તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો શું કોઈ માર્ગ જ નથી? કોઈ આશા જ નથી? યુગોથી એ તો જાણીતું છે કે આપણે બધા દુ:ખી છીએ! આ દુનિયા એ કેદખાનું છે, અને આપણું કહેવાતું સુંદર શરીર પણ એક કેદખાનું છે; અને આપણી બુદ્ધિ, આપણું મન બધાં જ કેદખાનાં છે. પોતે ગમે તેમ કહે તો પણ કોઈ એવો માણસ નથી પાક્યો, એવો કોઈ આત્મા નથી થયો, કે જેણે કોઈ ને કોઈ વખતે આ અનુભવ્યું ન હોય. વૃદ્ધ માણસોને આ વિશેષ લાગે છે, કારણ તેમની પાસે આખા જીવનના અનુભવોનું ભંડોળ છે, કારણ કે તેઓ પ્રકૃતિના જૂઠાણાંથી સહેલાઈથી છેતરાઈ જતા નથી. તો પછી શું કોઈ માર્ગ જ નથી? આ બધું જ હોવા છતાં, આ ભયંકર હકીકત આપણી સામે હોવા છતાં, આપણાં શોક અને દુ:ખની વચ્ચે, જેમાં જીવન અને મૃત્યુ એકરૂપ છે એવા આ સંસારમાં પણ એક શાંત ધીમો અવાજ, બધા યુગોમાં – દરેક દેશમાં – પ્રત્યેક હૃદયમાં ગુંજી રહ્યો છે;

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।

‘આ મારી દૈવી ગુણમયી માયાને પાર કરવી બહુ કઠણ છે. છતાં જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને પાર કરે છે.’ ‘જે લોકો પરિશ્રમથી થાકેલા છે, અને જેમના ઉપર (સંસારનો) મોટો બોજો છે તે સહુ મારે શરણે આવો; હું તમને આરામ આપીશ.’ આ અવાજ આપણને આગળ દોર્યે જાય છે. માણસે તે સાંભળ્યો છે, અને યુગે યુગે તે સંભળાતો આવ્યો છે. જ્યારે માનવને એમ લાગે છે કે સર્વસ્વનો નાશ થયો છે અને આશા છૂટી ગઈ છે, જ્યારે તેને પોતાની શક્તિ ઉપરનો ભરોસો તૂટી ગયો જણાય છે અને હાથમાંથી બધું સરી ગયું લાગે છે, જ્યારે જીવન કોઈ જાતની આશા વિનાના એક ખંડેર જેવું લાગે છે, ત્યારે માનવીની પાસે આ ગેબી અવાજ આવે છે. તે વેળા તે તેને સાંભળે છે. આનું નામ ધર્મ.

આમ એક બાજુથી હિંમતપૂર્વક કહેવામાં આવે છે કે આ બધું નિરર્થક છે, બધું માયા છે; પણ તેની સાથે એક ખૂબ આશાસ્પદ સંદેશ પણ છે કે આ માયાથી પર જવાનો માર્ગ પણ છે. બીજી બાજુ દુનિયાના વ્યવહારુ માણસો આપણને કહે છે : “ધર્મ અને તત્ત્વજ્ઞાન જેવી નકામી બાબતોમાં તમારું મગજ ખરાબ કરો નહીં. અહીં જીવો. ખરેખર, આ દુનિયા ખરાબ છે, પણ તેનોયે વધારેમાં વધારે લાભ લઈ લ્યો.” સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એમ થાય કે બધા સડતા ઘાને તમારાથી બની શકે તેવી સારી રીતે ઢાંકીને દંભી, ખોટું અને છળકપટભર્યું જીવન જીવો. જ્યાં સુધી બધું ઢંકાઈ ન જાય અને તમે થીંગડાંનો એક મોટો ઢગલો ન થાઓ, ત્યાં સુધી એક પછી એક થીગડું મારતા જ રહો. આનું નામ વ્યવહારુ જીવન. જે લોકોને આવા થીંગડાવાળા જીવનથી સંતોષ છે તેઓ કદી ધર્મ તરફ વળવાના નથી. વર્તમાન પરિસ્થિતિ તરફના, આપણા જીવન તરફના ઘેરા અસંતોષ પછી જીવનને થીગડાં મારવાના કાર્ય પ્રત્યે ધિક્કાર – તીવ્ર ધિક્કાર છૂટ્યા પછી, છળ અને અસત્ય પ્રત્યે અપાર ઘૃણા છૂટ્યા પછી, ધર્મનો આરંભ થાય છે. જ્યારે મહાન બુદ્ઘિની સામે આ વ્યવહારુપણાનો વિચાર આવ્યો અને તે નિરર્થક છે તેમ તેમણે જોયા છતાં તેમાંથી માર્ગ ન મળ્યો, તે વખતે બોધિવૃક્ષ નીચે મહાન બુદ્ધે જે શબ્દો ઉચ્ચાર્યા તે શબ્દો ઉચ્ચારવાની જે હિંમત કરે છે તે જ ખરેખરો ધર્મિષ્ઠ છે. જ્યારે પ્રલોભનોએ (મારે) તેમની પાસે આવીને સત્યની શોધ છોડી સંસારમાં પાછા ફરવાનું તથા જૂનું દંભી જીવન ગાળી વસ્તુઓને ખોટા નામથી ઓળખીને તેમજ પોતાને તથા અન્ય સહુને અસત્ય સમજાવીને જીવવાનું કહ્યું, ત્યારે તે મહાન આત્માએ તેની સામે અડગ રહીને વિજય મેળવ્યો અને કહ્યું : “નિષ્પ્રાણ અજ્ઞાનભર્યા જીવન કરતાં મૃત્યુ વધારે સારું છે; પરાજયભર્યું જીવન જીવવા કરતાં રણક્ષેત્રમાં મરવું શ્રેષ્ઠ છે.” ધર્મનો પાયો આ છે.

(‘સ્વા.વિ.ગ્રં.મા.’ ભાગ-૫, પૃ.૧૩૬-૧૩૭)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.