રામકૃષ્ણ સંઘના ૧૨ મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે બેલૂર મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સાથે થયેલ ચર્ચાનો સંગ્રહ મૂળ બંગાળીમાં સ્વામી ઋતાનંદજીએ કર્યો હતો. એનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ છે. – સં.
પ્રશ્ન : મહારાજ, જપ કરતી વખતે શબ્દ ન બોલવાનું કે જીભ, હોઠ ન હલાવવાનું શા માટે કહે છે?
મહારાજ : કોન્સન્ટ્રેશન, એકાગ્રતા માટે જ. મન જેટલું કોન્સન્ટ્રેડ થતું જાય તેટલા પ્રમાણમાં હોઠનું હલન-ચલન શબ્દોચ્ચારણ બંધ થઈ જાય. મન એકાગ્ર થતાં જ આવું થાય છે અને આપણે એકાગ્રતા માટે વિપરીત રીતે ઉચ્ચારણ કર્યા વિના જપ કરીએ.
પ્રશ્ન : મહારાજ, માળાથી જપ કરતાં પહેલાં કરથી જપ કરવો પડે ખરો?
મહારાજ : હા, હું તો એમ જ કરું છું. કરથી જપ કરવા શ્રેષ્ઠ. જેટલું બાહ્ય અવલંબન રહે એટલું જ મન બહાર વિખરાતું રહે છે.
પ્રશ્ન : મહારાજ, અનેકવાર વધુ જપ કરવાની ઇચ્છાથી ખોટી ઝડપ આવી જાય તો ત્યારે શું કરવું?
મહારાજ : આવી ખોટી ઝડપ ન કરવી. જેમ મેં સૂચવ્યું છે તે મુજબ જપ કરવા પ્રયત્નશીલ રહેવું. સંખ્યાની ગણતરી કરવી એ મુખ્ય નથી. ખરી વાત તો એ છે કે ઠાકુર પ્રત્યે કેટલું મન રાખીને જપ કર્યા તે જ મહત્ત્વનું છે. યાદ રાખજો, તમે બધાં શ્રીઠાકુરના છો.
પ્રશ્ન : મહારાજ, મન એ જ ગુરુ, એ વાતનું તાત્પર્ય શું?
મહારાજ : મન એ જ ગુરુ નથી, અંતે તો મન જ ગુરુ બને છે એટલે કે મન શુદ્ધ થતાં થતાં અંતે શુદ્ધ મનમાં જાગે એ જ ગુરુ વાક્ય.
પ્રશ્ન : મન શુદ્ધ થયું છે એ કેમ જાણવું?
મહારાજ : જે ચિંતા ભાવનાને તમે અશુદ્ધ માનો છો અને અશુદ્ધ ધારણા છે એ બધું સાવ ન ઊઠે કે જાગે ત્યારે સમજવું કે મન શુદ્ધ થયું છે.
પ્રશ્ન : મહારાજ, વાણીનો સંયમ કોને કહે છે?
મહારાજ : હેતુ વિના બોલ બોલ કરવું નહિ. જ્યારે હું ઉત્તર કાશીમાં હતો ત્યારે નક્કી કરેલું કે નિરર્થક બોલવું નહિ. એક પછી એક દિવસો આવે છે ને જાય છે. મારે વાત કરવાની કાંઈ જરૂર જ જણાતી નહિ. ખરેખર સાવધ રહીએ તો જાણવા મળે છે કે વાત કરવાની બહુ જરૂર રહેતી નથી.
પ્રશ્ન : મહારાજ, ત્યાં તમે તપસ્યામાં એકલા હતા? (સૌનું હાસ્ય)
મહારાજ : એમ કેમ? બીજા સાધુઓ પણ હતા.
પ્રશ્ન : ભિક્ષા લેવા જતી વખતે ૐ નમો નારાયણ હરિ બોલતા નહિ?
મહારાજ : એ પણ બોલવું પડતું નહિ. ભિક્ષા માટે કતારમાં ઊભા રહેતા. ઝોળી ફેલાવીને ઊભા રહેતા કે અમને ભિક્ષા આપી દેતા. ગંગા કિનારે બેસીને જમીને ચાલ્યો આવતો.
પ્રશ્ન : મહારાજ, શું બીજા સાધુઓ પણ વાતચીત ન કરતા?
મહારાજ : બોલતા તો ખરાં, પણ કોઈ કોઈની સાથે જરૂર વિના વાત કરતા નહિ. અને વળી કોઈ વધુ વાત કરવા જતું તો એ તરફના સાધુઓ બહુ મળવાનું પસંદ કરતા નહિ. એટલે વાત કરવાની જરૂરત જ નહિવત્ હતી. હું મૌન જ રહીશ એવી કોઈ પ્રતિજ્ઞા મેં કાંઈ લીધી ન હતી. પ્રયોજન વિના ન બોલવું એટલે વાણીનો સંયમ. વાણી તો છે સૂક્ષ્મ ચિંતનનું સ્થૂળ કે બાહ્ય રૂપ. વાતચીતને અવરોધવી એ સંભવ છે. પરંતુ ચિંતન-વિચારને અવરોધવો અત્યંત કઠિન. સતત ચિંતન સ્રોત વહેતો રહે છે. મનને વિચારશૂન્ય કરવું એ અત્યંત કઠિન છે. અને નવાઈની વાત તો એ છે કે આપણે તો એ વિચાર પ્રવાહમાં તણાતા જઈએ છીએ. ઘણા સમય પછી જ્યારે હું જાગ્રત થાઉં ત્યારે એમ થતું કે શું આ નકામી માથાકૂટ કરતો હતો! એટલે હું સાવધ ન હતો. મન મને જે તફ લઈ જતું હતું, હું પણ એ તરફ જ જતો હતો. મનનું ધીરે ધીરે નિરીક્ષણ કરવાથી, મનને ઓળખી લઈએ પછી મનનો એ પ્રવાહ આપણને તાણી જાય નહિ. મન પર નિયંત્રણ આવશે. મન આપણા પર આધિપત્ય જમાવશે નહિ. મનની બીજી બાજુ વિશે હું ઘણું વિચારું છું, એ છે એક જ મન બે ભાગે વિભક્ત. એક છે દૃષ્ટા અને બીજું છે દૃશ્ય. આત્મલક્ષી મન અને અનાત્મલક્ષી મન. આત્મલક્ષી મન જ્યારે અનાત્મલક્ષી મનને નિરખે-જાણે ત્યારે મન સાથે આપણા વહી જવાનો સંભવ રહેતો નથી.
એટલે જ સ્વામીજીએ કહ્યું છે : ‘આસને બેસતાં જ ધ્યાન શરૂ ન કરો. મનનું થોડીવાર નિરીક્ષણ કરો. મન શું કરે છે એ જોતા રહો. જો જો ધીમે ધીમે એની દોડધામ બંધ થઈ જશે. મન એકાગ્ર થશે. પછી ધ્યાન કરવું જોઈએ.’ આમ કરતાં કરતાં તો નાસ્તાનો બેલ પણ વાગી જાય. (સૌનું હાસ્ય)
એટલે જ હું કહું છું કે મનને ચિંતારહિત કરવું એ અત્યંત કઠિન કાર્ય છે. એક શ્લોકમાં કહ્યું છે : ‘આસૂપ્તે આમૃતે કાલં નયેત્ વેદાંત ચિંતયા । દદ્યાત્ નાવસરં કિંચિદપિ કામાદિનાં મનાગપિ ॥’ એટલે કે જ્યાં સુધી ન ઊંઘીએ, જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી મનને હંમેશાં વેદાંતના વિચારોથી ભર્યું-ભર્યું રાખવું જોઈએ. એમ કેમ? એનાથી મનમાં કામાદિ શત્રુઓના પ્રવેશને અવસર સાંપડતો નથી. એટલે જ વાંચો વાંચો, ઉપનિષદો વાંચો.
હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) જાણે કે સાવ ઉઘાડી તલવાર. એમના શેષ જીવનમાં મેં જોયું તો એ વખતે પણ તેઓ ખૂબ સજાગ, સર્વદા સજાગ. જેમ ચિત્રમાં જોવા મળે છે, એવી સ્થિતિ અને તેઓ બધે સમયે ભાવમાં બેસતા. એકદમ ટટ્ટાર. શેનોય ટેકો લીધા વિના બેસતા. સામાન્ય રીતે બહુ ઓછી વાતચીત કરતા. પણ ધર્મચર્ચા બહુ કરતા, અનર્ગળ ચર્ચા કરતા. પછી તેઓ ખૂબ ચિંતન કરતા. ઉપનિષદના ભિન્ન ભિન્ન શ્લોક પર ગહનગંભીર ચિંતન કરતા. વિચાર, શાસ્ત્રપાઠ, ધ્યાનભજન જે કંઈ પણ કરો, પોતાને એના ચિંતનમાં ડૂબાડી દેવા જોઈએ. બે-એક અસાધારણ, વિરલ અધિકારી માટે કદાચ શાસ્ત્રપાઠની જરૂર ન હોય, પણ આપણા જેવા (મારી દૃષ્ટિએ) સાધારણ માનવ માટે શાસ્ત્રપાઠ અને એનું ચિંતન અત્યંત આવશ્યક છે.
પ્રશ્ન : મહારાજ, ઠાકુરે સત્યરક્ષા કરવા વિશે ઘણીવાર કહ્યું છે, એ કેવી રીતે કરવું?
મહારાજ : સત્યરક્ષા માટે કેટલું મૂલ્ય ચૂકવવું પડે છે એની તો તમે કલ્પના પણ ન કરી શકો. એટલે જ ‘હું સત્યરક્ષા કરીશ’ એવી પ્રતિજ્ઞા ન કરો. મનને કહેવું, જેટલું બનશે તેટલા પ્રમાણમાં સત્યરક્ષા કરવાનો પ્રયત્ન કરીશ. આ ભાવે સત્યરક્ષા કરતાં કરતાં જોવા મળશે, સત્ય માટે કેટલા બધા ત્યાગની આવશ્યકતા રહે છે.
પ્રશ્ન : મહારાજ, જ્યારે હું ઘરે હતો ત્યારે મનમાં એવું થતું કે ઘરબાર, સેવાચાકરી, આત્મીય સ્વજન આ બધી અધ્યાત્મ પથની આડખીલી. પણ હવે તો હું આ બધું છોડીને આવ્યો છું. તો પણ (ઈશ્વર માટે) એટલી બધી વ્યાકુળતા કેમ ઉદ્ભવતી નથી?
મહારાજ : હં. વ્યાકુળતા કાંઈ વૃક્ષનું ફળ છે, કે જેથી પટ દઈને નીચે પડે! વ્યાકુળતા તો જન્મ જન્માંતરની સાધનાનું ફળ છે. અને સર્વોપરી છે એમની કૃપા! શ્રીઠાકુરે કહ્યું છે, ‘વ્યાકુળતા આવે એટલે અરુણોદય થાય. ઈશ્વરમાં હવે કંઈ વાર નથી. વ્યાકુળતા આવે તો બધું થઈ જાય.’
પ્રશ્ન : મહારાજ, મનમાં કેમ બહુ જોર આવતું નથી? અત્યંત વ્યાકુળતા પણ કેમ નથી આવતી?
મહારાજ : (સસ્નેહ) વારંવાર ચિંતન કરવું, વ્યાકુળતા કેમ ન આવે! અને શ્રીઠાકુરને પ્રાર્થના કરતી વખતે આટલું પણ બોલવું, ‘વ્યાકુળતા કેમ આવતી નથી! હે ઠાકુર મને વ્યાકુળતા આપો.’ જપ, ધ્યાન, પ્રાર્થના આ બધું વધુ ને વધુ કરતા રહો.
(ક્રમશ:)
Your Content Goes Here




