પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે?
મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ કરવું. તો પછી કોઈને બોલવાનો વારો ન આવે. મન પ્રાણમાં કોઈના પ્રત્યે અસદ્ભાવ પણ ન રહે. જો ખરેખર કોઈના પ્રત્યે અસદ્ભાવ ન રહે તો કોઈનેય કટુવચન-વર્તન કરવા છતાં એના મનમાં એનો કોઈ પ્રભાવ નહિ પડે. ખરેખર તો કોઈનાય કટુશબ્દ આપણને દુ:ખ પહોંચાડતા નથી. કટુશબ્દની સાથે વ્યવહારવર્તનથી અસદ્ભાવને લીધે જ આપણને આઘાત પહોંચે છે. એટલે એવું જોવા મળે છે કે જેને આપણે ખૂબ ચાહીએ છીએ એને એકાદ બે ઠપકાની વાત કહેવાથી તેને મનમાં માઠું લાગતું નથી.
પ્રશ્ન: મહારાજ, લક્ષ્ય પ્રત્યે આપણે આગળ વધીએ છીએ કે કેમ એ કેમ જાણવું?
મહારાજ: લક્ષ્ય સમજવાના ત્રણ ઉપાય છે. પ્રથમ, શ્રીઠાકુર પ્રત્યે સાચો પ્રેમભાવ દિવસે દિવસે વધતો રહે. બીજું, ધીમે ધીમે સંશય ચાલ્યો જાય. ત્રીજું, લક્ષ્ય પ્રાપ્તિ માટે જે પ્રતિકૂળ હોય એના પ્રત્યેનું આકર્ષણ દિવસે દિવસે ઘટતું જાય છે.
પ્રશ્ન: મહારાજ, બરાબર સમજાતું નથી.
મહારાજ: આને સમજવું એટલું સરળ-સહજ નથી. એને સમજવા માટે મનને તટસ્થ બનાવવું જોઈએ. મન ચિંતાથી રંગાય તો આની ધારણા ન થાય. મન અત્યંત શાંત અને તટસ્થ થાય ત્યારે એ બધું સમજાય. એમ છતાં પણ હું એ વિશે કહેતો રહું છું કે એનાં ત્રણ લક્ષણ છે. પ્રથમ, ભક્તિ-વિશ્વાસ દૈનંદિન વધે. બીજો, શ્રીઠાકુર સિવાય અન્ય બીજા કોઈ પ્રત્યે આકર્ષણ ઓછું થતું જશે. ત્રીજું, ઉદ્દેશ્ય કે આદર્શ વિશે ધારણા સ્પષ્ટથી સ્પષ્ટતર થશે.
પ્રશ્ન: મહારાજ, શ્રીઠાકુર પ્રત્યે પ્રેમભાવ વધે છે કે કેમ એ સમજવું ઘણું કઠિન છે. અને એ મારા પહેલા પ્રશ્નનો એક ભાગ.
મહારાજ: હા, બરાબર. ભક્તિ અને પ્રેમ વધે છે કે કેમ એ સમજવું પણ કઠિન છે. એટલે એને સમજવા માટે ઉપર્યુક્ત બીજા પ્રત્યે લક્ષ્ય કરવું આવશ્યક છે. વિષયાદિ પ્રત્યે આકર્ષણ ઓછું થતું જાય છે, એ તો સમજાય ને!
પ્રશ્ન: હા મહારાજ, એ તો સમજી શકાય. વારુ મહારાજ, આપે જે કહ્યું કે ઉદ્દેશ્ય અથવા આદર્શના સંબંધે ધારણા દૈનંદિન દૃઢ થતી રહેશે; એ શું પોતાની મેળે જ અંદરથી થશે?
મહારાજ: પોતાની અંદરથી જ થશે. મૂળ વાત તો એ છે કે પથ ઘણો લાંબો છે. આપણે તો થોડું થોડું કરીને આગળ વધી શકીએ. ક્યારેક થોડાક આગળ નીકળી જઈએ છીએ તો વળી ક્યારેક પાછળ પણ રહી જઈએ છીએ. આમ કરીને આપણે કેટલા આગળ વધ્યા છીએ એ સમજવું ઘણું કઠિન છે.
પ્રશ્ન: વારુ મહારાજ, પ્રયત્ન કરવાથી વ્યાકુળતા વધે ખરી?
મહારાજ: એ સિવાય બીજો કયો ઉપાય છે, કહો ભાઈ! પ્રયત્ન સિવાય બીજો કયો ઉપાય હોઈ શકે?
પ્રશ્ન: નહિ મહારાજ, વચ્ચે વચ્ચે મનમાં એવું થાય છે કે કોઈ ભાગ્યવાન માનવીના જીવનમાં જ આવી વ્યાકુળતા આવે. એવું લાગે છે કે અમારા જેવા લોકોના જીવનમાં આવી વ્યાકુળતા નહિ આવે.
મહારાજ: વાસ્તવિકતા શું છે, એનો ખ્યાલ છે! અમારા જેવાને તો એમ લાગે છે કે એક એક પગલું ભરીને આગળ વધાય છે, ત્યારે જ તો થોડો વિશ્વાસ વધે છે અને સાહસ પણ વૃદ્ધિ પામે છે. ધારો કે જો એકદમ સીધા પહાડ પર આપણે ચઢવાનો પ્રયત્ન કરીએ તો તો પછી આપણે સાવ ઉપર પહોંચી ન શકીએ. પરંતુ થોડા ચડ-ઊતરના રસ્તે આપણે જઈએ તો ધીમે ધીમે કરીને આગળ વધીએ છીએ, એવું સમજી શકાય છે. સૌથી મોટી વાત તો એ છે કે શ્રદ્ધા રાખીને સાધનાપથમાં આગળ વધવાના મનોભાવને જીવંત રાખવો જોઈએ. બીજી વાત એ છે કે સંઘજીવનમાં બીજા ભાઈને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા જોઈને આપણો ઉત્સાહ વધે, સાહસ આવે અને મનમાં એવું પણ લાગે છે કે આપણે પણ પ્રયત્ન કરીને આગળ વધી શકીએ. સંઘજીવનમાં આ એક મજાનો લાભ.
પ્રશ્ન: મહારાજ, આપે એક દિવસ કહ્યું હતું કે સંઘજીવનમાં ઠપકો સહન કરવો એ પણ એક મોટો ગુણ છે. એ વિશે થોડી વધુ વાત કરો.
મહારાજ: હા, ઠપકો સહન કરી જવો, એ પણ મજાનો ગુણ છે. એકવાર એક બ્રહ્મચારીએ કોઈ એક ભૂલ કરી હતી. એટલે એક સાધુ એની ભૂલ બદલ ખૂબ ધમકાવતા હતા. એટલા બધા ધમકાવતા હતા કે મને લાગ્યું કે હવે થોડું વધી જાય છે.
મને ખૂબ માઠું લાગ્યું. આ બધું આટલું સારું નહિ, એવું મને લાગ્યું. બ્રહ્મચારીનું માથું ભમી જશે. છોકરાને ખૂબ દુ:ખ પહોંચ્યું છે એ જોઈને મને પણ ખૂબ માઠું લાગતું હતું. સાધુએ તો આટલો ઠપકાર્યો. પરંતુ બ્રહ્મચારીએ એક પણ શબ્દ ઊંચે અવાજે ઉચ્ચાર્યો નહિ. અંતે એણે આટલું જ કહ્યું: ‘મહારાજ, મારી ભૂલ થઈ ગઈ!’ આવા સરળ-સહજ ભાવે દોષનો સ્વીકાર કરવાથી મને જે આનંદ થયો એનું હું વર્ણન ન કરી શકું. આ વાત મને આજે પણ યાદ છે. કોઈ પણ રીતે પોતાના પક્ષનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યા વિના, એ વિશે તર્ક પણ કર્યા વિના, બહાના ન બતાવીને, ધીરસ્થિર ભાવે, સહજ-સરળ ભાવે દોષનો સ્વીકાર કરવો એ પણ એક અદ્ભુત મજાનો ગુણ છે. આ વિશે કાલીકૃષ્ણ મહારાજ (શ્રીમત્ સ્વામી વીરજાનંદજી મહારાજ)ના જીવનની એક ઘટના કહું છું:
કોઈએ એક ભૂલ કરી. સ્વામી વિવેકાનંદ સમજ્યા કે કાલીકૃષ્ણ મહારાજે ભૂલ કરી છે અને એને એમણે બહુ ધમકાવ્યા. પરંતુ કાલીકૃષ્ણ મહારાજ એક પણ શબ્દ ન બોલ્યા. પછીથી સ્વામીજીને ગમે તે રીતે ખ્યાલ આવ્યો કે એ ભૂલ કાલીકૃષ્ણ મહારાજની ન હતી. સ્વામીજીએ તરત જ એમને બોલાવીને પૂછ્યું: ‘અરે ભાઈ, તને તો એટલો ઠપકાર્યો, પણ તેં એમ પણ ન કહ્યું કે એ મારી ભૂલ નથી.’ કાલીકૃષ્ણ મહારાજે ધીરસ્થિર ભાવે કહ્યું: ‘કોઈને કોઈ પર આ તોફાન જવાનું હતું ને!’
Your Content Goes Here




