ફરી ફરીને જતો રસ્તો

ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો ઉત્તરકાશી થઈને જાય છે. જે યાત્રી ગંગોત્રી આવે છે તે આ બંનેમાંથી  કોઈ પણ એકની પસંદગી કરી શકે છે. હું પણ જાણીતા રસ્તેથી ગયો હોત પરંતુ એક વિશેષ કારણથી ટિહરી પાછો આવ્યો. હું ગંગોત્રી જવા માટે નીકળ્યો તે પહેલાં ટિહરીમાં સાંભળ્યું હતું કે ટિહરી અને દેવપ્રયાગની વચ્ચે ગાઢ જંગલોમાં ચંદ્રવદની દેવીનું એક સુંદર મંદિર છે. આ મંદિર ઢાળવાળી પહાડી પર મુકુટની જેમ શોભે છે. એ દાક્ષાયણી સતીનાં બાવન પાવન સ્થળોમાંનું એક છે. મેં એના વિશે સાંભળ્યું હતું ત્યારથી જ એ સ્થાનની યાત્રા કરવાની મારી ઇચ્છા હતી. હું મારી બદ્રીનારાયણ અને કેદારનાથની યાત્રા કર્યા પછી જો કોઈ પણ કારણવશાત્‌ આ સ્થળે પાછો ન ફરત તો મેં એ મંદિર જોયું ન હોત. એટલે હું ટિહરી પાછો ગયો અને પછી લાંબે રસ્તે કેદારનાથ અને બદ્રીનારાયણ ગયો. એ વાત સાચી છે કે જો હું ભટવારીથી સીધો આગળ જાત તો મારી બદ્રીનારાયણની યાત્રા અર્ધા સમયમાં પૂરી કરી શકત. પરંતુ અહીં સમયનું કોઈ મહત્ત્વ ન હતું.

ઉત્તરકાશીમાં અતિસાર

હું મારી વળતી યાત્રામાં જે રસ્તેથી ગંગોત્રી ગયો હતો એ જ રસ્તેથી આવ્યો. પરંતુ આ વખતે ઉત્તરકાશી પહોંચ્યા પછી મને ખૂબ ઝાડા થઈ ગયા. જેને લોકો પર્વતીય પ્રદેશના ઝાડા તરીકે ઓળખે છે એવું જ થઈ ગયું. પેટમાં ખૂબ પીડા થતી હતી. હું શું કરું એ મને સમજાતું ન હતું. ઉત્તરકાશી એક પવિત્ર સ્થળ છે, એક નાની કાશી જ. અહીં પણ મણિકર્ણિકા ઘાટ છે અને વિશ્વનાથ, અન્નપૂર્ણા એવં અન્ય દેવદેવીઓનાં મંદિર પણ છે. તીર્થયાત્રાના દિવસોમાં અહીં ખૂબ ગીરદી રહે છે. ઓછી વસતીવાળાં ક્ષેત્રોની સરખામણીમાં આ શહેર ગાઢ વસતીવાળું છે. વારંવાર શહેરમાંથી બહાર જવામાં બચવા માટે મેં શહેરની બહાર ગંગાને કિનારે આશ્રય લીધો. ત્યાં ચારેય તરફ મોટી મોટી પહાડીઓ હતી. મેં વિચાર્યું કે જ્યાં સુધી હું સાજો ન થઈ જાઉં ત્યાં સુધી આ નિર્જનસ્થાનમાં જ રહું એ વધુ સારું રહેશે. અતિસાર બે દિવસ સુધી રહ્યો અને હું શહેરમાં જવાનું વિચારી પણ ન શક્યો. હું ખૂબ અશક્ત બની ગયો હતો અને ગામ ઘણું દૂર હતું; એટલે એ બે દિવસોમાં મેં એક પણ માણસને ન જોયો. ત્રીજે દિવસે મેં શહેરમાં પાછા ફરવાનો વિચાર કર્યો.

સેવક દેવદૂત

આવો વિચાર મારા મનમાં આવ્યો ત્યાં જ મેં જોયું કે એક માણસ મારા તરફ આવતો હતો. એ આ ઇલાકાનો હતો. એનાં કપડાં થોડાં ગંદાં હતાં. એણે મારા ક્ષેમકુશળ પૂછ્યા. હું બિમાર હતો એ એને ખબર પડી એટલે તે મને શહેરમાં લઈ જવા માટે આવ્યો હતો. એને જ્યારે મારી પાછલા બે દિવસની દયનીય દશા વિશે ખ્યાલ આવ્યો ત્યારે એની આંખોમાં આંસું આવી ગયાં. એના સહાનુભૂતિપૂર્ણ પ્રશ્નોને કારણે મારું મન પણ ભરાઈ આવ્યું. મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો: ‘આ માણસ કોણ હોઈ શકે? કોણે એને અહીં મોકલ્યો હશે? શા માટે એ પોતે મને આરામસુખ આપવા આટલું બધું કષ્ટ સેવે છે?’ કોઈની મદદ વિના શહેર તરફ જઈ શકવું એ મારે માટે અશક્ય હતું. આ અતિસારના ભયાનક હુમલા પછી મારી ગુમાવેલી શક્તિને પાછી મેળવતાં મને કેટલાય દિવસ લાગ્યા.

એ માણસના આગમન પહેલાં આવી અજાણી જગ્યાએ હું ક્યાં જઈ શકું એમ છું એ વિશે વિચાર કરતો હતો. મને કોણ વધારે રાંધેલા થોડા ભાત અને એની સાથે લીંબુ આપશે, મારે આ વિષય પર વધારે વખત વિચાર કરવો ન પડ્યો. એને તો જાણે કે ભગવાને મોકલ્યો હોય એમ એ માણસ આવ્યો. મને મારી ચિંતાઓમાંથી મુક્તિ મળી ગઈ. એણે કાળજીપૂર્વક મને ઊભો થવામાં મદદ કરી અને મને ટેકો આપીને ધીમે ધીમે પોતાની ઝૂંપડી સુધી લઈ ગયો. શહેરના આ છેડે એક નાની એવી એની ઝૂંપડી હતી. એમાં બે ત્રણ માટીનાં વાસણ હતાં અને ત્રણ પથ્થરોથી બનાવેલ એક ચૂલો. ઝૂંપડીમાં માત્ર આટલી જ સંપત્તિ હતી. તે ક્યાંકથી મારા માટે એક લીંબુ લાવ્યો અને ઝડપથી થોડા ભાત રાંધી આપ્યા. એણે મને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. મને આરામ મળે એટલા માટે એણે ઘણા પ્રયત્ન કર્યા. જ્યારે મેં ભોજન પૂરું કર્યું ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો. જ્યારે જ્યારે હું આ ઘટનાને યાદ કરું છું ત્યારે મારા મનમાં અત્યંત સુખદ ભાવો પ્રદીપ્ત થઈ ઊઠે છે. અહા! અતિથિને ભોજન કરાવીને એને કેટલો બધો સંતોષ થયો હતો! આટલા વર્ષો દરમિયાન કેટલા અતિથિઓ અને કેટલા રોગીઓ આ ઝૂંપડીમાં આવી ગયા હશે એની મને ખબર નથી. આ સાધારણ ઝૂંપડી અને એના સીધાસાદા માલિકે મારા પર ઘેરી છાપ પાડી. આવા એક સાધારણ વ્યક્તિમાં સ્વાભાવિક ઉદારતા અને સહજ સ્નેહમય વ્યવહાર જેવી આ મહાન વિશિષ્ટતાને કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂલી ન શકે. ત્યાં જમવા માટે કોઈ થાળી કે બીજાં વાસણ ન હતાં. બે સપાટ પથ્થર હતા. ખાવાનું એના પર પીરસવામાં આવ્યું. અને અમે પણ ઇચ્છા પ્રમાણે, મન ભરીને જમ્યા.

બાહ્યપાગલપણાની ભીતર રહેલ વિરલ સંવેદનશીલતા

ઉત્તરકાશીની આ ઝૂંપડી એના નિવાસી માલિક સાથે સદૈવ મારા હૃદયપટલ પર ચિત્રાંકિત બની ગઈ છે. આ દયાળુ અને દાનવીર વિશે કદાચ કોઈ વધુ જાણતું ન હતું. સંભવ છે કે ઉત્તરકાશીના બધા લોકો એને પાગલ સમજતા હોય. તે ઉત્તરકાશી નજીકના કોઈ એક ગામમાં રહેતો હતો. તે બ્રાહ્મણ હતો અને દેખાવમાં પણ આકર્ષક હતો. પરંતુ તે પોતાના વ્યક્તિગત બાહ્યદેખાવ પ્રત્યે ઠીક ઠીક પ્રમાણમાં ઉદાસીન દેખાતો હતો. વાળમાં તેલ પણ લગાડેલું ન હતું, વાળ ઓળેલા ન હતા. એના કપડાં યે વધારે સાફ સ્વચ્છ ન હતા. આ બધાંને લીધે એનો બાહ્ય દેખાવ કોઈને આકર્ષી ન શકતો. આ બધું હોવા છતાં પણ એના ચહેરા પર એક પ્રાકૃતિક તેજ હતું. તેના મુખ પર હંમેશાં હાસ્ય તરવરતું. એટલા માટે એને જોઈને કોઈ પણ વ્યક્તિ એવું સમજતો કે એ પાગલ હશે. પરંતુ મેં વિચાર કર્યો કે તે જાણી સમજીને પાગલ જેવો લાગતો હતો. જેને લીધે લોકો તેની મહાનતાને ઓળખી ન જાય.  વાસ્તવમાં તે એવું ઇચ્છતો હતો કે બીજા લોકો તેનો અનાદર કરે અને નકામો સમજીને એને એક બાજુ ધકેલી દે એવું મને લાગ્યું. એટલે લોકોને એના વાસ્તવિક સ્વભાવનો ખ્યાલ ન આવે. જો કે તે બ્રાહ્મણ હતો બધાને ચાહતો હતો અને અતિથિઓની મુશ્કેલીઓના સમયે એમની સેવા કરતો હતો. તે પોતે જાતિગત નિયમોનું પાલન નહોતો કરતો એને કારણે એમની જ્ઞાતિના બીજા લોકો એને પાગલ ગણતા હતા અને એ બધાએ એનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ મને એનામાં પાગલપણાનું કોઈ ચિહ્‌ન જોવા ન મળ્યું. તે જાણે કે રાખથી ઢંકાયેલા તેજ અગ્નિથી ધધકતા કોલસાનો ટુકડો હતો. જ્યારે તે બીજા લોકો સાથે વાત કરતો હોય ત્યારે તે અસંગત રૂપે અહીં તહીંની વાતો કરતો. પરંતુ મારી સાથે ક્યારેય આવી વાતો કરી ન હતી. જ્યારે તે મારી સાથે વાતો કરતો ત્યારે તે ઠીક ઠીક પ્રમાણમાં સીધોસાદો અને સંતુલિત અને સમજદાર લાગતો.

આ અસામાન્ય માનવનાં ધૈર્ય અને પ્રેમપૂર્ણ સેવાસુશ્રૂષાને કારણે હું બે ત્રણ દિવસમાં જ સંપૂર્ણ સાજો થઈ ગયો. લોકોની દૃષ્ટિએ આ નાની એવી ઝૂંપડીનું કોઈ મહત્ત્વ ન હતું. પરંતુ મારા માટે એ જીવનપર્યંત યાદ રાખવા યોગ્ય સર્વાધિક પાવનસ્થળ હતું. એને કોણે મારા વિશે અને મારી માંદગી વિશે બતાવ્યું હશે અને કયા કારણવશ તે એ એકાંત સ્થળે આવ્યો અને આટલું બધું કષ્ટ ઉઠાવીને મને એ સાવ અજાણ્યાને સ્વસ્થ બનવામાં મદદ કરી એ વિશે હું કેવળ આશ્ચર્ય જ વ્યક્ત કરી શકું છું. એને મારી એટલી સારસંભાળ લેવાની કઈ આવશ્કતા હતી? ઓછી સહાનુભૂતિશીલ હૃદયવાળો કોઈ પણ માણસ એને સમજી શકશે નહિ. એટલું જ નહિ કે તેણે કેવળ મારી સેવા કરી હતી. પરંતુ કોઈના ય દુ:ખમાં મદદ કે સેવા કરવી અને એને માટે પોતાનું એકઠું કરેલું ભોજન એમને અર્પણ કરવું એ જાણે કે એની સહજ આદત બની ગઈ હતી. એને આમ કરવામાં ઘણો આનંદ થતો. એને પોતાને માટે તો બહુ ઓછા ભોજનની આવશ્યકતા હતી અને જે કંઈ પણ થોડું ઘણું ભોજન એને વિનમ્રતાપૂર્વક આપવામાં આવતું હતું  તેનાથી તે સંતુષ્ટ રહેતો. એના ચહેરા પર સદૈવ શાંત અને સૌમ્યભાવ રહેતો.

સુગુપ્ત દયા

અંતે મને નિશ્ચિતપણે ખ્યાલ આવ્યો કે આ પાગલ જેવો દેખાતો માણસ કોઈ સાધારણ પુરુષ ન હતો. હું આટલા બુદ્ધિમાન, વિશાળહૃદય, દયાળુ અને સ્નેહી વ્યક્તિને કેવી રીતે જડબુદ્ધિનો કહી શકું? જે માણસ કોઈ પણ ફળપ્રાપ્તિની ઇચ્છા કર્યા વિના બીજા લોકોની સેવા કરવામાં પ્રસન્ન થતો હોય આવા સ્નેહી પુરુષની મહાનતાને ઓળખી ન શક્યા એવા લોકોને હું શું કહું એની મને ખબર પડતી નથી. મેં પ્રાય: ગરીબની ઝૂંપડીમાં આતિથ્ય, સત્કાર, પ્રેમ  અને દયાનાં દર્શન કર્યાં છે. જ્યાં દેવા માટે પર્યાપ્ત સામગ્રી છે એવા મહેલોમાં આ ગુણ દુર્લભ છે. આજે પણ આપણને જોવા મળે છે કે આપણા દેશમાં એક ભૂખ્યા વ્યક્તિને ગરીબની ઝૂંપડીમાં ભોજન મળી રહે છે. મારા પરિભ્રમણકાળમાં અનેક અવસરોએ આવા પ્રકારની ત્યાગ અને બલિદાનની ભાવનાનો હું મૂક સાક્ષી રહ્યો છું. મેં જોયું છે કે માનવીય દયા અને કરુણાનો નાનકડો દીવડો સૌથી વધુ સામાન્ય અને મહત્ત્વહીન ઝૂંપડીઓમાં જ સૌથી વધુ તીવ્રતાથી જલે છે, જ્યારે અમીરોના આલીશાન ભવનોમાં ઠંડીગાર ઉદાસીનતાનો અંધકાર જ ભર્યો પડ્યો છે. એ વાત સાચી છે કે ગરીબ માણસની ઝૂંપડીમાં તમને ભૌતિક વસ્તુઓ નહિ મળે. પરંતુ ઝૂંપડીમાં મનુષ્યહૃદય છે. ત્યાં એવી વ્યક્તિઓ છે જે તમને સમજે છે અને તમારી સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર પણ કરે છે. જે ગુણ એક ગરીબ પરંતુ વિશાળ હૃદયવાળો માનવ પોતાની નાનકડી ઘાસની ઝૂંપડીમાં પ્રાપ્ત કરે છે તે ગુણસંપત્તિ પ્રાય: મહેલોમાં રહેનારા અમીરના ગુણોથી કેટલીયે મહત્ત્વપૂર્ણ હોય છે. આ ઘાસનાં તણખલાંની ઝૂંપડીમાં રહેનારા ગરીબો દ્વારા જ આપણી મહાન સભ્યતા-સંસ્કૃતિ વિકસી રહી છે.

ઘણા સમય પહેલાં ભારદ્વાજ મુનિ જે પ્રયાગની નજીક એક આવા ઘાસનાં તણખલાંની ઝૂંપડીમાં રહેતા હતા, તેમણે પોતાના તપ દ્વારા ગૌરવમય અને દૈવી આનંદની રચના કરીને માતા રાણી કૌશલ્યા, ભરતશત્રુઘ્ન અને અયોધ્યાવાસીઓનું આતિથ્ય કર્યું હતું. વળી યાદ કરો એક બ્રાહ્મણને કે જે કાપણી – લણણી થયેલા ખેતરોમાંથી અનાજ લઈને પોતાનો જીવનનિર્વાહ કરતો હતો. એનો પરિવાર દુષ્કાળને લીધે ભૂખ્યે મરતો હતો. એક દિવસ જ્યારે એને થોડો લોટ મળ્યો તો એક અતિથિ ઓચિંતાના પ્રગટ થયા; ભૂખ્યા બ્રાહ્મણે તેને પોતાનો લોટ આપી દીધો અને પોતે ભૂખથી મૃત્યુ પામ્યો. જ્યારે એક નોળિયો એ સ્થળે આવ્યો અને એ જમીન પર આળોટ્યો તો તેનું અડધું શરીર સોનાનું થઈ ગયું. કેટલાક સમય પછી મહારાજ યુધિષ્ઠિરના મહેલમાં દાન આપતી વખતે એક નોળિયાએ એવી ઘોષણા કરી કે એની (યુધિષ્ઠિરની) મહાનતાની તુલના એ બ્રાહ્મણના ત્યાગ સાથે થઈ ન શકે. ભારતની ઝૂંપડીઓમાંથી આજે પણ એ ત્યાગ અને તપસ્યાની શક્તિ લુપ્ત નથી થઈ. એ ગરીબોની ઝૂંપડીઓમાં આજે પણ આપણી માતૃભૂમિની સભ્યતા અને સંસ્કૃતિ પોષાય છે, વિકસે છે. ભારતનો જય હો!

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.