મણકો ચોથો – બૌદ્ધ દર્શન

જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન – બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય જતાં આ બૌદ્ધ ધર્મ છેક શ્રીલંકા, મ્યાનમાર અને સિયામ સુધી દક્ષિણમાં તેમ જ ઉત્તરમાં ઠેઠ તિબેટ, ચીન, જાપાન અને કોરિયા સુધી વિસ્તર્યો.

બુદ્ધે તો પોતાના ઉપદેશો પહેલાં શિષ્યો સાથે વાર્તાલાપો દ્વારા જ કર્યા હતા. અને ઘણા લાંબા સમય સુધી એ બધા કંઠોપકંઠ જ રહ્યા. પછીથી બુદ્ધના ખાસ શિષ્યોએ એ બધા ઉપદેશોનું ‘ત્રિપિટક’ ગ્રંથરૂપે જે સંપાદન કર્યું, તે જ આપણી પાસે મૂળ ઉપદેશો જાણવા માટેનો એક માત્ર મુખ્ય આધાર છે. ‘ત્રિપિટક’નો અર્થ ત્રણ પેટીઓ થાય છે. બુદ્ધના ઉપદેશો એમાં સંગ્રહાયેલા છે. એનાં નામ (1) વિનયપિટક  (વર્તનના નિયમો), (2) સુત્તપિટક (દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ)   અને  (3) અભિધમ્મપિટક (તાત્ત્વિક સમસ્યાઓની ચર્ચા) છે. આ ઉપદેશો પાલિ ભાષામાં છે. અને પ્રાચીન બૌદ્ધ દર્શન કે બૌદ્ધ ધર્મસંપ્રદાયનો એ પાયો છે.

ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર કર્યો હતો: (1) સંસાર દુ:ખમય છે. (2) એ દુ:ખનું કોઈ કારણ છે. (3) એ કારણને રોકી શકાય છે અને (4) એ રોકવાનો ઉપાય હાથવગો છે. દુ:ખનું મૂળ કારણ અજ્ઞાન છે અને એને દૂર કરવા જ્ઞાન આવશ્યક છે. એ જ્ઞાન બુદ્ધે ગયામાં ધ્યાન દ્વારા મેળવ્યું હતું, અને એમણે જીવનભર એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો.

બુદ્ધને પોતાને તો તાત્ત્વિક ચર્ચામાં કશો જ રસ ન હતો. પણ આ દુ:ખની મોટી સમસ્યા સાથે એમને લાગતું વળગતું ચોક્કસ હતું. એને દૂર કરવાના ઉપાય સાથે તેમને જરૂર સમ્બન્ધ હતો. બુદ્ધ ખૂબ જ ઉપયોગિતાવાદી અને વ્યવહારુ હતા. આ સૃષ્ટિ શાશ્વત છે કે વિનાશશીલ ? એ સિમિત છે કે અનન્ત ?  શરીર જ આત્મા છે કે એથી જુદો છે? સત્ય જાણનાર મરણ પછી ફરી જન્મે છે કે નથી જન્મતો? કે પછી તે મરણોપરાંત જીવતોય નથી અને જન્મતોય નથી? – આ બધા પ્રશ્નો બુદ્ધની દૃષ્ટિએ અનિશ્ર્ચિત જ છે તથા નૈતિક રીતે એનો કશો જ લાભ નથી અને એટલા માટે આવા કોઈ પ્રશ્નોની ચર્ચા કરી જ નથી.

દુ:ખનું નિવારણ કરવાનો જે માર્ગ – ઉપાય બુદ્ધે પ્રબોધ્યો તે અષ્ટાંગ આર્યમાર્ગ નામે પ્રસિદ્ધ છે. એનાં આઠ સોપાનો છે: (1) સમ્યક્ દૃષ્ટિ – એટલે પૂર્વોક્ત ચાર આર્યસત્યોનું સુયોગ્ય નિરીક્ષણ (2) સમ્યક્ સંકલ્પ – અર્થાત્ યોગ્ય નિરીક્ષણ કરીને જીવનને રૂપાંતરિત કરવાનો દૃઢ નિશ્ર્ચય (3) સમ્યક્ વાણી (4) સમ્યક્ ચારિત્ર્ય (કર્મ) (5) સમ્યક્ આજીવ – આજીવિકા માટે ન્યાયપૂર્ણ – નિર્દોષ વ્યવસાય (6) સમ્યક્ પ્રયત્ન – યોગ્ય પ્રયાસ (7) સમ્યક્ સ્મૃતિ – અર્થાત્ સુયોગ્ય ચિન્તન અને (8) સમ્યક્ સમાધિ – એકાગ્રતા. આ આઠમાંય દૃષ્ટિ, કર્મ, અને સમાધિ અર્થાત્ નિરીક્ષણ, વ્યવસાય અને એકાગ્રલક્ષી સમુચિતતાનો મુખ્ય ફાળો હોય છે એમ જાણવું.

જૈનોની પેઠે બૌદ્ધો પણ નીતિપ્રધાન ધર્મવાળા છે. ભગવાન બુદ્ધ પણ ઈશ્વર વિશે મૌન જ રહ્યા છે.

ભગવાન બુદ્ધ જો કે તત્ત્વજ્ઞાનના ખંડન-મંડનમાં જરાય રસ લેતા ન હતા. પણ ત્યાર પછીના એમના અનુયાયી વિદ્વાનોએ બુદ્ધના નીતિપ્રધાન ઉપદેશોમાંથી તારણ કાઢીને એક મોટું તત્ત્વજ્ઞાન (દર્શન) બનાવી દીધું.  એ ઉપદેશમાંથી તારવેલા સૂચિત સિદ્ધાંતો આ છે : (1) પ્રતીત્ય સમુત્પાદ, એટલે કે પરસ્પર આધારિત ઉત્પત્તિનો સિદ્ધાન્ત (2) કર્મનો સિદ્ધાન્ત (3) પ્રતિક્ષણ પરિવર્તનનો સિદ્ધાન્ત (ક્ષણભંગવાદ) અને (4) શૂન્યવાદ અર્થાત્ શાશ્ર્વત આત્માના અસ્તિત્વનો ઇન્કાર.

ધર્મ તરીકે બૌદ્ધોની બે શાખા છે : હીનયાન અને મહાયાન. આ મહાયાન પહેલા પંથ કરતાં મોડો શરૂ થયો છે. મહાયાને બોધિસત્ત્વનો આદર્શ ફેલાવ્યો; એણે બુદ્ધને ઈશ્વર તરીકે સ્થાપીને એની પૂજા શરૂ કરી; એણે અનાત્મવાદનું ખંડન કર્યું. હીનયાનીઓ વ્યક્તિગત મોક્ષના પક્ષપાતી છે, જ્યારે મહાયાનીઓને નિખિલ વિશ્વના મોક્ષમાં રસ છે.

તત્ત્વજ્ઞાન તરીકે આ બૌદ્ધોના ચાર દાર્શનિક વિભાગો – ચાર સમ્પ્રદાયો પડી ગયા છે: (1) માધ્યમિકોનો શૂન્યવાદ (2) યોગાચારોનો વિજ્ઞાનવાદ (3) સૌવાન્તિકોનો બાહ્યાનુમેયવાદ (4) વૈભાષિકોનો સર્વાસ્તિવાદ. આપણે આ ચારેય સંપ્રદાયોની વાત અતિ સંક્ષેપરૂપે હવે જોઈશું.

(1) માધ્યમિકોનો શૂન્યવાદ: – આ મતાનુસાર જગત અસત્ છે. બાહ્ય અને આંતરિક બધા વિષયો એક ભ્રમ છે. તેઓ ધર્મ વૈરાત્મ્ય અને ધર્મશૂન્યતાની સ્થાપના કહે છે.

(2) યોગાચારનો વિજ્ઞાનવાદ: – આ મત માને છે કે વિજ્ઞાન સિવાય અન્ય બાહ્ય વિષયની હસ્તી નથી. દેખાતી બાહ્ય વસ્તુ પણ વિજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી, વિજ્ઞાનનું અસ્તિત્વ નકારી શકાય તેમ નથી કારણ કે એનો  નિષેધ જ જ્ઞાનનું પૂર્વ અસ્તિત્વ સિદ્ધ કરી આપે છે.

(3) સૌવાન્તિકોનો બાહ્યાનુમેયવાદ : – આ મત બધા આંતર – બાહ્ય વિષયોને ‘સત્’ માને છે.આપણે કોઈ વિષયને જોઈએ છીએ, ત્યારે તે વસ્તુનું બાહ્ય અને આંતરિક રીતે થતું પ્રત્યક્ષ ‘સત્’ જ છે. વસ્તુનું બાહ્ય પ્રત્યક્ષ હોય તો જ આપણે તે વિષયનું અનુમાન કરી શકીએ કારણ કે વસ્તુના બાહ્ય અસ્તિત્વ સિવાય અનુમાન થઈ શકે નહિ.

(4) વૈભાષિકોનો સર્વાસ્તિવાદ: – આંતર-બાહ્ય વિષયો સત્ છે એમ ત્રીજા મતની પેઠે આ ચોથો મત પણ માને છે પણ એને જાણવાનાં સાધનો વિશે બન્ને મતોમાં ફરક છે. સૌવાન્તિકો અનુમાનને સાધન માને છે અને વૈભાષિકો બાહ્ય રીતે પ્રત્યક્ષ માને છે. એને બાહ્ય પ્રત્યક્ષવાદ પણ કહે છે.

બૌદ્ધોએ સ્વીકારેલ ‘પ્રમા’ અને ‘પ્રમાણ’ વિશે – યથાર્થ જ્ઞાન અને એના સાધન વિશે થોડું કહેવાની જરૂર છે. જ્ઞાન માણસને વિષય તરફ દોરે છે. જો વિષય યથાર્થ હોય તો એ જ્ઞાન પણ યથાર્થ, અને વિષય અયથાર્થ હોય તો જ્ઞાન પણ અયથાર્થ  થાય. વ્યાપક પ્રત્યક્ષ જ યથાર્થ જ્ઞાન – પ્રમા છે. મર્યાદિત પ્રત્યક્ષ કે અનુમાન વગેરે વ્યવહારિક હેતુઓ માટે યથાર્થ છે કારણ કે એ માણસને વિષય તરફ દોરી શકે પણ તત્ત્વત: તો વ્યાપક પ્રત્યક્ષ દ્વારા જ વિષય પ્રત્યક્ષ થઈ શકે, મર્યાદિત પ્રત્યક્ષ કે અનુમાનથી નહિ. વિષય વાસ્તવમાં નામ-જાતિ વગરનો છે. મર્યાદિત પ્રત્યક્ષ અને અનુમાનમાં વિષયને નામ, જાતિ વગેરેથી ઓળખવામાં આવે છે. વ્યાપક પ્રત્યક્ષ નિર્વિશેષ વિષયને ઉદ્ઘાટિત કરે છે- એટલે તત્ત્વત: તો એ જ વિષયને પ્રત્યક્ષ કરે છે.

બૌદ્ધોના મતે નિર્વાણ એટલે દુ:ખની આત્યંતિક નિવૃત્તિ. તે આ જીવનમાં પણ મેળવી શકાય છે. બુદ્ધે આ જ જીવનમાં તે મેળવ્યું હતું. નિર્વાણ પ્રાપ્તિ પછી બુદ્ધે જનહિતનાં કામ કર્યાં. નિર્વાણનો અર્થ અસ્તિત્વનો વિનાશ નથી. ઘણા વિદ્વાનો નિર્વાણથી પુનર્જન્મની અને દુ:ખની નિવૃત્તિ તેમજ પરમ શાન્તિની પ્રાપ્તિ એમ બેવડો લાભ માને છે.

નિર્વાણ સામાન્યજનો માને છે તેવું નિષેધાત્મક નથી. એનો અર્થ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ છે. સાચોસાચ એ દુ:ખમુક્ત પુરુષ શુચિતા, શુભકામના, આત્મસંયમ, હિંમત, માનસિક સ્થિરતા અને સ્વાભાવિક સ્થિરતા પણ પ્રાપ્ત કરે છે. સુવિખ્યાત બૌદ્ધ વિદ્વાન નાગસેને પોતાના ગ્રીક શિષ્ય મિલિન્દને નિર્વાણનો આ કલ્યાણકારી આદર્શ ઘણાં રૂપકોથી મઢીને સમજાવ્યો છે કે એ મોક્ષ સાગર જેવો ગંભીર છે, ગિરિશિખર જેવો ઉચ્ચતમ છે, મધ જેવો મીઠો છે, વગેરે. પણ એ મોક્ષ (નિર્વાણ) નું સ્વરૂપ તો એની અનુભૂતિથી જ પરખાઈ શકે છે.

પહેલાં જણાવ્યા પ્રમાણે બૌદ્ધદર્શનમાં અજ્ઞાન જ દુ:ખનું મૂળ કારણ છે. બૌદ્ધો આનુપૂર્વિક કારણમાલા – પ્રતીત્ય સમુત્પાદમાં માને છે. પ્રતીત્ય એટલે કોઈ વસ્તુ પ્રાપ્ત થયા પછી સમુત્પાદ – અન્ય વસ્તુની પ્રાપ્તિ એ અર્થ છે. એ એમનો મૌલિક સિદ્ધાંત છે. એને ‘સાપેક્ષકારણવાદ’ પણ કહે છે. એનો ઉપયોગ વ્યક્તિને એની સ્થિતિ સમજાવવામાં કરાય છે. માણસની ઉત્પત્તિ સાંકળની કડી પેઠે એકબીજા સાથે બંધાયેલી છે. આ સાંકળની બાર કડી છે અને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ કાંડ છે. અવિદ્યા અને સંસ્કાર એ બે કડીઓનો ક્રમબદ્ધ કાંડ ભૂતકાલીન જન્મનું નિદાન-કારણ છે. ત્યાર પછી એની સાથે વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન અને બળ એ આઠનો બીજો ક્રમબદ્ધ કાંડ વર્તમાન જીવન સાથે સંબંધ-નિદાન છે અને બાકીનાં બે જાતિ અને જરા-મરણ ક્રમબદ્ધ કાંડ બનાવીને ભાવિ જીવન સાથે સમ્બદ્ધ-નિદાન બનીને જોડાઈ જાય છે. આ રીતે બાર કડી અને ત્રણ કાંડવાળી એક સાંકળ બની રહે છે. (2 + 8 + 2 = 12).

Total Views: 643

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.