એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય; જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને, એ જ ઈશ્વરને કાર્ય કરી રહેલો જુએ, જે ઈશ્વરને ભૂતમાત્રમાં જુએ, જેનું હૃદય આ વિશ્વમાંના – ભારતની અંદરના કે બહારના ગરીબ, દુર્બળ, અછૂત, પદદલિત, સૌ કોઈ માટે દ્રવતું હોય; સાથે ને સાથે જેની ભવ્ય તેજસ્વી બુદ્ધિ એવા ઉદાત્ત વિચારોને પ્રગટ કરે કે જે ભારતની અંદરના કે ભારતની બહારના સર્વ સંપ્રદાયોનો સમન્વય સાધી શકે અને એક આશ્ચર્યજનક સુમેળભર્યો, મેધા અને હૃદય બંનેના સામંજસ્યથી રચાયેલો વિશ્વવ્યાપી ધર્મ અસ્તિત્વમાં લાવી શકે, એવો પુરુષ પ્રગટ્યો. તે હતા અદ્ભુત માનવ શ્રીરામકૃષ્ણ.
મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણદેવનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો છે. વિચારોથી, શબ્દોથી કે કાર્ય દ્વારા મારાથી જે કાંઈ પણ સાધી શકાયું હોય, જો મારા મુખમાંથી કોઈ ધિક્કારની લાગણી બહાર આવી હોય, તો તે બધો દોષ મારો છે, તેમનો નથી. જે કાંઈ નબળું અને ઊતરતું છે તે બધું મારું છે, જે કંઈ જીવનશક્તિ દેનારું, તાકાત વધારનારું, શુદ્ધ અને પવિત્ર છે, તે બધું તેમની પ્રેરણા, તેમની વાણી છે, સ્વયં તેઓ પોતે છે. ખરેખર, મારા મિત્રો! જગતે હજી એ મહાપુરુષને પિછાનવાનું બાકી છે. દુનિયાના ઇતિહાસમાં આપણે પયગંબરો અને તેમનાં ચરિત્રો વિશે વાંચીએ છીએ, એ બધું તેમના શિષ્યોનાં સૈકાઓ સુધીનાં કાર્યો અને લખાણો દ્વારા આપણી પાસે આવે છે. હજારો વર્ષ દરમિયાન કોરાઈ કોરાઈને અને ઘડાઈ ઘડાઈને એ મહાન આચાર્યોનાં જીવનચરિત્રો આપણી સમક્ષ આવે છે; અને છતાં મારા મત પ્રમાણે મેં જ મારી દૃષ્ટિ સમક્ષ જોયું છે, જેમની છત્રછાયા નીચે હું રહ્યો છું, જેમનાં ચરણે બેસીને હું સર્વ કંઈ શીખ્યો છું, તે શ્રીરામકૃષ્ણદેવના જીવન જેવું તેજસ્વી અને ઉચ્ચ જીવન બીજું એકેય મેં જોયું નથી..
આપણા વીરપુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવા વીરપુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યા છે. જો ભારત રાષ્ટ્રિય ઉત્થાન સાધવા ચાહતું હોય, તો જાણજો કે શ્રીરામકૃષ્ણના નામની આસપાસ ઉત્સાહપૂર્વક તેણે એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચાર હું, તમે કે બીજું કોણ કરે છે તે તદ્દન ગૌણ છે.. તમે કદીએ જોયાં નહિ હોય, કે ક્યારેય સાંભળ્યાં નહિ હોય, એવાં પાવનકારી જીવનચરિત્રોમાં સૌથી વધુ પાવન જીવન તેમનું હતું. આ સત્ય જાણી લેજો કે તમે ભાગ્યે જ વાંચ્યું હોય, અરે જવલ્લે જ તમારી નજરે પડ્યું હોય, એવું આધ્યાત્મિક શક્તિનું અતિ અદ્ભુત પ્રકટીકરણ તમને આજે પ્રત્યક્ષ જોવા મળે છે. તેમના અંતર્ધાન થયાને હજુ દસ વરસ પણ થયાં નથી, તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી પર ફરી વળી છે.
હિંદુધર્મના પૂરા વ્યાપને સાચી રીતે સમજાવવાને સમર્થ એવા પ્રકાશની અસાધારણ મશાલ શ્રીરામકૃષ્ણનું જીવન હતું. શાસ્ત્રોમાંનાં બધાં સૈદ્ધાંતિક જ્ઞાનનો એ પ્રત્યક્ષ પદાર્થપાઠ હતા. ઋષિઓ અને અવતારો ખરેખર શું શીખવવા માગતા હતા, તે એમણે પોતાના જીવન દ્વારા દર્શાવ્યું છે. ગ્રંથો માત્ર સિદ્ધાંતો હતા, તેઓ પોતે સાક્ષાત્કાર હતા. ૫૧ વર્ષોની પોતાની આવરદામાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં ૫૦૦૦ વર્ષો આ પુરુષ જીવ્યા હતા અને તેમ કરીને એમણે ભાવિ પેઢીઓ માટે પદાર્થપાઠ પૂરો પાડ્યો હતો… જગતના ગાઢ અંધકારમાં આવો પૂર્ણ પુરુષ કદી અવતર્યો ન હતો, આ યુગ માટે શ્રીરામકૃષ્ણ દેદીપ્યમાન જ્યોતિસ્તંભ છે! અને એમની જ્યોતિની સહાયથી માનવી સંસારસાગર પાર કરશે!
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




