(ગતાંકથી આગળ)
હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત કરી. અહીં માટીનો કણેકણ જગદંબાની દિવ્યશક્તિથી ભર્યો છે, અહીંથી માતા પ્રત્યેક પ્રાણીમાં જીવન અને ચેતના ભરતી રહે છે. હે માતા! તમારા આ પાવનકારી ક્ષેત્રમાં ઊખી મઠના મહંત તમારી માયાથી અંધ બન્યો છે. તે પોતાની ભૌતિક સમૃદ્ધિના ઘમંડથી ફૂલાઈને બેઠો છે. હે માતા! આ મહંત તમારી મહાનતાથી સાવ અનભિજ્ઞ છે. એના નયન વારંવાર યાત્રીઓ અને એમની ભેટ તરફ આકર્ષાયેલાં રહે છે. હે મા! આપ મહાન છો! આપની જય હો!
બ્રહ્માંડની રાજધાનીનું મુખ્ય દ્વાર
હું અસંખ્ય વિચારોમાં મગ્ન બનીને ત્યાં ઊભો હતો. સ્વર્ગીય દૃશ્યોએ મારી ભીતર એક મહાપરિવર્તન કરી દીધું. આ સ્થાનનું મનમોહક સૌંદર્ય જોઈને કોઈ પણ વ્યક્તિ આવી જ રીતે પ્રભાવિત થઈ જવાનો. હું આટલા સમયથી એના નૈસર્ગિક સૌંદર્યનું વર્ણન કરવાનો પ્રયત્ન કરું છું. પરંતુ હું જાણું છું કે શબ્દો દ્વારા તેની ભવ્યતા અને વિશાળતા ભરી શકતો નથી. શબ્દોએ મને હરાવી દીધો છે. જ્યારે મેં ઊખીમઠથી હિમાલયને નીહાળ્યો ત્યારે મને લાગ્યું કે બ્રહ્માંડના સર્વોત્તમ સ્વામીએ પોતાની રાજધાનીની સ્થાપના કરી છે અને તેઓ સ્વયં ત્યાં વસે છે. ઊખીમઠ આ રાજધાનીનું પ્રમુખ પ્રવેશ દ્વાર છે. અમે મહંત સાથે થોડીક પળો વિતાવી અને એ સ્થાન તરફ ચાલી નીકળ્યા. મહંત કેટલીયે વાર આદિત્યરામ બાબુને ગઢવાલના જિલ્લાધ્યક્ષ વિશે પૂછપરછ કરી રહ્યા હતા.
શ્રીનગરની જેમ જ અહીં પણ હું નિરુત્સાહી બની ગયો. મેં ઉત્તરાખંડમાં બીજી વસ્તુઓ જોવાની આશા રાખી હતી. પરંતુ વાસ્તવમાં મને એ વસ્તુઓ જોવા મળી કે જેની મને આશા અપેક્ષા ન હતી. ઉત્તરાખંડમાં દાખલ થતાં પહેલાં મેં વિચાર્યું હતું કે હું બધી જગ્યાએ સાધનામાં લીન અનેક સાધુઓને જોઈશ, જ્યાં સંન્યાસી સમાધિમાં બેસીને ધ્યાન કરી રહ્યા હશે કે વેદાંત પર વાર્તા કે ગોષ્ઠી કરવામાં વ્યસ્ત હશે કે તેઓ યાત્રીઓ અને ભાગ્યહીન લોકોની સેવામાં લાગેલા હશે એવા અનેક મઠ મને અહીં જોવા મળશે. પરંતુ આ બે મઠમાં મેં જે કંઈ પણ જોયું તે અત્યંત નિરુત્સાહ કરનારું હતું. એટલે સારા એવા પ્રમાણમાં મારો ભ્રમ દૂર થઈ ગયો હતો. મેં અપેક્ષા કરી હતી એવી કોઈ પણ વસ્તુ જોઈ નહિ. મેં એવી પણ કલ્પના નહોતી કરી કે હિમાલય આટલો વિશાળ અને સુંદર હશે, તે એટલો મહાન હશે કે કેવળ એક નજરથી જ મનુષ્યને શુદ્ધ કરી દેશે અને એવી દિવ્ય ઊંચાઈ પર એને લઈ જશે. પરંતુ હિમાલયનાં પરિદૃશ્ય મારી સામે એક પછી એક ખૂલતાં ગયાં. મારી બધી નિરાશા અને બધાં દુ:ખ લુપ્ત થઈ ગયાં. મેં મારી જાતને એક પરમાનંદના આધિપત્યમાં જોઈ. હિમાલયથી હું એટલો રોમાંચિત થયો કે પછી તિબેટમાં ત્રણચાર વર્ષ વ્યતીત કર્યા પછી પણ મારી હિમાલયમાં રહેવાની ઇચ્છામાં જરાય ઊણપ ન આવી.
બદ્રિકાશ્રમના પાવનપ્રાંગણમાં નરનારાયણના રૂપે પ્રભુએ અવતાર લીધો છે. અહીં તેમણે વર્ષો સુધી તપસ્યા કરી છે. એમની તપસ્યાના પરિણામે જ આ સ્થાન સમસ્ત વિશ્વમાં અનન્ય બની ગયું છે. બ્રહ્માંડની માતા ગૌરી પોતાના પતિ બ્રહ્માંડના પિતાને કઠિનતપ અને આત્મસંયમ દ્વારા જ પ્રાપ્ત કરી શક્યાં હતાં. ભગવાન કૃષ્ણે ભક્ત શિરોમણિ ઉદ્ધવને ધ્યાન માટે અહીં રહેવાનું કહ્યું હતું. મહામુનિ વ્યાસ પોતાના શિષ્યો સાથે આ જ સ્થાને વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા. એવું લાગે છે કે આ સ્થાન વિશેષ રૂપે તપસ્યા અને ગહનમનન-ધ્યાન માટે બનાવાયું છે. ભગવાને આ સ્થાનનું નિર્માણ પણ એવી જ રીતે કર્યું છે. પરમ પૂજ્ય શંકરાચાર્યે અહીં અનેક મંદિરો અને મઠોનું નિર્માણ કર્યું છે અને એ રીતે આ સ્થાનને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્રબિંદુ બનાવી દીધું છે. સમગ્ર ધાર્મિક ગ્રંથોએ હિમાલયને બધા પાવનસ્થાનોમાં ઉત્તમ ગણ્યું છે અને એમ કહેવામાં આવે છે કે હિમાલય ‘આત્મા’નું ધ્યાન કરનારા બધા ઋષિ, મુનિ, સંતો અને આચાર્યોનું આશ્રય સ્થાન છે. સુપ્રબંધના અભાવે એ મઠોની એવી દુદર્શા જોઈને કોને દુ:ખ ન થાય? જે ઉદાત્ત વિચારો માટે મહાન આચાર્યોએ આ બધા મઠની સ્થાપના કરી હતી એને પૂર્ણતયા એ બધા ભૂલી ગયા છે. શું આપણા સૌને માટે આ વાત મહાન ખેદની વાત નથી? કોઈએ ઉત્તરાખંડમાં સાધુઓ કે અન્ય વ્યક્તિઓના લાભાર્થે કંઈ પણ કર્યું નથી. મહંત દૈનિક પૂજાના કાર્યને જોવા સિવાય બીજું કંઈ પણ કરતા નથી. આ વર્ષ દરમિયાન કેટલા યાત્રીઓ આવવાની સંભાવના છે, એમના દ્વારા મળનારી ભેટની રાશિનું અનુમાન, શું કોઈ રાજા કે અમીર વ્યક્તિના આવવાની આશાઅપેક્ષા છે કે નહિ એ વાતનો તે અંદાજ રાખે છે. આ રીતે વર્ષના પૂરા છ મહિનાનો સમય તે આવી મહત્ત્વહીન ગણના કરવામાં જ કાઢી નાખે છે. દૂર દૂરથી આવનારા યાત્રીઓ દ્વારા ભેટમાં અપાયેલ સારી સારી ચીજવસ્તુઓનો આનંદ તે પોતે અને તેમના પરિવારના સભ્યો માણે છે. આ વસ્તુઓની પ્રાપ્તિ એમને માટે અત્યંત સુલભ છે કારણ કે તેઓ દેવતાની પૂજા કરનારા પૂજારી છે. આ પહાડી ક્ષેત્રોમાં આવી વસ્તુઓ દુલર્ભ હોય છે. ગોળનો એક ટૂકડો જ કોઈને લલચાવવા માટે પૂરતો છે. પરંતુ મહંત અને એમના પરિવારના સભ્યો સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ, મિઠાઈઓ અને વિલાસિતાની બીજી વસ્તુઓનો આનંદ માણે છે.
સંન્યાસી અને ગૃહસ્થ
આ મહંતો અને મઠોના સહવાસીઓ પાસે વધારે અપેક્ષાઓ રખાય છે. વાસ્તવમાં જ્યારે રાષ્ટ્રિય હિત અને સામાજિક હિતની વાત હોય છે ત્યારે તેઓ બધાથી વધારે કામ કરી શકે છે. એક સંપન્ન ગૃહસ્થ અને એક ધોતીધારી સંન્યાસીમાં કેટલું અંતર છે? જ્યારે એક સંપન્ન ગૃહસ્થ પાસે તે પોતાની સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે કરશે તેવી આશા રાખી શકાય છે. એક નિર્ધન સંન્યાસી પાસે તે બીજાને માટે પોતાના પ્રાણ પણ અર્પણ કરી દેશે એવી અપેક્ષા સેવાય છે. અહીં હું પાછલા વીતેલા વર્ષોનાં આદર્શ એવા સંન્યાસી અને ગૃહસ્થની વાત નથી કરતો. હું આજના સમયના લોકોની વાત કરું છું. એક ધનવાન વ્યક્તિ ભલે ગમે તેટલો ઉદાર હોય તો વધારેમાં વધારે તે પોતાની સંપત્તિ બીજાના હિત માટે અર્પણ કરી શકે છે. પરંતુ તે પોતે પોતાની જીંદગી બીજા માટે અર્પણ કરી શકતો નથી. એને માટે ગૃહસ્થ જીવનનાં નાજુક બંધનોને તોડવાં વાસ્તવમાં ઘણું કઠિન છે. પરંતુ સંન્યાસી સાથે આવું નથી હોતું. એક નિર્લિપ્ત સંન્યાસીને આ માયાના સંસારમાં કોઈ પણ બાંધી શકતો નથી. સંન્યાસી એક સ્વતંત્ર પક્ષી એને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ બાબતમાં ઓછામાં ઓછી આસક્તિ હોય છે, છતાં પણ તે વિશ્વના હરેક પ્રાણીઓને પોતાનાં સમજે છે. કેવળ આવી વ્યક્તિ જ સ્વાભાવિક રૂપે આ નાશવંત શરીર વિશે જરાય વિચાર કર્યા વિના માનવની સેવામાં આ જીવનનો ત્યાગ કરી શકે છે. એટલા માટે હું કહું છું કે આ મહંત ઇચ્છે તો તેઓ લોકોની સેવા પોતાને અધિન બધા સાધનોને કામે લગાડીને કરી શકે છે. તેઓ ઇચ્છે તો પોતાના શિષ્યોને નિર્ધન અને જરૂરતવાળા લોકોની સહાય કરવા માટે આદેશ પણ આપી શકે છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે જે મહંતોએ પોતાની સંગૃહીત સંપત્તિનો ઉપયોગ વધારેમાં વધારે લોકોના કલ્યાણ કરવા માટે વાપરવી જોઈએ તે એ સંપત્તિને ખૂલે હાથે પોતાના સગાંસંબંધીઓ માટે ખરચી નાખે છે.
ઊખી મઠના આ મહંત પ્રાય: એક નિશ્ચિત તારીખે લોકદર્શન માટે કેદારનાથ મંદિરનાં દ્વાર ખોલી નાખે છે અને પછી તેઓ પાછા આવી જાય છે. મંદિર માટેના દૈનંદિન કામકાજ એમના શિષ્યો અને સેવકો દ્વારા થતાં રહે છે. એમને માટે કેદારનાથમાં પૂરા છ મહિના પસાર કરવા એક પૂરી કસોટીનો સમય બની જાય છે. ઘણી ઠંડી અને બીજી કેટલીયે અસુવિધાઓ હોય છે. એટલે મહંત એના કરતાં વધારે ઉષ્ણતાવાળા સ્થાન પર પાછા જવાનું પસંદ કરતા હોય છે. મહંતને આ પાવન મંદિરના મુખ્ય પૂજારી રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ઈશ્વરની સેવા કરવાના પોતાના આ કર્તવ્યથી તે દૂર રહે છે. આમ હોવા છતાં પણ મંદિરની સંપત્તિ અને મંદિરમાં આવતી દૈનિક ભેટના તેઓ કાયદેસરના માલિક છે. સેવારત પૂજારી અને સેવક મહંતના આદેશ સાથે કોઈ દાદ-ફરિયાદ કર્યા વિના રહી શકે છે. તે દરરોજ સવારે કડકડતી ઠંડીમાં સ્નાન કરે છે અને મંદિરની દૈનિક પૂજા પૂર્ણ કરે છે. એ લોકો વાસ્તવમાં ઘણા દુ:ખકષ્ટ ભોગવે છે. મહંતને એની કોઈ પરવા નથી હોતી અને આવા પૂજારી કે સેવક આટલો કઠિન પરિશ્રમ કરે છતાં એમને નહિવત્ મહેનતાણું મળે છે. શું આ હાસ્યાસ્પદ નથી લાગતું?
(ક્રમશ:)
Your Content Goes Here




