(સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા યોજાઈ હતી તેનું ઉદ્ઘાટન કરતી વખતે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલ ભાષણ વાચકોના લાભાર્થે ૨જૂ કરીએ છીએ.)

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપક્રમે યોજાયેલી આ ધર્મ પરિષદમાં જુદા જુદા ધર્મોના પ્રતિનિધિઓનું અને ભાગ લેનાર બીજા સૌ પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું.

બેલુડ મઠની પાવનકારી ભૂમિ પર શ્રીરામકૃષ્ણના મંદિરની બાજુમાં આ પરિષદ મળી રહી છે તેથી મારો આનંદ વૃદ્ધિ પામે છે. ધર્મોની સંવાદિતાનું જે જીવન શ્રીરામકૃષ્ણ જીવ્યા હતા અને જેનો સંદેશ એમણે આપ્યો હતો તેના સાક્ષાત્ પ્રતીક સમું આ મંદિર છે.

પોતાના ગુરુની વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “એમનું સમગ્ર જીવન ધર્મપરિષદ હતું.” શિકાગોની ધર્મ પરિષદનો વિચાર પણ સ્ફુર્યો તેની કેટલાય સમય પૂર્વેથી, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના અનુયાયીઓ દક્ષિણેશ્વર જઈ શ્રીરામકૃષ્ણ સાથે ધાર્મિક બાબતો ચર્ચતા. બધા ધર્મોના પાયામાં અન્યનો સાક્ષાત્કાર તેમણે કર્યો હોઈ, વિવિધ ધર્મના લોકો સાથે તેઓ તાદાત્મ્ય સાધી શકતા. તેઓ મુસલમાનોને ભેટી શકતા, ખ્રિસ્તીઓ સાથે હાથ મિલાવી શકતા, શાકતો સાથે સંગીતમાં જોડાઈ શકતા, વૈષ્ણવો સાથે નાચી શકતા અને બ્રાહ્મસમાજીઓની પૂજાવિધિમાં જોડાઈ શકતા.

આ સંમેલનને ધર્મ પરિષદ તરીકે ઓળખાવાય છે. ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ ભાગ લીધો હતો તેની સ્મૃતિમાં આ સંમેલનનો હેતુ છે. આપણે યાદ રાખવું જોઈએ કે ચર્ચાસત્ર કે એવા બીજા કોઈ મિલનમાં પંડિતો કોઈ સર્વમાન્ય વિષય પર માત્ર ચર્ચા કરે એના કરતાં આ પરિષદ ભિન્ન છે. ધર્મ પરિષદમાં, ભિન્ન ભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ મુક્ત મને, સમાન ભાવે અને પરસ્પર આદરપૂર્વક મળે અને પોતાના ધર્મનું પ્રતિપાદન કરે એ હેતુ હોય છે. સૌને કેટલીક સામાન્ય જવાબદારીઓ છે. એ ગૃહીત કરી સૌ તેમ કરે છે. આ પરિષદમાં આપણી જાતને યાદ અપાવીએ કે, બધા ધર્મોના અનુયાયીઓના પૂરા સચ્ચાઈભર્યા ધ્યાનની જરૂર હોય એવી કેટલીક મુખ્ય બાબતો છે.

અનીતિમાં અને હિંસામાં આજે અસાધારણ વધારો થયો છે એ પહેલી બાબત છે. માનવજાતની નૈતિક અધોગતિ અને આધ્યાત્મિક દેવાળિયાપણાને અટકાવવાની જગતના ધર્મોની સંયુક્ત જવાબદારી છે.

બીજી વાત. ગરીબો અને પતિતો – ખાસ કરીને ભારત જેવા વિકસિત દેશોનો ઉદ્ધાર જગતના ધર્મોનું સમાન કર્તવ્ય હોવું જોઈએ. ગરીબાઈ અને પીડાને ધર્મના, જ્ઞાતિના કે વ્યક્તિના ભેદો નડતા નથી. પીડાતા લોકો દરેક ધર્મના અનુયાયીઓમાં છે.

પછી આવે છે હજારો લોકો જે અંતમ ધ્યેયને, સર્વોચ્ચ સત્યને શોધે છે. આવા લોકોની સંખ્યા વધતી જાય છે ને તેમની આધ્યાત્મિક અપેક્ષાઓને સંતોષવાનું બીડું જગતના ધર્મોને આપવામાં આવ્યું છે.

પરંતુ, ભારત જેવા દેશોમાં, બધા વિચારવંત લોકોનું ધ્યાન માગી લેતો તાત્કાલિક પ્રશ્ન છે ધાર્મિક સંઘર્ષોનો અને કોમી હુલ્લડોનો, જે સામાજિક દૃશ્યનું નિયમિત અંગ બની ગયેલ છે. ભારત માટે આ દુર્ભાગી ફણગો છે કારણ કે, પ્રાચીન કાળથી, ભારતીય સંસ્કૃતિનું વ્યાવર્તક લક્ષણ સંવાદિતા રહેલ છે. સૈકાંઓ સુધી દર્શનશાસ્ત્રની વિવિધ શાખાઓ અને ધર્મ સંપ્રદાયો શાંતિપૂર્વક એકમેકના સંપર્કમાં આવેલ છે અને દેશની ભાતીગળ સંસ્કૃતિ એ રીતે પેદા થઈ છે. સંવાદિતાના વધારે ભાવાત્મક અને વિસ્તૃત ખ્યાલની આપણને જરૂર છે. ધાર્મિક સંઘર્ષોના ક્ષેત્રના પ્રશ્નનો ઉકેલ ધર્મ પોતાનામાંથી જ શોધવાનો છે એ સ્વામી વિવેકાનંદે દર્શાવ્યું છે.

સંસ્કૃતિમાં ધર્મને એક અગત્યનું પરિબળ સ્વામીજી ગણતા અને, ખાસ કરીને ભારત બાબત સ્વામીજી માનતા કે, ધર્મ પ્રજાની કરોડરજ્જુ છે, જીવનકેન્દ્ર છે, જીવનરક્ત છે. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો, ‘‘ભારતમાં પ્રત્યેક સુધારો ધર્મમાં જાગૃતિ માગે છે. ભારતમાં સમાજવાદી કે રાજકીય વિચારોના પૂર વહેવડાવતાં પહેલાં, આધ્યાત્મિક વિચારોના મહાપૂરે સઘળું ડુબાડ્યું છે.’’

ધર્મના સાચા સ્વરૂપની સમજણનો અભાવ મૂળ પ્રશ્ન છે.

સ્વામી વિવેકાનંદના કહ્યા પ્રમાણે, બધા ધર્મોનું એક ચડિયાતું પાસું પારગામી, આધ્યાત્મિક છે અને સંસ્કૃતિનું નિમ્ન પાસું છે. આધ્યાત્મિક કક્ષાએ બધા ધર્મો પાયાની એકતા છતી કરે છે. વિશ્વ સંસ્કૃતિમાં શ્રીરામકૃષ્ણનું મોટું પ્રદાન આ સમજણ છે. જગતના ધર્મોના ઈતિહાસમાં, વિવિધ ધર્મોના આધ્યાત્મિક પંથોએ જનાર પહેલા અને એક માત્ર પયગંબર શ્રીરામકૃષ્ણ હતા. બધા પંથોનું ગંતવ્યસ્થાન એક જ છે. તેનો સાક્ષાત્કાર તેમણે કર્યો હતો. પોતાના અનુભવો દ્વારા ધાર્મિક જીવનમાં નીચેનાં ત્રણ તારતમ્યો એમણે

તારવ્યાં હતાં:

૧. અંતિમ તત્ત્વ કેવળ એક જ છે જેને જુદા જુદા ધર્મો જુદા જુદા નામે ઓળખાવે છે.

૨. આ અંતિમ તત્ત્વનો સાક્ષાત્કાર જુદા જુદા માર્ગે થઈ શકે છે.

૩. આ સાક્ષાત્કાર જ માનવ જીવનનું ઉત્તમોત્તમ ધ્યેય અને બધા ધર્મોનું સારતત્ત્વ છે.

આ ત્રણ સત્યો શ્રીરામકૃષ્ણના ધર્મ સમન્વયના સિદ્ધાંતના પાયા છે. જગતના ધર્મોના શાસ્ત્રગ્રંથોમાં એક યા બીજા સ્વરૂપે આ સત્યો જોવા મળશે. પણ, ધર્મોની સંવાદિતા પ્રેરવાની શક્તિનો એ ધર્મોમાં અભાવ હતો જે, પોતાના જીવનમાં તેમનો સાક્ષાત્કાર કરી શ્રીરામકૃષ્ણે દાખવ્યો. પોતાના સાક્ષાત્કાર દ્વારા, ધર્મની સંવાદિતાના સિદ્ધાંતને શ્રીરામકૃષ્ણે ખૂબ પરિપુષ્ટ કર્યો છે. શિકાગો પરિષદની પૂર્ણાહૂતિ પ્રસંગે આપેલા પોતાના વ્યાખ્યાનના અંતમાં સ્વામીજીએ ભાખ્યા પ્રમાણે, સમય જતાં આ શક્તિ વધારે ને વધારે પ્રગટ થશે.

શ્રીરામકૃષ્ણે ધર્મોની પારલૌકિક એકતાની જ વાત કરી હતી એવું નથી. ધર્મનાં નિમ્ન કે સાંસ્કૃતિક પાસામાં એકતા કેમ હાંસલ કરવી તે પણ શ્રીરામકૃષ્ણે બતાવ્યું હતું.

બધા જીવોમાં શ્રીરામકૃષ્ણ શિવને જોતા અને તદનુસાર, ધર્મ, જાતિ કે જ્ઞાતિના ભેદ વિના તેઓ સૌને સમાન રીતે જોતા.

વળી એમણે એ પણ શીખવ્યું કે આપણે બધા ધર્મોને તેમના અનુયાયીઓની દૃષ્ટિથી જોવા જોઈએ. તેઓ ઈસ્લામી સાધના કરતા હતા ત્યારે, તેઓ મુસલમાનની જેમ રહેતા હતા; ખ્રિસ્તના વિચારે એમના મનને જકડી લીધું ત્યારે કેટલાક દહાડા તેઓ કાલીમંદિરમાં ગયા જ ન હતા. આપણે ભલે એ હદે ન જઈએ પણ, આપણા ધર્મના સંકુચિત માપદંડે ઈતર ધર્મીઓને મૂલવવાનું આપણે તજવું જોઈએ .

આની સાથોસાથ શ્રીરામકૃષ્ણે ઈષ્ટનિષ્ઠા ૫૨ ભા૨ મૂક્યો છે, અર્થાત્, પોતાના ધર્મના કે આધ્યાત્મિક આદર્શને ભાવપૂર્વક અને દૃઢતાથી વળગી રહેવું. વિવિધ ધર્મગ્રંથો આપણે વાંચીએ અને જાણીએ તેમજ, બધા ધર્મો પ્રત્યે આદર અને સહાનુભૂતિ પણ દર્શાવીએ, પરંતુ, પ્રત્યેકે પોતાનો પસંદગીનો પંથ મૂકવાનો નથી. સ્વામીજીએ કહ્યા પ્રમાણે, એક છોડની માફક આપણે સૌએ આપણી જાતિગત પ્રકૃતિમાં દૃઢમૂળ રહેવાનું છે પણ, જ્ઞાનના સૂર્યને અને પરિવર્તનના વાયરાને મુક્તપણે ઝીલવાના છે.

શ્રીરામકૃષ્ણના જીવનના અને બોધના સાચા વૈશ્વિક મહત્ત્વને અને તેની અનંત શક્યતાઓને સ્વામી વિવેકાનંદ સમજી શક્યા હતા. શ્રીરામકૃષ્ણનો સંદેશ જગતને કહેવો અને સમજાવવો તે સ્વામી વિવેકાનંદના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. ધર્મ વિશેના શ્રીરામકૃષ્ણના વિચારોના વ્યાવહારિક અર્થોને સ્વામીજીએ પ્રગટ કર્યા અને આજના યુગની આવશ્યકતાઓને અનુરૂપ તેમનું સ્વરૂપ આવ્યું. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી ધર્મ પરિષદના જગતમંચ ઉપર તેઓ પ્રગટ થયા અને ત્યાં પોતાના ગુરુના સંદેશવાહક બની તેમણે પ્રાચીન ભારતનું જ્ઞાન ત્યાં રજૂ કર્યું.

અર્વાચીન જગતના સાંસ્કૃતિક ઈતિહાસને શિકાગોની ધર્મ પરિષદે નવો વળાંક આપ્યો. એમાં સ્વામી વિવેકાનંદે લીધેલા ભાગને લઈને જ તેમ બન્યું. બધા ધર્મોના અનુયાયીઓને એ પરિષદમાં સમાન ગૌરવ અપાયું હતું પણ, બધા ધર્મો સત્ય છે એ ગૃહીતનો સ્વીકાર ત્યાં ન હતો. બધા ધર્મો સરખા સત્ય છે ને એક જ અંતિમ ધ્યેય ભણી લઈ જાય છે એ વિચારનું પ્રદાન એ પરિષદને સ્વામી વિવેકાનંદનું યોગદાન હતું. અને સ્વામીજીને એ પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત થયું હતું. આજે જગતમાં વધારે ને વધારે લોકો આ વિચારનો સ્વીકાર કરી રહ્યા છે.

આજની આ પરિષદ નાને પાયે છે. પણ દેશના જુદા જુદા ભાગોમાંથી ઘણા વિખ્યાત ધર્મપુરુષો અને આગળ પડતા વિદ્વાનો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. એમની હાજરીએ અમને ગૌરવાન્વિત કર્યા છે; એમના ઉદા૨ સ્વભાવનું અમે અભિવંદન કરીએ છીએ અને પોતાના મૂલ્યવાન સમયને આ માટે ફાળવવા બદલ અમે તેમના ઋણી છીએ.

અંતમાં, જ્ઞાન પ્રકાશ, આંતરધર્મ સંવાદિતા અને શાંતિના નવયુગનું મંડાણ ક૨ના૨ શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રીશારદામા અને સ્વામી વિવેકાનંદનાં નામ સાથે આ પરિષદ ખુલ્લી મૂકાય છે. પરિષદમાં ભાગ લેનારા સર્વ ૫૨ તેમના આશિષ હું પ્રાર્થુ છું. વિભિન્ન ધર્મના અનુયાયીઓ વચ્ચે સમજણ, સંવાદિતા અને સદ્ભાવનો સેતુ આપણા વિચાર વિનિમયથી પ્રગટો.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.