(ગતાંકથી આગળ)
ગંગા એટલે વહેતા બ્રહ્મ
હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે કહેવામાં આવ્યું છે. હિંદુ માતાપિતા આ કાર્ય પ્રસન્નચિત્તે કરે છે. એક હિંદુ ભલે કેટલાય દિવસથી ભૂખ્યો હોય પરંતુ જ્યારે અતિથિ સત્કારની વાત આવે છે ત્યારે અતિથિને સંતોષવા માટે, એને પ્રસન્ન કરવા માટે તે ગમે તે કરી છૂટે છે. જો અતિથિ પ્રસન્ન થાય તો તે હસતાં હસતાં મૃત્યુને પણ ભેટી શકે છે. હિંદુ એને એક મોટો આદર્શ ગણે છે. જે લોકો ક્ષણિક સાંસારિક સુખને સર્વોપરિ માને છે તે લોકો આ પરમ વિચારની ભીતર રહેલા ઉત્તમ આદર્શને સમજી નહીં શકે. એ વ્યક્તિઓમાં નૈતિકતા નથી એ આત્મજ્ઞાનના મૂલ્યને સમજતા નથી. એમને ત્યાગ અને બલિદાનમાં કોઈ શ્રદ્ધા-વિશ્વાસ નથી. જે લોકો માયાના દલદલમાં ફસાયા છે અને મૃત્યુથી ડરે છે તેઓ આત્મત્યાગને એક અસભ્ય કૃત્ય માને છે. પરંતુ એમાં આ હિંદુ જાતિ અને સંસ્કૃતિની મહાનતા રહેલી છે. એક સાચો હિંદુ જ્યારે ગંગા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે એની ભાવનાને બીજા લોકો કેવી રીતે સમજી શકે. હિંદુ સિવાયના બીજા કોઈ ગંગાની પવિત્રતાને સમજી શકવાના નથી. ગંગાનો વિચારમાત્ર એક હિંદુના હૃદયના તારને ઝંકૃત કરવા માટે પૂરતો છે. એક હિંદુનો આત્મા શુદ્ધ કરવા માટે અને તેને પાપ તેમજ પ્રેમનાં બંધનોમાંથી મુક્તિ બતાવવા માટે ગંગામાં લગાવેલી એક ડૂબકી જ પૂરતી છે. પ્રાચીન ઋષિઓએ ધર્મગ્રંથોમાં ગંગા વિશે ઘણું ઘણું લખ્યું છે. ગંગા શિવનું તરલ રૂપ ગણાય છે. ‘શમ્ભો રમ્ભોમયી મૂર્તિ:’ એવું કાલિદાસે સાચું વર્ણન કર્યું છે.
ભગવાન શ્રીરામકૃષ્ણ કહેતાં : ‘ગંગાવારિ બ્રહ્મવારિ’ એટલે કે ગંગાનું પાણી જળરૂપે બ્રહ્મ છે પ્રત્યેક હિંદુ એક દિવસ એના તટે મરવાની અભિલાષા રાખે છે. એને સ્વર્ગની સીડી ગણવામાં આવે છે. ભૌતિકવાદી ગંગાની આ બધી વિશેષતાઓને સમજી નહીં શકે. તેઓ તો ગંગાને એક સાધારણ પાણીનું સ્રોત સમજે છે. તે એની ગોદમાં હિંદુઓ દ્વારા કરેલા આત્મસમર્પણને સાવ મૂર્ખતાપૂર્ણ કાર્ય ગણશે. પરંતુ એક સાચો હિંદુ આવું નહીં કહે, એને માટે ગંગા વર્ષો પહેલાં હતી તેવી જ આજે પણ પવિત્ર છે- સર્વતીર્થમયી ગંગા છે. આજે પણ એવા લોકો છે કે જે પોતે ‘અંતે ગંગાનારાયણ, બ્રહ્મ- જીવનના અંતિમ ચરણમાં ગંગા જ નારાયણ છે, ગંગા જ બ્રહ્મ છે’ એમ કહીને પોતાની જાતને ગંગામાં સમર્પિત કરી દે છે.
અંતિમ આહુતિ
વિશ્વમાં એવું કંઈ નથી કે જે પોતાના પ્રિયતમ આરાધ્યને અર્પિત નથી કરી શકતો. વિશ્વમાં બીજે ક્યાંય આપણે આવાં બલિદાન જોવા નહીં મળે. આર્યો પોતાની સર્વોત્તમ સંપત્તિ, પોતાના દેહનું બલિદાન, આપવાથી ક્યારેય ખચકાયા નથી.
જ્યારે પણ એક શ્રદ્ધાળુ હિંદુ, એક પવિત્ર મંદિર કે પવિત્ર સ્થળને જુએ છે કે તરત તેને વિશ્વ રચયિતાની યાદ આવી જાય છે અને માનવશરીરની મહત્ત્વહીનતા એના મસ્તિષ્કમાં રમવા માંડે છે. જો આવી પરમાનંદની ક્ષણોમાં એનો અંત થઈ જાય તો તેને પોતાની મહાન ઉપલબ્ધિ માને છે. જીવનનો આવો અંત એને સર્વાધિક આનંદ અપાવે છે.
બધા હિંદુ, યુવાન કે વૃદ્ધ આટલું જાણે છે કે આત્મા અમર છે, એટલે વિશ્વની આ ભાગની આર્ય જાતિ ક્યારેય પણ મૃત્યુથી ન ડરતી. જેવી રીતે એક સાપ પોતાની કાંચળી ઊતારી દે છે, તેવી રીતે એક હિંદુ પોતાના દેહનો ત્યાગ કરી દે છે. પછીના જન્મમાં તે એક અન્ય દેહ ધારણ કરે છે. એટલે આવા માનવપ્રાણી એક મહાન આદર્શને પ્રાપ્ત આ શરીરનો ત્યાગ કરવામાં જરાય અચકાતા નથી. પોતાના ઈષ્ટદેવની પૂજા કરવા કે બલિદાન આપવા કે પછી મનુષ્યજાતિ કે અન્ય જીવોની સેવાના ઉદ્દાત હેતુ માટે તે કંઈ પણ કરવા તત્પર રહે છે. આવા મનુષ્ય માટે પવિત્ર તીર્થસ્થળે કે પરમ નૈસર્ગિક સૌંદર્યને નિહાળીને પોતાના દેહનો ત્યાગ કરવો એ કઠિન વાત નથી. એની પુષ્ટિ કરવા માટે કેટલાય ઐતિહાસિક પ્રસંગ છે.
મુસ્લિમ સામ્ર્રાજ્ય દરમિયાન આર્ય સ્ત્રીઓ પોતાનાં ધર્મ અને સતીત્વની રક્ષા માટે મૃત્યુને ભેટતી. શું આ એમની નિડરતાનું પ્રમાણ નથી? સ્ત્રીઓ સ્વભાવથી નાજુક અને કોમળ તેમજ દયાળુ હૃદયની હોય છે. આવી સ્ત્રીઓએ મૃત્યુના ડરને ખંખેરી નાખ્યો. પશ્ચિમના ભૌતિકવાદી પૂર્વની નારીઓની આ વિશેષતાને ક્યારેય સમજી નહીં શકે. તે તો ભારતીયોને સદૈવ અસભ્ય સમજે છે. જેને હિંદુઓ મહત્ત્વપૂર્ણ સમજે છે એવી દરેક વસ્તુને તેઓ સમાપ્ત કરતાં રહે છે. શાસકના આ ક્રૂર અને મોં ફેરવી લેનારા વ્યવહારે લોકોને વધારે હઠીલા બનાવી દીધા છે. સ્વૈચ્છિક મૃત્યુની પ્રથા હજુ સુધી ચાલુ રહી છે. તે આજે પણ એનો અભ્યાસ કરે છે અને સભ્ય જગતને માર્ગદર્શન આપે છે. ભારતીય લોકોએ ભલે પોતાની રાજનૈતિક સ્વતંત્રતા ગુમાવી દીધી હોય પરંતુ આજે પણ આધ્યાત્મિક વિષયોમાં વિશ્વ માટે માર્ગદર્શક છે. ભારતીયો ખુલ્લે હાથે પોતાની આધ્યાત્મિક સંપત્તિ લુંટાવી રહ્યા છે. પશ્ચિમના સમાજને ભારતના આધ્યાત્મિક યોગદાન માટે ભારતનું આભારી બનવું જોઈએ. એ વાત સાચી છે કે બ્રિટીશ શાસન દરમિયાન સતી પ્રથા દૂર થઈ તેના પરિણામે કેટલાંક પ્રસંગે આરોપિત થતાં દબાણ પર સુયોગ્ય લગામ લાગી ગઈ. નિરંતર થતાં વિદેશી આક્રમણોએ ભારતીય જાતિનો હ્રાસ કરી નાખ્યો છે અને ભારતીય સમાજ અત્યધિક રુઢિવાદી બની ગયો છે. કેટલીક સ્વૈચ્છિક ધાર્મિક પ્રથાઓમાં સામાજિક બળપ્રયોગની પ્રવૃત્તિ પ્રબળ થઈ ગઈ છે. આના કારણે સતિપ્રથા બદનામ થઈ અને એને સામાજિક કુરીતિ ગણવામાં આવી. આને કારણે વંશસમૃદ્ધ સંસ્કૃતિથી પરિપૂર્ણ, મહાન અને પ્રાચીન હિંદુ સમાજ પાછળથી વિશ્વનો સર્વાધિક અસભ્ય સમાજ ગણાવા લાગ્યો.
વિશ્વના અન્ય કોઈ સમાજમાં દૈવી વિચારોમાં મગ્ન બનીને આ મનુષ્યદેહનો ત્યાગ કરવાની પ્રથા નથી. ચીની યાત્રી હ્યુએનસંગે લખ્યું છે કે, ભારત વિશ્વનું સૌથી વધુ વિકસિત રાષ્ટ્ર હતું, કોઈપણ રાષ્ટ્ર જ્ઞાન, પ્રૌદ્યોગિકી અને સમૃદ્ધિની બાબતમાં ભારતથી આગળ નથી નીકળી શકયાં, જો આવું ન હોત તો તે પોતાની માતૃભૂમિને છોડીને અહીં ન આવત. એ ભૂમિ એક પ્રાચીન સભ્યતા હોવાનાં બણગાં ફૂંકી શકે છે. જરા અંદાજ તો કરો કે એણે કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. શું આપણે એમ કહી શકીએ કે, જ્યારે હ્યુએનસંગ આવ્યો ત્યારે ભારત એક અસભ્ય સમાજ હતો અને તેણે આત્મવિનાશની પ્રથાને જોઈ હતી? શું આપણે એમ કહી શકીએ કે અત્યારે ભારત વધારે સભ્ય બન્યું છે અને આ ધરતી પર અંગ્રેજી શિક્ષણના પ્રચાર પછી આવી પ્રથાઓનો અંત આવ્યો?
હવે કોઈપણ એક વિધવા સ્ત્રીને પોતાના સ્વર્ગસ્થની ચિતા પર પોતાને જીવતી જાગતી બાળીને રાખ કરવા માટે ફરજ નહીં પાડી શકે. કોઈપણ પોતાના દેહનો ત્યાગ પોતાના પ્રિયતમ આરાધ્યને મળવાના આનંદમાં નહીં કરી શકે. કોઈપણ માનવ પોતાની જાતને પ્રયાગના પવિત્ર સંગમમાં ફેંકશે નહીં. આવું હોવા છતાં પણ દૈનંદિન આત્મહત્યાના દરમાં વૃદ્ધિ શા માટે થઈ રહી છે? એવા કેટલાંય લોકો છે કે જે પોતાને ગળે ફાંસો આપીને કે ઝેરીલી દવાઓ ખાઈને ખતમ કરી નાખે છે અને આ બધું માત્ર ઘર કે બહારના કોઈ વ્યક્તિ સાથે સામાન્ય ઝઘડાને કારણે. આપણા પૂર્વજો નીચ અને મૂર્ખ ન હતા.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ
પ્રયાગ વાસ્તવમાં એક મહાન તીર્થસ્થાન છે. આ એવું તીર્થસ્થાન છે કે જેણે ભૂતકાળની અસંખ્ય ઘટનાને નજરે નિહાળી છે. એ બધી ઘટનાઓ મારા સ્મૃતિપટ પર ઘૂમી રહી છે. આ નાના એવા વર્ણનપટમાં એ બધી ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કરવું એ મારા સામર્થ્યની બહારની વાત છે. આ સ્થાન આજે પણ એટલું જ મહાન છે. અત્યારે તમને અહીં પ્રાચીન ગૌરવ જોવા નહીં મળે પરંતુ જ્યાં સુધી પવિત્રતાનો પ્રશ્ન છે ત્યાં સુધી પ્રયાગ આજે પણ એટલું જ પવિત્ર અને આદરપાત્ર છે. ગંગા અને યમુનાના પાવન જળમાં ઊઠતાં બુદબુદા આજે પણ નરનારીઓમાં મહાન શક્તિનો સંચાર કરી શકે છે. જે ક્ષણથી આ પવિત્ર ભૂમિને ગંગા ને યમુનાનાં પ્રથમ પ્રવાહે સિંચિત કરી છે ત્યારથી જ એણે લોકોને મહાન કાર્ય કરવાની પ્રેરણા આપવાનું શરૂ કર્યું છે. આ મહાન નદીઓના મિલનને લીધે જ પ્રયાગમાં વસ્તુઓ ઘણી સારી રીતે ફૂલેફાલે છે. જમુના અપરાવિદ્યાનું પ્રતીક છે જ્યારે ભાગિરથી પરાવિદ્યાનું પ્રતીક છે. જમુના ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાસંગિની હતી એટલે જેવા કોઈપણ માણસ એને યમુનાને જુએ છે કે તરત તે ભક્તિભાવથી પ્રેરાય છે. જ્યારે ભાગિરથી પર નજર નાખતા જ એક તીર્થયાત્રીની બધી ઐહિક-સાંસારિક ઇચ્છાઓ ખતમ થઈ જાય છે. બંને નદીઓ પોતાનાં કાર્ય અત્યંત કુશળતાથી કરે છે. ભાગિરથી મનુષ્યને આ પૃથ્વી પર પોતાના (માનવ) અંતિમ દિન વિશે જાગૃત અને સચેત કરે છે તેમજ તેને અનાસક્તિ માટે પ્રેરે છે. જમુના સર્વાધિક ઉદાસિન વ્યક્તિને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવાનો પિપાસુ બનાવી દે છે. આ બંને નદીઓ પોતાના દૈવી ગુણોમાં પારંગત છે. એમની શક્તિના આધાર પર જ પ્રયાગ ટક્યું છે. પ્રયાગ કેવળ નદીઓનો સંગમ નથી પરંતુ એ પરસ્પર વિરોધી શક્તિઓ- પરમ આનંદ અને મહાન ત્યાગનું મિલન સ્થાન છે. પ્રયાગમાં જમુના પોતાના કિનારે પોતાના સમગ્ર ભંડારને ફેલાવીને સ્વયં ગંગામાં વિલીન થઈ જાય છે. તે ગંગાની ગૌરવપૂર્ણ સ્તુતિ કરતી રહે છે.
જ્યારે આપણે દિવ્ય સર્જન વિશે વિચારીએ છીએ ત્યારે આ વિશ્વમાં કોઈપણ વસ્તુની કલ્પના ઉદ્દેશ્ય વિના કરવામાં નથી આવી એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. નિર્મિત વસ્તુ પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરે છે અને બ્રહ્માંડ પોતાનું કાર્ય કરતું રહે છે. એટલે જ્યારે નગણ્ય જેવી ઘટના પણ આ બ્રહ્માંડમાં ઉદ્દેશ્યવિહોણી નથી તો ગંગા અને યમુનાનું આ સંગમ કોઈપણ ઉદ્દેશ્યવિહોણું કેમ હોઈ શકે? એટલા માટે મેં વિચાર્યું કે, હું પ્રયાગ વિશે આટલા વિસ્તારથી લખું. એટલે મેં કહ્યું હતું કે હિંદુઓ માટે આ સ્થાન પાવન સ્થળ અને શક્તિગૃહનું કાર્ય કરે છે. હિંદુઓના ગૌરવમય અધ્યાત્મ અને અનુકરણીય ચારિત્ર્યને સમજવાનું સામર્થ્ય બધાંમાં નથી. વિદેશી ધર્મપ્રચારકો કેવળ કાદવ ઉડાવવાના કાર્યમાં જ રચ્યાપચ્યા રહે છે અને પોતાની સાથે હિંદુઓનું સાચું ચિત્ર લઈને પાછા ફરતા નથી. પ્રાચીન આર્યપ્રજા જંગલી ન હતી. એમાંના કોઈપણ રીતિરિવાજ જંગલી ન હતા. મારે થોડો પથ છોડીને આ વાતોની ચર્ચા કરવી પડી છે.
આવો, હવે પ્રયાગના થોડાં ધૂળકણ પોતાના મસ્તક પર લગાવીને આપણે મંદાકિની અને કાલીગંગાના સંગમ તરફ આગળ વધીએ.
(ક્રમશ:)
Your Content Goes Here




