સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં, પણ આડકતરી રીતે સહાય કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો…. જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ બહાર આવે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો…. એટલે તમારું કામ પૂરું થાય છે.’ (અભયવાણી પૃષ્ઠ – 42)
શાળાના એક શિક્ષક અને આચાર્ય 38 વર્ષ સુધી શિક્ષણની કાવડ સતત ચલાવી આજે નિવૃત્ત થાય છે. તેમને વિદાય આપવા શાળામાં સૌ આતુર છે. ઔપચારિક સ્વાગતનો વિધિ પૂરો થયા બાદ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં પ્રવચનો પછી એ આચાર્યના પ્રતિભાવ સાંભળવા સૌ કોઈ કાન માંડીને બેઠા હતા.
એમણે આ શાળામાં એક ગુરુકુળ જેવું વાતાવરણ રચ્યું હતું. એમના હૈયે વિદ્યાર્થીઓના હિત સિવાય બીજું કંઈ ન રહેતું. પતિ-પત્નીના બે વ્યક્તિના કુટુંબના આ વરિષ્ઠે ઘર કરતાં શાળાને અને શાળાના વિદ્યાર્થીઓને વધુ મહત્ત્વ આપ્યું હતું. વિદ્યાર્થીઓનાં બધાં દુ:ખોને દૂર કરવાનો એમનો સદૈવ જાગૃત પ્રયત્ન રહેતો. નિત્ય નવીન જાણીને, વિદ્યાર્થીઓનાં જીવનઘડતર કરનારાં તાજાં કાવ્યપુષ્પો, પ્રાસંગિક પ્રેરક ઘટનાઓ અને છાત્રોનાં હૃદયકમળને પ્રફુલ્લિત કરનારા મહાપુરુષોના જીવનપ્રસંગો પ્રાર્થના સમયે કે વર્ગમાં વર્ગશિક્ષણના સમયે રજૂ કરીને ગમે તેવા કઠિનતર વિષયવસ્તુને સરળ સહજ રીતે વિદ્યાર્થીઓને ગળે ઉતારીને તેઓ એક અનેરો આત્મસંતોષ અનુભવતા.
આવા કોઈ શિક્ષક કે આચાર્ય ક્યારેય શેનીયેય ઊણપ ન અનુભવે એ સ્વાભાવિક છે. એમણે પોતાનો પ્રતિભાવ આપતાં છેલ્લે આટલું ઉમેર્યું : ‘જગત મને જે કંઈ આપે તે મેં કૃતજ્ઞભાવે ગ્રહણ કર્યું અને સાંજ ઢળતાં મેં મારી જાતને પૂછ્યું : તેં તારા જીવનનો આનંદકણ કોઈનેય આપ્યો ખરો ?’ અને પછી ઉમેર્યું, ‘જો મેં કોઈ આવો આનંદકણ કોઈનેય આપ્યો હોય તો મારું જીવન સાર્થક છે. આપવામાં ક્યાંય અને ક્યારેય લોભથોભ અનુભવ્યો હોય, એને મારા જીવનની નિરર્થકતા ગણું છું. જો મેં જીવનને સાર્થક કર્યું હોય તો હું સાચો શિક્ષક છું અને સાચા શિક્ષક તરીકે જીવવામાં મને પરમ આનંદ મળશે. ભલે મેં ધનસંપત્તિ ન મેળવ્યાં હોય પણ એ ભૌતિક ધનસંપત્તિ કરતાં મેં ઊભી કરેલી સમૃદ્ધિ મારા ભાવિ જીવનનો પરમ આનંદ બની રહેશે. ‘ખાલી ખભે ખેપ ખેડશું ખાસી, અમે તો ભોમકાના ભમનાર પ્રવાસી’ કવિના આ શબ્દોની જેમ જીવન જીવવાનો સાચો આનંદ આમાં જ છે. બીજા કશામાંય નથી.’
‘સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર;
જરે, મરે ઔર સબ તજે, તબ રીજે કીરતાર.’
આવું શિક્ષકજીવન જીવનાર નિવૃત્ત થઈને, નિવૃત્તિ સન્માન મેળવીને પોતાના ઘરે સાંજના સમયે પોતાનાં પત્ની સાથે ફળિયાની ખાટે હિંચકતા હતા. મૃદુ પવનની લહેરખીઓ માણતા હતા અને પોતાના ગત જીવનનાં સંસ્મરણો વાગોળતા હતા. બરાબર એ જ સમયે વીમા કંપનીમાં વીમાના એજન્ટ તરીકે કામ કરતો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ત્યાં આવી ચડ્યો.
થોડી આગતા-સ્વાગતા કર્યા પછી વિદ્યાર્થીએ એ શિક્ષક પાસે પોતાનો એક પ્રસ્તાવ મૂક્યો, ‘માફ કરજો સાહેબ, તમારી નિરાંતના સમયને હું બગાડું છું. આપ નિવૃત્ત થયા છો એટલે મને થયું કે હું તમને નિરાંતે મળું. આપ નિવૃત્ત થયા છો એટલે નિવૃત્તિના સમયે મળતાં નાણાંનું રોકાણ કેવી રીતે કરવું કે જેથી તમને ભવિષ્યમાં તેનો વધુને વધુ લાભ મળતો રહે. આ બધું હું સમજાવવા આવ્યો છું.’ ‘ભાઈ અરવિંદ, તું ભલે આવ્યો. પણ મેં તો મારા 38 વર્ષના શિક્ષણના જીવનકાળમાં અનેક શાળા, મહાશાળાઓ, બેંકો, વીમા કંપનીઓ, વ્યાપારી પેઢીઓ, ઔદ્યોગિક એકમો, બાંધકામ ક્ષેત્રો, ઇજનેરી-વકીલાત-દાકતરી સેવાનાં ક્ષેત્રો, સંગીત-નાટક-સાહિત્યનાં ક્ષેત્રો અને સરકારી ખાતાઓ તેમજ દેશ-વિદેશમાં અનેક ક્ષેત્રોમાં નિષ્ણાતરૂપે કાર્ય કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઘણું મોટું રોકાણ કર્યું છે. ભાઈ અરવિંદ, તમારા જેવા મારા આ બધા વિદ્યાર્થીઓ મારી ફિક્સ્ડ ડિપાઝિટ જ છે. અને ભાઈ, મને સરકાર પેન્શન આપશે. હવે અમારી જરૂરિયાત પણ કેટલી ? વાંચીશું, લખીશું, વિચારીશું અને પ્રભાશંકર પટ્ટણીએ પોતાના કાવ્યમાં કહ્યું છે તેમ,
‘દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.’
આવું જીવન જીવીશું અને જીવનનો સાચો આનંદ માણીશું. એ જ અમારા જીવનની સાચી મૂડી.’
Your Content Goes Here




