દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મૅનૅજમૅન્ટ વિશે યોજાયેલ સૅમિનારમાં તેમણે જે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું, તેના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. – સં.
ઘણા લોકો ‘મૅનૅજમૅન્ટ’ શબ્દથી ગભરાઈ જાય છે, જાણે કોઈ બહુ મોટી વસ્તુ હોય. પણ ‘મૅનૅજમૅન્ટ’નો સીધો સાદો અર્થ છે-‘કાર્યનિષ્પાદન કરવું.’ આપણે બધાં દૈનિક જીવનમાં કોઈને કોઈ પ્રકારનું કાર્ય નિષ્પાદન કરીએ જ છીએ અને આથી આપણે બધાં જ ‘મૅનેજમૅન્ટ’ સાથે સંકળાયેલ છીએ. આપણે દરેક વિષયના મૂળમાં જવું જોઈએ. શરૂઆતમાં ‘મૅનૅજમૅન્ટ’નો આ જ અર્થ હતો, પાછળથી વિષયને વધુ ટૅકનિકલ બનાવવામાં આવ્યો; તેને લોકો વેપારધંધા સાથે જ વધુ સાંકળવા લાગ્યા અને આજે તો આપણે આ શબ્દનો મૂળ અર્થ જ ખોઈ બેઠા છીએ.
‘મૅનૅજમૅન્ટ’ વિશે જાણવા માટે કંઈ બધાને ઍમ.બી.એ. (MBA) થવાની જરૂર નથી. બલ્કે હું તો માનું છું કે ઍમ.બી.એ. પાસ થયેલા લોકો અપંગ (Handicapped) છે, કારણ કે તેઓને એવો ભ્રમ હોય છે કે અમે ‘મૅનેજમૅન્ટ’ વિશે બધું જ જાણી લીધું છે અને હવે કંઈ જાણવાનું બાકી નથી. આ રીતે તેઓની બુદ્ધિનાં દ્વાર બંધ થઈ ગયાં હોય છે. અને એમાંય જો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM) માં ઍમ.બી.એ. થયેલા હોય તો તો થઈ જ રહ્યું! એ લોકોએ તો આ ત્રણે વસ્તુઓ ગુમાવેલી હોય છે – Head (બુદ્ધિ), Heart (હૃદય) અને Hand (હાથ). તેઓની બુદ્ધિનાં દ્વાર બંધ હોય છે, તેઓ ખોટા ગુમાનમાં ફરતા હોય છે કે અમે બધું જાણી લીધું છે; વળી પોતાને અન્ય લોકોથી અળગા માને છે, વધુ ‘સ્ટેટસ’ વાળા માને છે, આથી તેઓનું હૃદય કઠોર થઈ ગયું હોય છે અને તેઓ સ્વાવલંબી હોતા નથી, પોતાના હાથે પરિશ્રમ કરી શકતા નથી.
તમે પૂછશો કે તો પછી તમે પોતે મૅનૅજમૅન્ટમાં પીઍચ.ડી. કેમ કર્યું? તેનું કારણ છે, આજકાલ બધા ‘સિક્કો’ (stamp) જુએ છે. લોકોની એવી ભ્રામક ધારણા છે કે તમે ઍમ.બી.એ. થઈ ગયા એટલે ‘મૅનૅજમૅન્ટ’ વિશે પૂરા જાણકાર થઈ ગયા, ભલેને પછી તમે કાંઈ ન જાણતા હો! અને જો તમે ‘મૅનૅજમૅન્ટ’ વિશે ખૂબ જ્ઞાન ધરાવતા હો, પાકટ અનુભવ પણ ધરાવતા હો તો પણ જો તમારી પાસે ડિગ્રી ન હોય, ‘સિક્કો’ (stamp) ન હોય તો લોકો તમારી કદર નહિ કરે. એટલે જ મેં છેક ૧૯૭૭માં મૅર્નેજમૅન્ટમાં પીએચ.ડી. કર્યું.
ખરેખર તો આપણે જો ‘મૅનૅજમૅન્ટ’નો મૂળ અર્થ લઈએ તો આપણે ‘મૅનૅજમૅન્ટ’ વિશેના ઔપચારિક શિક્ષણ વગર પણ સારા ‘મૅનૅજર’ બની શકીએ છીએ. અને મારા મત પ્રમાણે તો ભારતમાં આપણી ગૃહિણીઓ શ્રેષ્ઠ ‘મૅનૅજર’ છે. જુઓ તો ખરા, તેઓ આટલી બધી મર્યાદાઓ છતાં કેટલું બધું કાર્યનિષ્પાદન કરે છે, કેવો કઠોર પરિશ્રમ કરે છે! વર્ષના ૩૬૫ દિવસો કાર્ય કરે છે, EL, CL વગેરે કાંઈ લેતાં નથી, ચૂપચાપ બધું સહન કરે છે, સીમિત આવકમાંથી ખર્ચો કાઢે છે! કેવું સરસ ‘ફાયનાન્શિયલ મૅનૅજમૅન્ટ’! અને તેઓનું ‘પર્સોનેલ મૅનેજમૅન્ટ’ જુઓ- ‘માનવ સંબંધો’ (Human Relations) વિશેની તેમની આવડત જુઓ વિભિન્ન પ્રકારના, વિભિન્ન ઉંમરના લોકો સાથે તેઓ સંબંધ સાચવે છે. ત્રણ પેઢીના લોકોને એક સાથે સાચવે છે, સાસુ-સસરાને; પતિ, જેઠ-જેઠાણી, દિય૨ વગેરેને. બાળકો અને ક્યારેક તો વળી સાસુનાં ય સાસુ સાચવવાનાં હોય!
સ્વામી વિવેકાનંદ કહેતા, ‘We want western Science coupled with vedanta.’ (આપણે સફળતા માટે પાશ્ચાત્ય વિજ્ઞાન અને વેદાંતનો સમન્વય કેળવવો પડશે.) ‘મૅનૅજમૅન્ટ’ ક્ષેત્રે પણ આપણે પાશ્ચાત્ય અને ભારતીય બન્ને પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે. મૅનેજમૅન્ટ’માં સફળતા માટે બે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ –
૧. ડી.ટી.આર. (DTR) (Doing the thing rightly) કાર્યને યોગ્ય રીતે કરવું.
૨. ડી.આર.ટી. (DRT) (Doing the right things) યોગ્ય કાર્યને કરવું.
‘કાર્યને યોગ્ય રીતે કરવું એટલે કાર્યમાં કુશળતા. (Efficiency) આ માટે પાશ્ચાત્ય મૅનૅજમૅન્ટ પ્રણાલી ઉપયોગી છે-કાર્યમાં દક્ષતા (skill), વિષયનું જ્ઞાન (knowledge) વગેરે. યોગ્ય કાર્યને કરવા માટે ભારતીય ‘મૅનેજમૅન્ટ’ પ્રણાલી ઉપયોગી છે – મૂલ્યોનું મહત્ત્વ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સારા-નરસાને પરખવાની બુદ્ધિ (wisdom) વગેરે.
ભારતીય સંસ્કૃતિની આ વિશેષતા છે કે આપણો અભિગમ બધાને આવરી લેવાનો છે (360º approach). બધાંનું કલ્યાણ થાય, બધાં વિકાસ કરે, બધાં સુખી થાય, એવો આપણો ભારતીયોનો અભિગમ છે, અને આ જ આપણી વિશેષતા છે. આપણા દૈનિક જીવનમાં ‘મૅનેજમૅન્ટ’માં આપણે આપણા ભારતીય સંસ્કૃતિનાં આ ઉચ્ચ મૂલ્યોને સ્થાન આપીશું તો આપણે સૌ સારા ‘મૅનૅજર’ બની શકીશું.
Your Content Goes Here




