(સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે દિવસે અમેરિકાના સ્વાતંત્ર્યની ઉદ્ઘોષણાના દિવસની ઉજવણી માટે રચાયેલા ઘરગથ્થુ ષડ્યંત્રના એક ભાગ તરીકે, સવારના પહોરમાં નાસ્તા વખતે મોટે અવાજે વાંચવા માટે તેમણે નીચેની કવિતા રચી કાઢી.)
જો, આભ કાળાં વિખરાય છે આ,
રાતે ઘટાટોપ થઈ ધરા પર
ઝૂકેલ જે ઘોર વિષાદથી ભર્યાં.
જાદુઈ સ્પર્શે તુજ, સૃષ્ટિ જાગે.
સમૂહમાં ગાય વિહંગ-વૃન્દો.
ઊંચા કરે છે શિર ફૂલડાંઓ
તારા સમાં, ઝાકળથી વિભૂષિત,
નર્તત સત્કાર કરંત તારો.
સત્કારતાં સરોવર પ્રેમપૂર્ણ
ઉંડાણથી અંતરનાં, સહસ્ર
સહસ્ર કંઈ અમ્બુજ લોચનોથી.
સૌ ગાય તારો જયકાર, તું ને
સત્કારતાં સર્વ વરેણ્ય ભર્ગ હે,
સવિતૃ, તું અર્પત આજ મુકિત.
કેવી અહો, રાહ ધરી ધરાએ,
ખોજ્યો તને સૌ સ્થલ કાલને વિષે,
તજ્યાં ગૃહો પ્રીતિ તજી પ્રિયોની
તારી જ શોધે નીકળી પડ્યા સૌ
સ્વયં થઈ દેશ નિકાલ, સાગરો
ભેંકાર કૈં જંગલ ગીર સોંસરા,
મુઠ્ઠીમહીં મોત લઈ પદેપદે!
અંતે ઊગ્યો એક સુવર્ણનો દિન,
ને, કર્મ સાફલ્ય થયું જ; ભકિત,
પ્રીતિ, બલિદાન થયાં કૃતાર્થ.
પ્રસન્ન ઊગ્યો તું મનુષ્ય જાતિ પે
વિમુક્તિનાં મંગલ તેજ વર્ષવા.
ઉત્ક્રાન્તિ હો તારી અ-રોધ્ય પંથે;
મધ્યાહ્ન તારો વરસો ઝળાંઝળાં
સમગ્ર પૃથ્વી પર ખંડ ખંડમાં;
નારી-નરો ઉન્નત મસ્તકે જુએ
તૂટી ગઈ સૌ દૃઢ શૃંખલાઓ;
આનંદ કેરા ઉભરા ભરેલી
માણે પુનર્જન્મ મનુષ્યજાતિ.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




