ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ શબ્દ આવરી લે છે. દુનિયાના કોઈ પણ દેશમાં કે કોઈ પણ ધર્મમાં ઉપાસનાના જે બધા પ્રકારો તમે જુઓ છો, તેનું નિયામકબળ છે પ્રેમ. તેમાં કેટલુંક એવું છે કે જે માત્ર વિધિઓ છે, તેમ કેટલુંક એવું પણ છે કે જે વિધિ નથી; છતાં તે પ્રેમ પણ નથી, પરન્તુ એથી ઊતરતી કોટિની સ્થિતિ છે. છતાંય આ બધી વિધિઓ આવશ્યક છે. ભક્તિનું બાહ્ય સ્વરૂપ જીવને ઊંચે ચઢાવવા માટે તદ્દન જરૂરી છે. માણસ કૂદકો મારીને પોતે એકદમ ઉચ્ચ કોટિએ ચઢી શકશે તેવું માની બેસવાની ભારે મોટી ભૂલ તે કરી બેસે છે; જો બાળક એમ માને કે એક દહાડામાં પોતે મોટો થઈ જશે તો તે ભૂલ કરે છે. અને મને આશા છે કે તમે હંમેશાં ખ્યાલમાં રાખશો કે ધર્મ કોઈ ગ્રંથોમાં, બૌદ્ધિક સંમતિમાં કે તર્કમાં સમાયેલો નથી. તર્ક, સિદ્ધાંતો, દસ્તાવેજો, મતવાદો, ગ્રંથો, ધાર્મિક ક્રિયાઓ, એ બધાં ધર્મનાં સહાયક છે; ધર્મ પોતે તો અનુભૂતિમાં છે. આ દિવાલના અસ્તિત્વનું પ્રમાણ એ છે કે આપણે તે જોઈએ છીએ; તમે વર્ષો સુધી તેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિશે દલીલો કર્યા કરો, તો પણ તમે કોઈ નિર્ણય ઉપર નહીં આવી શકો; પરન્તુ તમે તેને પ્રત્યક્ષ જુઓ એટલે બસ. પછી દુનિયાના બધાય માણસો જો તમને કહે કે તેની હસ્તી નથી, તો પણ તમે તે નહીં માનો, કારણ કે તમે જાણો છો કે દુનિયાના સઘળા મતવાદો કે દસ્તાવેજો કરતાં તમારી આંખોનું પ્રમાણ વધુ સબળ છે.
ધાર્મિક થવા માટે પ્રથમ તો પુસ્તકો તમારે એક બાજુએ મૂકવાં પડશે. એકી સાથે એક જ વસ્તુ કરો. પાશ્ચાત્ય દેશોમાં આધુનિક યુગમાં મગજમાં બધી બાબતોનો ખીચડો કરવાની એક વૃત્તિ આવી ગઈ છે; બધી જાતના પચ્યા વગરના વિચારો મગજમાં તોફાન મચાવે છે, અને બધું અવ્યવસ્થિત કરી નાખે છે; એમને સ્થિર બનીને કોઈ ચોક્કસ સ્વરૂપ લેવાની તક સરખીયે મળતી નથી. વળી કેટલાકને ઉત્તેજના જોઈએ છે. એવા લોકોને તમે પ્રેતો અને ઉત્તર ધ્રુવથી કે કોઈના દૂરના પ્રદેશથી આવતા માણસો વિશે કહો તો તેઓ ખુશ થશે; પણ પૂરા ચોવીસ કલાક નહી થયા હોય ત્યાં વળી કોઈ બીજી ઉત્તેજનાભરી વાત માટે તેઓ તૈયાર હોય છે. કોઈ લોકો આને ધર્મ કહે છે. આ ધર્મનો માર્ગ નથી પણ ગાંડાના દવાખાનામાં જવાનો માર્ગ છે. તમારે ધ્યાનમાં રાખવું કે ધર્મ એ કાંઈ વાતો, પુસ્તકો કે વાદોમાં સમાયેલો નથી, ધર્મ અનુભૂતિમાં રહેલો છે; ધર્મ એટલે શિખવું નહીં પણ થવું. હું તમને ઈશ્વરભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સત્તાની અનુભૂતિ કરી શક્યા હશો. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદ્ભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ થઈ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે; પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા સારુ તેમણે પુરુષાર્થ કરવો પડશે. ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સહુએ ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ. તેથી ધર્મનો પ્રથમ પ્રકાર વૈધીભક્તિ એટલે, કે નિમ્ન પ્રકારની ભક્તિ છે.
(સ્વા.વિ.ગં.સંચયન – પૃ.૨૦૩-૦૪)
Your Content Goes Here




