ક્લાઉડ સ્ટાર્ક ઈ. ૦૨૬૭૦, કેપકોડ, મેસાસુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગોડ ઓફ ઓલ’ (God of All)ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

આ પુસ્તકનો હેતુ બૌદ્ધિક સમાજને શ્રીરામકૃષ્ણના ધાર્મિક અભિગમથી પરિચિત કરાવવાનો છે. સૌથી પહેલાં ખ્રિસ્તી સમાજને, કારણ કે હું ખ્રિસ્તી છું, અને ત્યાર પછી વિશ્વના ધર્મોના અસંખ્ય અન્યાયીઓને. વિશ્વના સાક્ષરોએ શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશોનો ઊંડો અભ્યાસ કર્યો નથી. વિશ્વના ધાર્મિક ઇતિહાસમાં ધાર્મિક અનેકવિધતાના ધર્મસંકટ પ્રત્યે શ્રીરામકૃષ્ણનો અભિગમ એક જુદી જ ભાત પાડે છે, અને તેથી વધુ અભ્યાસ માગી લે છે. આ ગ્રંથ એ દિશામાં પ્રથમ સોપાન તરીકે અર્પિત કરવામાં આવ્યો છે.

અનેકવિધતા એ ધર્મોનું ધર્મસંકટ છે. આ ચંચળ વિશ્વમાં આપણે જે સમકાલીન સાંસ્કૃતિક અને ધાર્મિક અથડામણો જોઈએ છીએ તે સ્પષ્ટ રીતે એ ધર્મસંકટ પ્રત્યે અંગુલિ નિર્દેશ કરે છે. ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ અને બૌદ્ધધર્મ ધર્મપરિવર્તનમાં માને છે. આવા ધર્મો જ્યારે વિશ્વવ્યાપકતાનો દાવો કરે ત્યારે આ ધર્મસંકટ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. (અમુક વિચારકોના મત પ્રમાણે હિંદુધર્મ અને વેદાંતના અર્વાચીન અર્થપ્રદર્શકો પણ આ વર્ગમાં આવે છે.) ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિ આવા દાવા પર આધારિત છે. જ્યારે ધર્મપરિવર્તનમાં માનનાર ધર્મ પોતાના દૃષ્ટિબિંદુની એવી રજુઆત કરે કે તે સમગ્ર માનવજાતના આધ્યાત્મિક મોક્ષ માટે સુયોગ્ય છે, ત્યારે તે દૃષ્ટિબિંદુ તેના ધાર્મિક મંતવ્યનો અંતર્ગત ભાગ બને છે.

જ્યારે આપણે ધર્મપરિવર્તનમાં ન માનનાર ધર્મનો વિચાર કરીએ ત્યારે ધર્મસંકટ મોટું સ્વરૂપ ધારણ કરે છે. અર્વાચીન યહૂદી ધર્મ, કનફ્યુશિયન ધર્મ, હિંદુધર્મ અને પારસીધર્મ ધર્મપરિવર્તનમાં માનતા નથી. તેઓ ધાર્મિક, સાંસ્કૃતિક અલગતાના હકની જોરદાર માગણી કરે છે. અને તેને કારણે તેઓ ધાર્મિક સંવાદિતાના સિદ્ધાંતનો વિરોધ કરે છે. આવો વિરોધ પૂર્વશરતોના પાયા પર આધારિત એવા સાર્વત્રિક મોક્ષના દાવાને પ્રોત્સાહન આપવાને બદલે અન્યોને પોતાના સંપ્રદાયમાં ભળતા રોકે છે. અહીં મોક્ષ એટલે માત્ર સંભાવના. (a co-efficient of probability) : જન્મનો અકસ્માત : આપણે એક એવા પૂર્ણ ધાર્મિક અનેકવિધતાના ધર્મસંકટનો સામનો કરી રહ્યાં છીએ કે જેમાં ધાર્મિક પરંપરા ધરાવતો એક સમૂહ બધાને સમાવી લેવા ઈચ્છે છે. જ્યારે બીજો સમૂહ બધાને બાકાત રાખવા ઈચ્છે છે. એ સ્પષ્ટ છે કે ધાર્મિક સંવાદિતા વિષે હઠાગ્રહપૂર્વકનું વલણ લેવાથી આ ધર્મસંકટનો ઉકેલ આવશે નહીં. ધર્મો વચ્ચે જે ગહન મતભેદો છે તેની અવગણના કરીને પણ ઉકેલ આવી શકે તેમ નથી. માત્ર ધાર્મિક વાદવિવાદ, ધાર્મિક આદેશ જે શાસ્ત્રોની આદેશ આપવાની સત્તાનો નિર્દેશ કરીને પણ ઉકેલ આવી શકે તેમ નથી. ધર્મોનો ઊંડો અભ્યાસ કરનાર વ્યક્તિ આ ધર્મસંકટને અવગણી ન શકે. જો આવી અવગણના કરે તો એનો અર્થ એવો થાય કે તે વ્યક્તિ આધ્યાત્મિક ઉપેક્ષાવૃત્તિ સેવે છે. બધાં ધર્મોમાં જે વ્યક્તિઓ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતમાં માને છે તે વ્યક્તિઓ આવી ઉપેક્ષાવૃત્તીના ભોગ બન્યા છે.

બધા ધર્મો એક જ ઈશ્વર પાસે લઇ જનાર સાચા માર્ગો છે. એવું પ્રતિપાદન કરીને પણ આ ધર્મસંકટનો ઉકેલ મળતો નથી. ધર્મગુરુઓ આ સિદ્ધાંતનું સ્પષ્ટ પ્રતિપાદન કરી શકશે નહીં. સામાન્ય રીતે તેઓનો આવો હેતુ હોય તો પણ બીજા ધર્મોના અનુયાયીઓ તેઓની તથ્યતાને પડકારશે.

આ પુસ્તકમાં એ પ્રશ્ન રજૂ કર્યો છે કે, ઈશ્વરની અનુભૂતિ ઉપર આધારિત શ્રીરામકૃષ્ણનો અભિગમ આ કેન્દ્રબિંદુ સમાન ધર્મસંકટનો ઉકેલ શોધવામાં વ્યવહારુ અનુમાન પૂરું પાડી શકે કે કેમ. આ નિરીક્ષણનો હેતુ શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશો તેમજ તેઓશ્રીના મુખ્ય અનુગામીઓના જીવન અને ઉપદેશોના વિસ્તૃત દસ્તાવેજી પુરાવાનો ઉપયોગ કરીને શ્રીરામકૃષ્ણના અભિગમને સંપૂર્ણ રીતે રજુ કરવાનો છે.

એ બાબત ભારપૂર્વક કહેવી જોઈએ કે હિંદુધર્મમાં તેમજ બીજા ધર્મોની પ્રણાલિકાઓમાં જે અગત્યના મતભેદો છે તેના પ્રત્યે શ્રીરામકૃષ્ણે દુર્લક્ષ સેવ્યું નથી અથવા તેનો અસ્વીકાર પણ કર્યો નથી. ધાર્મિકક્ષેત્રે તેઓશ્રીએ જે પ્રયોગો કર્યા તેને કારણે તેઓશ્રી એ જાહેર કરી શક્યા કે બધા ધર્મો સરખા છે. એટલું જ નહીં પણ જો અનુસરવામાં આવે તો બધા ધર્મો એક જ ઈશ્વર તરફ લઈ જાય છે. તેથી શ્રીરામકૃષ્ણને માત્ર જુદા જુદા ધર્મોનું સુમિશ્રણ આપનાર અથવા તો માત્ર જુદા જુદા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરનાર જ ન કહી શકાય પણ ધાર્મિકક્ષેત્રે તેઓશ્રી એક સુંદર અર્થઘટન કરનાર મહાનુભાવ હતા એમ કહી શકાય. જે ધર્મની પ્રણાલિકાને તેઓશ્રી અનુસર્યા તે બધાની પવિત્રતાનું તેઓશ્રીએ સમર્થન કર્યું. એક સદી પહેલાં તેઓશ્રીએ જે ઈશ્વરીય ચેતનાનો પુરાવો આપ્યો તે આજની ધાર્મિક પદ્ધતિઓ સાથે બંધબેસતો છે.

કોઈ પણ વ્યક્તિ કે જે શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશોથી ઉપલક રીતે પણ પરિચિત હોય તે વ્યક્તિ એ હકીકતની નોંધ લેશે કે શ્રીરામકૃષ્ણના જીવનની અગત્ય અહીં રજૂ કરેલી હકીકતોથી પણ વ્યાપક છે. એ દૃષ્ટિએ જોતાં અહીં જે રીતે તથ્યો રજુ કર્યાં છે તે એક ખાસ પરિમાણ ધરાવતા છે. શ્રીરામકૃષ્ણે સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની ઈશ્વરીય અનુભૂતિ દ્વારા માનવજાતની એકતા વધારવામાં જે ફાળો આપ્યો તે બતાવવાનો અહીં પ્રયત્ન છે.

અમુક વિચારશીલ વ્યક્તિઓ ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જે પૂર્વ અને પશ્ચિમનાં ગૂઢ તથ્યોના સંગ્રહથી અપરિચિત છે તેઓ શ્રીરામકૃષ્ણની ધાર્મિક -અનુભૂતિઓ કે જે અહીં હકીકતો તરીકે રજૂ કરવામાં આવી છે તેને સંશયાત્મક રીતે પડકારે પણ ખરી!

તો એ પડકારના પ્રત્યુત્તરરૂપે નીચેના મુદ્દાઓ નોંધવા જોઈએ :

સૌથી પહેલાં, શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક અનુભવો તેઓશ્રીના શિષ્યો દ્વારા પદ્ધતિસર અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિત કરવામાં આવ્યા હતા. આ શિષ્યો (એકને બાદ કરતાં) જવાબદાર માણસો હતા અને લાયકાત ધરાવતા હતા અને પશ્ચિમી ઢબની યુનિવર્સિટીઓમાં તાલીમ પામેલા હતા. સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શારદાનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી શિવાનંદ અને બીજા મહાનુભાવો શ્રીરામકૃષ્ણના અનુભવોને સંપૂર્ણ સમર્થન આપે છે. અહીં એ નોંધવું જોઈએ કે ૧૮૯૬માં અમેરિકાની “Harvard University” એ સ્વામી વિવેકાનંદને “પૂર્વનું તત્ત્વજ્ઞાન” એ વિભાગના વડા બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો. (Chair of Eastern Philosophy), હકીકતે સ્વામી શારદાનંદે કહ્યું છે : “મારા આધ્યાત્મિક અનુભવોથી બહારનું કશું પણ આ પુસ્તકમાં નોંધવામાં આવ્યું નથી.” – (Sri Ramakrishna Lila-Prasanga)

બીજું, પોતાના વિષયના અભ્યાસને આધારે અને પ્રશ્નનાં વિવિધ પાસાંઓનો વિચાર કરીને પશ્ચિમના ઘણા મહત્ત્વના સમકાલીન સાક્ષરોએ શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક પ્રયોગોને સ્પષ્ટ રીતે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જેમકે, ઇતિહાસના ક્ષેત્રે, Arnold Toynbee ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે Robert Oppen he imer; Erwin Schrodinger, Sir Arther Eddington, Harlow Shapley, James Houston Shrader, Dana L. Farnsworth; સમાજવિજ્ઞાનના ક્ષેત્રે, P. Sorokin. Robert Ulich, O. Hobart, Paul E. Johnson, Gordon W. Allport; તથા ખ્રિસ્તી ધાર્મિક નેતાઓમાં Rudolf Otto, Joachim Wach, Edwin Booth, Walter H. Clark, George Williams, James Lather Adams, Henry Cadbury, Harold Dewolf, Huston Smith, Geofferey Parrinder, Edgar S. Brightman, S. Paul Schilling, John Lavely, Peter Bevtocci and Walter G. Muelder.

આથી પશ્ચિમના સાક્ષરોના દૃષ્ટિબિંદુ પ્રમાણે આપણે ભારપૂર્વક એવું કહી શકીએ કે શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક અનુભવો ઐતિહાસિક હકીકતો છે. ધાર્મિક દૃષ્ટિબિંદુથી પણ શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક અનુભવોની સચ્ચાઈ સ્પષ્ટ રીતે પુરવાર કરી શકાય. આ અનુભવોને કારણે શ્રીરામકૃષ્ણનું જીવન સર્વાંગી રીતે રૂપાંતરિત થયું અને અખંડ બન્યું. એટલું જ નહીં પાછળથી શ્રીરામકૃષ્ણે બીજાઓનાં જીવનને પણ રૂપાંતરિત કરી દીધાં.

ભાષાંતર : શ્રી સી. એમ. દવે

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.