતો પસંદ ન હોય પરંતુ બીજી કઈ રીતે તમે આખો દિવસ પસાર કરશો? જુઓને, આ તુચ્છ અહંકારની સેવામાં સમય અને શક્તિનો કેવો અપવ્યય થાય છે? માટે શું એ શ્રેષ્ઠ નથી કે જે કંઈ પણ કરો એને ઈશ્વરને સમર્પિત કરી દો? આ જ ભાવનાથી કર્મકાંડ અને અનુષ્ઠાનોની ઉત્પત્તિ થઈ છે; આ જ કારણે દુનિયાભરમાં મંદિર અને દેવળ બન્યાં છે, જ્યાં લોકો પૂજા નિમિત્તે ભોગ-સામગ્રી લઈને જાય છે.

એનો મતલબ એવો નથી કે બધાને હું આ રીતે કર્મકાંડમાં વ્યસ્ત રહેવાનો આગ્રહ કરું છું. દરેક વ્યક્તિએ પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિને અનુરૂપ ઉપાસના કરવી જોઈએ. પરંતુ કોઈ પણ ઉપાયે તમારે એ તો શોધી જ કાઢવું પડશે કે પોતાના વિચારો, ઇચ્છાઓ અને ક્રિયાઓને ઈશ્વરની સેવામાં કેવી રીતે લગાડી શકાય. જેટલી વધુ માત્રામાં તમે આવું કરી શકશો, ઈશ્વરની તેટલી જ નજીક પહોંચતા જશો. એ વખતે, જ્યારે તમે ધ્યાનમાં બેસશો તો અનુભવશો કે શેષ બધું વિસ્મૃત થઈ જશે અને હૃદય કેવળ ઈશ્વરથી પરિપૂર્ણ થઈ જશે.
(૧૦) સંભવ છે કે તમે તર્ક અને યુક્તિ દ્વારા આધ્યાત્મિક સત્યોને ધારણ કરવા ટેવાયેલા છો, પરંતુ હું કહીશ કે જ્યાં સુધી તમે પોતે આ સત્યોની અનુભૂતિ નથી કરેલી ત્યાં સુધી તમારા માટે સૌથી ઉત્તમ બાબત એ હશે કે કોઈ એવી વ્યક્તિનાં દર્શન થાય, જેણે આ સત્યોની પ્રાપ્તિ કરી હોય. આધ્યાત્મિક સત્ય યુક્તિ, તર્ક કે કોઈ બાહ્ય પ્રદર્શનથી સિદ્ધ કરી શકાય નહીં. જેમણે આ સત્યોનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, એમના શબ્દોમાં જ એ શક્તિ છે, જેનાથી તે સત્યો પ્રમાણિત કરી શકાય છે. ભલે પછી અન્ય લોકો મારી સાથે સહમત ન હોય પરંતુ મારા મત અનુસાર આ જ એક એવું બાહ્ય પ્રમાણ છે, જેના પર વિશ્વાસ કરી શકાય છે.
જો આ પ્રકારે કોઈ આધ્યાત્મિક અનુભૂતિ-સંપન્ન વ્યક્તિ મને કહે કે, “મારા દીકરા, તું વાસ્તવમાં આ શરીર અને મન નથી, આત્મા જ તારું સાચું સ્વરૂપ છે; અમર અને શાશ્વત સત્તા જ તારું સત્ય છે, અસ્થિર અને ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ બાબતો તારી પોતાની નથી. ઊંડાણમાં ઊતરવાની કોશિશ કર; પોતાના યથાર્થ સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ કર” —તો એમની આ વાણીનો મારા પર ગહન પ્રભાવ પડશે અને હું તદનુસાર કાર્ય કરવા વિવશ બની જઈશ. એમના કહેવાની સાથો સાથ, એમની વાણીમાં કંઈક એવું હશે, જે મારા હૃદયના ઊંડાણમાં પ્રવેશતું જશે; જેનો હું વિરોધ કરી શકીશ નહિ.
પ્રભુ પાસે મારી એ જ પ્રાર્થના છે કે તમને બધાંને એવી વ્યક્તિ પ્રાપ્ત થાય, જેમના મુખમાંથી આ જ રીતે અનુભૂતિમય વાણી નિઃસૃત થાય. ત્યારે તમે એમના શબ્દો પર સંદેહ નહિ કરી શકો, એમની ઉપેક્ષા નહિ કરી શકો. ત્યારે પોતાના સત્યસ્વરૂપ અને ઉદાત્ત લક્ષ્ય પ્રતિ તમારી નિષ્ઠા પરિપક્વ થતી જશે. સંભવ છે, ક્યારેક ક્યારેક નિષ્ફળતા તમારામાં નિરાશા ભરી દે, પરંતુ અંતમાં નિરાશાને ખંખેરીને તમે કહી શકશો, “કંઈ વાંધો નહીં, એક વાર ફરી પ્રયત્ન કરી જોઉં.” અને સફળતા તમારે હાથ લાગશે.
હવે મેં તમને જણાવી દીધું છે કે ધ્યાનમાં બેસતાં પહેલાં આપણે શું કરવું જોઈએ. જે વિભિન્ન ઉપાયોની મેં ચર્ચા કરી છે, તેની સહાયતાથી તમે તમારા મનને સતત ઈશ્વરની નજીક લઈ જઈ શકો છો. અંતમાં, કેટલીક બાબતો પર ભાર આપી દઉંઃ જે કંઈ પણ કામ તમારે કરવું છે, કરો; પરંતુ તેને ઈશ્વર તરફ વાળી દો. તેથી તમારું મન વિચલિત નહિ થાય. નિરપેક્ષ બનો. સ્વયંને શાશ્વત સાથે એકરૂપ જુઓ; આથી ધ્યાન સુલભ બની જશે. મનને ભટકવા ન દો, નહિ તો સાંસારિક ઇચ્છાઓ તેમાં પ્રવેશી જશે, —એવું ક્યારેય ન થવા દો. ધ્યાનમાં બેસતા પહેલાં એ બધી બાબતો પર વિચાર કરો, જેની ચર્ચા મેં કરી છે.
જ્યારે બહારની કોઈ વાત મનમાં નહિ પ્રવેશે ત્યારે તે ધીરે ધીરે શાંત થઈ જશે અને ત્યારે તમે તમારા હૃદય-મંદિરમાં ચિન્મયરૂપ પ્રભુનાં દર્શન કરશો. તેના પર ધ્યાન કરો. તમે જોશો કે, તે વધુને વધુ સૌંદર્યમય થતું જશે અને સૌંદર્યના એ અનંત સાગરમાં ડૂબીને તમે સર્વ કંઈ ભૂલી જશો. અંતમાં, તમે ઈશ્વરમાં પૂર્ણરૂપે લીન થઈ જશો.
Your Content Goes Here





