પાત્રો: ગદાધર, રામકુમાર, રામેશ્વર, ચંદ્રાદેવી, ગોર મહારાજ (શુકલ) ધની, જમીનદાર ધર્મદાસ લાહા.

ધનીમાનું ઘર

(નેપથ્યમાં કબડી રમાય છે, તેના અવાજ સંભળાય છે. તેની સાથોસાથ પકડ, પકડો. હેય, હેય. ના અવાજો સંભળાય છે. આ અવાજોમાં ‘ગદાઈ, પાછળ જો, સાવધાન.’ ‘ગદાઈ, જોરકર જોરકર, પટ્ટાને અડી જા.’ અને ‘પછી હેય, જીતી ગ્યા, જીતી ગ્યા.’ ધની મા, આ અવાજો તરફ નજર કરે છે. અને બૂમ પાડે છે.)

ધનીમા – ગદાઈ, એ ગદાઈ…

(બાળકોનો કોલાહલ – જીતી ગયાનો આનંદ સંભળાય છે.)

ધનીમા – ગદાધર, એ ગદાધર. મારો રોયો, રમવામાંથી નવરો થતો નથી. – અહીં આવે એટલે કબડી અને કાં મોઈ દાંડિયો રમવા ભાગી જાય – … ગદાઈ, એ ગદાઈ.

ગદાધર – (અંદરથી). આવું છું ધનીમા (ગદાધર આવે છે – કપડાં ધૂળવાળા થઈ ગયા છે. માથામાં ધૂળ ભરી છે તે જોઈને)

ધનીમા – (ગુસ્સામાં) આખો ધૂળ, ધૂળ થઈને આવ્યો, આમ તારાં કપડાં જો, આમ આવ, (કપડાં ખંખેરતા) આવાં ધૂળવાળા કેમ થઈ ગયા? અને માથામાં ધૂળ ભરી છે. – ધૂળથી નહાતો હતો?

ગદાધર – (પણ ધીમે ખંખેરીને) – અમે કબડી રમતા હતા. રમતાં રમતાં ધૂળ તો ઊડે જ ને?

ધનીમા – એમાં કપડાં ધૂળવાળા થાય? માથામાં ધૂળ પડે?

ગદાધર – ધનીમા, તું કોઈ વાર કબડી રમી છો? રમી હો ને તો ખબર પડે કે કપડાં કેમ ધૂળવાળા થાય?

ધનીમા – રમ્યા વગર મોટી થઈશ કાં?

ગદાધર – હું છે ને સામેના દળમાં દાવ આપતો હતો, એ લોકોએ મારો પગ પકડયો, એટલે નીચે પડી ગયો, અને પડયા પછી પટ્ટા સુધી બધાને ઢસડીને લઈ ગયો. બધા જ આઉટ. હવે ખબર પડી?

ધનીમા – શાબાશ, દીકરા શાબાશ.

ગદાધર – હવે બોલી (ચાળા પાડીને) શાબાશ દીકરા શાબાશ. આવતાંવેંત મને વઢવા માંડી’તી.

ધનીમા – એમ નહિ બેટા, તારા શરીરની ચિંતા તો થાયને!

ગદાધર – ચિંતા થાય એટલે ખીજાવાનું હોય?

ધનીમા – હશે દીકરા. હવે તને નહિ ખીજાઉં, બસ. જા હાથ-પગ અને મોઢું ધોઈને આવ.

(ગદાધર હાથપગ ધોવા જાય છે. ધનીમા તેને માટે નાસ્તો તૈયાર કરે છે. અને સાથે હાલરડું ગાતી જાય છે. ‘તમે મારા દેવના દીધેલ છો…’

ધનીમા – (હાલરડું ગાતા) ‘તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહો.

ગદાધર – ધનીમા, (અંદર આવીને) ધનીમા –

ધનીમા – લે આ ટુવાલ, બધું લૂછી નાખ.

ગદાધર – ના, તું લૂછી દે.

(ધનીના હાથમાંથી ટુવાલ લઈને હાથપગ લૂછી આપે છે.)

ધનીમા – (ધ્યાનથી જોતા) આ પગે શું વાગ્યું 

ગદાઈ?

ગદાધર – જમીન પર ઘસડાણોને એટલે થોડું છોલાઈ ગયું.

ધનીમા – લે ચાલ, આટલો નાસ્તો કરી લે.

ગદાધર – અરે વાહ, મને એવી ભૂખ લાગી હતી ને કે હું પૂછવાનો જ હતો ત્યાં તેં નાસ્તાની વાત કરી. મજા આવી. અરે વાહ ગુલાબ જાંબુ.

ધનીમા – આજે લઈ આવી. તારા માટે જ રાખ્યા છે –

ગદાધર – હે મા, તું મારી આટલી બધી સંભાળ શું કામ રાખે છે?

ધનીમા – જો તારે રમવું હોય તો અહીં આવે છે, દિવસમાં એકવાર તો તું અહીં આવે છે ઈ શું કામ એ વાત કરને?

ગદાધર – કહું, સાચે જ?

ધનીમા – હા કહે જોઈએ.

ગદાધર – છે ને! તેં મને દીકરો કર્યો છે ને એટલે સાચું ને? (બંને હસે છે)

ધનીમા – મારા રોયા, તને ખબર છે તો શું કામ પૂછતો હતો કહેને?

ગદાધર – તો બીજું પૂછું. સાચો જવાબ આપજે હોં?

ધનીમા – હા, સાચો જ જવાબ આપીશ.

ગદાધર – તેં મને દીકરો શું કામ કર્યો છે?

ધનીમા – એનો જવાબ તને આપું છું. પણ આમાંથી કાંઈ પડતું નથી મૂકવાનું –

ગદાધર – તું સાચી વાત કરીશ તો બધું જ ખાઈ જઈશ.

ધનીમા – તારો જન્મ થયો ને ત્યારે હું તારી પાસે હતી. – તું તો સાવ આવડો’ક હતો. – તારા શરીરે તેલ ચોળવું. તને નવરાવતી, તું છી કરતો, ત્યારે પણ તને સાફ કરતી. – તું ચાલતા શીખ્યો ત્યાં સુધી તને તેલ ચોળીને કસરત કરાવતી. હું આવું ને ત્યાં તું મને જોઈને એવો રાજી થતો કે તને તેડીને ખૂબ વહાલ કરી ત્રણચાર બચ્ચીઓ ભરી લેતી.

ગદાધર – અને થોડો મોટો થયો પછી?

ધનીમા – વાર તહેવાર હોય, ઘરે કાંઈ પ્રસંગ હોય કે બીજું કામ હોય ને તો ચંદ્રાદેવી પાસે જાઉં ત્યારે તું મારી પાસે આવતો, વાતો કરતો તો કયારેક વાર્તા સાંભળવા બેસી જતો.

ગદાધર – હું શેરીમાં રમતો થયો ને ત્યારથી તમારી પાસે તો આવું જ.

ધનીમા – તું પહેલી વાર અવાચક, બેભાન જેવો થઈ ગયો હતો. બધા થઈ ગયા ભેગા. કોક કે એને મૂઠ મારી છે, તો વળી કોઈક કહે એનો પગ કયાંક કુંડાળામાં પડયો હશે. તો વળી કોઈ વળગાડ છે એવું કહેતા. ચંદ્રાદેવી તો બહુ જ મૂંઝાણા – હું ય ત્યાં દોડીને આવી – મને ચિંતા તો થઈ પણ મારા મનમાં કોઈ વહેમ નહોતો. – તે વખતે તારા મોઢા પર તેજ કેટલું બધું હતું. હું તો મનમાં ‘નમો ભગવતે વાસુદેવાય’ બોલતી જાઉં ને ભગવાનને પ્રાર્થના કરતી જઉં. ત્યાં તો થોડીવારે તું ભાનમાં આવ્યો. ત્યારે જીવ હેઠો બેઠો.

ગદાધર – મને કોઈ પૂછે ને કે તારી માનું નામ શું? તો હું તરત કહું મારે બે મા છે. બોલો કોનું નામ આપું? એલા હા એક વાત તમને કરવાની છે.

ધનીમા – કઈ વાત છે વળી?

ગદાધર – ઘરમાં મને જનોઈ આપવાની વાતો થાય છે. બંને ભાઈઓ, અને માતાજી, વાતો કરતા હતા કે ગદાઈ મોટો થતો જાય છે, એટલે હવે જનોઈ આપવી જોઈએ. શુકલજીને અને વડીલોને બોલાવીને જનોઈનું મૂહુર્ત નક્કી કરવાના છે.

ધનીમા – બેટા ગદાઈ, તારી બા કોણ?

ગદાધર – મારાં બા ચંદ્રાદેવી.

ધનીમા – પણ તારી ધરમની બા કોણ?

ગદાધર – ધરમની બા તમે, ધનીમા તમે જ.

ધનીમા – સાચું કહે છે એલ્યા ગદાઈ?

ગદાધર – હા બા, સાચે જ તમે મારા ધરમના બા છો.

(આ સાંભળી ધનીમા હરખાય છે. ગદાઈનું બાવડું પકડી ખોળામાં બેસાડે છે. હેતથી આખા શરીરે પંપાળે છે – આંખમાં આંસુ ઊભરાય આવે છે.)

ધનીમા – (ગદાઈ ખોળામાં બેસાડી – વહાલ કરી બચ્ચી ભરે છે) મારો વહાલો દીકરો ગદાઈ (થોડીવાર પછી) ગદાઈ, તારી આ બાનું કહેવું કરીશ?

ગદાધર – એમાં શું? જરૂર કરીશ. તમારું કહેવું ન કરું એવું બન્યું છે કોઈ દિવસ? એવું બને ખરું?

ધનીમા – ત્યારે જો દીકરા ગદાઈ, તારી પાસે હું એક વચન માગું છું. તને જનોઈ દેવાય ત્યારે તારે બટુક તરીકે પહેલી ભિક્ષા મારી પાસે માગવાની અને કહેવાનું ‘મા, મને ભિક્ષા આપો.’ એમ કહીને તારે મારી પાસેથી પહેલી ભિક્ષા લેવાની.

ગદાધર – (એકદમ ઉત્સાહમાં) અરે મારી ધનીમા, ભલે, ભલે. જનોઈ લીધા પછીની પહેલી ભિક્ષા તમારી જ પાસેથી લઈશ. જાઓ, આ તમારો ગદાઈ વચન આપે છે.

(બંને એકબીજા સામે જુએ છે. ધનીમા ગદાઈને ગળે વળગાડે છે. પીઠ પર પંપાળે છે. થોડીવારે છૂટા પડે છે.)

ધનીમા – જા, બેટા, તારી મા તારી રાહ જોતી હશે.

ગદાધર – હા, મા. જાઉં છું. આવજો.

(ગદાધર જાય છે. ધનીમા થોડે સુધી તેની પાછળ જાય છે. અને ગદાધરને જતાં જોઈ રહે છે.)

દૃશ્ય બીજું

(ચંદ્રાદેવીનું ઘર. જનોઈ અંગેની વાતચીત ચાલે છે. રામકુમાર, રામેશ્વર, માતા ચંદ્રાદેવી, શુકલજી. ગદાધર, અને કુટુંબના વડીલ બેઠા છે.)

શુકલજી – હવે આવતી કાલે સવારે આઠ વાગે મંડપ મુહૂર્ત છે. ચોઘડિયાં પણ સારા છે.

ચંદ્રાદેવી – માણેક સ્થંભ તમે લેતા આવશો શુકલજી?

શુકલ – હા, માણેકસ્થંભ અને વાંસની બે સોટી હું લેતો આવીશ. બાકીની વસ્તુ લાવવાની યાદી રામકુમારને આપી છે.

ચંદ્રાદેવી – રામકુમાર, તારે બે કામ કરવાના છે. એક તો રસોયાને રસોઈની ચીજવસ્તુની યાદી આપવી. તેને રસોઈ બાબત સમજાવવાનું. અને આપણા વડીલ સગાંવહાલા છે એમને રૂબરૂ મળીને જનોઈ પ્રસંગે હાજરી આપવાનું અને જમવાનું કહેવાનું છે. તો મંડપ મુહૂર્તની ચીજવસ્તુની યાદી રામેશ્વરને આપ. એ બધું લઈ આવશે.

રામેશ્વર – મોટા ભાઈ, જ્યાં તમે ન પહોંચી શકો ત્યાં મને કહેજો. હું બધું કામ પતાવી દઈશ.

શુકલજી – રામેશ્વરની વાત સાચી છે.

રામકુમાર – એ તો અમે બંને ભાઈ સાથે બેસીને ગોઠવી લેશું.

શુકલજી – કાલે મંડપ મુહૂર્ત કરવા કોણ બેસવાનું છે.

ચંદ્રાદેવી – મંડપ મુહૂર્ત રામકુમાર અને તેની પત્ની શોભાદેવીના હાથે કરાવવાનું છે.

શુકલજી – તો ગદાઈને યજ્ઞોપવિત દેવા…

રામકુમાર – એ રામેશ્વર અને તેની પત્ની શુભલક્ષ્મી જનોઈ દેવા બેસશે.

શુકલજી – બટુક ભિક્ષા લેવા જશે. ત્યારે પહેલી ભિક્ષા કોણ આપશે?

ગદાઈ – જનોઈ અપાયા પછીની પહેલી ભિક્ષા હું ધનીમા પાસેથી લેવાનો છું.

રામકુમાર – (ગુસ્સામાં) એ શું બોલ્યો? બ્રાહ્મણનો દીકરો લુહારણને ત્યાં પહેલી ભિક્ષા લેવા જશે? આપણા કુળમાં કોઈ દિવસ શુદ્ર લોકોની વસ્તુ લેવાઈ છે?

ગદાઈ – પણ મેં ધનીમાને વચન આપ્યું છે કે પહેલી ભિક્ષા હું તમારી પાસેથી જ લઈશ.

શુકલજી – હવે એવા તે કાંઈ વચન હોય? ઘરનો અને આપણા કુળનો આચાર પહેલો કે વચન પહેલું? છોકરાના વચનની કિંમત કેટલી?

ગદાઈ – ભલે છોકરો છું, પણ મારામાં સમજણ છે હો. હું જો વચન ન પાળું તો જૂઠા બોલો ગણાઉં. બ્રાહ્મણના છોકરાથી ખોટું બોલાય? એમાંય તે જનોઈ ધારણ કરવાનો છું ત્યારે મારાથી અસત્ય બોલાય જ નહિ.

રામકુમાર – જો ગદાઈ, તને ધનીમા પ્રત્યે પ્રેમ છે, તને દીકરો માને છે, એ બધી વાત સાચી, પણ અત્યારે આપણા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે તારે એનું પાલન કરવું જોઈએ.

ગદાઈ – મોટા ભાઈ, હું તો એટલું સમજું છું કે બ્રાહ્મણથી ખોટું કામ થાય નહિ. જે સત્ય છે તેનું પાલન કરવું જોઈએ.

શુકલજી – રામકુમાર, ચંદ્રાદેવી, આ બધી છોકરમત છે. એવી વાત ધ્યાનમાં લેવાય જ નહિ.

ગદાઈ – શુકલજી તમે એમ માનતા હો ને કે આ મારી છોકરમત છે, તો જાઓ, મારે જનોઈ જ નથી પહેરવી.

(ગદાઈ ઊભો થઈને ચાલ્યો જાય છે)

ચંદ્રાદેવી – શુકલજી, તમે નાહકનો ગદાઈને છંછેડયો. અમારે તો ધરમ સંકટ આવીને ઊભું રહ્યું.

શુકલજી – માતાજી, હું તો કુળની પ્રતિષ્ઠા જળવાય રહે તે માટે પ્રયત્ન કરું છું, દુ:ખ તો મને થાય છે ગદાઈની જીદને કારણે, ચેટરજી કુળનો ધર્મ રસાતળ જવા બેઠો છે.

રામેશ્વર – કાંઈ નહિ, જવા દો. આ બધી તૈયારીઓ માંડીવાળો. બાકી આવો અધર્મ આપણા કુળમાં થવા ન દેવાય.

ચંદ્રાદેવી – એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. થોડી ધીરજ રાખો.

(જમીનદાર ધર્મદાસ લાહા પ્રવેશે છે.)

ચંદ્રાદેવી – (ઊભા થઈને) પધારો, પધારો ધર્મદાસજી. ઘણા સમયે દર્શન દીધા.

ધર્મદાસ – સમાચાર મળ્યા કે ગદાઈને જનોઈ આપવાની તૈયારી ચાલે છે. આવતી કાલે તો મંડપ મુહૂર્ત છે, મનમાં થયું કે લાવો, રૂબરૂ મળતો આવું અને કાંઈ કામકાજ હોય, કે મારી જરૂર હોય તો ઉપયોગી થાઉં. આપણે તો બે પેઢીથી અરસપરસ વ્યવહાર ચાલ્યો આવે છે.

ચંદ્રાદેવી – સાચી વાત છે. તમે કોઈ દિવસ અમને મૂંઝાવા દીધા નથી. ખરે વખતે અમારી પડખે ઊભા રહ્યા છો.

ધર્મદાસ – બધી તૈયારી થઈ ગઈ? મહેમાનો આવે તેમને માટે મારે ત્યાં પૂરતી સગવડ છે. એટલે એની ચિંતા ન કરશો. મંડપ મુહૂર્ત કાલે કેટલા વાગે છે?

શુકલજી – મંડપ મુહૂર્ત સવારે નવ વાગે રાખ્યું છે પણ…

ધર્મદાસ – કેમ અટકી ગયા? કાંઈ મુશ્કેલી હોય તો વાત કરો.

રામકુમાર – ગદાઈને પહેલી ભિક્ષા ધનીમા પાસેથી લેવી છે. બ્રાહ્મણનો છોકરો, લુહારણને ત્યાંથી ભિક્ષા લે, તો કુળની પ્રતિષ્ઠાને કલંક લાગે.

ધર્મદાસ – ધનીમા પાસેથી પહેલી ભિક્ષા લેવાનો આગ્રહ શું કામ છે?

ચંદ્રાદેવી – ગદાઈના જન્મથી પાંચ વરસ સુધી એની જ પાસે વધારે રહેતો. અત્યારે પણ ધનીમા પાસે ગયા વગર તેને ન ચાલે.

ધર્મદાસ – હા, એ વાત તો હું જાણું છું- ધનીમાને કોઈ સંતાન નથી એટલે ગદાઈને દીકરો કર્યો છે – એ તો સ્વાભાવિક છે પણ એમાં એની પાસે ભિક્ષા શું કામ લેવી?

ચંદ્રાદેવી – ગઈકાલે ધનીમાને ત્યાં રમવા ગયો હતો. વાતમાંથી વાત નીકળી કે જનોઈ દેવાની છે. – એટલે ધનીમાએ પૂછયું કે મારી પાસે ભિક્ષા લઈશ તું? ગદાઈએ તો તરત જ કહ્યું કે પહેલી ભિક્ષા તમારી પાસેથી જ લઈશ.

શુકલજી – અમે એને કુળની પરંપરા પ્રમાણે, બીજા કોઈ પાસેથી ભિક્ષા ન લેવાય, ધર્મશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ એમ સમજાવ્યો પણ એ માનતો જ નથી. જીદ લઈને બેઠો છે.

રામકુમાર – ગદાઈ કહે છે કે મેં ધનીમાને વચન આપ્યું છે. બ્રાહ્મણના દીકરાથી હવે ખોટું ન થાય.

ચંદ્રાદેવી – એક બાજુ તેનો નિ:સ્વાર્થ પ્રેમ છે, અને બીજી બાજુ કુળનો રિવાજ, આચાર અને પ્રતિષ્ઠા છે. ધર્મસંકટ આવ્યું છે.

ધર્મદાસ – હવે મારી વાત સાંભળો. જુઓ રામકુમાર એવી રીતે ભિક્ષા લેવાનો રિવાજ તમારા કુટુંબમાં પહેલાના વખતમાં નહિ હોય એ વાત સાચી, પણ અત્યારે તો બંદોપાધ્યાય, અને મુખોપાધ્યાય જેવા ઘણી ઊંચી પ્રતિષ્ઠાવાળાં કુટુંબોના રિવાજમાં સુધારો આવ્યો છે એમની પ્રથા બદલાય ગઈ છે. એટલે હવેના સમયમાં તમારી કે તમારા કુળની નિંદા થવાનો સંભવ નથી. સાચી વાત તો એ છે કે બાળકને તેમ કરવા દેવાથી નિ:સ્વાર્થ પ્રેમ – સંતોષ તથા વિશેષ તો તેના સત્ય પાલનથી તેની નિષ્ઠા જળવાઈ રહેશે. એ દૃષ્ટિએ ગદાઈને પહેલી ભિક્ષા ધનીમા પાસેથી લેવામાં કોઈ દોષ નથી.

રામકુમાર – બા, હવે તારું શું કહેવાનું થાય છે? બોલ.

ચંદ્રાદેવી – ધર્મદાસભાઈની વાત વ્યવહારુ અને સાચી છે – કુળની પ્રતિષ્ઠાને પકડી રાખશું તો, ગદાઈનું દિલ દુભાશે – ભિક્ષા લેવી એ મહત્ત્વનું છે કોની પાસેથી લેવી એ અગત્યનું નથી.

રામકુમાર – સર્વમંગલા, જોતો ગદાઈ કયાં છે. એને બોલાવ.

સર્વમંગલા – આ અહીં ઊભો ઊભો રડે છે. ભાઈ, મોટાભાઈ બોલાવે.

(ગદાઈ રડતા ચહેરે પ્રવેશે છે. રામકુમાર પાસે બેસે છે. રામકુમાર ગદાઈને પંપાળે છે.)

રામકુમાર – ગદાઈ, તને ધનીમા પાસેથી પહેલી ભિક્ષા લેવાની છૂટ આપીએ તો જનોઈ પહેરીશને?

ગદાઈ – સાચે જ મોટાભાઈ. – આ શુકલજી કાંઈ બોલશે નહિ ને?

ચંદ્રાદેવી – ના બેટા, જો ધર્મદાસજી એ કહ્યું કે ગદાઈનું મનરાજી કરો.

ગદાઈ – મા, ધનીમા કેટલી રાજી થશે નહિ?

રામકુમાર – અમે બધાં હવે રાજી છીએ.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.