આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે છે, એટલે જલદી જલદી આવી રહ્યા છે.
માસ્ટર રાતના લગભગ આઠ વાગ્યાને સુમારે એકલા આવી પહોંચ્યા. બગીચામાં આવીને જોયું તો કાલી-મંદિરમાં મહોત્સવ શરૂ થઈ ગયો છે. વાડીની અંદર ઠેકઠેકાણે દીવા; તેના પ્રકાશમાં દેવમંદિર સુશોભિત થઈ રહ્યું છે. વચ્ચે વચ્ચે શરણાઈ વાગી રહી છે. કર્મચારીઓ ઉતાવળે પગે મંદિરના એક સ્થાનેથી બીજે સ્થાને આવજા કરી રહ્યા છે. આજે રાસમણિના કાલીમંદિરમાં મોટો ઉત્સવ-સમારંભ થવાનો, એમ દક્ષિણેશ્વર ગામના માણસોએ સાંભળ્યું છે. વળી, પાછલી રાત્રે નાટક થવાનું છે. એટલે ગામમાંથી નાનાંમોટાં, નરનારી, વગેરે ઘણાં માણસો દેવદર્શન કરવા સારુ આવ્યા જ કરે છે.
સાંજે ચંડીનાં કીર્તન થતાં હતાં, રાજનારાયણના ચંડીનાં કીર્તન. ઠાકુરે ભક્તો સાથે પ્રેમ અને આનંદથી એ કીર્તન સાંભળ્યાં છે. અત્યારે વળી જગતની માની પૂજા થવાની. ઠાકુર આનંદમાં તરી રહ્યા છે.
રાત્રે આઠ વાગ્યાને સમયે પહોંચીને માસ્ટર જુએ છે તો ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે, તેમની સામે જમીન ઉપર ભક્તો બેઠા છે, બાબુરામ, છોટો ગોપાલ, હરિપદ, કિશોરી, નિરંજનનો એક સંબંધી છોકરો અને એંડદાનો બીજો એક છોકરો વગેરે છે. રામલાલ અને હાજરા વચ્ચે વચ્ચે આવે છે અને જાય છે.
નિરંજનનો સંબંધી છોકરો ઠાકુરની સામે ધ્યાન કરે છે. ઠાકુરે તેને ધ્યાન કરવાનું કહ્યું છે.
માસ્ટર પ્રણામ કરીને બેઠા. થોડી વાર પછી નિરંજનના સંબંધી છોકરાએ પ્રણામ કરીને રજા લીધી. એંડદાનો બીજો છોકરો પણ પ્રણામ કરીને ઊભો રહ્યો. એની સાથે જવા સારુ.
શ્રીરામકૃષ્ણ : (નિરંજનના સંબંધીને) – પાછા તમે ક્યારે આવશો?
ભક્ત – જી, સોમવારે, એમ લાગે છે.
શ્રીરામકૃષ્ણ (આગ્રહથી) – ફાનસ જોઈએ? સાથે લઈ જવું છે?
ભક્ત – જી ના. આ બગીચાની પાસે જ છે; કાંઈ જરૂર નથી.
શ્રીરામકૃષ્ણ (એંડદાના છોકરાને) – તુંય ચાલ્યો?
છોકરો – જી, શર્દી.
શ્રીરામકૃષ્ણ – વારુ, માથે લૂગડું ઓઢીને જજે.
વળી પ્રણામ કરીને બંને છોકરાઓ ચાલ્યા ગયા.
અમાસની ગાઢ રાત્રિ. તેમાં વળી જગન્માતાની પૂજા. શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર તકિયાને અઢેલીને બેઠેલા છે, પરંતુ અંતર્મુખ. વચ્ચે વચ્ચે ભક્તોની સાથે એકબે વાતો કરે છે.
અચાનક માસ્ટર અને ભક્તોની સામું જોઈને કહે છે, આહા, પેલા છોકરાનું કેવું ધ્યાન! (હરિપદને) – ‘કેમ અલ્યા! કેવું ધ્યાન?’
હરિપદ – જી હા, બરાબર લાકડા જેવો સ્થિર!
શ્રીરામકૃષ્ણ (કિશોરીને) – એ છોકરાને ઓળખો છો? નિરંજનનો કોણ જાણે કેવો એક સંબંધી ભાઈ થાય.
વળી બધા ચૂપચાપ. હરિપદ ઠાકુરની પદસેવા કરી રહ્યો છે. ઠાકુરે સાંજે ચંડીનાં ગીત સાંભળ્યાં હતાં એમાંથી ગીતની કડીઓ સ્ફુરે છે. ધીમે ધીમે ગાય છે :
‘કોણ જાણે કાલી કેવી, ષડદર્શન નવ દેખે એવી…’ (પ્રથમ ભાગ પા. ૫૦)
ઠાકુર ઊઠીને બેઠા આજ માની પૂજા. માનું નામ-કીર્તન કરવાના. વળી ઉત્સાહની સાથે ગાય છે :
ગીત
“આ છે ગાંડી માનો ખેલ, જેની માયાથી ત્રિભુવન ભૂલેલ,-
બાઈની આપ્તભાવે ગુપ્ત લીલા, પાગલ એના છે બે ચેલા –
શાં શાં રૂપ, શી ગુણભંગી, શા વિચાર, એ જાય નહિ બોલ્યા –
જેનું નામ જપીને કપાલી, રાખે કંઠમાં વિષની જ્વાળા –
સગુણ નિર્ગુણનો લગાવી વિવાદ, પાણા સાથે ભાંગે પાણા –
બાઈ સર્વ રીતે સરખી રાજી, નારાજ માત્ર કાજની વેળા –
પ્રસાદ કહે રહ્યો બેસી : તરાપો મૂકી ભવસાગરમાં –
ભરતી આવ્યે ઊંચે ચડીશ, ઊતરી જઈશ ઓટની વેળા -”
ઠાકુર ગીત ગાતાં ગાતાં મતવાલા થયા છે. તે બોલ્યા કે, આ બધાં પીધેલાઓનાં ગીત : ‘હવે કાળી તને ખાઉં.’ વળી ગાય છે.
ગીત
સદાનંદમયી કાલી, મહાકાલની મનમોહિની;
પોતે નાચો, પોતે ગાઓ, પોતે દો મા, કરતાલી…
આદિરૂપ, સનાતની, શૂન્યરૂપ, શશીભાલી,
બ્રહ્માંડ હતું નહિ જ્યારે, મુંડમાળા આ ક્યાંથી મળી?
સર્વની છે તું જ યંત્રી, તંત્રે તારા અમે ચાલી,
જેમ રાખો મા તેમ રહી, જેમ બોલાવો તેમ બોલી…
અશાંત કમલાકાન્ત, બોલે દઈ ગાળાગાળી,
હવે સર્વનાશી ધરી અસિ, ધર્માધર્મ બેય ખાધાં….
જય કાલી જય કાલી કહેતાં મારા પ્રાણ જો જાય;
શિવત્વને પામું હું તો કાશીથી શું થાય….
અનંતરૂપી કાલી, કાલીનો અંત કો’થી પમાય,
કંઈક માહાત્મ્ય જાણીને શિવ, પડઘા તળે રંગીન પાય..
ગીત પૂરું થયું. એટલામાં રાજનારાયણના બે દીકરાઓએ આવીને પ્રણામ કર્યાં. સભામંડપમાં સાંજે રાજનારાયણે ચંડીનાં કીર્તન ગાયાં હતાં. આ બે છોકરાઓએ પણ સાથે સાથે ગાયું હતું. ઠાકુર બંને છોકરાઓની સાથે વળી ગાય છે : ‘આ છે ગાંડી માનો ખેલ.’
નાનો છોકરો ઠાકુરને કહે છે, પેલું ગીત એક વાર : ‘પરમ દયાળુ હે પ્રભુ -’
ઠાકુર બોલ્યા, ‘ગૌર નિતાઈ; તમે બે ભાઈ?’ એમ કહીને ગીત ગાય છે :
‘ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાળુ હે પ્રભુ’ (પ્રથમ ભાગ પા ૩૪૩)
ગીત પૂરું થયું. રામલાલ ઓરડામાં આવ્યા છે. ઠાકુર કહે છે, ‘જરા ગા. આજે પૂજા!’
રામલાલ ગાય છે :
ગીત
દેખને સમર પ્રકાશે આ, કોની કામિની?
સજલ જલદ ને હરાવે જેની કાય, દાંતે પ્રકાશે દામિની…
છૂટા ઊડે કેશ ચારે પાસે, સુરાસુર વચ્ચે નવ ત્રાસે,
અટ્ટહાસ્યે, દાનવ નાસી, રણે પ્રકાશે રંગીલી..
કેવી શોભા કરે શ્રમજ બિંદુ, શ્યામ તનુ ઘેરી કુસુમબંધુ,
અમૃતસિંધુ નીરખી ઈંદુ, મલિન આ કોણ મોહિની?…
આ શું અસંભવ, ભવ-પરાભવ?
પદ નળે શબ સમાન નીરવ,
કમલાકાન્ત કરો અનુભવ, કોણ છે એ ગજગામિની…
ગીત
કોણ રણે આવી છે વામા નીરદવરણી?
રક્ત-સરોવર માંહી તરે જાણે નીલ નલિની…
ઠાકુર પ્રેમાનંદમાં આવી જઈને નાચી રહ્યા છે. નાચતાં નાચતાં ગીત ઉપાડ્યું : ‘મસ્ત થયો મન-ભમરો શ્યામા-પદ-નીલકમળમાં…’ (પ્રથમ ભાગ પા. ૧૬૨)
ગીત અને નૃત્ય સમાપ્ત થયાં. ભક્તો પાછા જમીન બેઠા. ઠાકુર પણ નાની પાટ પર બેઠા માસ્ટરને કહે છે, ‘તમે સાંજે આવ્યા નહિ; ચંડીનાં કીર્તન કેવાં સરસ થયાં હતાં!’
ભક્તોમાંથી કોઈ કોઈ કાલી-મંદિરમાં દેવદર્શન કરવા ગયા. કોઈ વળી દર્શન કરીને એકલા ગંગાકાંઠે બાંધેલા ઘાટ ઉપર બેસીને એકાન્તમાં ચૂપચાપ જપ કરી રહ્યા છે. રાતના લગભગ અગિયાર. મહાનિશા ભરતી તરતમાં જ આવી છે. ભાગીરથી ઉત્તરવાહી. કાંઠા પરના દીવાઓના પ્રકાશમાં વચ્ચે વચ્ચે કાળું જળ દેખી શકાય છે.
રામલાલ પૂજા-પદ્ધતિ નામની પોથી હાથમાં લઈને માતાજીના મંદિરમાં એક વાર આવ્યા, પોથી મંદિરમાં મૂકી દેવા સારું. મણિ આતુર નયને માતાજીનાં દર્શન કરી રહ્યા છે એ જોઈને રામલાલ બોલ્યા, ‘અંદર આવવું છે?’ મણિ આભારી થઈને અંદર ગયા. અંદર જોયું તો માતાજીને બહુ મજાનાં શણગાર્યાં છે. મંદિરનો ઓરડો આખો પ્રકાશમય. માની સામે બે દીવીઓ, ઉપર ઝુમ્મર ટીંગાય છે. ભોંયતળિયું નૈવેદ્યભર્યા થાળોથી ભરપૂર. માનાં ચરણકમલમાં જાસુદીનાં ફૂલ તથા બિલી-પત્ર તરેહ તરેહની પુષ્પમાલાઓથી વેશકારીએ માને શણગાર્યાં છે. મણિએ જોયું કે સામે ચામર ટીંગાય છે. અચાનક તેને યાદ આવ્યું કે ઠાકુર શ્રીરામકૃષ્ણ આ ચામર લઈને માને વાયુ ઢોળે. એટલે તે સંકોચપૂર્વક રામલાલને કહે છે, ‘આ ચામર હું એક વાર લઉં?’ રામલાલે અનુમતિ આપી. એટલે મણિ માને વાયુ ઢોળવા લાગ્યા. એ વખતે હજી પૂજાનો આરંભ થયો ન હતો.
જે બધા ભક્તો બહાર ગયા હતા તેઓ પાછા ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવીને એકઠા થયા છે. શ્રીયુત વેણીપાલે આમંત્રણ મોકલ્યું છે. એટલે આવતી કાલે સિંથિના બ્રાહ્મ-સમાજમાં જવાનું છે. ઠાકુરને પણ આમંત્રણ મળ્યું છે; પણ આમંત્રણ-પત્રિકામાં તારીખ લખવામાં ભૂલ થઈ ગઈ છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વેણીપાલે આમંત્રણ તો મોકલ્યું છે, પણ આમ લખ્યું છે શા માટે. કહો જોઈએ?
માસ્ટર – જી. લખાણ બરોબર નથી. બરાબર વિચારી કરીને લખ્યું જણાતું નથી.
ઓરડાની વચ્ચે ઠાકુર ઊભા છે. બાબુરામ પાસે ઊભા છે. ઠાકુર વેણીપાલના આમંત્રણના કાગળની વાત કરે છે. બાબુરામને સ્પર્શ કરીને ઊભા છે. અચાનક સમાધિસ્થ!
ભક્તો સર્વે તેમને ઘેરીને ઊભા છે અને આ સમાધિ-મગ્ર મહાપુરુષને આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. ઠાકુર સમાધિમાં, ડાબો પગ લાંબો કરીને ઊભા છે. ડોકનો ભાગ સહેજ ખેંચાયેલ, બાબુરામની ગરદનની પાછળના ભાગમાં કાનની પાસે હાથ રહ્યો છે. થોડી વાર પછી સમાધિ ઉતારી. હજીય ઊભેલા રહી ગાલે હાથ મૂકીને જાણે કેટલાય વિચારમાં પડી જઈને ઊભા રહ્યા. સહેજ હાસ્ય કરીને હવે ભક્તોને સંબોધન કરીને કહે છે.
શ્રીરામકૃષ્ણ – બધું જોયું : કોણ કેટલું આગળ વધ્યું છે એ બધું. રખાલ, આ (મણિ), સુરેન્દ્ર, બાબુરામ, વગેરે ઘણાયને જોયા.
હાજરા – આપણું?
શ્રીરામકૃષ્ણ – હાં.
હાજરા – વધારે બંધન છે?
શ્રીરામકૃષ્ણ – ના.
હાજરા – નરેન્દ્રને જોયો?
શ્રીરામકૃષ્ણ – જોયો નથી. પણ હજીયે કહી શકું; જરાક બંધાઈ પડ્યો છે. પરંતુ બધાને (ઈશ્વર-પ્રાપ્તિ) થઈ જશે એમ જોયું. (મણિની સામે જોઈને) જોયું કે બધા પોતાને છુપાવીને રહેલા છે. ભક્તો આશ્ચર્યચકિત થઈને નવાઈમાં ગરકાવ! દેવવાણીની પેઠે આ અદ્ભુત સમાચાર સાંભળી રહ્યા છે!
શ્રીરામકૃષ્ણ – પરંતુ આને (બાબુરામને) અડીને એ પ્રમાણે થયું!
હાજરા – ફર્સ્ટ (First – પહેલું) કોણ?
ઠાકુર શ્રીરામકૃષ્ણ મૂગા રહ્યા. થોડીક વાર પછી બોલ્યા, ‘નિત્યગોપાલના જેવા થોડાક જો હોત!’ વળી વિચારમાં પડી ગયા છે. હજીયે એ જ ભાવે ઊભા છે. વળી કહે છે, “અધર સેન જો કામકાજ ઓછું કરી નાખે તો – પણ પાછી વળી બીક લાગે છે કે સાહેબ વઢે. જો હે કે ‘યે ક્યા હય’, તો?’ (સૌનું જરા હાસ્ય.) ઠાકુર પોતાના આસન પર જઈને બેઠા. ભક્તો જમીન પર બેઠા. બાબુરામ અને કિશોરી ઝટઝટ નાની પાટ ઉપર જઈને ઠાકુરના ચરણ પાસે બેસીને એક પછી પગની સેવા કરવા લાગ્યા.
શ્રીરામકૃષ્ણ (કિશોરી તરફ જોઈને) આજે તો – ખૂબ સેવા!
રામલાલે આવીને જમીન પર માથું મૂકીને પ્રણામ કર્યાં; ખૂબ ભક્તિ-ભાવથી ચરણ-રજ લીધી. માની પૂજા કરવા જાય છે.
રામલાલ (ઠાકુરને) – ત્યારે હું હું જાઉં છું.
શ્રીરામકૃષ્ણ – ૐ ૐ કાલી ૐ કાલી! સંભાળજે, સાવધાનીથી પુજા કરજે!
મહાનિશા પૂજાનો આરંભ થઈ ગયો છે.
ઠાકુર શ્રીરામકૃષ્ણ પૂજા જોવા આવ્યા છે. માની પાસે જઈને માનાં દર્શન કરે છે. કેટલીક વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં પાછા આવ્યા
કોઈ કોઈ ભક્ત રાતના બે વાગ્યા સુધી મા કાલીના મંદિરમાં બેઠા હતા. હરિપદે મંદિરમાં આવીને કહ્યું કે, ‘ચાલો ઠાકુર બોલાવે છે.’ ખાવાનું તૈયાર. ભક્તોએ દેવતાનો પ્રસાદ લીધો ને જેને જ્યાં ફાવ્યું ત્યાં જરા સૂઈ ગયા.
પ્રભાત થયું; મંગલ-આરતી થઈ ગઈ છે. માની સન્મુખે સભામંડપમાં કીર્તન-લીલા ભજવાય છે. માતાજી કીર્તન-લીલા જુએ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના મોટા પાકા ચોગાનમાં થઈને કીર્તન-લીલા સાંભળવા આવી રહ્યા છે. મણિ સાથે આવે છે ઠાકુરની રજા લેવા સારુ.
શ્રીરામકૃષ્ણ – કેમ, તમે અત્યારે જાઓ છો?
મણિ – આપ આજે સાંજે સિંથિ બ્રાહ્મ-સમાજમાં જવાના છો, તે મારી પણ ત્યાં આવવાની ઇચ્છા છે. એટલે તે પહેલાં એક વાર ઘેર જઈ આવું.
વાત કરતાં કરતાં મા કાલીના મંદિરની પાસે આવી પહોંચ્યા. નજીકમાં સભામંડપમાં કીર્તન-લીલા થઈ રહી છે.
મણિ પગથિયાની નીચે જમીન પર માથું મૂકીને ઠાકુરને ચરણે વંદના કરે છે.
ઠાકુર બોલ્યા, “વારુ આવજો, અને નહાવાનાં સાદાં બે પંચિયાં મારા માટે લેતા આવજો.’
(શ્રીરામકૃષ્ણ કથામૃત-૨ (૧૯૮૩) પૃ.સં. ૨૮૨-૨૮૭)
Your Content Goes Here




