આપણા જીવનનાં સર્વક્ષેત્રોમાં જે કહોવાટ ફેલાયો છે, તે એટલો બધો છે કે, સૌ કોઈની જીભે એ જ વાત આવ્યા કરે છે. નાનાં બાળકો હવે ગુનો કરતાં શીખી ગયાં છે. વિદ્યાર્થીઓનો અસંતોષ પણ માઝા મૂકી ગયો છે અને વાતે વાતે હિંસા આચરતી હોવાનાં જોઈએ તેટલાં દૃષ્ટાંતો મળે છે. માત્ર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં જ નહીં પણ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં સુધ્ધાં માદક દ્રવ્યોનો આશરો લેવાતો રહ્યો છે. આપણી જુવાન પેઢીનું ચારિત્ર્ય શિથિલ થાય, તેમની તંદુરસ્તી જોખમાય, અને તેમની શક્તિઓ બરબાદ થાય એવી ગંભીર આ પરિસ્થિતિ છે. લાંચરુશ્વતની બદી પણ હવે એકલદોકલનો અપરાધ નથી પણ સરકારી, અર્ધસરકારી અને જાહેરક્ષેત્રોમાં તે રોજની હકીકત બની રહી છે. ખંડિત થતાં લક્ષ્યો, તુમાખીવેડા, નેતાઓનાં દાંભિક ઉચ્ચારણો, ઉચ્ચ અધિકાર સ્થાનોએ બેઠેલાંના ભ્રષ્ટાચારો, જાતીય વિકૃતિઓ અને તેનાં જાહેર પ્રદર્શનો, વારેવારે ફાટી નીકળતાં કોમી હુલ્લડો અને સંખ્યાબંધ નિર્દોષજનોની થતી રહેલી હત્યાઓ, કાયદો પાળનારાને નડતી અડચણો અને સામાન્ય શાંતિપ્રિય નાગરિકોને ભોગવવી પડતી રંજાડો, તેમ જ જનસમૂહોના વધુ ને વધુ ભાગલા પડતા જાય એવી નેતાઓની વ્યૂહરચનાઓ-આ બધું ભારતને અત્યારે ભરખી રહ્યું છે. આશ્વાસન હોય તો એટલું જ કે આવું કેવળ ભારતમાં નથી, પણ દુનિયાના અનેક દેશોમાં ચાલી રહ્યું છે. કોને વખાણીએ અને કોને વખોડીએ?
‘આ બધી વિચારવાની અને વર્તવાની લઢણોને કારણે આપણાં સ્વીકૃત નૈતિક મૂલ્યોનો અધ:પાત થઈ રહ્યો છે અને એનાં એવાં ભયંકર પરિણામો આવવાની સંભાવના છે કે જેઓ વિચારી શકે છે તે આવનારા દિવસોનો ખ્યાલ કરતાં થથરી ઊઠે છે, જાણે કે લોકો અંધારામાં બાથોડિયાં મારી રહ્યા છે અને ક્યાંથી આસાયેશ આવશે તેનો કશો ભરોસો પડતો નથી. પુણ્ય પાછું હડસેલાતું જાય છે અને પાપનું જોર વધતું ચાલ્યું છે. પાપનાં મૂળિયાં ઊંડાંને ઊંડાં જઈ રહ્યાં છે.
‘આ જોઈને સમાજનો સીધું વિચારનારો વર્ગ આભો બની ગયો છે. વિચારકો, બૌદ્ધિકો, પંડિતો, શિક્ષકો અને શાંતિચાહકો ખૂબ ચિંતામાં પડી ગયા છે. સમાજનું હિત ચિન્તવનારા સૌ કોઈ આજે બેચેન છે.
‘આમ થવાનું કારણ શું હશે? આમ તો દુનિયા પ્રગતિ કરી રહી છે. અને ભારત પણ યોજનાબદ્ધ રીતે વિકાસકાર્યો હાથ ધરી રહ્યું છે. તો પછી આ દુ:સ્થિતિમાંથી બહાર આવવાનો કોઈક માર્ગ તો હશે જ ને? ક્યો છે એ માર્ગ? કે પછી જે થાય તે થવા દેવું અને આપણે સૌએ મૂક પ્રેક્ષકો બનીને જે ગુજરે તે સહન કરવું એ જ લમણે લખાયેલું છે? આ બધા પ્રશ્નો આપણને ટીકી રહ્યા છે, પડકારી રહ્યા છે, અને ઉત્તર માટે ટાંપી રહ્યા છે.
‘આપણા વિકાસની જે દશા થઈ છે તે તો, ‘એશિયન ડ્રામા’ના પ્રસિદ્ધ લેખક ગુન્નર મર્ડલે વેધક વાણીમાં વર્ણવ્યું છે: ‘વિકસિત દેશોએ નિપજાવેલા આર્થિક વિકાસના સિદ્ધાંતો-એને વિકસિત કહીએ છીએ ત્યારે મૂડીવાદી અને સમાજવાદી બધા દેશોને ભેગા ગણવાના છે – જાણે ઘર કરીને રહેવા આવ્યા હોય એમ દેખાય છે અને જાણે સર્વ દેશ, કાળ અને સાંસ્કૃતિક ભૂમિકા માટે એ શાશ્વત સત્યો હોય એમ માની લઈને એ સિદ્ધાંતોને છેક અંતિમ દશા સુધી તાણી જવાની કોશિશ ચાલી રહી છે. બાપડા અણવિકસિત કે અર્ધવિકસિત દેશોમાં પણ તે તાણીતૂસીને કામે લગાડાય છે. પણ પશ્ચિમી સમાજોમાં એ સિદ્ધાંતો થોડે ઘણે અંશે પણ બંધબેસતા થયા હોય તો પણ અલ્પવિકસિત દેશોની સમાજિક રચનાઓ એવી છે કે ત્યાં એ બંધબેસતા થઈ શકે જ નહીં!’
‘આપણા દેશમાં રાજકારણીઓએ અને શિક્ષણશાસ્ત્રીઓએ આ નવી વિકાસનીતિ અંગે જાતજાતના અખતરા કર્યા છે પણ એથી તો ગૂંચવાડો વધ્યો છે. પહેલાં જેને ધર્મ માનવામાં આવતો હતો તે હવે ભ્રાંતિમાં ખપે છે. આપણે ક્યારના યે ઊંધે પાટે ચઢી ગયા છીએ તે આપણને સમજાતું નથી.’
ગાંધીનગરથી પ્રૉ. કાંતિલાલ ઓઝાએ મારા ઉપર જે અંગ્રેજી લખાણ મોકલ્યું છે તેના ભૂમિકારૂપ ભાગનો મુક્ત ભાવાનુવાદ મેં ઉપર આપ્યો છે. આજની પરિસ્થિતિનો જે ચિતાર તેમણે ઉપર આપેલો છે તે જરાયે નવો કે અજાણ્યો નથી. પરંતુ એનો મુખ્ય ગુણ પરિસ્થિતિની સમગ્રતાનો એ દ્યોતક છે તે છે. એ એટલું સૂચવે છે કે સીધી વાટ ઉપર આવવા માટે કેટકેટલાં ક્ષેત્રોમાં કેટકેટલું કામ કરવાનું આવ્યું છે. ખાસ કરીને માનસપરિવર્તન કરાવવાનું કામ આવ્યું છે. કેટલું બધુ અઘરું એ કામ છે? પણ શું કરીએ તો એ સુલઝે, એ પ્રૉ. ઓઝાનો મુખ્ય અને તાત્ત્વિક પ્રશ્ન છે.
પ્રૉ. ઓઝાના મત પ્રમાણે આપણી શૈક્ષણિક પદ્ધતિઓમાં રહેલી ખામીઓ આજની પરિસ્થિતિના મૂળમાં છે. આપણી શિક્ષણપદ્ધતિમાં કંઈ જ કસ રહ્યો નથી એવું માનતા હશે, પ્રૉ.ઓઝા પણ માને છે. પણ એમણે દોષનો આખો ટોપલો એક માત્ર કેળવણીને શિરે નાંખ્યો છે તે કેટલે અંશે યથાર્થ છે તે ચર્ચાનો વિષય અવશ્ય બની શકે. આપણી કેળવણી સીધી રીતે ધર્મનું શિક્ષણ આપનારી નથી, એ ચારિત્ર્યનું યોજનાબદ્ધ રીતે શિક્ષણ આપતી નથી, શિક્ષણ જીવનલક્ષી નથી, માહિતીલક્ષી છે, અને શિક્ષણ જ્ઞાનસાધના બની રહેવા કરતાં પરીક્ષા પાસ કરવાનો પરંપરાગત ઉદ્યમ બની ગયું છે એ બધું સાચું. પણ એ અનીતિનું સીધું શિક્ષણ આપતી નથી, એ નૈતિકતાનો સરિયામ નાશ કરનારી છે એવું પણ નથી. એમાં જે કંઈ શીખવાય છે તે જ્યારે વિધાયક હોય છે ત્યારે તો નૈતિકતાનો જ પક્ષ કરતું હોય છે. જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકઠા મળે છે, વર્ગનું વાતાવરણ રચે છે ત્યાં પ્રચ્છન્ન રીતે માનવીય ગુણો પણ સતેજ થતા હોય છે. અલબત્ત, એ વધુ મોટા પાયા ઉપર થવા જોઈએ, એ શિક્ષણનું સ્પષ્ટ લક્ષ્ય બની રહેવા જોઈએ, એવું થતું નથી એ મોટી કચાશ છે. પણ આજનાં બધાં અનિષ્ટોનું મૂળ અત્યારની આપણી શૈક્ષણિક વ્યવસ્થામાં પડેલું છે એમ કહેવું એ વાસ્તવિક નથી. શૈક્ષણિક વ્યવસ્થા ધરખમ સુધારા માગે છે એમાં શંકા જ નથી. પણ એનો મુખ્ય દોષ એ જે નથી કરતી એમાં છે. એ જે કરે છે તે તો સ્પષ્ટઅસ્પષ્ટ સામાજિક વિકાસહેતુઓને લક્ષીને જ કરે છે.
તેમ છતાં જીવનના વિધાયક ગુણો જો ખીલવવા હોય તો વ્યાપક કેળવણી, આખી પ્રજાને સમાવતી કેળવણી, ઘણું ઘણું કરી શકે એમાં શંકા જ નથી. કદાચ એ મુખ્ય વાત ઉપર આવવા પ્રૉ.ઓઝાએ પોતાની રીતે ભૂમિકા બાંધવાનો યત્ન કર્યો છે. એમણે ધાર્યું હોત તો ભારતીય ભાષામાં ભૂમિકા એ બાંધી શક્યા હોત અને વાત પણ રજૂ કરી શક્યા હોત, કેમ કે, જો પ્રવર્તમાન કેળવણીને એમણે સર્વ દોષોનું મૂળ ગણી છે તો હાલની કેળવણીનું માળખું અને હેતુ સરખાં કરીને મોટા ફેરફારો લાવી શકાય એમ છે, એ શ્રદ્ધા એમને વ્યક્ત કરવી છે અને નવા માળખાનો આલેખ એમને આપવો છે. એટલા માટે જ મેં કહ્યું કે મારા જેવાને ગુજરાતીમાં એમણે વાત પહોંચાડી હોત તો મારું કામ થોડુંક હળવું થાત. અલબત્ત, એમની શૈક્ષણિક યોજનામાં અંગ્રેજી એક વિષય છે, પણ વિદ્યાર્થી ભણશે તો ભારતીય ભાષામાં જ.
પ્રૉ.ઓઝાનું લક્ષ્ય ‘ભારતીય ગુરુકુલ પરંપરાનું પુન:સ્થાપન છે, જેથી વિદ્યાર્થીને પૂર્ણ ભારતીય મનુષ્ય બનવાનું આવડી રહે. આ માટે એમણે વિગતવાર કાર્યક્રમ આપ્યો છે અને જ્યાં જરૂર પડી છે ત્યાં કાર્યક્રમની કોઈ કોઈ વિગતો સમજાવી પણ છે. વિસ્તારભયે એમની આખી યોજના અહીં આપી શકતો નથી પરંતુ તેમણે આખી શૈક્ષણિક વ્યવસ્થાને ગુરુકુલ પદ્ધતિમાં ફેરવવાની વાત કરી છે તે નવી છે. એની શક્યાશક્યતા અને ઈષ્ટાનિષ્ટતા વિગતે વિચારાવી ઘટે.
Your Content Goes Here




