ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ)

હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ દૂર છે. અડધો રસ્તો પસાર કર્યા પછી હું ભૈરવ- જોલા પહોંચ્યો. ગંગોત્રી જનારા યાત્રીઓ આગળ જતાં પહેલાં અહીં પૂજા કરે છે. અહીં એક નાના મંદિર સિવાય રસ્તામાં ક્યાંય માનવવસતી નથી, ક્યાંક ચટ્ટી કે દુકાન પણ નથી. ભૈરવ ઘાટી પહોંચ્યા પછી હું રસ્તામાં ભૂલો પડ્યો. અહીં એક બીજી નદી, ભોતગંગા, ગંગાની મુખ્યધારામાં મળે છે. હું થોડો ભૂલો પડ્યો પરંતુ થોડા સમય પછી વળી પાછો મુખ્યમાર્ગે આવી ગયો.

જેમ જેમ ગંગોત્રીના રસ્તે આગળ વધતો હતો તેમ તેમ હિમાલયનું ભવ્યરૂપ મારી આંખો સામે વિસ્તૃત થવા લાગ્યું.  એક કાચબાના આકારની વિશાળ પવર્તશૃંખલા, જે પૂર્ણતયા હિમાચ્છાદિત રહે છે, તે મારી સામે આવીને ઊભી રહી. આ પહાડમાંથી પોતાના ધારદાર અને તેજ વળાંકોવાળા અને ગર્જન કરતા પાણીની સાથે જાણે કે હરહરનો મંત્રોચ્ચાર કરી રહી ન હોય, એમ ભાગીરથી નીચે વેગે વહે છે. ગંગોત્રીમાં ગંગાની ધારા ઘણી સાંકડી છે પરંતુ પ્રવાહનો તીવ્ર વેગ ઈંદ્રના સો હાથીઓને વહાવી જાય એવી શક્તિવાળો છે. ગંગાનું ધવલવારિ કદાચ આ સાધારણ ધરાતલના અસંખ્ય જીવોને પાપમુક્ત કરવા માટે આટલી બધી તીવ્ર વેગે વહી રહ્યું છે. ભાગીરથી નદી ઊંચા ઊંચા પર્વતોની વચ્ચેથી વહે છે. એ પર્વતોના ઉપરી ઢાળ હિમથી છવાયેલા અને ધવલવર્ણા રહે છે. હિમાચ્છાદિત પર્વતમાળાઓની નીચે ઊંચાં દેવદારના વૃક્ષો ઊભાં છે. નદીની બંને બાજુએ સંગેમરમર જેવી ચીકણી સફેદ પહાડીઓ છે, અને એ બધી એકના ઉપર એક એમ એવી સંલગ્ન છે જાણે કે વૈદિકયજ્ઞની વેદી ન હોય! આ વિશાળ ચિત્ર એટલું મનોરમ્ય અને વિલક્ષણ હતું કે મેં મારી જાતને સંપૂર્ણ રૂપે એને હવાલે કરી દીધી. જાણે કે હવે હું આ પૃથ્વી પર જ નથી, એવો મને અનુભવ થયો. હું એક શીલા પરથી બીજી શિલા પર ફરતો ફરતો ક્યારેક અહીં બેઠો તો ક્યારેક ત્યાં બેઠો; કારણ કે મેં વિચાર્યું કે મને આવું વિલક્ષણ દૃશ્ય ફરીથી નહિ જોવા મળે તો! જ્યાં સુધી મારું મન પૂર્ણતયા ભરાઈ ન જાય કે તૃપ્ત ન થઈ જાય ત્યાં સુધી મારાં નયનો અને ઇન્દ્રિયોમાં એને જેટલાં સમાવવાં શક્ય હોય તેટલાં મેં હિમાલયની એ દિવ્ય સુંદરતા, શાંતિને આત્મસાત કરી લીધાં.

મને એ વાતનો આભાસ ન થયો કે લગભગ આખો દિવસ આમને આમ પસાર થઈ ગયો. હું એ સ્થાનને છોડવા વિશે વિચારી પણ શકતો નહોતો. એક સાધુએ મને આત્મવિસ્મૃતિ (સમાધિ-સમ)સ્થિતિમાં જોયો અને કોઈક રીતે પ્રયત્ન કરીને મને જાગ્રત કર્યો. પછી પોતાની સાથે ગંગોત્રી લઈ ગયો. હું એને આ પહેલાં પણ ભૈરવ- જોલા સમીપ મળ્યો હતો. એણે રસ્તામાં કેટલીક રોટલી શેકી અને મને ભોજન કરાવ્યું. અમે સૂર્યાસ્ત પછી ગંગોત્રી પહોંચ્યા. ત્યાં ધાતુમાંથી બનાવેલી ગંગા માતાની એક સુંદર મૂર્તિ છે. હું ખૂબ રાજી થયો. ગંગોત્રીમાં ગંગામાતાનું એક પથ્થરનું બનાવેલું મંદિર છે અને પૂજારીઓનાં નિવાસસ્થાનો છે. અહીં યાત્રીઓ રોકાઈ શકે છે. એકાદ બે દુકાને અતિ આવશ્યક અને અનિવાર્ય વસ્તુઓ વેંચાતી હતી. એક સાધુ સ્નાન કરવાના ઘાટની પાસે આવેલ એક ગુફામાં રહેતો હતો. તે ધારારી અને આસપાસના વિસ્તારોમાં ફરી ફરીને યાત્રીઓ અને સંન્યાસીઓને ભોજન કરાવવા ભિક્ષાન્ન માગતો હતો. એ સમયે ગંગોત્રીમાં કોઈ દાનશાળા કે ભોજનશાળા ન હતી. જો સાધુ કે યાત્રીઓની આવશ્યકતાની પૂર્તિ અહીં ન થતી હોત તો મારા જેવી વ્યક્તિને ગંગોત્રીમાં એક દિવસ માટે પણ રહેવું સંભવ ન હોત.

ગોમુખ

મૂળ ગંગોત્રી કે ગોમુખી અહીંથી લગભગ ૪૦ કિ.મિ. દૂર છે. જે પર્વતોની વચ્ચેથી આ નદી વહે છે, તેના કિનારા એટલા બધા ઊંચા નીચા, ખાડાટેકરાવાળા છે કે અત્યાર સુધીમાં કોઈએ પણ એ પર્વતો પર ચડવાનું સાહસ કર્યું નથી. મેં સાંભળ્યું છે કે એક યુરોપિયન યાત્રીએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પાછો ફર્યો ન હતો. ઉપર જતી વખતે કદાચ રસ્તામાં જ મરી ગયો હશે. બ્રિટનના બીજા કેટલાક પર્વતારોહકોએ પણ આ પર્વતમાળાઓ પર ચડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એમાંના કોઈને સફળતા મળી ન હતી. હું લગભગ એક માઈલ સુધી વધારેમાં વધારે ચડી શક્યો. તેના કિનારા એટલા તીરછા અને વળી એના પરથી જ્યારે વધારે બરફ પીગળે છે ત્યારે લપસી પડવાનો પણ ભય રહે છે. આ કારણે બહુ પ્રાચીનકાળથી ગંગોત્રીમાં પવિત્ર સ્નાન આ જ સ્થળે કરવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યે પણ પોતાનાં પૂજા-અર્ચના અને પ્રક્ષાલન આ જ સ્થાને કર્યાં હતાં. એમણે આ મંદિરને પવિત્ર મંદિર તરીકે ઘોષિત કર્યું. જે પહાડીઓ પર યાત્રીઓ પોતાની પૂજા-અર્ચના કરે છે તે ભાગીરથશિલાને નામે જાણીતી છે. અહીં મેં એક અત્યંત સુંદર પારદર્શી પદાર્થમાંથી બનેલ શિંવલિંગ જોઈ. પૂજારી એને હંમેશાં તાંબાના વાસણથી ઢાંકી રાખે છે. બદ્રીનાથ કે કેદારનાથની તુલનામાં અહીં યાત્રીઓની સંખ્યા સારા પ્રમાણમાં ઓછી હોય છે. મહારાષ્ટ્રથી આવનારા યાત્રીઓની સંખ્યા વધારે હોય છે.  મોટાભાગના યાત્રીઓ આ સ્થળે એક રાત રોકાઈને પાછા ચાલ્યા જાય છે.  આ સ્થાને ગંગામાતાની પૂજા વર્ષમાં કેવળ છ માસ જ થાય છે. યાત્રીઓના ઝૂંડ પણ અહીં છ મહિના સુધી જ જોવા મળે છે. ત્યાં પૂજા કરવાની અને યાત્રીઓને ભોજન પ્રસાદ ચડાવવાની સારી વ્યવસ્થા નથી. બપોરે સાધુઓને કેવળ થોડુંઘણું ખાવાનું મળે છે, અને એ પણ બે દિવસથી વધુ નહિ.

ગુફામાં બ્રાહ્મણ

હું ગંગાને કિનારે ફરતો હતો. ગોમુખી જતી વખતે મેં થોડેદૂર એક ગુફા જોઈ. એ ઘણી મોટી હતી, બે તરફ લાકડીઓની આડશ બનાવીને એને રહેવા લાયક બનાવવામાં આવી હતી. મુખ્યગુફાની પાછળ બે બારણાં હતાં અને એક નાની ગુફા પણ. મુરાદાબાદ જિલ્લાનો એક બ્રાહ્મણ એ ગુફામાં રહેતો. કેટલાક દિવસોથી તે અહીં ગાયત્રીનો જાપ કરતો હતો. મેં એની અનુમતિથી નાની ગુફામાં વાસ કર્યો. એક બે દિવસમાં અમે બંને એક બીજા સાથે સારા પ્રમાણમાં હળીભળી ગયા. મને એની પાસેથી જાણવા મળ્યું કે છેલ્લા બે દિવસથી તે ગુફાની બહાર નીકળ્યો ન હતો. અને કોઈએ એની સારસંભાળ પણ લીધી ન હતી. મને એ જાણીને ઘણી ચિંતા થઈ કે તે છેલ્લા બે દિવસથી ભૂખ્યો હતો. એટલે હું એ બ્રાહ્મણ માટે કંઈક ખાવાનું લેવા પાછો ગંગોત્રીના મંદિરે ગયો. પ્રભુની કૃપાથી જ્યારે હું ગંગોત્રી પહોંચ્યો ત્યારે મેં જોયું તો દિલ્હીનો એક અમીર માણસ સાધુ અને બ્રાહ્મણોને હલવા અને પૂરીનું ભોજન કરાવતો હતો. એ દિવસે બધા બ્રાહ્મણો અને સાધુઓને મન ભરીને સારું ભોજન ખાવા મળ્યું. પરંતુ કોઈએ પેલી ગુફાવાળા બ્રાહ્મણને યાદ ન કર્યો. મેં પેલા અમીરને એ વિશે વાત કરી. તરત જ તે એ તપસ્વી બ્રાહ્મણનાં દર્શન માટે મારી સાથે આવ્યો. એણે અમને ચોખા, લોટ, ગોળ, ઘી વગેરે આઠ થી દસ દિવસ સુધી ચાલે તેટલું સીધું દીધું.

બ્રાહ્મણે તરત જ પોતાની ક્ષુધાતૃપ્તિ કરી. એનામાં પહેલેથી જ મારા પ્રત્યે પ્રેમભાવ ઉદ્‌ભવ્યો હતો. મેં એને મીઠાભાત અને રોટલી ખવડાવ્યા. એણે લાકડીના લઠ્ઠાથી ગુફામાં આગ પેટાવીને રાખી. રાળ, અને તેલ નીકળતું હતું એવી લાકડીના કેટલાક ટુકડાની મદદથી આખી રાત સતત અગ્નિ પ્રદિપ્ત રાખ્યો. અહીંના જંગલમાં આવાં શંકુ આકારનાં વૃક્ષો ઘણાં છે. આ વિસ્તારોમાં આ વૃક્ષોની લાકડી દીવા અને મશાલ બંનેનું કામ કરે છે. આવાં વૃક્ષો વિના આ ઠંડાપ્રદેશોમાં જીવન ઘણું કઠિન બની જાય તેમ છે. પરંતુ ભગવાને આ લોકોને પુષ્કળ પ્રમાણમાં લાકડાં બળતણ રૂપે આપ્યાં છે.

ભગવાન શીતકાલીન શયન અવસ્થામાં

કેદાર, બદ્રી અને ગંગોત્રી હિમાલયના એકદમ ઉત્તરમાં છે. આ સ્થળોમાં વર્ષમાં લગભગ છ માસ જ લોકો રહે છે. અક્ષયતૃતીયા પછી દેવતાનાં મૂર્તિમંદિરને ખોલવામાં આવે છે. વૈશાખના અંતે પૂજા શરૂ થાય છે અને મંદિર યાત્રીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવે છે. માગશરની શરૂઆતમાં મંદિરોને ફરીથી ઢાંકી દેવામાં આવે છે અને બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. એ સમય સુધીમાં હિમવર્ષા શરૂ થઈ જાય છે અને આ બધાં સ્થળો આપણી પહોંચની બહાર થઈ જાય છે. એટલે યાત્રીઓને અંદર આવવાનું બંધ કરી દેવામાં આવે છે. એમ કહેવાય છે કે આ સમય દરમિયાન દેવતાઓની યાત્રા શરૂ થાય છે. દેવો આવે છે અને ભગવાનની પૂજા કરે છે. ગયે વર્ષે દેવપ્રતિમા ઢંકાઈ ગયા પછી એક બ્રહ્મચારી ત્યાં રહેવા ઇચ્છતો હતો. તપસ્યા માટે તેના નિવાસને સરળ બનાવવા ધારારીના એક નિવાસીએ એની ગુફાને રહેવા યોગ્ય બનાવી દીધી. તેને છ મહિના સુધી રહેવા માટે એક ડબો ભરીને પૂરતું રાશન પણ લાવીને ભરી રાખ્યું. પરંતુ પછીથી ખબર પડી કે એ બ્રહ્મચારીમાં પૂરતી દૃઢતા ન હતી. તે થોડા દિવસ રહ્યો ને જેવું ઉષ્ણતામાન નીચે જવા લાગ્યું અને ઠંડી વધવા લાગી ત્યારે પેલા બ્રહ્મચારીએ પોતાનો નિશ્ચય છોડ્યો. જો કે ત્યાં રહેવા માટે એની ગુફાને સારા પ્રમાણમાં આરામદાયી બનાવી દીધી હતી.

એક સપ્તાહ પછી મેં ગંગોત્રીથી મારી યાત્રા ફરી શરૂ કરી. ટિહરી છોડતી વખતે હું ગંગાજળ ભરીને લાવવા માટે મારી સાથે એક ખાલી શીશો લાવ્યો હતો. એ શીશો મેં અહીંથી ભરી લીધો. બ્રાહ્મણ સાધુ અત્યાર સુધીમાં મારી ખૂબ નજીક આવી ગયો હતો અને પોતાના પ્રસ્તાવિત પુરશ્ચરણ સમાપ્ત કર્યા પછી તેણે મારી સાથે નીકળવાનો વિચાર કર્યો. મેં એને ના પાડી કારણ કે હું ઉત્તરાખંડની યાત્રા એકલો જ કરવા માગતો હતો. પણ પેલો તપસ્વી બ્રાહ્મણ મારું સાંભળે તેમ ન હતો. ગંગોત્રી છોડ્યા પછી અમે લોકો ધારારીમાં એક દિવસ સાથે રહ્યા. એકલા જ યાત્રા કરવાની મારી ઇચ્છા એટલી પ્રબળ હતી કે એ સાચા સાધુ અને મારી વચ્ચે જે પ્રેમનું નાજુક બંધન થઈ ગયું હતું તેને મારે મન કઠણ કરીને તોડવું પડ્યું અને હું વળી પાછો એકલો કેદારનાથ જવાના વિચાર સાથે ઉત્તરકાશી તરફ ચાલી નીકળ્યો.

સાત્ત્વિક બેડીઓ

મેં પેલા તપસ્વી બ્રાહ્મણને ધારારી છોડી દીધો પરંતુ એ સીધાસાદા અને સ્નેહી બ્રાહ્મણને હું એકદમ વિસારે ન પાડી શક્યો. મારા મનમાં એના જ વિચારો સર્વોપરિ રહેતા. જ્યારે મેં એનાથી વિદાય લીધી ત્યારે એનું હૃદય એટલું બધું ભરાયેલું હતું કે તે એક શબ્દ પણ બોલી ન શક્યો. એની આંખો અશ્રુભીની થઈ ગઈ અને મારી તરફ તે જોતો રહ્યો. હું પણ સારા પ્રમાણમાં ઉદ્વિગ્ન બન્યો હતો અને એક ક્ષણ માટે મેં મારી જાતને કહ્યું કે આને સાથે શા માટે આવવા ન દેવો. પરંતુ મેં મારી જાતને સંભાળી લીધી. મેં વિચાર્યું કે જો હું આ પ્રકારની ભાવનાઓમાં વહી જઈશ તો મારા માટે મારી પોતાની યોજના અનુસાર એકલા અને સ્વતંત્ર રૂપે યાત્રા કરતા રહેવાનું સંભવ નહિ બને. એટલા માટે મેં આ રીતે એ વિચારોને એક બાજુ સરકાવી દીધા અને ગંગોત્રીથી નીચેની તરફની મારી યાત્રાનો મેં પ્રારંભ કર્યો.

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.