મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ?
પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।
વ્યાસેન ગ્રથિતાં પુરાણ-મુનિના મધ્યેમહાભારતમ્ ॥
પૃથા કે કુન્તિનો પુત્ર હોવાથી અર્જુનને પાર્થ કહે છે. એને પ્રતિબોધિત કરવા ભગવાને પોતે ગીતા કહી છે. આપણને એવા ઘણા લોકો મળશે કે જેમણે આખે આખી ગીતા કંઠસ્થ કરી લીધી હોય. તેઓ ગીતાના સાતસો શ્ર્લોકોની દરરોજ પારાયણ પણ કરે છે. આજના આ યાંત્રિક યુગમાં ગીતા તો શું, મહાભારતના એક લાખ શ્ર્લોક પણ એક સી.ડી.માં રાખી શકાય. જો જીવનમાં ગીતા ન ઊતરે તો એનાથી શો લાભ! ગીતા કેવળ સાંભળવાની જ વાત નથી. સાંભળ્યા પછી એને ક્રમશ: આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અહીં ‘પાર્થાય બોધિતાં’ એમ કહ્યું નથી. અહીં તો કહ્યું છે ‘પાર્થાય પ્રતિબોધિતાં’. હવે બોધ અને પ્રતિબોધ કોને કહેવાય ? આપણે જોયું કે ઘડિયાળમાં 8 વાગીને 10 મિનિટ થઈ છે. એટલે આપણને સમયનું જ્ઞાન થયું. સામાન્ય જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એને બોધ કહે છે. પરંતુ ઘણી સરસ રીતે જેનું જ્ઞાન થાય, જે સૂતેલો છે તે જાગી જાય એને પ્રતિબોધ કહે.
જો પ્રતિબોધને બરાબર સમજવો હોય તો આપણે પોતાના દૈનિક જીવનથી સમજી શકીએ છીએ. સામાન્યત: રોજ આપણને બધાંને ભોજન સમયે ભૂખ લાગે છે ત્યારે આપણને ‘બોધ’ થાય છે કે હવે આપણે જમી લેવું જોઈએ. આપણે કોઈ એક એવી યાત્રામાં નીકળ્યા અને રેલગાડી 14 – 15 મિનિટ મોડી છે. જેમની પાસે કંઈ ખાવાનું નથી હોતું તેમને ઘણી ભૂખ લાગે છે. ગાડી જ્યાં ઊભી છે તે સ્ટેશન નાનું છે, ક્યાંય દુકાન નથી, કોઈ વસ્તુ મળતી નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિમાં જો 24 કલાક વીતી જાય અને ત્યારે ગામના લોકો આવીને જુએ કે અરે, આ યાત્રીઓ તો ઘણા સમયથી ભૂખ્યા છે, એમને ઘણું કષ્ટ થાય છે. ત્યારે આપણે આ યાત્રીઓને કંઈક ખાવાપીવાનું દેવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. એટલે ગામના લોકો પાણી અને ભોજન લઈ આવ્યા અને યાત્રીઓની સેવા-સહાય કરી. એ વખતે ગામના લોકોને ‘પ્રતિબોધ’ થયો અને તરત જ એમને લાગ્યું કે આ યાત્રીઓને ભૂખ લાગી છે અને એમને કંઈક ખાવા આપવું જોઈએ.
આ ‘પાર્થાય પ્રતિબોધિતાં’ શ્ર્લોકથી આપણને એ સમજાય છે કે ભગવાને અર્જુનને ગીતા શા માટે કહી? અર્જુનને વાસ્તવિક રીતે જે બોધ હતો તે લુપ્ત થઈ ગયો હતો. જેવી રીતે માણસને ખૂબ ભૂખ લાગે એટલે ભોજનની આવશ્યકતાનો અનુભવ થાય. આવો અનુભવ અર્જુનને પોતાના કર્તવ્ય પ્રત્યે થતો ન હતો. એટલે પ્રથમ અધ્યાયનું નામ જ ‘અર્જુનવિષાદ યોગ’ છે. વિષાદમાં ડૂબેલા અર્જુનના મનમાં જે ક્ષોભ, જે દુ:ખ છે તેને લીધે પોતાના કર્તવ્યનું જ્ઞાન થતું નથી. એ બોધને જગાડવા, અર્જુનના જીવનની પરમ આવશ્યકતાને જ્ઞાત કરાવવા ગીતા કહેવામાં આવી છેે.
આપણે એ યાદ રાખવું પડશે કે ગીતા આપણને જાગૃત કરવા અને હોશમાં લાવવા માટે કહી છે. આપણે બેહોશ છીએ, જો કે આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિએ બેહોશ નથી, ભાનમાં છીએ. આપણે અરસપરસ વાતચીત કરીએ છીએ, સાંભળીએ છીએ. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘મનુષ્ય એટલે શું ?’ જે ‘માનહુસ’ અર્થાત્ જે હોશમાં છે, જે યાદ રાખે છે કે હું માણસ છું.
મનુષ્ય અને પશુમાં મોટો ભેદ એ છે કે પશુના જીવનમાં કોઈ કર્તવ્ય નથી હોતું. પ્રકૃતિ તેની પાસે જે કરાવવા ઇચ્છે છે એવું જ પશુના જીવનમાં બની જાય છે. એમાં એને પાપ-પુણ્ય લાગતું નથી. એક કૂતરો ઉંદરડાને મારે કે માણસના બાળકને બટકું ભરે તો એનાથી એને પાપ-પુણ્ય સ્પર્શતાં નથી કારણ કે એ એનો સ્વભાવ છે. કૂતરાના જીવનમાં કર્તવ્યબોધ નથી પણ માણસના જીવનમાં છે. જ્યારે આ કર્તવ્યબોધ જાગે છે ત્યારે જીવનમાં જિજ્ઞાસા આવે છે અને જીવનમાં સંઘર્ષ થાય છેે. જો જીવનમાં દ્વંદ્વ કે સંઘર્ષ ન હોય તો આપણે બેહોશ છીએ કે બ્રહ્મજ્ઞાની છીએ. (જો કે આપણામાં નથી.)
આપણે લખપતિ, કરોડપતિ બની જઈએ, વધુ ને વધુ સાંસારિક સુખ મેળવતા થઈએ, આપણા જીવનસંસારમાં માત્ર આ જ સંઘર્ષ હોય અને આપણે એમાં જ રત બની જઈએ તો આપણે ગહન બેહોશીમાં છીએ. આ ગહન બેહોશીમાંથી ભગવાન આપણને જગાડવા ઇચ્છે છે, આપણને પ્રતિબોધિત કરીને આપણી ધર્મ વિશેની સંમૂઢતાને દૂર કરવા ઇચ્છે છે.
આપણી આ ધર્મ-સંમૂઢતા કેવી રીતે દૂર થાય? આવી જાગૃતિ સાથેનું જ્ઞાન આપણને કેવી રીતે થાય? એને માટે આપણે અર્જુનના જીવનની કેટલીક વાતો જોવી પડે, તો જ આપણે ગીતાને થોડીઘણી સમજી શકીએ. ગીતમાં સાતસો શ્ર્લોક છે, એ અર્જુનના એક પ્રશ્નનો જવાબ દેવા કહ્યા છે. જો કે પ્રથમ અધ્યાયના શ્ર્લોકનો આની સાથે સીધો સંબંધ નથી. પરંતુ બીજા અધ્યાયના સાતમા શ્ર્લોકથી માંડીને બધા અધ્યાય અર્જુનના એક એક પ્રશ્નના ઉત્તર છે. જીવનનું પરમ લક્ષ્ય મેળવવા શું કરવું જોઈએ, એનો ઉપાય આ શ્ર્લોકોમાં દર્શાવ્યો છે. જો આ વાતને આપણે ધ્યાનમાં રાખીશું તો ગીતાના કોઈપણ અધ્યાયને બરાબર સમજી શકીશું.
સર્વપ્રથમ તો આપણે એ જાણવું જોઈએ કે આપણે ગીતા શા માટે વાંચવા માગીએ છીએ ? શા માટે સાંભળવા ઇચ્છીએ છીએ ? એના પર શા માટે વિચાર કરવા ઇચ્છીએ છીએ ? જો આ ‘શા માટે’નો જવાબ આપણી પાસે ન હોય તો ગીતા આપણને કોઈ સહાયતા ન કરી શકે. માનો કે આપણું માથું દુ:ખે છે, આપણે ડોક્ટર પાસે ગયા, એમણે માથાના દુ:ખાવાની ગોળીઓ આપી. હવે આપણે ગોળી લેવાની છે. શા માટે ગોળી લેવાની છે? કારણ કે એનાથી માથાનો દુ:ખાવો દૂર થશે.
માનવમનનો સ્વભાવ છે કે જ્યાં સુધી આપણે મનને કોઈ કાર્યનું કે કર્મનું કારણ નહીં બતાવીએ ત્યાં સુધી આપણું મન એનો સ્વીકાર નહીં કરે. ડોક્ટરે કહ્યું કે આ ગોળી લેવાથી આપણો માથાનો દુ:ખાવો દૂર થશે ત્યારે મન એને માટે તૈયાર થઈ ગયું અને ગોળી ખાધા પછી માથાનો દુ:ખાવો દૂર થઈ ગયો. એવી જ રીતે જ્યારે આપણે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ગ્ંરથ વાંચીએ છીએ ત્યારે આપણે આ શા માટે વાંચીએ છીએ, શા માટે સાંભળીએ છીએ, આપણે પોતાનો સમય એને શા માટે આપીએ છીએ – તેનો આપણી પાસે ઉત્તર હોવો જોઈએ, સ્પષ્ટ ધારણા હોવી જોઈએ.
Your Content Goes Here




