શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના રોજ અંગ્રેજીમાં જે સમયોચિત ભાષણ આપ્યું હતું તેનું ગુજરાતી રૂપાંતર વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.
સૌ પ્રથમ વિવેકાનંદની ૧૨૫મી જન્મજયંતીના આ માંગલિક પ્રસંગે, ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતા અને માનવજાતિના ઉત્કર્ષ માટે ધર્મોનું પ્રદાન શું રહ્યું છે, એના ઉપર પ્રકાશ ફેંકવા માટે ધર્મ ધર્મ વચ્ચેની સમજ પર આ પરિસંવાદ યોજવા માટે શ્રીરામકૃષ્ણ મઠ, મુંબઈના સંચાલકોને અભિનંદન આપું છું. ખરેખર દરેક ધર્મના પાયાના શિક્ષણનો મધ્યવર્તી વિચાર તો માનવજાતિ પ્રત્યેના પ્રેમ અને સેવામાં જ રહેલો છે. આ વિચાર ઈશ્વરને પામવાનું એવું શ્રેષ્ઠ સાધન છે કે, જેના વડે સમાજનો ઉત્કર્ષ થાય અને ધાર્મિક સમજ તેમ જ સંવાદિતા ઊભી કરી શકાય છે. પ્રાચીન ભારતના જૂના વૈદિક જ્ઞાનની સાથે પણ આજના વિષયની પ્રસંગોચિતતા એટલી જ છે જેટલી કે રામકૃષ્ણ પરમહંસ અને એમના શિષ્ય સ્વામી વિવેકાનંદના ઉમદા ઉપદેશો સાથે છે.
“સર્વ દિશાઓમાંથી અમને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ.” ‘આ નો ભદ્રા: ક્રતવો યાન્તુ વિશ્વત:’ આમ કહીને ઋગ્વેદ ભારતના મહાન વૈદિક તત્ત્વજ્ઞાનના ઔદાર્યની આપણને ઝાંખી કરાવે છે. અલબત્ત, હું મારી જાતને ઇસ્લામ ધર્મનો કે અન્ય ધર્મનો નિષ્ણાત તો નથી જ માનતો હું તો માત્ર શાશ્વત સત્યની શોધ માટે મહેનત કરતા તુલનાત્મક ધર્મનો નમ્ર શિષ્ય છું. આ સભામાં ભાગ લેવાની મને તક મળી તેને હું મારું અહોભાગ્ય માનું છું, અને અન્ય ધર્મોના પ્રતિનિધિઓ સાથે હળવામળવાનો તેમ જ તેમના ઉમદા વિચારો જાણવાનો જે લાભ થશે તેથી આપ સૌનો ઋણી છું. મારા જે વિચારો હું અહીં રજૂ કરું છું તે વિચારો વર્તમાન યુગમાં જે પડકારો ઊભા થયા છે તેની સાથે સંઘર્ષ કરતી એક એવી વ્યક્તિના છે કે જે વ્યક્તિ ધર્મ ધર્મ વચ્ચેની સંવાદિતા અને સમજ તેમ જ તેની સુસંગતતા કેટલી છે તે જાણવા પ્રયાસ કરી રહી છે.
જેની હમણાં જ વાત થઈ તે બધા જ પડકારો, અદ્યતન સમાજમાં ઈશ્વર અને ધર્મની સુસંગતતા અંગે પાયામાંથી જ એવા પ્રશ્નો ઊભા કરે છે, કે જે વરસો જૂના જાતિગત તિરસ્કાર, ભાઈ ભાઈ વચ્ચેની લડાઈઓ, અને પરિણામે વહેતી ખૂનની નદીઓમાં પરિણમે છે. અને આ બધું જ ઈશ્વર અને ધર્મના પવિત્ર નામે થાય છે. ‘ધર્મ એ તો ભોળાભલા માણસો માટેનું અફીણ છે-’ એમ ટીકાકારો કહે છે. જોનાથન સ્વીફટ જેવા મહાનુભાવો તો અફસોસ સાથે કહે છે, “આપણી પાસે પરસ્પર તિરસ્કાર બતાવવા ધર્મ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ એકબીજાને ચાહવા માટે તો રતીભાર પણ ધર્મ નથી.”
ઉપર્યુક્ત ઘટનાને આધારે ઘણા જુવાનિયાઓ, જેઓ નાસ્તિકતાના અને ભૌતિકવાદના વાતાવરણમાં ઊછરેલા છે, તેઓ પોતાના વડીલોને સહજભાવે પ્રશ્ન પૂછે છે; “શું ખરેખર ધાર્મિક થવું જરૂરી છે?” ધર્મમાં ‘માનવું’ કે ‘ન માનવું’ આ જાતનું ધર્મસંકટ આ જમાનાના ઘણાખરા લોકો સમક્ષ આવી ખડું થયું છે. એક વક્રદ્રષ્ટાની પ્રાર્થના તો સાંભળો; “હે ઈશ્વર, જો જગતમાં ઈશ્વરનું અસ્તિત્વ હોય તો, મારા આત્માને બચાવ, જો મારામાં આત્માનું નામનિશાન હોય તો.” (“Oh. God, if there is a God; Save my Soul, if there is a Soul.”)
પરંતુ આપણા સદ્ભાગે વર્તમાન સમયમાં સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના ઉમદા જીવન, ધર્મ અને ઈશ્વર વિષે ફેલાવવામાં આવતી ગેરસમજો અને નાસ્તિકો દ્વારા કરવામાં આવતા ઝેરી પ્રચારોનાં વાદળો દૂર કરે છે અને આશાની એક મશાલ બની આપણાં જીવનને ઉજાળે છે.
આજના કંઈક શંકાશીલ યુવાનો માફક સ્વામી વિવેકાનંદ પણ પોતાની યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં ન તો ઈશ્વરના ભક્ત હતા કે ન તો કોઈ સંપ્રદાય કે રૂઢિગત ધાર્મિક માન્યતાના અનુયાયી હતા. વર્તમાન સમયની યુવા પેઢી જેમણે ઈશ્વર અને ધર્મની સુસંગતતા વિષે શંકા સેવે છે તેમ નરેન્દ્ર પણ શ્રીરામકૃષ્ણદેવને નહોતા મળ્યા ત્યાં સુધી શંકા સેવતા હતા. નરેન્દ્રે પણ શ્રીરામકૃષ્ણદેવને પ્રશ્ન કર્યો, “તમે ઈશ્વરને જોયા છે?” અને નરેન્દ્રના આશ્ચર્ય વચ્ચે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “હા”. એટલું જ નહીં પરંતુ, “હું તને જોઉં છું એના કરતાં પણ વિશેષ સ્પષ્ટ રૂપે મેં ભગવાનને જોયા છે.”
શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રને કહ્યું, “કુંભારની દુકાનમાં જુદાં જુદાં નાનાંમોટાં વાસણો હોય છે. માટલાં, બરણી, રકાબી, વગેરે. પણ આ બધું જ વાસણો બનેલાં તો હોય છે માટીનાં જ. એ જ પ્રમાણે ઈશ્વર તો એક જ છે પરંતુ જુદાં જુદાં રાષ્ટ્રમાં, યુગ પ્રમાણે વિવિધ નામથી અને વિવિધ સ્વરૂપે એ પુજાય છે.”
જો બધા જ ધર્મો પાયામાંથી એક હોય તો એમાં આટલી બધી અલગતા કેમ જોવા મળે છે? આ પ્રશ્નના જવાબમાં શ્રીરામકૃષ્ણે કહ્યું, “તફાવત તો માત્ર સમજનો છે, દૃષ્ટિનો છે, પ્રત્યાયનનો છે.” બીજા એક પ્રશ્નમાં શ્રીરામકૃષ્ણદેવને જ્યારે પૂછવામાં આવ્યું કે, તો પછી ધર્મોનું પતન થતું હોય એમ કેમ લાગે છે? શ્રીરામકૃષ્ણદેવે પોતાની આગવી શૈલીમાં કહ્યું, “વરસાદનું પાણી તો સ્વચ્છ હોય છે પરંતુ માધ્યમ પ્રમાણે તે બગડતું હોય છે, જો છાપરું અને ભૂંગળાં ગંદાં હશે તો પાણી પણ ગંદુ જ બહાર આવશે.”
સ્વામી વિવેકાનંદને ખાતરી થઈ ગયેલ કે, માત્ર નિષ્પ્રાણ કર્મકાંડોથી નહીં પરંતુ માનવજાતની સેવા દ્વારા જ પ્રભુપ્રાપ્તિ થઈ શકે છે. સ્વામીજીને મન ઈશ્વર એ માત્ર સૂક્ષ્મ, તાત્ત્વિક ખ્યાલ નથી, એ ખાલી એવું અસ્તિત્વ જ નથી કે જેને માત્ર અહોભાવથી આપણે માથું જ નમાવીએ. તેમ જ ધર્મ એ માત્ર કર્મકાંડ કે મતાગ્રહ પણ નથી. એમને મન ધર્મ એ તો માનવસેવા માટેનું પવિત્ર સાધન છે, ઈશ્વરને પામવાનો એ એવો પથ છે, કે જેને આપણે અંતિમ સત્ય માનીએ છીએ.
વિવિધતામાં એકતા
એ તો એક સર્વવિદિત વૈજ્ઞાનિક હકીકત છે કે, જ્યારે પ્રકાશનું કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય છે ત્યારે ‘VIBGYOR’ ‘મેઘધનુષ્ય’ નામે સાત વિવિધ રંગોમાં વિભક્ત બને છે : Violet, Indigo. Blue, Green, Yellow, Orange, Red. અહીં નોંધવા જેવી બાબત તો એ છે કે, સાત વિવિધ રંગોને પોતાનું વિશિષ્ટ અસ્તિત્વ અને સૌંદર્ય છે. છતાં આ બધા રંગો એક જ ધવલ પ્રકાશનું સર્જન છે. બીજા શબ્દોમાં કહીએ તો, ‘અનેક માટે એક’ અને ‘એક માટે અનેક’નો આ અદ્ભુત દાખલો છે. એ જ રીતે, અંતિમ સત્યને પામવા માટે કે પરમને પ્રાપ્ત કરવા માટે વિવિધ માર્ગો છે, વિવિધ અભિગમો છે.
વેદાંતની ઉદાત્ત, ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરતાં ઉપનિષદો માનવજાતને ‘वसुधैव कुटुम्बकम्’ એટલે કે સમગ્ર દુનિયાને એક જ કુટુંબ તરીકે માને છે અથવા ઈશ્વરનું એક અને અભિન્ન કુટુંબ જ માને છે. પવિત્ર કુરાનની દૃષ્ટિએ પણ સમગ્ર માનવજાત એ એક જ ઈશ્વરનું કુટુંબ છે. સૌ એક જ જાતિના સભ્ય છે. એ રીતે, ઉપનિષદો કે કુરાનમાં લગભગ સમાન તત્ત્વોનાં દર્શન થાય છે. આ ઉપરથી આપણને ખાતરી થાય છે કે દિવ્ય સત્ય – પરમ સત્ય એક જ છે અને વિવિધતામાં એકતા ભરેલી છે.
વળી, પરબ્રહ્મનાં દિવ્ય લક્ષણોની વ્યાખ્યા વેદાંતની સંકલ્પના પ્રમાણે આપણને મળે છે તેમાં અને કુરાને આપેલી વ્યાખ્યામાં ગજબની સમાનતા જોવા મળે છે. વેદાંતની સંકલ્પના પ્રમાણે પરબ્રહ્મ સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ છે, એટલે કે ઈશ્વર સત્ય છે, ઈશ્વર શાશ્વત છે, ઈશ્વર સુંદર છે.
ઈશ્વરના એકત્વ વિશેનાં દિવ્ય તત્ત્વોને સમજવા માટે આ વ્યાખ્યા સુંદરતમ છે, પવિત્ર કુરાનમાં ઈશ્વર વિષેનાં તત્ત્વો આ પ્રમાણે છે.
- God is HUQ – ઈશ્વર ‘હક્ક’ (સત્ય) છે.
- God is Hai and Qayym – ઈશ્વર હાઈ (સજીવ) અને ‘કવાયામ’ (શાશ્વત) છે.
- God is Jameel – ઈશ્વર એ ‘જામીલ’ (સૌંદર્યનું સાક્ષાત સ્વરૂપ) છે.
ઇસ્લામનો ફાળો
ઇસ્લામનું ધ્યેય, સમાનતાના ધોરણ ઉપર એક એવો સમાજ રચવાનું છે કે જેમાં દરેક વ્યક્તિને તકોની સમાનતા પ્રાપ્ત થાય, જેથી તે માનભર્યું અને મોભાવાળું જીવન જીવી શકે. ઈશ્વરની પરમ સત્તાનો સ્વીકાર કરતાં કુરાન સ્વીકારે છે કે, સ્વર્ગ અને પૃથ્વી ઉપર જે કંઈ છે તે ઈશ્વરનું જ છે. અને તેથી જીવમાત્ર એક જ જાતિનો સભ્ય છે. અને એ રીતે એક ઈશ્વરના ઘરનું જ નિર્માણ થાય છે. માનવ જાતની સેવા દ્વારા ઈશ્વરની સેવાના ઇસ્લામના ઉપદેશથી વિવેકાનંદજી ખૂબ જ પ્રભાવિત થયેલા. એટલે જ સ્વામીજી કહેતા, “આજે આપણને ઇસ્લામી દેહની અને હિંદુ મનની ખાસ જરૂર છે.”
સ્વામીજીના ઉપર્યુક્ત વિધાનના અનુસંધાનમાં તેનો તાત્ત્વિક ફલિતાર્થ સમજવા કોશિશ કરતા અમુક મિત્રો મને સામો પ્રશ્ન કરે છે, “ઇસ્લામી દેહ અને હિંદુ મન – મગજ કેમ નહીં?” આ મિત્રોની જાણ ખાતર એક મજાનો પ્રસંગ આપની સમક્ષ રજૂ કરું છું.
એક ફિલસૂફને “Mind” અને “Matter”ની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવ્યું. “What is mind?” ફિલસૂફે જવાબ આપ્યો, “It does not matter.” તો પછી “What is matter?” ફિલસૂફે જવાબ આપ્યો, “Never mind.” શાબ્દિક રમત ઉપર આધારિત આ વિધાન સમસ્યાત્મક લાગે છે. આના ઉપરથી આઈન્સટાઈનની સાપેક્ષવાદની સંકલ્પના પ્રમાણે પદાર્થ અને મન, વૈજ્ઞાનિક રીતે પણ, પરસ્પરમાં પરિવર્તનશીલ છે, એમ કહી શકાય. આ સિદ્ધાંત ઉપરાંત, યોગના પરિપ્રેક્ષ્યમાં વેદાંત અને ઇસ્લામને જોવામાં આવે તો સ્વામીજીનું વિધાન વધુ સ્પષ્ટ બને છે.
ખાસ નોંધવા જેવી બાબત તો એ છે કે ઇસ્લામની પ્રાર્થના જે નમાજને નામે ઓળખાય છે, તેમાં હઠયોગનાં આસનો જેવાં જ આસનોનો સમાવેશ થયેલો છે. સંસ્કૃતમાં યોગનો અર્થ જ જોડાવું થાય છે. શરીરનું મન સાથે જોડાવું, આત્માનું પરમાત્મા સાથે જોડાવું એ સૂફીવાદ અને અદ્વૈતવાદી પાયાની બાબતો છે.
મહમ્મદ પયગંબર પોતાના અનુયાયીઓને ભારપૂર્વક કહેતા, જ્યારે તમે પ્રાર્થના કરતા હો ત્યારે પ્રભુને જોવાનો પ્રયાસ કરો. અને જો આમ કરવું અશક્ય લાગે તો, “તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે ઈશ્વર તમને જોઈ રહ્યો છે, એવું વિચારતા રહો.” ઈશ્વરસાક્ષાત્કાર વિષેના સ્વામી વિવેકાનંદજીને કહેવામાં આવેલો શ્રીરામકૃષ્ણદેવનો અનુભવ ઈસ્લામ ધર્મની પ્રાર્થનાને સુસંગત છે. ખરેખર કહું તો, એનો પડઘો પાડે છે.
ભક્તિસંપ્રદાયના વિકાસ અને પ્રસારમાં ઈસ્લામ ધર્મનો મોટો ફાળો છે, એ તો સર્વસ્વીકૃત હકીકત છે. મીરાં, ગુરુ નાનક, કબીર અને સુરદાસ જેવા રહસ્યવાદી સંતો આ ભક્તિસંપ્રદાયની જ દેણ છે. ઈસ્લામ ધર્મનો રહસ્યવાદી ચહેરો ‘સૂફીવાદે’ આપણી સમક્ષ ખુલ્લો કર્યો છે. અને ‘સૂફીવાદે’ ઘણી અગત્યની ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. રહસ્યવાદીની વ્યાખ્યા આપતાં અલ ગઝાલી કહે છે, ‘રહસ્યવાદી, માનવ સમાજના સડાને અટકાવવા માટે મીઠાની ગરજ સારે છે.’
કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર દિલ્હીના નિઝામુદ્દીન, શહદગંજના સંત ફરીદ, મોહીદીન ચીસ્તી અને આવા અનેક રહસ્યવાદી સંતોએ પોતાના આશ્રમો દ્વારા પ્રેમ અને સાર્વત્રિક ભ્રાતૃભાવનો સંદેશો ભારતમાં સર્વત્ર ફેલાવ્યો છે.
ઈશ્વરથી ડરવાને બદલે ‘ઈશ્વરને ચાહો’ એ બાબત ઉપર ભક્તિસંપ્રદાયની માફક સૂફીવાદે પણ ખૂબ જ ભાર મૂક્યો. અદ્વૈતવાદની પાયાની ફિલસૂફી સાથે સંપૂર્ણપણે મળતી આવતી ફિલસૂફીના જીવમાત્ર સાથે એકતાના સિદ્ધાંતને સૂફીવાદે લોકો સમક્ષ રજૂ કર્યો : વહદત-ઉલ-વજુદ (જીવ માત્ર સાથે એકતા)
મારું પ્રવચન પૂરું કરું એ પહેલાં, સાર્વત્રિક ભ્રાતૃભાવ અને ઈશ્વરની અદ્વિતીયતા, અદ્ભુતતા રજૂ કરતી અને તેમાં શ્રદ્ધા ધરાવતી એક પવિત્ર, ધીર ગંભીર કુરાનમાંથી લીધેલી પ્રાર્થના આપની સમક્ષ રજૂ કરીશ : In the name of Allah, the Beneficent, the Merciful, Owner of the day of Judgement, Thee (alone) We Worship. Thee (alone) We ask for help, show us the straight path, the path of those, whom thou hast favoured, Not the path of those who earneth thine anger.
હે અલ્લાહ! પરવર દિગાર, જગતના સ્વામી, હે દયાનિધાન, તારો જય હો! કયામતના દિનના બાદશાહ! તને એકને જ અમે ભજીએ છીએ. અમે તારી પાસે જ મદદ માટે હાથ લંબાવીએ છીએ. હે ખુદા! અમને સાચો- સીધો માર્ગ બતાવ. તે જેઓની ઉપર કૃપા કરી છે. એમને માર્ગે અમને દોરી જા. તેં જેમના ઉપર અવકૃપા કરી છે એમને માર્ગે ક્યારેય નહીં.
ભાષાંતરકાર : – ક્રાંતિકુમાર જે. જોશી
Your Content Goes Here




