આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના મધુર આલાપ કાઢી રહ્યા છે. હાથમાં ટોપલીઓ લઈને માળીઓ તથા છાબડીઓ લઈને પૂજારી બ્રાહ્મણો પુષ્પો ચૂંટવા આવી રહ્યા છે. માની પૂજા થવાની છે. શ્રીરામકૃષ્ણ ઘણા જ વહેલા, અંધારું હતું ત્યારે જાગ્યા છે. ભવનાથ, બાબુરામ, નિરંજન અને માસ્ટરે રાત ત્યાં જ ગાળી છે. તેઓ ઠાકુરની ઓસરીમાં સૂતા હતા. તેઓ નેત્ર ખોલીને જુએ છે તો ઠાકુર મતવાલા થઈને નૃત્ય કરી રહ્યા છે! અને બોલી રહ્યા છે, ‘જય જય દુર્ગે! જય જય દુર્ગે!’
ઠાકુર બરાબર બાળક જેવા, કમરે કપડું નહિ. માનું નામ લેતાં લેતાં ઓરડાની અંદર નાચતા ફરે છે. થોડી વાર પછી વળી બોલે છે, ‘સહજાનંદ! સહજાનંદ.’ છેવટે ગોવિંદનું નામ વારંવાર લે છે, ‘પ્રાણ, હે ગોવિંદ, મમ જીવન!’
ભક્તો ઊઠીને બેઠા છે, એક નજરે ઠાકુરના ભાવ જોયા કરે છે. હાજરા પણ કાલી-મંદિરે રહે છે. ઠાકુરના ઓરડાની દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં તેમનું આસન છે. લાટુ પણ છે. એ ઠાકુરની સેવા કરે. રાખાલ એ વખતે વૃંદાવનમાં છે. અવારનવાર ઘેરથી આવીને દર્શન કરે. એ આજે ત્યાં આવવાના છે.
ઠાકુરના ઓરડાની ઉત્તર બાજુની નાની ઓસરીમાં ભક્તો સૂતા હતા. ઠંડીના દિવસો છે એટલે આડશ કરી લીધી હતી. સૌ મુખ ધોઈ આવ્યા પછી ઠાકુર આ ઉત્તર તરફની ઓસરીમાં ચટાઈ પર આવીને બેઠા. ભવનાથ અને માસ્ટર પાસે બેઠા છે. બીજા ભક્તો પણ અવાર નવાર આવીને બેસે છે.
શ્રીરામકૃષ્ણ (ભવનાથને)- ખબર છે, જેઓ જીવ-કોટિ હોય, તેમનામાં શ્રદ્ધા સહેજે આવે નહિ. ઈશ્વર-કોટિમાં શ્રદ્ધા સ્વત:સિદ્ધ. પ્રહ્લાદ ‘ક’ લખવા જતાં એકદમ પ્રેમથી રડી પડ્યા, કૃષ્ણનો ખ્યાલ આવી ગયો. જીવનો સ્વભાવ જ સંશયાત્મક. તેઓ કહેશે : ‘હાં એ ખરું, પ-અ-ણ-’’. હાજરા કોઈ રીતે માને નહિ કે બ્રહ્મ અને શક્તિ, શક્તિ અને શક્તિમાન અભિન્ન. જ્યારે નિષ્ક્રિય, ત્યારે હું બ્રહ્મ કહું; જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, ત્યારે હું શક્તિ કહું; પરંતુ એક જ વસ્તુ : અભિન્ન. અગ્નિ બોલતાં જ દાહક-શક્તિ આપોઆપ સમજાય; દાહક-શક્તિ બોલતાં જ અગ્નિ યાદ આવે. એકને મૂકીને બીજાનો વિચાર કરી શકાય નહિ.’
‘એટલે પછી પ્રાર્થના કરી કે ‘મા, હાજરા અહીંયાનો (મારો) મત ઉલટાવી દેવાનો પ્રયાસ કરે છે. કાં તો તેને સમજાવી દે, નહિતર અહીંયાંથી તેને રવાના કરી દે.’ ત્યાર પછી બીજે દિવસે એ પાછો આવીને કહેશે કે ‘હા, માનું છું.’ પછી કહે કે ‘વિભુ સર્વ જગાએ છે.’
ભવનાથ (હસતાં હસતાં)- હાજરાની એ વાતથી આપને એટલું બધું દુ:ખ થયું હતું?
શ્રીરામકૃષ્ણ- મારી અવસ્થા બદલાઈ ગઈ છે. હવે માણસો સાથે જીભાજોડી કરી શકતો નથી. હાજરાની સાથે વાદવિવાદ કરું એવી અવસ્થા મારી હવે નથી. યદુ મલ્લિકના બગીચામાં હ્યદુએ કહ્યું, ‘મામા, મને અહીં રાખવાની શું તમારી ઇચ્છા નથી?’ મેં કહ્યું ‘ના, હવે મારી એ અવસ્થા નથી; હવે તારી સાથે જીભાજોડી કરવાનું મારાથી બને નહિ.’
‘જ્ઞાન અન અજ્ઞાન કોને કહે? જ્યાં સુધી ઈશ્વર દૂર એવું લાગતું હોય ત્યાં સુધી અજ્ઞાન; જ્યારે અહીં એવું લાગે ત્યારે જ્ઞાન.’
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ખંડ ઓગણત્રીસમો – અધ્યાય ચોથો)
Your Content Goes Here




