વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના દિવ્ય સ્વરૂપની સંકલ્પના સેવી છે તે બીજી કોઈ સંસ્કૃતિએ સેવી નથી. વૈદિક સાહિત્યમાં આવતી શક્તિ એટલે આપણા સૌના ભીતર રહેતું ચૈતન્ય સ્વરૂપ છે. શક્તિ એ વૈશ્વિક ઊર્જા છે અને બધી સર્જનાત્મક ઊર્જાઓના પ્રાદુર્ભાવનું મૂળ સ્રોત પણ છે. ‘ત્વં પરા પ્રકૃતિ: સાક્ષાત્ બ્રહ્મણ: પરમાત્મન: ત્વત્તો જાતમ્ જગત્ સર્વં જગજ્જનની શિવે – તમે પરા પ્રકૃતિ કે સર્વોત્કૃષ્ટ બ્રહ્મ કે દિવ્ય શક્તિ કે ઊર્જારૂપ છો. તમારામાંથી જ આ વિશ્વમાં જે કંઈ છે તે ઉદ્ભવ્યું છે. એટલે જ તમે સર્વનાં માતા છો.’ ચંડીમાં કહેવામાં આવ્યું છે : ‘વિદ્યા: સમસ્તા: તવ દેવી ભેદા: સ્ત્રિય: સમસ્તા: સકલ જગત્સુ – હે દેવી! બધાં જ્ઞાન તમારાં વિવિધ રૂપે રહેલાં છે, આ વિશ્વમાં બધી સ્ત્રીઓ પણ તમારાં વિવિધ રૂપો છે.’ ભારતીય પ્રણાલીમાં શ્રીમાની પૂજાનું મહત્ત્વ આ છે – પ્રાચીનકાળથી જ સર્જન અને વિનાશ કરતી સર્વમાં રહેલી શક્તિની ઉપસ્થિતિમાં આપણે હંમેશાં માનતા હતા. એના પૂજક માટે તેઓ એક દિવ્ય કે કરુણાળુ માતા સિવાય બીજું કંઈ ન હતાં. તેઓ પોતાના ભક્તોને ચાહે છે અને એનું હંમેશાં રક્ષણ પણ કરે છે. માનવજાત માટે કલ્યાણ રૂપ બનનાર, વિદ્યાદાયિની, દયાળુ, ક્ષેમકરી અને સર્વના પર કૃપા વરસાવતી દેવી માતાનું આ સ્વયંભૂ વલણ કે મનોભાવના એ ખરેખર અત્યંત સૂચક અને મહત્ત્વની ભાવના છે. આ ભાવના ભારતીય પ્રણાલીની માતૃપૂજાની આધારભૂમિકા છે. એક માતાનું હૃદય જ આપણા જીવનમાં રહેલ સત્ય છે. તેની પૂર્ણ અભિવ્યક્તિ જ સાચા નિ:સ્વાર્થ પ્રેમ અને નિર્ભયતાને વધુ ઊજાગર કરે છે. આપણા માટે મા એટલે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. પ્રેમ બધા ભયને જીતી લે છે. આ દુનિયાથી પોતાની જાતને વેગડી બનાવીને આપણામાં ઉદ્ભવતા સ્વાર્થભર્યા વિચારોમાંથી ભય ઉદ્ભવે છે. આવી અવસ્થામાં ખરેખર આપણે મા વિહોણા કે અનાથ બની જઈએ છીએ. વત્તાઓછા પ્રમાણમાં જેમ જેમ આપણે આપણી જાતને વધુ સ્વાર્થી બનાવીએ તેમ તેમ આપણે માની સંરક્ષણની દીવાલથી અળગા થઈ જઈએ છીએ અને આપણો ભય પણ વધતો જાય છે.
વિશ્વની બીજી સંસ્કૃતિઓમાં, વિશેષ કરીને પશ્ચિમની સંસ્કૃતિમાં સ્ત્રી કે માતાની દેવી રૂપે પૂજાનો આદર્શ પુરુષપ્રધાન શક્તિશાળી ધર્મ સંસ્થાનોએ દબાવી દીધો. એને પરિણામે નારીઓના માતૃત્વનો આદર્શ ત્યાં વિકસ્યો નહિ. પરોક્ષ રીતે પશ્ચિમના નારીજગત પર અને એમાંયે વિશેષ કરીને અમેરિકામાં આનો ઘણો મોટો પ્રતિભાવ પડ્યો અને એને કારણે નારીમુક્તિ આંદોલનો ઉદ્ભવ્યાં. વિશ્વભરમાં પુરુષપ્રધાન સમાજના શોષણ સામેનો આ એક મોટો પ્રતિભાવ હતો. સ્ત્રીઓ માટે સમાન અધિકારની માગણીનું આ એક સામાજિક આંદોલન છે. એના દ્વારા પુરુષ સમોવડું સ્થાન અને સ્વતંત્રતા તેમજ પોતાના ધંધા, રોજગાર અને જીવન જીવવાની પદ્ધતિઓને સુનિશ્ચિત કરવાના સમાન અધિકારોની માગણી કરવામાં આવી હતી. એટલે જ આપણે સ્ત્રીઓ પ્રત્યેના અભિગમમાં ઘણું મોટું પરિવર્તન નિહાળી રહ્યા છીએ. આ નારીઓ પોતાના જીવનને પૂર્ણપણે, મુક્તપણે જીવવાની અપેક્ષા સેવે છે.
આપણી ભારતીય ધર્મપ્રણાલીમાં માનવમાં સફળતા, ગૌરવગરિમા અને ઉચ્ચતર ઉત્ક્રાંતિ લાવતી નારીશક્તિની દેવી રૂપે પૂજા થાય છે. એણે સમગ્ર ભારતીય સમાજ પર હંમેશાં ગહનતમ પવિત્ર અને નૈતિકતાનો ઉઘાડ કરતો પ્રભાવ પાડ્યો છે. પરિણીત કે અપરિણીત બધી નારીઓને હંમેશાં જગન્માતાના મૂર્તિમંત રૂપે જોવાતી. વિશ્વમાં એક માત્ર ભારત જ એક એવો દેશ છે કે જ્યાં જન્મદાતા માતાને જીવંત દેવી રૂપે પૂજવામાં આવે છે. ભારતીય જીવનપ્રણાલીમાં નારીના પત્નીત્વ કરતાં માતૃત્વને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમમાં નારીને કુટુંબમાં એક પત્ની તરીકેનું જ સર્વોચ્ચ સ્થાન મળે છે. આપણા ભારતીય જીવનધોરણ પ્રમાણે અહીં નારીઓની સ્થિતિ પુરુષો કરતાં ઊતરતી ક્યારેય ન હતી. અલબત્ત, છેલ્લી થોડીક સદીઓમાં પરદેશી શાસનકાળમાં એમની સંસ્કૃતિના પ્રભાવે નારીઓની અવમાનના ખૂબ થઈ હતી. વૈશ્વિક જીવનધોરણ ધ્યાનમાં લઈને મૂલવીએ તો ભારતની નારીઓ વધુ માત્રામાં સંતુષ્ટિ, સુખ અને માન ભોગવતી રહી છે. જ્યારે બીજા દેશોમાં રહેતી એમની ભગિનીઓને આટલા પ્રમાણમાં સંતુષ્ટિ, સુખ કે માન મળ્યાં નથી. પશ્ચિમના ઘણા લોકોની નજરે વિનમ્ર અને ડરપોક લાગતી ભારતીય નારી આજે રાષ્ટ્રીય જાહેર જીવનમાં ઘણા મહત્ત્વના સ્થાને જોવા મળે છે. ભારતની નારીને કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે ગણગણાટ વિના તેમજ વિનમ્રતાના ભાવ સાથે એમના પુરુષ સહસાથીઓ સહકાર આપે છે.
સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણમાં ભારતમાં બધી નારીઓ પ્રત્યેના માતૃત્વના આદર્શનું પુન: સ્થાપન જોયું હતું. શ્રીરામકૃષ્ણદેવનું જીવન એટલે જગન્માતાને સંપૂર્ણ સમર્પિત જીવન. એક મહાન સંન્નારી રાણી રાસમણિએ દક્ષિણેશ્વરમાં સ્થાપેલ જગન્માતા કાલીના મંદિરમાં તેઓ પૂજા કરતા. એમના પ્રથમ ગુરુ પણ એક મહાન નારી ભૈરવી બ્રાહ્મણી હતાં. ‘મા જ સર્વ કંઈ બન્યા છે’ના વેદાંતની ભૂમિકાના આદર્શ પર એમણે એક નૂતન ધર્મની ઉદ્ઘોષણા કરી. સ્વામી વિવેકાનંદને પણ ભગિની નિવેદિતાના નામે એક આયર્લેન્ડનાં નારી શિષ્યા હતાં. એમણે ભારતની નારીઓ, કેળવણી અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. શ્રીરામકૃષ્ણદેવના જીવનના ભગીરથ કાર્યને ઉપાડી લેનાર સંન્નારી હતાં એમનાં લીલાસહધર્મચારિણી શ્રીમા સારદાદેવી. એમણે નારી જાગરણમાં ભારતમાં આપેલ પ્રદાનને સમગ્ર વિશ્વ આજે ધીમે ધીમે જાણતું થયું છે. ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રણાલીઓની અવગણના કે અસ્વીકાર કર્યા વિના ભારતીય નારીઓ કેવી રીતે આધુનિક મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારી શકે, પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે તેમજ પોતાનો માન-મોભો અને શક્તિ જાળવી શકે, એ વાત શ્રીમાએ પોતાનાં જીવન અને સંદેશ દ્વારા રજૂ કરી છે. પોતાના જીવન દ્વારા એમણે એ પણ બતાવ્યું છે કે આધુનિકતા અને સ્વતંત્રતા પોશાક કે રીતભાત કરતાં પોતાના વિચારમાં વધારે માત્રામાં રહેલ છે. જો નારીઓ વિવેક અને વૈજ્ઞાનિક વલણ કે અભિગમ વિકસાવે તો તેઓ વધુ સરળતાથી મુક્ત બની શકે. આવા વલણને ઉજેરવાનું કામ સાચા શિક્ષણે કરવું જોઈએ.
આજે મધ્યમવર્ગ અને ઉચ્ચવર્ગની નારીઓ કામકાજ કે વ્યવસાયમાં ભાગ લઈ રહી છે. જે સ્ત્રીઓ એ કરી શકતી નથી, તે માત્ર ગૃહિણી તરીકે લઘુતાગ્રંથિનો અનુભવ કરે છે. શ્રીમાએ એક આદર્શ ગૃહિણી રૂપે કાર્ય કરીને પોતાના જીવન દ્વારા ગૃહિણીનું મહત્ત્વ અને ગૌરવ દર્શાવ્યું છે. દરેકેદરેક સ્ત્રી પોતાના કાર્યભાર કે વ્યવસાયના દરજ્જાને ધ્યાનમાં રાખ્યા વિના એક આદર્શ ગૃહિણીનો ભાગ સમાજમાં ભજવવાનો છે. પોતાના ઘરગૃહસ્થીને સુંદર રીતે ચલાવવા ઉપરાંત આવી ગૃહિણી સંઘર્ષનું નિવારણ કરે અને ઘરમાં શાંતિ અને સુસંવાદ લાવે તેવી અપેક્ષા પણ એની પાસે રાખવામાં આવે છે. શ્રીમાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે દૈનંદિન ઘરનાં કાર્યો કરવાંથી જ ઘરસંચાલનની વાત પૂરી થતી નથી. સાથે ને સાથે ગૃહિણીએ કુટુંબના દરેકે દરેક સભ્યનું કલ્યાણ થાય એના પર પણ નજર રાખવી જોઈએ. દરેકેદરેક કાર્ય ખંતથી, સુયોગ્ય સમયમાં અને યોગ્ય સ્થાને થાય એ પણ એમણે જોવું જોઈએ. શ્રીમા પોતાના જુદાં જુદાં મનોવલણવાળાં ભક્તજનો અને શિષ્યો સાથે રહ્યાં હતાં. તેઓ હંમેશાં ઝઘડતાં રહેતાં પોતાનાં ભાઈ-બહેનો તેમજ બીજા સગા-સંબંધીઓને પણ સાચવતાં. એ બધાંની સાર-સંભાળ તેઓ પ્રેમપૂર્વક લેતાં અને એમની સેવા પણ કરતાં.
કોઈના મનનને તેમજ વિલક્ષણ અભિરુચિને પોષવા કે પ્રોત્સાહન આપવા પોતાની સ્વતંત્ર બુદ્ધિ પર કેવો અને કેટલો ભાર દેવો એ પણ એમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. એમણે એ પણ શીખવ્યું છે કે વિનમ્રતા એ જ નારીનું આગવું ચારિત્ર્ય છે અને સ્ત્રીઓએ આ વિનમ્રતાને કેળવવી જોઈએ. આ વિનમ્રતાને કોઈ સ્ત્રીની લજ્જાળુતા કે દુર્બળતા ન ગણી લે એ પણ જોવું જોઈએ. વિનમ્રતા દ્વારા સ્ત્રીઓને માન-સ્થાન મોભો મળે છે. આજે જાહેર પ્રચાર-પ્રસારનાં માધ્યમો સ્ત્રીઓ કેવી રીતે પોતાનાં પતિ, સંતાનો અને કુટુંબ માટે કેટકેટલાં બલિદાનો આપે છે એની વાત અવારનવાર કરતાં રહે છે. પશ્ચિમના રંગે રંગાયેલી આધુનિક નારીઓ સમાજમાં આવી અસહાય અને કહ્યાગરી નારીઓના ચિત્રને ખોટું ગણાવીને એના સામે રોષ પણ વ્યક્ત કરે છે. આ બધું હોવા છતાં પણ ભારતમાં નારીઓને શક્તિસ્વરૂપા ગણવામાં આવે છે. એમના સેવા અને સમર્પણવાળા જીવનને શોષણ નહિ પણ હિંમત, પ્રેમ અને સાચા આનંદના એક કાર્ય રૂપે ગણવામાં આવે છે.
સદીઓથી નારીની દેવી રૂપે થતી પૂજા-પ્રણાલીના આ ઇતિહાસમાં અધ:પતન અને ઊર્ધ્વગામિતા જોવા મળે છે. ૧૯મી સદીના મધ્યભાગમાં માતૃશક્તિ કે માતૃત્વની પૂજાને શ્રીરામકૃષ્ણદેવ અને એમનાં પત્ની શ્રીમા સારદાદેવીના જીવનમાં પૂર્ણપણે પુનર્જાગ્રત થવી જોવા મળે છે. આ માતૃશક્તિ અને માતૃપૂજા આવતાં વર્ષોમાં સમગ્ર જગતમાં માનવજાતના સાર્વત્રિક કલ્યાણ માટે પુનર્જાગ્રત બનીને વિસ્તરતી બને એની આજનો ઇતિહાસ રાહ જુએ છે.
Your Content Goes Here




